મનમોહક આબોહવા, ચારેય બાજુ ફેલાયેલી ઈલાયચીની સુગંધ અને તમારા હાથમા ગરમા-ગરમ કૉફીનો મગ અને બસ બેઠી જાઓ ચારેય બાજુ ફેલાયેલા પહાડના કોઈપણ શિખર પર અને નિહાળો મદમસ્ત ડુબતા સુર્યને. કુદરતના આવા જ કેટલાક જબરદસ્ત દ્રશ્યોને આત્મસાત કરે છે કેરળનુ વાગામોન હિલ સ્ટેશન! જ્યાં એક બાજુ દેશના કેટલાય ક્ષેત્રોમા ધખધખતી ગરમી હેરાન કરી રહી છે ત્યાં આ સ્થળ તેના સૌમ્ય વાતાવરણ માટે પ્રસિદ્ધ છે. કેરળની અદ્ભુત સુંદરતાના ગુલદસ્તામા વાગામોન એક સુગંધીત ફુલની માફક કોઈપણને મોહી લે છે.
પશ્ચિમી હિલ્સનો એક મોટો ભાગ કેરળમાં પડે છે. આ પહાડીઓને વળગીને એક રસ્તો ઉપર તરફ જાય છે, જ્યાંથી તમે પ્રકૃતિની સુંદરતાને મન ભરીને નિહાળી શકો છો. તમે ત્યાના કોઈપણ ભાગની મુલાકાત લેશો તે તમને આનંદ જ આપશે. ઇડુક્કી જિલ્લામાં એકથી એક ચડિયાતા હિલ સ્ટેશન છે, પરંતુ વાગામોન હિલ સ્ટેશન તે બધા કરતા અલગ છે. આ નાની નાની પહાડીઓ પર પથરાયેલી લીલા ઘાસની ચાદર પર તેની અસિમ સુંદરતા પથરાયેલી છે. દરિયાઈ સપાટીથી 1,200 મીટરની ઉંચાઈ પર આવેલું આ હિલ સ્ટેશન તેની ટેકરીઓ માટે પ્રખ્યાત છે.
મરમલા વોટરફોલ
પહાડોની વચ્ચે ઊચ્ચેથી પડતો ધોધ વળી કોને ન આકર્ષે? વાગામોન હિલ સ્ટેશન પર સ્થિત મરમલા ધોધની સુંદરતા પણ કંઈક એવી જ છે. જો કે વોટરફૉલ જવા પર પ્રતિબંધ છે, જેનુ કારણ તેની ઊંચાઈ છે. ધોધ ખુબ ઉંચાઈ પરથી પડતો હોવાથી પાણીનો પ્રવાહ એટલો બધો છે કે તેની નીચે ઉભા રહીને આનંદ લઈ શકાય તેમ નથી. વાગામોનથી ઇરાટુપેટાના રસ્તે આ અદ્ભુત વોટરફૉલ આવેલો છે. અહી કાર દ્વારા પહોંચી શકાય તેમ નથી.
અહીં પહોંચવા માટે તમારે ટ્રેકિંગ કરીને જવુ પડશે, તો ધોધ સુધી પહોંચવામા ટ્રેકિંગનો અનુભવ પણ થઈ જશે. ચોમાસામા તો બધી બાજુએથી વહેતા પાણીની વચ્ચે પણ મરમલા ધોધની ગર્જના ઓળખી શકાય છે. રસ્તામાં દૂર દૂર સુધી ફેલાયેલી હરિયાળી અને પહાડો એક અલગ જ રોમાંચ સર્જે છે. જેમ જેમ ધોધની નજીક આવતા જઈયે તેમ તેમ જાણે એક અલગ જ વિશ્વમા છીએ તેવુ લાગે.
લીલા ઘાસની ચાદર
ઊંચા-ઊંચા ઘાસમાંથી પસાર થતો રસ્તો તમને દરેક ક્ષણે એક નવો જ રોમાંચક અનુભવ કરાવશે. પછી તો રસ્તો એવી ઉંચાઈ પર પહોંચી જાય છે જ્યાં ચારેય બાજુ માત્ર ઘાસ જ ફેલાયેલુ છે. દૂર-દૂરથી માત્ર લીલા ઘાસની ચાદર જ દેખાય છે. આ હરિયાળી પોતાનામાં એક વિશિષ્ટતા છે. એવી ઘણી ઓછી જગ્યાઓ છે જ્યાં કુદરત તેના નેક્સ્ટ લેવલ પર હોય છે.
તંગલપારા પહાડી
વાગામોનની પહાડી રેંજમાં આ પહાડી પર એક વિશાળ ખડક સંપૂર્ણ રીતે સંતુલિત છે. તમે અહી માત્ર ટ્રેકિંગ કરીને જ પહોંચી શકો છો. અહીથી તમે તંગલપારા આસપાસના શ્રેષ્ઠ દૃશ્યો જોઈ શકો છો. તંગલપારા નામની આ પહાડી એક રહસ્ય લઈને બેઠી છે. કહેવાય છે કે અફઘાની સૂફી સંત હઝરત શેખ ફરીદુદ્દીન બાબાએ આ જગ્યાની મુલાકાત લીધી હતી. ઈસ્વીસન 800ની આ ઘટનાને લીધે મુસ્લિમોએ તે સ્થળ પર એક મસ્જિદ બનાવી જ્યાંથી તમે વાગામોનનો બર્ડ આઈ વ્યુહ જોઈ શકો છો.
તમિલ-મલયાલી સંસ્કૃતિનો અનોખો સંગમ
વાગામોન એક નાનકડુ પ્લાંટેશન-ટાઉન પણ છે, જ્યાં ચા, કોફી અને એલચીની ખેતી થાય છે. 'વોલ્ટર ડંકન એન્ડ કંપની'એ અહીં ચાના બગીચાઓની શરૂઆત કરી હતી. દૂર-દૂર સુધી ઘાટ્ટા લીલા રંગની ચાદર વચ્ચે ચાના પાંદડા ચૂંટતા કામદારોને જુઓ તો આ બધું જાણે કોઈ સુંદર ચિત્ર જેવું લાગે છે. ચા અને કોફીના બગીચામાં કામ કરતા લોકો પડોશી રાજ્ય તમિલનાડુના છે અને તેઓ હવે અહીં જ સ્થાયી થઈ ગયા છે. તમિલનાડુના લોકો અહીં રહેતા હોવાથી અહીંના વાતાવરણમાં તે જગ્યાનો પ્રભાવ જોવા મળે છે. આ કારણોસર વાગામોન હિલ સ્ટેશન મલયાલી અને તમિલનાડુ સંસ્કૃતિનો અનોખો સંગમ છે.
કેરળ અને તમિલનાડુની ભાષા તથા સંસ્કૃતિ એક્બીજાને મળતી આવે છે. આ અનોખો સંગમ આ સ્થળનું મહત્વ વધારે છે. ચાની સાથે સાથે અહીં એલચીની પણ ખેતી થાય છે. જ્યારે એલચીનો પાક તૈયાર થાય તે દરમિયાન વાગામોનમા ફરવુ અને રહેવુ એક સુગંધિત સુંદરતામાં બંધાઈ જવા જેવુ છે. આ સુગંધને તમે જીવનભર સજાવી રાખો છો.
મુટ્ટકુન્ન
વાગામોન ઊંચી-ઊંચી પહાડીઓ માટે જાણીતું છે. આ ટેકરાઓ પહાડો પર ઉગી નીકળેલા ઘાસથી ઘેરાયેલા છે. દૂર-દૂર સુધી ફેલાયેલી લીલી ચાદર વચ્ચે માથું ઊંચું કરીને બેઠેલા આ નાનકડા ટેકરાઓ તમને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે. મુટ્ટૂકુન્ન આ ટેકરામાંનો એક છે. મુટ્ટકુન્ન એ મલયાલમ શબ્દ છે જેનો અર્થ થાય છે ઈંડા આકારનો ટેકરો. આ ટેકરાઓને જોઈને એવું લાગે કે જાણે કોઈએ કાળજીપૂર્વક પથ્થરો ઉપાડીને આ ટેકરા બનાવ્યા છે અને તેને વધુ સુંદર બનાવવા માટે તેમાં લીલો રંગ ભરી દીધો છે. કુદરતનું આ અદ્ભુત કામ ચોક્કસપણે તમને આશ્ચર્યચકિત કરશે. આ ટેકરા પર પ્રવાસીઓ ટ્રેકિંગ કરે છે અને ટેન્ટ લગાવે છે. ખુલ્લા આકાશની નીચે કુદરતના સુંદર નજારાઓને જોવા એ દુનિયાની અદ્ભુત વસ્તુઓમાંની એક છે. તમે અહીં મિત્રો અને પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકો છો.
પહાડોની સુંદરતા
વાગામોન આવવાનો અર્થ છે પહાડોની વચ્ચે તમારી જાતને એક શાંત વિશ્વમાં લઈ જવી. આ પહાડો કેરળની સુંદરતાનો એક અલગ જ અનુભવ કરાવે છે. ઊંચાઈ પર સ્થિત હોવાને કારણે હજુ પણ અનએક્સપ્લોર્ડ આ પહાડો ભાગ્યે જ પ્રવાસીઓની નજરમાં આવ્યા છે. આ હિલ સ્ટેશન, ત્રણ પહાડોની એક શ્રુંખલા છે - તંગલ, મરુગન અને કુરિસ્મલા. અહીંનું શાંત વાતાવરણ, મલય પર્વતોની ઠંડી હવા અને વેલીમાં દૂર-દૂર સુધી ફેલાયેલી હરિયાળી, આનાથી વધુ સુંદર કોઈ જગ્યા હોય જ ન શકે. વાગામોન પહોંચવાનો રસ્તો ખૂબ જ સુંદર છે, ચારેબાજુ સદાબહાર જંગલો છે. આગળ જતાં વૃક્ષો ઘટવા લાગે છે અને હરિયાળી વધવા લાગે છે.
મુંડકાયમ ઘાટ
વાગામોનથી લગભગ 8 કિ.મી. દૂર આવેલ મુંડકાયમ ઘાટ પોતાનામાં જ એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે. તમે સુર્યાસ્તનો અદ્ભુત નજારો જોવા માંગતા હોવ તો આ ઘાટ પર આવો અને દૂર ક્ષિતિજ પર અસ્ત થતા સૂર્યના મનમોહક નજારાનો અનુભવ કરો. અહીં અનેક પ્રકારના પક્ષીઓ સરળતાથી જોઈ શકાય છે. પક્ષીઓમાં રસ ધરાવતા લોકો અહીં આવીને કલાકો સુધી બેસીને નિહાળ્યા કરે છે.
પાઈન જંગલ
વાગામોનનું પાઈન ફોરેસ્ટ અહીં આવતા લોકોની લાગણીને સ્પર્શી જાય છે. હજારો પાઈન વૃક્ષો વચ્ચે તમારી જાતને ઉભેલી જોવી એ પ્રકૃતિનો એક અલગ જ અનુભવ છે. જ્યારે સૂર્યના સોનેરી કિરણો વૃક્ષોમાંથી ચળાઈને જંગલમાં પ્રવેશે છે ત્યારે આસપાસનું વાતાવરણ એકદમ જાદુઈ બની જાય છે. ભૌતિક દુનિયાની ધમાલથી બચવા માટે અહીં આવી પ્રકૃતિ સાથે જોડાવુ એ એક સહજ અનુભવ છે. અહીં આવનારા લોકોમા આ જંગલ વિશે જાણનારા લોકો ખુબ ઓછા છે. જો તમે વાગામોનમાં આવો તો આ જંગલની મુલાકાત લેવાનું ચૂકશો નહીં.
અન્ય આકર્ષણો
વાગામોનથી લગભગ 60 કિ.મી. દૂર આવેલો આ ડેમ પોતાનામાં વિજ્ઞાન અને ઈજનેરીનની એક મિસાલ છે. આજુબાજુની પહાડીઓને ઘેરીને, પર્વત પર પડતા વરસાદી પાણીને અટકાવવામાં આવે છે અને તેનો ઉપયોગ વીજળી ઉત્પાદન અને સિંચાઈ માટે થાય છે. આ સિવાય રામક્કલમેડ અહીંનું બીજું એક પ્રખ્યાત સ્થળ છે, જે વાગામોનને વધુ સમૃદ્ધ બનાવે છે. આ સ્થળ વાગામોનથી લગભગ 57 કિમી દૂર છે. અહીંના ઊંચા પહાડ પરથી તમિલનાડુના ખેતરો જોઈ શકાય છે.
અહીં નજીકમાં જ પવનચક્કીઓ ફરતી જોવા મળે છે. અને વાગામોનથી 17 કિ.મી. દૂર એલાપારા તેની અદભૂત સુંદરતા માટે જાણીતું છે. એલા એટલે ઈલાયચી અને પારા એટલે ખડક. અહીં એલચીની ખેતી આજે પણ થાય છે, પરંતુ તેના કરતાં કોફી અને ચાની ખેતી વધુ થાય છે. આ ગામમાં સ્થાનિક લોકો વચ્ચે રહેવું એક નવો અનુભવ હોઈ શકે છે.
આ રીતે મળી ઓળખ
સદીઓથી વાગમોનનું સૌંદર્ય અને તેનું અનોખું કુદરતી સૌંદર્ય વિશ્વ માટે અનએક્સપ્લોર્ડ જ રહ્યું. આ જગ્યાને 20મી સદીની શરૂઆતમાં ઓળખ મળી, જ્યારે 1926માં 'વોલ્ટર ડંકન એન્ડ કંપની'એ અહીં ચાના બગીચા લગાવવાનુ શરૂ કર્યું. 1930 સુધીમાં, અહીં ઘણા ચાના બગીચા હતા અને પછી વાગામોને 'પ્લાન્ટેશન ટાઉન' તરીકે પોતાની ઓળખ મેળવી. 1950 માં સ્થપાયેલ કુરસિમલા આશ્રમે વાગામોનને દૂર દૂર સુધી ઓળખ અપાવવામા મદદ કરી. જો તમે ટ્રેકિંગના શોખીન છો તો વાગામોન તમારા માટે શ્રેષ્ઠ સ્થળ છે. ઊંચા ઊંચા લેમન ગ્રાસની વચ્ચે બનેલા પાતળા રસ્તાઓની મદદથી પહાડોને નીચેથી ઉપર સુધી માપવા એટલું પણ સરળ નથી, પરંતુ જો તમે ટ્રેકિંગ કરો છો તો તમારે અહીં આવવું જ જોઈએ.
ક્યારે અને કેવી રીતે પહોંચવું?
વાગામોન હવે કેરળના પ્રવાસી પુસ્તકમાં પોતાનું આગવું સ્થાન કોતરે છે. તમે બાય રોડ અહીં સરળતાથી પહોંચી શકો છો, આલુવા રેલ્વે સ્ટેશન સૌથી નજીકમાં છે. જો તમે ફ્લાઇટ દ્વારા આવવા માંગતા હો, તો કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ સૌથી નજીકનુ એરપોર્ટ છે, જ્યાંથી તમે વાગામોન માટે ટેક્સી લઈ શકો છો. વાગામોનમાં રહેવા માટે કોઈ મોટી મોટી હોટેલ્સ કે રિસોર્ટ્સ નથી, પરંતુ ત્યાં આકર્ષક હોમસ્ટે છે. આ હોમસ્ટે ખૂબ જ સ્વચ્છ અને સલામત સ્થળ છે, જે ખૂબ જ ઓછા ખર્ચે ઉપલબ્ધ છે. વાગામોનની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય માર્ચથી જૂન અને જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચેનો છે.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.