વર્ષ 2021માં શિવરાત્રી પર લોંગ વીકએન્ડનો ઘણો સારો સુલભ સંગમ હતો. 12 તારીખની રજા લઈએ તો 4 દિવસની રજાનો અનુસંધાન હતો.
આ રજાઓનો લાભ લેવા અને મહાશિવરાત્રીના પાવન દિવસે વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા અમે ગંગા કિનારે વસેલા પવિત્ર યાત્રાધામ કાશીની મુલાકાત લેવાનું નક્કી કર્યું. શિવરાત્રીના દિવસે વિશ્વનાથ મહાદેવના દર્શન કર્યા અને ગંગા આરતીના સાક્ષી બન્યા. સૌથી મહત્વના ધાર્મિક સ્થળની મુલાકાત લઈ લીધી તે પછી અમે વારાણસીનો પ્રવાસ કરવાનું નક્કી કર્યું.
હા, હિન્દુઓની આસ્થામાં ઘણું જ આગવું સ્થાન ધરાવતા વારાણસી શહેર તેમજ તેની આસપાસના વિસ્તારોમાં કોઈ પણ પ્રવાસપ્રેમીને ફરવાની ખૂબ મજા આવશે. કાશી વિશ્વનાથના દર્શનની સાથોસાથ આ બધા સ્થળોએ ફરવાનું ચૂકવા જેવુ નથી:
વારાણસીની ભાગોળે આવેલું આ ગામ ભારતનાં રાષ્ટ્રીય ચિહ્ન માટે પ્રખ્યાત છે. બૌધ્ધ ધર્મનું મહત્વનું સ્થાન એવા સારનાથમાં સમ્રાટ અશોકે અશોક સ્તંભ બંધાવ્યો હતો અને ત્યાર પછી બુધ્ધના શરણમાં ગયા હતા. ભારતીય પુરાતત્વ ખાતાએ અહીં એક મોટું મ્યુઝિયમ બનાવીને તેમાં ઓરિજનલ રાષ્ટ્રીય ચિહ્ન સાચવ્યું છે. અમે ગયા તે દિવસે શુક્રવાર હતો એટલે મ્યુઝિયમ બંધ હતું. અમે મ્યુઝિયમ સિવાય આસપાસના રમણીય સ્થળો માણ્યા જેમાં વિશાળ બગીચા વચ્ચે બૌધ્ધ મંદિર, બુધ્ધની પ્રતિમા, તેમજ રાષ્ટ્રીય ચિહ્નની પ્રતિકૃતિ ખૂબ જ આકર્ષક રીતે રાખવામાં આવ્યા છે.
અહીં નજીકમાં જ એક સ્તૂપ પણ આવેલો છે. ચોમેર હરિયાળી વચ્ચે બદામી રંગનો સ્તૂપ ઘણી જ શાંતિની અનુભૂતિ કરાવે છે.
ફરવાની યાદીમાં કોઈ યુનિવર્સિટીનું નામ જરા વિચિત્ર લાગે પણ આ યુનિવર્સિટીનું કેમ્પસ ખરેખર જોવા જેવું છે. અદભૂત રસ્તાઓ, ચોખ્ખાઈ અને હરિયાળી. 2 ઘડી માટે તો અહીં ભણતા વિદ્યાર્થીઓની ઈર્ષા આવી જાય એટલું સુંદર કેમ્પસ છે. આ કેમ્પસમાં આવેલું વિશ્વનાથ મંદિર પણ ઘણું પ્રખ્યાત છે.
યુનિવર્સિટીના કુલ 3 મુખ્ય દરવાજા પૈકી અમે લંકા વિસ્તારમાં આવેલા પ્રવેશદ્વારથી ગયા હતા. વર્ષો પહેલા વારાણસીમાં રામલીલા થતી ત્યારે ભગવાન રામ આ જગ્યાએ રાવણવધ કરવા આવે તેવું ભજવવામાં આવતું એટલે આ વિસ્તાર લંકા તરીકે ઓળખાય છે.
કાશી અને ગંગા એકબીજાના સમાનાર્થી છે એવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. બનારસના કુલ 84 ઘાટમાંથી કેટલાક પ્રસિધ્ધ ઘાટની એકાદ કલાકમાં જ ઝલક મેળવવી હોય અને ગંગાની સુંદરતા માનવી હોય તો બોટિંગ એ વારાણસીમાં ખાસ કરવા જેવી એક્ટિવિટી છે. ગ્રુપમાં કે પ્રાઇવેટ બોટ બંને સુવિધાઓ ઉપલબ્ધ છે. સ્થાનિકોના કહ્યા અનુસાર 2014 પછી બનારસ શહેરમાં અઢળક સકારાત્મક પરિવર્તનો આવ્યા છે. તેમાં સૌથી વધુ નોંધપાત્ર બદલાવ એટલે સ્વચ્છતા. ખરેખર હારબંધ સ્વચ્છ ઘાટ જાણે વારાણસીની પવિત્રતામાં વધારો કરે છે. મળસ્કે આવો તો સૂર્યોદય જોવાની ખૂબ મજા આવશે.
વારાણસી ખાણીપીણી માટે પણ બહુ જ જાણીતું છે. ગુજરાતીઓ માટે અહીં સૌથી મોટી રાહત એ છે કે ધાર્મિક સ્થળ હોવાને કારણે અહીં ઢગલોબંધ શાકાહારી રેસ્ટોરાં છે. પણ બનારસી પાન અને બનારસી લસ્સી વગર આ પ્રવાસ અધૂરો કહેવાય. ગૂગલ પર મોસ્ટ રેકમેન્ડેડ એવી મણિકર્ણિકા ઘાટની ગલીઓમાં આવેલી બ્લૂ લસ્સીની અમે મુલાકાત લીધી હતી. 90 વર્ષ જૂની આ નાનકડી દુકાનની દીવાલ પર અહીંના મુલાકાતીઓ પોતાના ફોટોગ્રાફ્સ લગાવે છે.
આ ઉપરાંત અહીં રામગઢ કિલ્લો તેમજ જંતર મંતર પણ આવેલા છે પણ સમયના અભાવને કારણે અમે તે ન જોઈ શક્યા. ઉત્તર પ્રદેશમાં વધુ પડતી જ જનસંખ્યા છે એટલે ઓછું અંતર કાપતા પણ સામાન્ય કરતાં વધુ સમય લાગે છે. પણ પૂરા બેઠી ત્રણ દિવસમાં મંદિર તેમજ ફરવાના સ્થળ બધું જ સરળતાથી માણી શકાય છે.
તમે વારાણસીનો પ્રવાસ કેવી રીતે કર્યો હતો? કમેન્ટ્સમાં જણાવો.
.