ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં એક ગામ છે - માણા
લોકો કહે છે કે જે કોઈપણ આ ગામમાં જાય છે, એના બધા પાપ તો ધોવાય જ છે સાથે સાથે તે અમીર પણ થઈ જાય છે.
માણાની કહાની
એવું માનવામાં આવે છે કે ભારત ના આ છેલ્લા ગામમાં માણિક શાહ નામનો વેપારી રહેતો હતો, જે એક શિવ ભક્ત પણ હતો. એક વાર વેપાર માટે આવતા જતા દરમિયાન કેટલાક લુંટારાઓએ તેને લુંટીને ગળું કાપી મારી નાખ્યો હતો.
માણિકની ભક્તિ એટલી પ્રચંડ હતી કે કપાયેલું ગળુ પણ શિવના નામનો જાપ કરતુ હતું. આવી ભક્તિ જોઈને સ્વયં શિવ પ્રગટ થયા અને માણિકના શરીર પર વરાહ એટલે કે ભુંડનું માથુ જોડી તેને જીવતો કરી દીધો. એટલું જ નહીં પણ તેની ભક્તિથી પ્રસન્ન થઈને એવું વરદાન પણ આપ્યું કે જે કોઈપણ માણા ગામમાં આવશે તેની ગરિબી દુર થશે અને તે અમીર થઈ જશે. એ દિવસથી માણા ગામમાં શિવના રુપમાં મણિભદ્રની પુજા થાય છે.
ઉત્તરાખંડ ટૂર પેકેજની જાણકારી માટે અહીં ક્લિક કરો.
ક્યાં છે માણા ?
માણા ગામ, ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં આવેલું એક નાનકડું ગામ છે, જેને ભારતનું છેલ્લું ગામ પણ કહેવામા આવે છે. એનું કારણ એ કે આ ગામ ભારત-તિબેટની સીમાને બિલકુલ અડીને છે.
હિંદુ ધર્મના ચાર ધામો માથી એક બદ્રીનાથથી માત્ર 3 કિમી દુર આવેલા માણામાં વ્યાસ અને ગણેશ ગુફા પણ છે. કહેવાય છે કે અહીં જ બેઠીને વેદ વ્યાસ એ ગણેશજી ને મહાભારત સંભળાવી હતી, જે ગણેશજી એ પોતાના હાથે લખી હતી. આના વિશે તો પછી ક્યારેક વાત કરીશુ.
કેવી રીતે પહોંચવું ?
માણા ગામ, હરિદ્વારથી લગભગ 245 કિમી દુર છે. હરિદ્વાર અને ઋષિકેશ બંને સ્થળોએ થી માણા સુધી નેશનલ હાઈવે 58 થી થઈને રસ્તામાં બદ્રીનાથ અને જોશીમઠ આવે છે.
માણા પહોંચવા માટે સૌથી મોટું રેલ્વે સ્ટેશન તમને હરિદ્વારમાં જ મળશે. પછી હરિદ્વારથી લગભગ 245 કિમી રોડ દ્વારા મુસાફરી કરવા પડે. હરિદ્વારથી તમને ભાડે ગાડી કે પબ્લિક બસ પણ મળી જશે.
દહેરાદુનમાં એકપોર્ટ છે, અને ત્યાંથી રોડ દ્વારા માણા નું અંતર લગભગ 319 કિમી છે.
જોવાલાયક ખાસ સ્થળો
વ્યાસ ગુફા
માણા ગામમાં સરસ્વતી નદીના કિનારે બદ્રીનાથથી માત્ર 5 કિમી દુર વ્યાસ ગુફા છે. એવું માનવામાં આવે છે કે વેદ વ્યાસે અહીં મહાભારત સાથે 18 પુરાણ, બ્રહ્મ સૂત્ર અને ચારેય વેદોની રચના કરી હતી. આ ગુફાની છત પણ પુસ્તકના પેજના આકારમાં છે.
ભીમ પુલ
માણાથી થોડે આગળ જતા જ ભીમ પુલ આવે છે જેની કહાની વધુ દિલચસ્પ છે. કહેવાય છે કે પાંડવો જ્યારે રાજ પાટ છોડીને સ્વર્ગ તરફ જતા હતા ત્યારે માણા ગામથી નિકળ્યા હતા. રસ્તામા એક ઝરણું પાર કરવા પાંડવોમાં સૌથા તાકાતવર ભીમ એ મોટો પત્થર ફેંકી પુલ બનાવ્યો હતો.
બદ્રીનાથ મંદિર
હમણા કહ્યું એમ, બદ્રીનાથ માણાથી માત્ર 3 કિમી દુર છે. બદ્રીનાથ મંદિર પણ ખુબ રહસ્યમય છે. કહેવાય છે કે 8મી સદી સુધી આ મંદિર એક બૌદ્ધ મઠ હતું. પછી આદિ શંકરાચાર્ય એ તેને વિષ્ણુ મંદિરમાં ફેરવી નાખ્યું.
તપ્ત કુંડ
બદ્રીનાથ મંદિરની થોડે નીચે ગરમ પાણીના કેટલાય કુંડ છે. કહેવાય છે કે અગ્નિ દેવતાનો અહીં વાસ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો પાણી ગરમ હોવાનું કારણ અહીંના પહાડોમાં મળેલા સલ્ફરને લીધે છે. બહાર ગમે તેટલી ઠંડી હોય, પણ આ કુંડનું પાણી હંમેશા 55 ડિગ્રી પર જ રહે છે. આખા દેશમાંથી શ્રધ્ધાળુઓ આ પાણીમાં ડુબકી લગાવવા આવે છે. લોકોનુ માનવું છે કે આ પાણીમાં ડુબકી લગાવવાથી શરીરની બિમારીઓ દુર થઈ જાય છે.
માણાનું બીજુ શું મશહુર છે ?
માણાનું લોકનૃત્ય બગડવાલ પણ ભારતની સંસ્કૃતિનું એક અતુટ અંગ છે. આ નૃત્યમાં સ્ત્રીઓ અને પુરુષો બંને ભાગ લે છે.
આ ઉપરાંત ભારતના પર્યટન વિભાગે માણાને પૌરાણિક મહત્વ ના કારણે ‘રુકલ ટુરિઝમ’ એટલે કે ગ્રામિણ પર્યટન માટે સિલેક્ટ કર્યુ છે.
અરે ભાઈ તમે ભગવાનમાં વિશ્વાસ ન કરતા હોય તો પણ ભલે, પરંતુ માણા ફરવા તો જરુર જજો. માણાની કહાનિઓને ‘ગેમ ઓફ થ્રોન’ જ સમજી લો.