સદીમાં પહેલી વાર વિશ્વએ જોયેલી મહામારી Covid-19નો કહેર ધીમે ધીમે શમી રહ્યો છે. કરોડો લોકોનું જીવન કેટલીય સમસ્યાઓ ભોગવ્યા બાદ પૂર્વવત ગોઠવાઈ રહ્યું છે. ટ્રાવેલર્સ માટે આખો દેશ ફરવાનો વિકલ્પ હવે ઉપલબ્ધ છે. પણ વિદેશ પ્રવાસનું શું?
તેમના માટે પણ સારા સમાચાર છે! વિદેશ પ્રવાસના શોખીન તેમજ જરૂરિયાત ધરાવતા લોકો માટે આ એક મહત્વનો લેખ છે. સપ્ટેમ્બર 2021 સુધીમાં કયા કયા દેશોએ ભારતીયોને જવાની પરવાનગી આપી છે તેની આ રહી યાદી!

USA: યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ 18 મહિના બાદ પોતાની આંતરરાષ્ટ્રીય સીમા ખોલી છે. ભારત સહિત દુનિયાના 33 દેશના નાગરિકો હવે US પ્રવાસ કરી શકે છે. અમેરિકામાં અભ્યાસ અર્થે જવા માંગતા વિદ્યાર્થીઓ માટે પણ હવે દ્વાર ખુલ્લા છે. ફ્લાઇટના ત્રણ દિવસ પહેલા કરાવેલો માન્ય કોવિડ નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો ફરજિયાત છે.

UK: યુનાઈટેડ કિંગડમમાં ટ્રાફિક સિગ્નલની જેમ વિશ્વના દેશોને ત્રણ અલગ અલગ કેટેગરીઝમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. રેડ ઝોનમાં આવતા દેશ એટલે એવા દેશ જ્યાં કોવિડ હજુ કાબુમાં નથી. આવા દેશના લોકોને UKમાં પ્રવેશ નથી. ગ્રીન ઝોનમાં રહેલા દેશના વેક્સિન લીધેલા નાગરિકો UK પ્રવાસ કરી શકે છે. ભારત વચ્ચેના ઝોનમાં છે. તે પ્રમાણે સંપૂર્ણ વેક્સિનેટેડ તેમજ નેગેટિવ રિપોર્ટ સાથે હોવા છતાં નિશ્ચિત સમય માટે કવોરન્ટાઇન થવું ફરજિયાત છે. સરકારી ગાઈડલાઇન પ્રમાણે કવોરન્ટાઇન સમય પૂરો થયા બાદ UKમાં ફરી શકાય છે.

કેનેડા: 22 સપ્ટેમ્બરથી 18 કલાક પહેલા કાઢવામાં આવેલા નેગેટિવ કોવિડ રિપોર્ટ સાથે કેનેડાએ પણ ભારતથી કેનેડા જવા ઇચ્છતા લોકોને એક રાહતના સમાચાર આપ્યા હતા. આ નિર્ણયથી સૌથી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે.

જર્મની: ઘણા લાંબા સમય સુધી ‘virus variant areas’ની યાદીમાં ભારતને રાખ્યા બાદ હવે જર્મનીએ પણ ભારતીયોને પ્રવેશ માટે મંજૂરી આપી છે.
ઈટાલી: કોવિશિલ્ડ વેક્સિન લીધેલા ભારતીયોને ઈટાલીમાં પ્રવેશ માટે લીલી ઝંડી આપવામાં આવી છે.

સ્પેન: ભારતીય પ્રવાસીઓ માટે હવે સ્પેનના દ્વાર ખુલા છે. અલબત્ત, કોવિશિલ્ડના બંને ડોઝ લીધેલા હોય તે જરૂરી છે. સ્પેનિશ વિઝા માટે ભારતીયોએ તેમના અધિકૃત ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવી આવશ્યક છે.
થાઈલેન્ડ: થાઈલેન્ડ પણ વિશ્વના બધા જ દેશ માટે ખૂલી ગયું છે. વેક્સિન લીધેલા અને નેગેટિવ રિપોર્ટ ધરાવતા હોય તેવા લોકો નોકરી-ધંધા કે પારિવારિક હેતુસર થાઈલેન્ડની મુલાકાત લઈ શકે છે. પ્રવાસીઓ માટે હજુ પરવાનગી આપવામાં આવી નથી.
ટર્કી: વેક્સિન લીધેલા ભારતીયો હવે ટર્કીની મુલાકાત લઈ શકે છે. ફરજિયાત કવોરન્ટાઇન થવાનો નિયમ તાજેતરમાં જ રદ કરવામાં આવ્યો છે.
UAE: નિયત ગાઈડલાઇનનું પાલન કરીને પ્રવાસ કે વ્યાવસાયિક હેતુથી કોઈ પણ ભારતીય UAEનો પ્રવાસ કરી શકે છે.
નેપાળ: પાડોશી દેશ નેપાળમાં ફરવા જવું હોય તો તે હવે શક્ય છે. હવાઈ અથવા વાહન માર્ગે હવે ભારતીયો માટે વિઝા-ઓન-અરાઇવલની સુવિધા પુનઃ શરુ થઈ ગઈ છે. આ માટેનું રજીસ્ટ્રેશન ફોરમ ઓનલાઈન ભરવાનું રહે છે.
આ ઉપરાંત શ્રીલંકા, મોરેશિયસ, ઈજિપ્ત, કેન્યા, રશિયા, આઈસલેન્ડ વગેરે દેશોએ ભારતીયોના પ્રવેશની મંજૂરી આપી છે.
.