વેકેશનની મોસમ આવી રહી છે ભાઈ અને લાંબી રજાઓને ભરપુર માણવાના તમારા ઈરાદા હોય પરંતુ કન્ફ્યુઝનમાં હો કે આખરે કરવું તો શું કરવું...ફરવા તો જવું છે પરંતુ ખિસ્સાનો પણ ખ્યાલ તો રાખવો પડે ને...તો ચિંતા શું કરો છો...તમારા માટે છે એક બેસ્ટ બજેટ ફ્રેન્ડલી લોકેશન. એ પણ આપણા સિટી...સ્ટેટ...કંટ્રીથી બહાર...એટલે કે તમારી પાસે છે ઓપ્શન ઈન્ટરનેશનલ ઉડાન ભરવાનો...અને એક મસ્ત મજ્જાનું અફોર્ડેબલ , અદભુત અને અતિરોમાંચક ડેસ્ટિનેશન જોઈ રહ્યું છે બસ તમારી જ રાહ...ચાલો તમને લઈ જઈએ વિયેતનામની વન્ડરફુલ સફર પર.
વિયેતનામનું ઓપ્શન તો આપી દીધું પરંતુ વિયેતનામ જવું કેવી રીતે...વિઝા પણ તો જોઈશે...ત્યાં જોવું શું...વિયેતનામમાં કરવું શું...ખાવાની પણ ચિંતા થાય અને રહેવાની બેસ્ટ જગ્યા પણ શોધવી પડે...તો આ તમામ સવાલોના જવાબ અહીં તમને મળશે. પણ પહેલા વિયેતનામ વિશે થોડું જાણી લો..
વિયેતનામ દક્ષિણ પૂર્વ એશિયામાં દક્ષિણ ચીન સમુદ્રના કિનારે આવેલો દેશ છે જે તેના સુંદર મજ્જાના દરિયા કિનારા, નદીઓ, ગુફાઓ, સંગ્રહાલયો, અને બૌદ્ધ પેગોડા, સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફુડ માટે જાણીતો છે. વિયેતનામમાં ટ્રેકિંગની મોજ માણવા જેવી છે. તો સાપા પર્વત, કુક ફુઓંગ નેશનલ પાર્કના પ્રાચીન લેન્ડસ્કેપ વિયેતનામને ખાસ બનાવે છે. .વિયેતનામની રાષ્ટ્રીય ભાષા વિયેતનામીસ છે. અહીં વિયેતનામ ડોંગ (VND) નું ચલણ ચાલે છે.
વિયેતનામના વિઝા કેવી રીતે મેળવવા ?
ઈન્ટરનેશનલ મુસાફરી છે તો અન્ય દેશ માટે વિઝા તો જરુરથી લેવા પડશે. આ પ્રોસેસ ખુબ જ સરળ છે, ભારતીય સિટિઝન્સ વિયેતનામના વિઝા માટે VOA વિઝા ઓન અરાઈવલ માટે અરજી કરી શકે છે. વિયેતનામના કોઈ પણ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેઓ વિઝા મેળવી શકે છે. વિયેતનામના જાણીતા ઈન્ટરનેશનલ એરપોર્ટમાં નહા ત્રાંગ, હનોઈ, હો ચિહ મિન્હ સિટી અને દા નાંગ છે...હવે વિઝા માટેની પ્રોસેસ જાણીએ.
- ઓનલાઈન વિઝા માટે એપ્લિકેશન ફોર્મ ભરવું,
- વિઝા ઓન અરાઈવલ અપ્રુવલ લેટર મેળવો.
- વિયેતનામ ટુરિસ્ટ વિઝા માટે વિયેતનામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર VOA પરમિશન લેટર બતાવી વિઝા મેળવો.
- વિયેતનામ માટે અલગ અલગ ટુરિસ્ટ વિઝા ઉપલબ્ધ છે
1. 30 દિવસના સિંગલ એન્ટ્રી વિઝા
2. 30 દિવસના મલ્ટિપલ એન્ટ્રી વિઝા
વિઝા ફીસ - અંદાજિત 2100 રુ.
વિઝા માટે જરુરી ડોક્યુમેન્ટ્સ
- 6 મહિનાની વેલિડિટી વાળો પાસપોર્ટ
- વિઝા એપ્લિકેશન ફોર્મની નકલ
- પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ
- ટુર પ્લાન વિશેની તમામ માહિતી
- હોટલ બુકિંગ, ફ્લાઈટ બુકિંગ ડિટેઈલ્સ
- રિટર્ન ટિકિટની કૉપી
- છેલ્લા ત્રણ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
- પ્રવાસ માટે તમારી પાસે પુરતી કરન્સી હોવાનો પુરાવો
ઈ વિઝાની પ્રક્રિયા
સ્ટેપ 1 – ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરો જ્યાં તમારા આગમનની તારીખ, પાસપોર્ટ નંબર, નામ, જન્મતારીખ, રાષ્ટ્રીયતા જેવી વિગતો આપવાની રહેશે. જે પાસપોર્ટ ડીટેઈલ્સ સાથે મેચ થાય
સ્ટેપ 2 – વિઝા ફી અને ગવર્મેન્ટ ફી ઓનલાઈન ચુકવો
સ્ટેપ 3 – ઈમેલ દ્વારા પ્રાપ્ત વિયેતનામ ઈ વિઝા ડાઉનલોડ કરો. વિયેતનામમાં આગમન પર બતાવા માટે તેને પ્રિન્ટ કરો.
તમે લગભગ 3 વર્કિંગ ડેઝ માં વિઝા મળી જશે. જો કે આ પ્રોસેસ વધુ સમય પણ લઈ શકે. ઈ વિઝા એ સિંગલ એન્ટ્રી વિઝા છે અને તેની વેલિડિટીના 30 દિવસમાં તમે વિયેતનામની મુલાકાત લઈ શકો છો.
વિયેતનામ પહોંચવું કેવી રીતે ?
વિયેતનામ માટે ઈન્ડિયાથી અલગ અલગ એરલાઈન્સની ડાયરેક્ટ ફ્લાઈટ્સ મળી રહે છે. વિયેતનામ એરલાઈન્સ,વિયેત જેટ કે ઈન્ડિગો એરલાઈન્સમાંથી આપ ચોઈસ કરી શકો છો. વિયેતનામ જવા માટે
ફલાઈટ ટિકિટ્સનો ખર્ચ – લગભગ 20 થી 40 હજારમાં રિટર્ન ટિકિટ (સમય, એરલાઈન્સ મુજબ ફેરમાં તફાવત હોઈ શકે)
- વહેલું બુકિંગ કરોતો બેસ્ટ કોસ્ટમાં ટિકિટ બુક કરાવી શકાય. 2 થી 3 મહિના અગાઉ ટિકિટ બુક કરાવતા ટિકિટ સસ્તી પડી શકે.
વિયેતનામમાં ટ્રાન્સપોર્ટેશન
એરપોર્ટથી તમારે સિટી સેન્ટર સુધી પહોંચી, ડોમેસ્ટિક એરપોર્ટથી તમારા ગંતવ્ય સ્થળ સુધી પહોંચવાનું રહે છે. આ માટે તમે બસ, ટેક્સી કે પ્રાઈવેટ કૅબ કરી શકો છો.
બસ ટિકિટ્સ - 110 થી150 રુ.
ટેક્સી – 845 થી 1600 રુ.
પ્રાઈવેટ કૅબ – 1500 થી 2600 રુ.
વિમાન માર્ગે સફર - શહેરો વચ્ચે મુસાફરી માટે તમે ફ્લાઈટ્સ દ્વારા સફર કરી શકો. હવાઈ મુસાફરી વધુ સુગમ રહે છે.
ફ્લાઈટ ટિકિટ્સ- 4000 થી 8000 રુ. (વન વે ટિકિટ)
ટ્રેન દ્વારા સફર - ટ્રેન દ્વારા મુસાફરી થોડી ધીમી રહે પરંતુ વિયેતનામમાં સાપાની મુલાકાત લેવા માટે વચ્ચેની ટ્રેન જર્ની કરી શકાય
હાનોઈ-લાઓ કાઈ ટ્રેન ટિકિટ્સ - 1700 રુ. (બેડ-એરકંડિશનર સાથે)
હ્યુ-ડા નાંગ ટ્રેન ટિકિટ્સ – 500 રુ (વિધાઉટ બેડ)
શહેરોમાં ફરવા માટે જો તમે બાઈકનો ઓપ્શન લો છો તો 500 રુ. પર ડેના ચાર્જમાં તમને બાઈક મળી જશે. જો ટેક્સી દ્વારા ફરવાનું પસંદ કરો છો તો 1700 થી 3400 રુ. ના ચાર્જમાં તમને ટેક્સી મળી રહે છે.
વિયેતનામમાં ક્યાં રહેવું ?
હો ચી મિન્હમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે રોકાઈ શકો...રહેવાનો ખર્ચ લગભગ 1000 થી 3000 રુ. નો થઈ શકે. જેમાં તમે હોસ્ટેલ્સ, હોટેલ્સ, રિસોર્ટ્સ, ગેસ્ટહાઉસીસની પસંદગી કરી શકો છો. લક્ઝરી હોટેલમાં રહેવાનો ખર્ચ વધુ થઈ શકે છે.
લક્ઝરી હોટેલ – 8200 રુ થી શરુ
મિડ બજેટ હોટેલ – 2500 થી 5000 રુ.
સસ્તી હોટેલ-ગેસ્ટહાઉસ – 500 થી 2500 રુ.
વિયેતનામમાં ઈન્ડિયન ફુડ
વિયેતનામ તેના સ્ટ્રીટફુડ માટે જાણીતુ છે. અહીં તમને અલગ અલગ સ્વાદિષ્ટ વાનગીઓ ટેસ્ટ કરવા મળશે જેમકે નૂડલ સુપ, બાન ચા, ખોઈ તાઈ કરી, કા સૌટ, કા ચિએન...અહીં તમને ઘણા રેસ્ટોરન્ટ્સ અને હોટેલ્સ મળી જાય છે. તો વિયેતનામીઝ ફુડ, ઈન્ડિયન ફુડ અને વેસ્ટર્ન ફુડના પણ ઘણા ઓપ્શન્સ મળી રહે છે. વેજિટેરિયન લોકો માટે કેટલીક જગ્યાઓ પર વેજિટેરિયન બુફે મળે છે જે લગભગ 205 રુ. ચુકવવાના હોય છે. ભારતીય ભોજન માટે તમારા માટે કેટલાક વિકલ્પો છે જેમકે..
રસમ ઈન્ડિયન ક્યુઝિન – હનોઈ
ફેમિલી ઈન્ડિયા – ડા નાંગ
તંદૂર ઈન્ડિયન રેસ્ટોરન્ટ – હો ચી મિન્હ
ફુડ કોસ્ટ – 250 થી 1900 રુ.
વિયેતનામના પ્રમુખ ટુરિસ્ટ પ્લેસ
હો ચી મિન્હ સિટી
ક્યારેક જે હતું માછીમારોનું ગામ આજે વિયેતનામના બેસ્ટ ટુરિસ્ટ સ્પૉટમાંથી છે એક. હો ચી મિન્હ સિટીને સાઈગોન નામથી પણ ઓળખવામાં આવે છે અને વિયેતનામનું સૌથી મોટું શહેર છે હો ચી મિન્હ. આ સિટી પોતાના ભવ્ય ઈતિહાસ, વાયબ્રન્ટ કલ્ચર, ટ્રેડિશન્સ, લોકલ ક્યુઝિન્સ અને નાઈટલાઈફ માટે છે જાણીતું. હો ચી મિન્હમાં તમે નોત્રે દેમ કેથેડ્રલ બેસિલિકા કે જે એક હિસ્ટોરિક કેથેડ્રલ છે તેની મુલાકાત લઈ શકો છો. વોર રમનન્ટ્સ મ્યુઝિયમ જ્યાં વિયેતનામ વોર વિશે જાણી શકો, વોર દરમ્યાન ઉપયોગમાં લેવાયેલી સુરંગોની અંદર જઈને સૈનિકોના જીવનનો અનુભવ કરવાનો મોકો આપે છે ક્યૂ ચી ટનલ, તો શોપિંગના રસિયાઓ માટે બેન થાન માર્કેટ તો સ્વર્ગ સમાન છે જ્યાં પોતાની પસંદ પ્રમાણે ખરીદીનો આનંદ લઈ શકાય.
હાલોંગ બે
વિયેતનામના ટુરિસ્ટ પ્લેસીસમાં સૌથી લોકપ્રિય છે હાલોંગ બે કે જે બે ઓફ ડિસકડિંગ ડ્રેગન્સ તરીકે પણ ઓળખાય છે. હાલોંગના દિલચસ્પ કિસ્સા કહાનીઓ તેને વિયેતનામના અટ્રેક્શન્સમાં શામેલ કરે છે. ત્યારે શાનદાર નજારાઓથી ભર્યું ભર્યું હાલોંગ બે 1994માં યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઈટ્સમાં સ્થાન પામ્યું છે. હાલોંગ બેમાં એન્જોય કરવા માટે ઘણી એક્ટિવિટીઝ ઉપલબ્ધ છે. મનમોહક લેન્ડસ્કેપ્સનો નજારો અને ક્રુઝ આપને જરુરથી પસંદ આવશે.
હનોઈ
વિયેતનામની રાજધાની છે હનોઈ અને રાજધાની જેવા રંગ પણ છે હનોઈમાં. જ્યાં વાયબ્રન્ટ કલ્ચર જોવા મળે છે. ટ્રેડિશનલ માર્કેટ્સ, કારીગરોની કલાકૃતિઓ , સ્ટ્રીટફુડનો સુપર્બ ટેસ્ટ તમામ હનોઈની ખાસિયત છે. હનોઈ સતત ધમધમતુ શહેર છે પરંતુ અહીંના મંદિરો અને પેગોડાની મુલાકાત આપને શાંતિનો અનુભવ કરાવશે..હનોઈમાં ઉત્કૃષ્ટ આર્કિટેક્ચરની ઝલક જોવા મળે છે. તો ફોટોગ્રાફીના શોખીનો માટે પેરેડાઈઝ જેવું છે હનોઈ.
સાપા
વિયેતનામના બેસ્ટ ડેસ્ટિનેશનમાં એક છે સાપા. વાદળોના સ્વર્ગ તરીકે ઓળખાતા સાપાની સફર દરમિયાન પ્રકૃતિની સુંદરતા તમારું મન મોહી લેશે. અહીંની આબોહવા પર્યટકોને સ્વર્ગ જેવા આનંદનો અનુભવ કરાવે છે. તો કેટલાક દિલચસ્પ સ્થળો પણ અહીંની ખાસિયત છે. ઈંડોચીનની સૌથી ઊંચી ટોચના રુપમાં ફાંસિપાનના શાનદાર ટ્રેકિંગની મજા પણ માણવા જેવી છે. ફાંસિપાનને રુફ ઓફ ઈન્ડોચાઈના પણ કહે છે. અહીં પહાડો, ખીણો અને કેટ કેટ વોટરફોલનો ખૂબસૂરત નજારો આપ માણી શકો છો. સમુદ્ર સપાટીથી 1600 મીટરની ઉંચાઈએ આવેલું સાપા શિયાળામાં વાદળોથી છવાયેલું રહે છે.
હ્યૂ
વિયેતનામની પ્રાચીન રાજધાની એવું હ્યૂ ટુરિસ્ટની મનગમતી જગ્યાઓમાંથી એક છે. વિયેતનામ ગુયેન વંશ માટે જાણીતું છે ત્યારે હ્યૂની સફર દરમિયાન તમે ઐતિહાસિક કબર અને મકબરા પણ જોઈ શકો છો. પરફ્યૂમ નદીના કિનારે આવેલું હ્યૂ વિયેતનામની સંસ્કૃતિ, રાજનીતિ અને ધર્મના કેન્દ્રના રુપમાં પણ પ્રચલિત છે. અહીંનું ભોજન સ્વાદરસિકોને આકર્ષે છે...હ્યૂને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ્સના લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યું છે.
ન્હા ટ્રાંગ
વિયેતનામની યાત્રાએ હો અને ન્હા ટ્રાંગની મુલાકાત ન લો તો સફર અધૂરી રહે... સફેદ રેતીલા સમુદ્રી તટો માટે જાણીતું છે ન્હા ટ્રાંગ..અહીંના ખૂબસૂરત ક્રિસ્ટલ ક્લીયર બ્લૂ પાણીની સાથે લાંબા રેતીલા સમુદ્ર કિનારાની ખૂબસૂરતી માણવા જેવી વસ્તુ છે. ખૂબસૂરતીનો ખજાનો જોવો છે તો ન્હા ટ્રાંગની મુલાકાત અવશ્ય લેવી.
મેકોંગ ડેલ્ટા
વિયેતનામની સફર મેકોંગ ડેલ્ટાની મુલાકાત વગર અધૂરી જ રહે...વિયેતનામમાં આવેલું અનોખું ફ્લોટિંગ માર્કેટ છે મેકોંગ ડેલ્ટામાં. અહી નદીઓ...નહેરો...શાકભાજી, ફળ, અનાજના ખેતરો આવેલા છે જે અહીંની ખૂબસૂરતીને વધારે છે. વિયેતનામની સફરે નીકળ્યા હો તો મેકાંગ ડેલ્ટાની મુલાકાત અચૂક લેવી.
વિયેતનામ જવા માટે બેસ્ટ સમય
વિયેતનામની ટ્રિપ કરવાની ઈચ્છા હોય તો ફેબ્રુઆરીથી માર્ચ અને ઓગસ્ટથી ઓક્ટોબરનો સમય બેસ્ટ માનવામાં આવે છે. જો કે વર્ષમાં ક્યારેય પણ તમે વિયેતનામની મુલાકાત લઈ શકો છો.
તો વિયેતનામની સફર કરવાના વિચારને અમલમાં મુકવાનો સમય અત્યારે જ છે એક સરસ મજજાનો હોલિડે પ્લાન બનાવો અને સોલો, ફ્રેન્ડ્સની સાથે કે પછી ફેમિલી સાથે લાઈફની બેસ્ટ જર્ની માણવા માટે તૈયાર થઈ જાવ.
તો મિત્રો...તમારી સફરને આસાન અને આનંદદાયક બનાવવા માટેનો આ આર્ટિકલ જો આપને પસંદ આવ્યો હોય તો લાઈક અને ફોલો કરવાનું ભુલશો નહીં...ફરી ઘુમીશું કોઈ નવા ડેસ્ટિનેશન પર અને ફરી કરીશું કોઈ નવી ટ્રાવેલ તફરીની વાત...નેક્સ્ટ આર્ટિકલમાં.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો