ભારતીય રેલવે દુનિયાનું ચોથુ સૌથી મોટું રેલવે નેટવર્ક છે. એક સમય હતો જ્યારે પાટા પર કોલસાના ઇંધણથી ચાલતી ટ્રેનો દોડતી હતી. પરંતુ હવે આવું નથી. ભારતીય રેલવે સાથે જોડાયેલા ઘણાં ઇતિહાસ છે. આવો જ એક ઇતિહાસ એસી કોચ સાથે જોડાયેલો છે. પહેલો એસી કોચની ટ્રેનનું નામ-ફ્રન્ટિયર મેઇલ હતું. આજથી 93 વર્ષ પહેલા વર્ષ 1928માં આ ટ્રેનને શરૂ કરવામાં આવી હતી. ત્યારે આનું નામ હતું- પંજાબ મેઇલ (Punjab Mail). પરંતુ વર્ષ 1934માં આ ટ્રેનમાં AC બોગી જોડવામાં આવી અને આનું નામ ફ્રન્ટિયર મેઇલ રાખવામાં આવ્યું.
ભારતીય ઇતિહાસમાં આ પહેલીવાર થઇ રહ્યું હતું જ્યારે કોઇ ટ્રેન એરકન્ડિશન કોચ સાથે ચાલી હોય. આ ટ્રેન ઘણી જ ખાસ હતી. કારણ કે પહેલીવાર લોકોએ ગરમીઓ દરમિયાન કૂલ થઇને ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ ઘણી જ ખાસ ટ્રેનનું મહત્વ તે સમયે રાજધાની એક્સપ્રેસ જેવી ટ્રેનોથી જરાય ઓછું નહોતું.
જાણો ટ્રેનને કેવી રીતે કરવામાં આવતી હતી ઠંડી
વર્તમાનમાં એસી કોચને ઠંડો રાખવા માટે આધુનિક ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તે સમયે આવું ન્હોતું. તે વખતે બરફના ટુકડાથી ટ્રેનને ઠંડી રાખવામાં આવતી હતી. એસી કોચની નીચે બોક્સમાં બરફ રાખવામાં આવતો હતો અને પછી પંખો લગાવી દેવામાં આવતો હતો. આ પંખાની મદદથી એસી કોચને ઠંડો કરવામાં આવતો હતો.
જાણો ક્યાંથી ક્યાં સુધી ચાલતી હતી ટ્રેન
ભારતની પહેલી એસી ટ્રેન ફ્રન્ટિયર મેઇલ મુંબઇથી અફગાનિસ્તાનની બોર્ડર સુધી જતી હતી. આ ટ્રેનથી અંગ્રેજ અધિકારીઓ ઉપરાંત સ્વતંત્રતા સેનાની પણ યાત્રા કરતા હતા. આ ટ્રેન દિલ્હી, પંજાબ અને લાહોરના રસ્તે 72 કલાકમાં પેશાવર સુધી જતી હતી. યાત્રા દરમિયાન પિગળી ગયેલા બરફને અલગ-અલગ સ્ટેશનો પર કાઢી નાંખવામાં આવતો હતો અને તેમાં નવો બરફ ભરવામાં આવતો હતો. આ ટ્રેનથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝે યાત્રા કરી હતી.
ટ્રેનની ખાસિયત
આ ટ્રેનની સૌથી મોટી ખાસિયત એ હતી કે તે યોગ્ય સમયે ચાલતી હતી અને ક્યારેય લેટ નહોતી થતી. એકવાર ટ્રેન લેઇટ થઇ તો ડ્રાઇવરથી જવાબ માંગવામાં આવ્યો હતો. વર્ષ 1940 સુધી આ ટ્રેનમાં 6 કોચ હતા અને અંદાજે 450 લોકો યાત્રા કરતા હતા. આઝાદી બાદ આ ટ્રેન મુંબઇથી અમૃતસર સુધી ચાલવા લાગી. 1996માં આ ટ્રેનનું નામ બદલીને ગોલ્ડન ટેમ્પલ મેઇલ કરી દેવામાં આવ્યું.
ક્યારે લાગ્યા ટ્રેનોમાં શૌચાલય?
અંદાજે 50 વર્ષ સુધી ભારતીય ટ્રેનોમાં શૌચાલય નહોતા. ઓખિલ ચંદ્ર સેન નામના એક યાત્રીએ 1909માં પેસેન્જર ટ્રેનથી યાત્રાના તેમના ખરાબ અનુભવો અંગે સાહિબગંજ રેલવે ડિવિઝનની ઓફિસે એક પત્ર લખીને જણાવ્યું. આ આકરા શબ્દોમાં લખેલા પત્ર બાદ બ્રિટિશ હુકુમતને એ વિચાર આવ્યો કે ટ્રેનોમાં ટોઇલેટની ઘણી જરૂર છે. આ પત્ર આજે પણ ભારતીય રેલવે સંગ્રહાલયમાં જોવા મળે છે.
પહેલી ટ્રેન ક્યારે દોડી
ભારતમાં 16 એપ્રિલ 1853ના રોજ પહેલી ટ્રેન બોરી બંદર (બોમ્બે) અને થાણે વચ્ચે 34 કિ.મી. દૂર દોડી હતી. આ સાહેબ, સુલતાન અને સિંધ નામના 3 એન્જિનો દ્વારા સંચાલિત કરવામાં આવી હતી.
ઔપચારિક ઉદ્ઘાટન સમારોહ 16 એપ્રિલ 1853ના રોજ કરવામાં આવ્યો હતો, જ્યારે લગભગ 400 યાત્રીઓને લઇને રેલવેના ડબ્બા બપોરે 3.30 વાગે બોરી બંદરથી "એક વિશાળ ભીડની જોરદાર તાળીઓ અને 21 તોપોની સલામી વચ્ચે રવાના થઇ હતી. આ સાંજે લગભગ 4.45 વાગે થાણે પહોંચી હતી. એટલે કે આ સફર આ ટ્રેને એક કલાક 15 મિનિટમાં પૂરી કરી હતી.
તેમાં કોઇ શંકાને સ્થાન નથી કે અંગ્રેજોએ ભારતમાં રેલવે નેટવર્કની શરૂઆત કરી હતી લોકોની જરૂરિયાત માટે નહીં પરંતુ પોતાના માલના ટ્રાન્સપોર્ટેશન માટે પ્રાથમિકતા આપવા માટે કરી હતી. મહત્વનું છે કે બોમ્બેને થાણે, કલ્યાણ અને થાલ તેમજ ભોરે ઘાટો સાથે જોડવા માટે રેલવેને પહેલીવાર વિચાર 1843માં ભાંડુપ (Bhandup)ની યાત્રા દરમિયાન બોમ્બે સરકારના ચીફ એન્જિનિયર શ્રી જ્યોર્જ ક્લાર્ક (Mr. George Clark)ને આવ્યો હતો.
પહેલી યાત્રા રેલગાડી પછી કોલકાતા અને મદ્રાસમાં ચાલી હતી. 15 ઓગસ્ટ, 1854ના રોજ પહેલી યાત્રી ટ્રેન હાવડા સ્ટેશનથી 24 માઇલના અંતરે હુગલી માટે રવાના થઇ. આ રીતે ઇસ્ટ ઇન્ડિયન રેલવેના પહેલા ભાગને જાહેર વાહનવ્યવહાર માટે ખોલી નાંખવામાં આવ્યો. જેના પૂર્વ ભાગમાં રેલવે પરિવહનની શરૂઆત થઇ.
દક્ષિણમાં પહેલી લાઇન 1 જુલાઇ, 1856ના રોજ મદ્રાસ રેલવે કંપની દ્વારા ખોલવામાં આવી હતી. આ વ્યાસપદી જીવા નિલયમ (Vyasarpadi Jeeva Nilayam) (વેયાસારપૈડી) અને વાલાજાહ રોડ (Walajah Road) (આરકોટ)ની વચ્ચે 63 માઇલના અંતરે ચાલી હતી.
ઉત્તરમાં 3 માર્ચ 1859ના રોજ અલાહાબાદથી કાનપુર સુધી 119 માઇલ લાંબી લાઇન પાથરવામાં આવી હતી. હાથરસ રોડ (Hathras Road)થી મથુરા છાવણી સુધી પહેલો ભાગ 19 ઓક્ટોબર, 1875 ના રોજ મુસાફરી માટે ખોલી નાંખવામા આવ્યો હતો. આ નાની શરૂઆત હતી જે આખા દેશમાં રેલવે લાઇનોના નેટવર્ક તરીકે વિકસિત થઇ. 1880 સુધી ભારતીય રેલવે વ્યવસ્થાનો રૂટ માઇલેજ લગભગ 9000 માઇલ હતો.
અંતરના આધારે પણ રેલવેના છે અનેક રેકોર્ડ
દેશની સૌથી મોટી રેલવે સુરંગ જમ્મૂ-કાશ્મિરના પીર પંજાલમાં છે, જેની લંબાઇ 11.215 કિ.મી. છે.
ભારતમાં સૌથી લાંબા અંતરની ટ્રેન વિવેક એક્સપ્રેસ છે. જે આસામના દિબ્રુગઢથી કન્યાકુમારી સુધી લગભગ 4273 કિ.મી.નું અંતર કાપે છે. આ 7 રાજ્યોમાંથી પસાર થાય છે અને 83 કલાકનો સમય લાગે છે. તેના 57 સ્ટોપેજ છે.
હાવડા-અમૃતસર એક્સપ્રેસ સૌથી વધુ જગ્યાએ સ્ટોપેજ ધરાવે છે. તેના 115 સ્ટૉપેજ છે.
નાગપુર અને અજની રેલવે સ્ટેશનની વચ્ચે અંતર ફક્ત 3 કિ.મી.નું જ છે. જે સૌથી ઓછું છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો