ભારતનો સૌથી મોટો શોપિંગ મોલ આપણા ઘર આંગણે: જાણો વિગતો

Tripoto

ગુજરાત હંમેશા દેશનું ખાસ રાજ્ય છે, માત્ર આજકલથી જ નહિ, દાયકાઓથી... આપણા રાજ્યમાં એવી કેટલીય વિશેષતાઓ છે જે ખૂબ ગર્વ લેવા જેવી બાબત છે. વિશ્વમાં એશિયાટિક સિંહોનું એકમાત્ર ઠેકાણું, વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યૂ, ભારતની પ્રથમ બુલેટ ટ્રેન, એશિયાનો સૌથી લાંબો રોપ વે, ભારતના સૌથી સુઆયોજિત મંદિરો, વગેરે વગેરે... આ યાદી ઘણી લાંબી છે.

ઉપરાંત, વિકાસની બાબતમાં ગુજરાત કાયમ અગ્રેસર રહ્યું છે. અહીં દરરોજ કઈ કેટલાય વેપાર-ધંધાઓની શરૂઆત થાય છે, વિકાસ થાય છે. દેશ વિદેશના રોકાણકારોને રોકાણ કરવા માટે ગુજરાત જાણે સુવર્ણ ભૂમિ લાગે છે. અને આવા જ કોઈ અદભૂત રોકાણનું પરિણામ આપણા રાજ્યમાં આકાર લેવા જઈ રહ્યું છે અને તે બનશે- ભારતનો સૌથી મોટો શોપિંગ મોલ.

Photo of ભારતનો સૌથી મોટો શોપિંગ મોલ આપણા ઘર આંગણે: જાણો વિગતો by Jhelum Kaushal

અમદાવાદ:

જી હા, આપણા દેશનો સૌથી મોટો શોપિંગ મોલ આપણા રાજ્યના સૌથી વિકસિત શહેર અમદાવાદમાં આકાર લેશે.

Photo of ભારતનો સૌથી મોટો શોપિંગ મોલ આપણા ઘર આંગણે: જાણો વિગતો by Jhelum Kaushal

મૂળ કેરળના અને વર્ષોથી યુનાઈટેડ આરબ અમીરાતના અબુધાબી ખાતે સ્થાયી વેપારીઓ દ્વારા વર્ષ 2000 ની સાલમાં લુલુ ગ્રુપની સ્થાપના કરવામાં આવી હતી જેનો મુખ્ય વ્યવસાય હાયપર માર્કેટની ચેઇન તેમજ રિટેલ કંપનીનો છે. હાલમાં પણ અબુધાબી ખાતે જ મુખ્ય મથક ધરાવતા લુલુ ગ્રુપે અત્યાર સુધીમાં ભારતમાં કેરળમાં કોચિ અને ઉત્તર પ્રદેશમાં લખનૌ ખાતે બે ભવ્ય શોપિંગ મોલ્સ બનાવ્યા છે.

તાજેતરમાં જ તેમણે ગુજરાતમાં આગમન કરવાની જાહેરાત કરી છે. લુલુ ગ્રુપ દ્વારા રૂ 3000 કરોડના અધધ રોકાણ સાથે અમદાવાદમાં એક ભવ્યાતિભવ્ય શોપિંગ મોલ બનાવવાની ઘોષણા કરી છે, અને મોલ પણ કેવો? ભારતનો સૌથી મોટો શોપિંગ મોલ! આ શાનદાર શોપિંગ મોલ આગામી વર્ષે તેનું બાંધકામ પૂરજોશમાં શરૂ કરી દે તેવી સંભાવના છે.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાજેતરમાં જ દુબઈમાં UAE રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં લુલુ ગ્રુપ અને ગુજરાત સરકાર વચ્ચે આ અત્યંત આશાસ્પદ પ્રોજેક્ટના કરાર થયા હતા.

Photo of ભારતનો સૌથી મોટો શોપિંગ મોલ આપણા ઘર આંગણે: જાણો વિગતો by Jhelum Kaushal
Photo of ભારતનો સૌથી મોટો શોપિંગ મોલ આપણા ઘર આંગણે: જાણો વિગતો by Jhelum Kaushal

લુલુ ગ્રુપના ડિરેક્ટર ઓફ ઇન્ડિયન ઓપરેશન શ્રી અનંત રામે જણાવ્યું હતું કે આ ભારતનો સૌથી મોટો શોપિંગ મોલ હશે જ્યાં લુલુ હાયપર માર્કેટ સૌથી મુખ્ય સ્ટોર હશે. અહીં અત્યાધુનિક સગવડો અને આકર્ષણ હશે. રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નામાંકિત બ્રાન્ડની તો અહીં હાજરી હશે જ, પણ સાથોસાથ સ્થાનિક કક્ષાએ નામચીન વેપારીઓ પણ પોતાના સ્ટોર્સ અહીં બનાવશે.

ડિરેક્ટર ઓફ માર્કેટિંગ એન્ડ કોમ્યુનિકેશન, લુલુ ગ્રુપ- શ્રી વી. નંદકરણે જણાવ્યું હતું કે લુલુ ગ્રુપ દ્વારા ભારતમાં ત્રીજો મોલ અને સૌથી મોટો મોલ અમદાવાદમાં શરૂ કરવામાં આવશે અને વર્ષ 2023ની શરૂઆતમાં જ આ મોલનું બાંધકામ શરૂ કરી દેવામાં આવશે. આ માટે લુલુ ગ્રુપ આશરે રૂ 3000 કરોડનું રોકાણ કરશે. અહીં 300 કરતાં વધુ દેશ વિદેશની તેમજ સ્થાનિક બ્રાન્ડ્સના શાનદાર શોરૂમ હશે. ઉપરાંત અહીં Imaxનું 15 સ્ક્રીન સાથે મલ્ટિપ્લેક્સ સિનેમા હશે. વળી, સ્વાદપ્રિય જનતા માટે જીભનો ચટાકો પણ મહત્વનો છે તેથી આ મોલમાં એક સમયે, એક સાથે 3000 કરતાં વધુ લોકો બેસી શકે તેવું ફૂડ કોર્ટ પણ હશે. વધુમાં આ અનેક આકર્ષણોની સાથોસાથ અહીં બાળકો માટે એક ખાસ એમ્યુઝમેન્ટ સેન્ટર બનાવવામાં આવશે જે ભારતના સૌથી મોટા એમ્યુઝમેન્ટ સેન્ટર્સ પૈકી એક હશે. આ મોલ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ અમદાવાદને ભારતનું સૌથી લોકપ્રિય શોપિંગ ડેસ્ટિનેશન બનાવવાનો છે.

લુલુ ગ્રુપ દ્વારા કોચિ તેમજ લખનૌમાં બનેલા શોપિંગ મોલ્સ ખૂબ જ ભવ્ય છે અને તે હજારો લોકો માટે રોજગારીનું સાધન બન્યો છે.

આ તમામ વાતો પરથી સમજી શકાય કે અમદાવાદના મોલની શું ગજબ શાન હશે અને લોકો માટે આ કેટલા મોટા આકર્ષણનું કેન્દ્ર બનશે.

યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટીના બહુમાનથી નવાજવામાં આવેલું આપણું અમદાવાદ આમ તો અનેક પ્રાચીન અને ઐતિહાસિક જોવાલાયક સ્થળો આવેલા છે. અત્યાર સુધીમાં અમદાવાદ ખાતે અઢળક આધુનિક આકર્ષણો પણ ઉભા થઈ ચૂક્યા છે. દિવસે ન વધે એટલા રાતે વધી રહેલા અમદાવાદમાં ભારતનો સૌથી મોટો શોપિંગ મોલએ અનેક શોપિંગ લવર્સ કે ટ્રાવેલર્સ માટે જોવા જેવી જગ્યા બની રહેશે.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads