હું ભારતના પૂર્વોત્તરના રાજ્યોને બાદ કરતાં ઉત્તરથી દક્ષિણ લગભગ બધા જ રાજ્યોમાં ફરી ચૂક્યો છું. ઉત્તર આંધ્ર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, તમિલનાડુ જેવા પ્રમાણમાં ઓછા પ્રખ્યાત પ્રવાસન સ્થળોએ મને સ્થાનિકોએ ખૂબ સહકાર આપ્યો છે, ઘણી મદદ કરી છે. તેનાથી વિરુધ્ધ ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ જેવા ખૂબ જ જાણીતા પર્યટન સ્થળોએ હું ઘણો જ છેતરાયો છું. આવી કોઈ ઘટના બને તો પ્રવાસનો મૂડ તો બગડે જ છે, સાથોસાથ એ જગ્યા વિષે બહુ જ ખરાબ છાપ અંકિત થઈ જાય છે. આવા ઠગ લોકોથી સાવચેત રહેવું બહુ જ જરૂરી છે.
તો જો તમે ગોવા જવાનું વિચારો તો આ મુદ્દાઓ અવશ્ય ધ્યાનમાં લેવા:
1. ભાડે કાર કે મોટરસાઇકલ
એક તરફ દરિયો અને બીજી તરફ હરિયાળા જંગલો વચ્ચે બનેલા રસ્તામાં વાહન ચલાવવું કોણે ન ગમે? આમાં કશું ખોટું પણ નથી જ. તેમ છતાં ઘણી વાર આ લોકો કોઈ એવી બાઇક કે કાર આપણને આપી દે છે જેમાં પહેલેથી જ કોઈ ખરાબી હોય. જ્યારે તમે પ્રવાસના અંતે તે પરત કરો ત્યારે કાર કે બાઇકના ભાડા ઉપરાંત તે એ રિપેરિંગના પણ પૈસા લે છે જે તમારી ભૂલ હતી જ નહિ!
બચવા માટે: વાહન ભાડે લેતા પહેલા વાહન-માલિકની હાજરીમાં જ વાહનના ફોટોઝ પાડવા તેમજ વિડીયો લઈ લેવો.
2. જ્વેલરી શોપિંગ
આ ઠગાઇ જોઈને હું ખરેખર હેબતાઈ જ ગયો હતો. માત્ર ગોવા જ નહિ, ભારતમાં અનેક જગ્યાએ સ્થાનિક વિશેષ જ્વેલરીના નામે કોઈ નકલી જ્વેલરી વેચીને તે લોકો ખૂબ રૂપિયા કમાઈ છે. કોઈ વિદેશી મહિલા પાસેથી આવા જ કોઈ ઠગે 65000 રૂ પડાવ્યા હતા.
બચવા માટે: આવા વેપારીઓ માર્કેટિંગ કરવા તમારી પાછળ આવે ત્યાં જ તેમને સ્પષ્ટ દૂર રાહરવા કહી દેવું. ઘણું કહેવા છતાં ન માને તો પોલીસની મદદ લઈ શકાય.
3. હાથીવાળા સાધુ
ભારતભ્રમણનું એક મુખ્ય સૂત્ર છે કે ‘ઢોંગી બાવાઓથી બચીને રહેવું’. સાધુઓ કઈ ખરાબ નથી હોતા પણ પોતે સાધુ હોવાનો ઢોંગ કરીને ઘણા લોકોને છેતરતા હોય છે. ગોવામાં કલુંગેટ અને કાંદોલિમ જેવા વિસ્તારોમાં તમને સાધુના વેશમાં કોઈ ઢોંગી હાથી લઈને જતો જોવા મળશે. તે તમને હાથી સાથે ફોટોઝ પડાવવા લાલચ આપશે અને પછી દક્ષિણાના નામે કેટલાય રૂપિયા પડાવશે.
બચવા માટે: આવા લોકોને કોઈ જ ભાવ ન આપવો અથવા નમ્રતાપૂર્વક ના પાડવી.
4. સીમ કાર્ડનો આકર્ષક સોદો
ઘરે પરિવારજનો સાથે સંપર્કમાં રહેવા કે ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે જો ક્યારેક આપણું કાર્ડ બંધ થઈ જાય તો ગમે ત્યારે કોઈને પણ સીમ કાર્ડની જરુર પડે તે સમજી શકાય. ઘણા ઠગ લોકો આમાં પણ નકલી કાર્ડ વેચવાનો ધંધો કરે છે.
બચવા માટે: કોઈ પણ કંપનીના ઓથોરાઇઝ્ડ સ્ટોરમાંથી જ સીમ કાર્ડ ખરીદવા.
5. ખરીદી ઉપર દલાલી
સસ્તો દારૂ, પરંપરાગત ભારતીય પોષક કે પછી જે તે સ્થળની યાદગીરી માટે કોઈ ગિફ્ટ્સ ખરીદવા માટે તમારા કેબ અથવા રિક્ષા ડ્રાઈવરને પૂછવું એ તમારી સૌથી મોટી ભૂલ ગણાશે. આ સૌનું તે સ્થળના વિવિધ સ્થળોએ સેટિંગ હોય છે અને આપણી ખરીદીના બદલામાં તેમને કમિશન મળે છે. આ લોકોનાં કમિશનની રકમ દુકાનદાર આપણી પાસેથી વસૂલે છે. પરિણામે આપણને તે વસ્તુ ખૂબ મોંઘી પડે છે.
બચવા માટે: તમારી મનપસંદ વસ્તુ ખરીદવા હોટેલ સ્ટાફ અથવા રિસેપ્શનિસ્ટની સલાહ લો. ગૂગલ પર પણ બધી જ માહિતી સુલભ છે. ગોવા જેટલી જાણીતી જગ્યાએ આ પહેલા આવી ચૂક્યા હોય તેમની સલાહ પણ લઈ શકાય.
.