આકરી ગરમીની સીઝન શરુ થઇ ગઇ છે અને ગુજરાત સહિત ઘણાં રાજ્યોમાં તાપમાન 42 ડિગ્રીએ પહોંચી ગયું છે. એપ્રિલના અંત સુધીમાં મોટાભાગની શાળાઓમાં વેકેશન શરૂ થઇ જશે. ઓફિસ, કૉલેજ બાદ જો તમે પણ આ ગરમીની રજાઓમાં દોસ્તો, ફેમિલી, ગર્લફ્રેન્ડ વગેરેની સાથે હિલ સ્ટેશન પર ફરવા જવાની ઇચ્છા રાખો છો તો અમે આપને ઓછા બજેટવાળા હિલ સ્ટેશન અંગે જણાવી રહ્યાં છીએ જેમાં 5,000 રૂપિયા જેટલો ખર્ચો થશે. આ જગ્યા પર જવા માટે તમારે અમદાવાદથી મોટાભાગે ટ્રેન કે બસનો ઉપયોગ કરવો પડશે. કારણ કે મોટા શહેરમાંથી ટ્રેનની ફ્રિકવન્સી તમને મળી રહે છે.
કસોલ, હિમાચલ પ્રદેશ
કસોલ, હિમાચલ પ્રદેશનું એક ઘણું જ સુંદર હિલ સ્ટેશન છે. હિમાચલ પ્રદેશ ફરવા આવનારાઓની આ પ્રથમ પસંદગી હોય છે. કસોલ જવા માટે કુલ્લુથી બસમાં બેસી જાઓ. દિલ્હીથી કસોલનું અંતર લગભગ 536 કિલોમીટર છે. આ યાત્રામાં લગભગ 11-12 કલાકનો સમય લાગે છે. અહીં ટ્રેકિંગ અને આઉટિંગની મજા જ અલગ છે. મણિકરણ ગુરુદ્વારા, ખીરગંગા, મલાણા, જિમ મોરિસન કેફે વગેરે ફરી શકો છો. અહીં 700-800 રૂપિયામાં રહેવા માટે સરળતાથી રૂમ મળી જાય છે.
અમદાવાદથી દિલ્હી આશ્રમ એક્સપ્રેસમાં જશો તો સેકન્ડ ક્લાસ સ્લીપરના 500 રૂપિયા ભાડું થશે. આવવા-જવાનું ભાડું 1000 રૂપિયા થશે. બે દિવસ નાસ્તો અને જમવાના એક હજારથી વધારે નહીં થાય. દિલ્હીથી કસોલના બસ ભાડાના જવા-આવવાના 1200 રૂપિયા થશે.
કસોલ ગામમાં દર વર્ષે મોટી સંખ્યામાં ઇઝરાયેલીઓ આવતા હોવાથી આ જગ્યા મીની ઇઝરાયેલ તરીકે પણ ઓળખાય છે. ગામમાં નમસ્કારના સ્થાને શલોમ કહેતા ઇઝરાયેલીઓ નજરે પડે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કસોલમાં કોઇ પણ સમયે ૧ હજારથી વધુ ઇઝરાયેલીઓ હોય છે. ગામના ઇન્ટરનેટ કાફે અને રેસ્ટોરન્ટના મેનુ પેજ હિબ્રુ ભાષા ચાલે છે.
રાનીખેત, ઉત્તરાખંડ
રાનીખેત, ઉત્તરાખંડના કુમાઉમાં આવેલું છે. અમદાવાદથી ભીડભાડથી દૂર તમે થોડાક દિવસ શાંતિથી પસાર કરવા માંગતા હોવ તો રાનીખેત જઇ શકો છો. દિલ્હીથી રાનીખેતનું અંતર લગભગ 350 કિલોમીટર છે. જ્યાં પહોંચવામાં તમને લગભગ 8 થી 9 કલાક થશે. અહીં પણ તમને 700-800 રૂપિયામાં રૂમ મળી જશે. અમદાવાદથી દિલ્હીનું ટ્રેનનું જવા-આવવાનું ભાડું 1000 રૂપિયા થશે. દિલ્હીથી બસમાં રાનીખેતની ટિકિટ 500 રૂપિયા જેટલી થાય છે. બે દિવસમાં હરવા-ફરવા અને જમવાનો ખર્ચ 2000 રૂપિયાથી વધુ નહીં થાય. મોટાભાગે પગપાળા ફરવાનો આગ્રહ રાખજો. રાનીખેત પહોંચીને તમે ટ્રેકિંગ, સાઇકલિંગ, નેચર વોક, કેમ્પિંગ કરી શકો છો. અહીં ચોબટિયા બાગ, નોકુચિયાતાલી જેવી ઘણી જગ્યાઓ ફરી શકાય છે. સૌથી સારી વાત એ છે કે દિલ્હીથી રાનીખેતનો રૂટ તમને નૈનીતાલ થઇને લઇ જશે. તો થોડોક સમય તમે નૈની લેકમાં બોટિંગનો આનંદ પણ માણી શકો છો. સાથે જ જિમ કૉર્બેટમાં જંગલ સફારીની મજા પણ લઇ શકાય છે. જો કે તેના માટે તમારે ખિસ્સા હળવા કરવા પડશે.
જો તમે પ્રકૃતિની ભરપુર મજા લેવા માંગો છો તો તમારે અહીં જરૂર આવવું જોઇએ. અહીંની એક છુપાયેલી જગ્યાએ શીતલખેત. જે રાનીખેતથી એક કલાકના અંતરે છે. રાનીખેતમાં એક ગોલ્ફ કોર્સ પણ છે જેની એન્ટ્રી ફી 150 રૂપિયા છે. આ 9 હોલ ગોલ્ફ કોર્સ એશિયાનું સૌથી મોટું ગોલ્ફ કોર્સ છે. જો તમને આ ગેમમાં રસ છે તો તમે થોડોક સમય અહીં પસાર કરી શકો છો.
મેક્લૉડગંજ, હિમાચલ પ્રદેશ
મેક્લૉડગંજ પહોંચીને બધાને શાંતિ મળે છે. ત્યાં પહોંચીને ચીડ અને દેવદારના ઝાડ, તિબેટિયન રંગમાં રંગાયેલા ઘર, ત્યાંની શાંતિ દરેકને ઘણી પસંદ આવે છે. મેકલૉડગંજ દલાઇ લામાની ભૂમિ માનવામાં આવે છે કારણ કે ત્યાં તેમનું નિવાસસ્થાન છે.
અહીં રહેવાનું ઘણું સસ્તું છે. તમને અહીં 800-1000 રૂપિયામાં સરળતાથી મળી શકે છે. દિલ્હીથી મેક્લૉડગંજનું અંતર લગભગ 500 કિલોમીટર છે. નામગ્યાલ મઠ, ભાગસૂ વોટરફૉલ, ત્સુગલગખાંગ, ત્રિઉંડ, ધર્મશાલા, હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશ સ્ટેડિયમ વગેરે જગ્યાઓ ત્યાં પહોંચીને ફરી શકો છો. અમદાવાદથી દિલ્હી ટ્રેનમાં અને ત્યાંથી પઠાણકોટ ટ્રેનમાં જાઓ અને ત્યાર બાદ ત્યાંથી બસ લઇને મેક્લોડગંજ પહોંચો. અહીં પણ હરવા-ફરવા-જમવાના 2000 રૂપિયા થશે.
અલ્મોડા, ઉત્તરાખંડ
હિમાલયના શિખરોથી ઘેરાયેલું અલ્મોડા એક નાનકડું શહેર છે જે આકારમાં ઘોડાની નાળ જેવું દેખાય છે. વિરાસત અને સંસ્કૃતિથી ભરપુર અલ્મોડા તેના વન્ય જીવન, હસ્તશિલ્પ અને ટેસ્ટી વ્યંજનો માટે જાણીતું છે. આ દિલ્હીથી લગભગ 370 કિલોમીટર દૂર છે. અહીં પહોંચવામાં 9 કલાકનો સમય લાગે છે. અહીં પહોંચીને ટ્રેકિંગ, બર્ડ વોચિંગ, હેરિટેજ વ્યૂઇંગ વગેરે કરી શકો છો. ચિત્તઇ મંદિર, ઝીરો પોઇન્ટ, કટારમલ સૂર્ય મંદિરની સાથે ઘણી બધી જગ્યાઓ ફરી શકો છો. અહીં રોકાવા માટે 800-1000 રૂપિયામાં રૂમ મળી શકે છે. અમદાવાદથી દિલ્હી ટ્રેનમાં પહોંચો અને દિલ્હીથી કાઠગોદામ માટે ટ્રેન લઇ શકો છો. અને ત્યાર બાદ ત્યાંથી બસમાં અલ્મોડા પહોંચો. આમાં ટ્રાન્સપોર્ટેશનનો બધુ મળીને 2000 રૂપિયા ખર્ચ થશે. જમવામાં દોઢસો રૂપિયાની થાળી મળી જશે.
મસૂરી, દેહરાદૂન (Mussoorie, Dehradun)
મસૂરી એવું હિલ સ્ટેશન છે, જ્યાં દરેક વ્યક્તિ એકવાર તો જરૂર જવા ઇચ્છે છે. જો કોઇ ત્યાં ગયું તો તે જગ્યાનો ફેન થઇ જાય છે. મસૂરી દિલ્હીથી લગભગ 279 કિલોમીટર દૂર છે. દિલ્હીથી દેહરાદૂન ટ્રેનથી જઇ શકો છો અને ત્યાર બાદ ત્યાંથી બસથી મસૂરી પહોંચો. મસૂરી દિલ્હીથી લગભગ 279 કિલોમીટર દૂર છે. તમે અમદાવાદથી દિલ્હી અને ત્યાંથી દહેરાદૂન ટ્રેનથી જઇ શકો છો અને ત્યાર બાદ ત્યાંથી બસમાં મસૂરી પહોંચી શકાય છે. આ ઉપરાંત, અમદાવાદથી દિલ્હી કે સીધી હરદ્વારની ટ્રેન જાય છે. હરદ્વારથી મસૂરી બસમાં જઇ શકાય છે. મસૂરીમાં તમને 800-1000 રુપિયામાં રૂમ મળી જશે. તમે દહેરાદૂનમાં પણ સસ્તામાં રહી શકો છો. મસૂરી લેક, કેમ્પ્ટી ફૉલ્સ, દેવ ભૂમિ વેક્સ મ્યૂઝિયમ, ધનોલ્ટી, સોહમ હેરિટેજ એન્ડ આર્ટ સેન્ટર, જ્યોર્જ એવરેસ્ટ હાઉસ, એડવેન્ચર પાર્ક, ક્રાઇસ્ટ ચર્ચ, ભટ્ટા ફૉલ્સ, મોસી ફૉલ્સ, ગન હિલ, લાલ ટિબ્બા, કેમલ્સ બેક રોડ, જબરખેત નેચર રિઝર્વ વગેરે મસૂરીમાં ફરવાની જગ્યાઓ છે.
નોંધઃ ઉપરની તમામ જગ્યાઓ ફરવી હોય તો શેરિંગ સાધનોનો ઉપયોગ કરીને ખર્ચ બચાવી શકાય છે. અહીં વ્યક્તિ દીઠ બે દિવસના ખર્ચનો અંદાજ આપવામાં આવ્યો છે. બે વ્યક્તિનો ખર્ચ 5000થી વધી શકે છે. રહેવા માટે બજેટ હોટલ, ગેસ્ટ હાઉસ કે હોસ્ટેલનો ઉપયોગ કરી શકો છો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો