માણસજાતે સૌથી પહેલા કરેલી ક્રાંતિકારી શોધોમાં અગ્નિ તેમજ પૈડાંનો સમાવેશ થાય છે. પરિવહન અત્યંત સરળ બનાવવા બદલ આપણે પૈડાંના આવિષ્કારના હંમેશા આભારી રહીશું. દેશ વિદેશમાં પરિવહન કરવાનો સૌથી આધુનિક વિકલ્પ જહાજ હતો કારણકે તે પાણીમાં ચાલી શકે.
પરંતુ વિજ્ઞાને પ્રગતિની હરણફાળ ભરી અને મનુષ્યએ વધુને વધુ રસ્તાઓ સુલભ બનાવવા ફ્લાયઓવર, પુલ (બ્રિજ) કે બોગદાંના નિર્માણ કર્યા.
દાયકાઓ પહેલા તેમજ આધુનિક યુગમાં, ભારતમાં પણ આવા કેટલાય કમાલના બ્રિજ આવેલા છે જેની મુલાકાત લેવી એ એક લ્હાવો છે!
1. ડોલા સડિયા બ્રિજ, આસામ
મે 2017માં પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતનાં સૌથી લાંબો રસ્તો ધરાવતા બ્રિજનું ઉદ્ઘાટન થયું હતું એ બ્રિજ એટલે બ્રહ્મપુત્રા નદી પર બનેલો ડોલા સડિયા બ્રિજ. આ બ્રિજ 9.15 કિમી જેટલી લંબાઈ ધરાવે છે તેમજ તે આસામ અને અરુણાચલ પ્રદેશ રાજ્યોને જોડે છે.
2. પંબન બ્રિજ, તમિલનાડુ
રામેશ્વરમ ટાપુને ભારત મુખ્ય ભૂમિ સાથે જોડતો અને વર્ષ 1914માં ખુલ્લો મુકવામાં આવેલો ભારતનો સૌ પ્રથમ દરિયાઈ પુલ એટલે પંબન બ્રિજ. શરૂઆતમાં માત્ર રેલ માર્ગ ધરાવતા આ પુલમાં વર્ષ 1988થી વાહન માર્ગ પણ બનાવવામાં આવ્યો. પંબન બ્રિજનો મધ્ય ભાગ જર્મન એન્જિનિયર શેરઝેર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો જે જહાજ પસાર થવાના સમયે ખૂલી જાય છે.
3. મહાત્મા ગાંધી સેતુ, બિહાર
આપણા દેશની સૌથી પવિત્ર નદી ગંગા પર આ બ્રિજ શોભે છે. તેની લંબાઈ કુલ 5.5 કિમી છે અને તે બિહારની રાજધાની પટનાને અન્ય એક શહેર હાજીપુર સાથે જોડે છે. આ પણ ભારતનાં સૌથી લાંબા બ્રિજમાંનો એક છે.
4. બાંદ્રા-વરલી સી લિન્ક, મુંબઈ
વર્ષ 2009 માં ખુલ્લો મુકવામાં આવેલો બાંદ્રા વરલી સી લિન્ક એ મુંબઈના આકર્ષણોમાં આધુનિક ઉમેરો છે તેમ કહી શકાય. આ એક કેબલ સ્ટેડ બ્રિજ છે જે મુંબઈના બે મહત્વના વિસ્તાર બાંદ્રા તેમજ વરલીને જોડે છે. આ બ્રિજ થકી આ બંને વિસ્તારોનું એક કલાકનું અંતર માત્ર 15 મિનિટમાં કાપી શકાય છે. તે અલબત્ત, એક આર્કિટેકચરનું અદભૂત સર્જન છે.
5. હાવડા બ્રિજ, કલકત્તા
ભારતનાં સૌથી ‘જુના ને જાણીતા’ બ્રિજ વિષે વાત કરીએ તો હાવડા બ્રિજ ટોચના સ્થાને આવે કારણકે હુબલી નદી પરથી પસાર થતો અને કલકત્તા અને હાવડાને જોડતો આ બ્રિજ જાણે કલકત્તાની ઓળખ છે! વીસમી સદીના પૂર્વાર્ધમાં બ્રિટિશરો દ્વારા બનાવવામાં આવેલા આ બ્રિજ માટે ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની (TISCO)/ ટાટા સ્ટીલ દ્વારા સ્ટીલ પૂરું પાડવામાં આવ્યું હતું.
6. ગોલ્ડન બ્રિજ, ભરૂચ
ઓગણીસમી સદીમાં બનેલો ખૂબ મોંઘો પણ વ્યવસાય માટે અત્યંત મહત્વનો બ્રિજ એટલે ભરૂચનો ગોલ્ડન બ્રિજ. ભરૂચ તેમજ તેની નજીકના બંદરોનો મુંબઈ સાથેનો વાહનવ્યવહાર સુલભ બનાવવા માટે આ બ્રિજની રચના કરવામાં આવી હતી. સોના જેટલો મોંઘો બ્રિજ બન્યો હોવાથી તેનું નામ ગોલ્ડન બ્રિજ રાખવામાં આવ્યું હતું જે આજે ‘નર્મદા બ્રિજ’ તરીકે ઓળખાય છે.
7. જાદુકાંટા બ્રિજ, મેઘાલય
મેઘાલયનો જાદુકાંટા બ્રિજ વિશ્વના સૌથી સુંદર બ્રિજની યાદીમાં સ્થાન ધરાવે છે. કિનશી નદી પર બનેલો આ બ્રિજ ભારતનો સૌથી લાંબો કેન્ટીલીવર બ્રિજ છે.
8. કોરોનેશન બ્રિજ, દાર્જીલિંગ
બે ખૂબસુરત પર્યટન સ્થળો દાર્જીલિંગ અને કાલિમપોન્ગને જોડતો બ્રિજ એટલે કોરોનેશન બ્રિજ. તિસ્તા નદી પર બનાવવામાં આવેલા આ બ્રિજને સિવોક રોડવે બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બ્રિજ તેના ગુલાબી રંગથી અન્ય બ્રિજથી જુદો પડે છે. બ્રિજના બંને છેડે આવેલા જંગલોમાં વાઘ રહેતા હોવાથી સ્થાનિકો આ બ્રિજને વાઘ પુલ કહે છે.
.