women's day: સાસણગીરની આ હોટલમાં બારેમાસ મહિલા દિવસ, દિકરીઓને રહેવાનું ફ્રી

Tripoto
Photo of women's day: સાસણગીરની આ હોટલમાં બારેમાસ મહિલા દિવસ, દિકરીઓને રહેવાનું ફ્રી 1/7 by Paurav Joshi

8 માર્ચ એટલે વિમેન્સ ડે. મહિલાઓ પ્રત્યે માન દર્શાવવાનો દિવસ. આ દિવસ આખા વિશ્વમાં માત્ર મહિલાઓની જ વાતો થાય છે. પછી રાત ગઇ બાત ગઇ...આખુ વર્ષ કોઇ મહિલાઓને યાદ પણ નથી કરતું. પરંતુ સમાજમાં એવા લોકો પણ છે જેઓ મહિલાઓ પ્રત્યે કામ કરવામાં કોઇ દિવસની રાહ નથી જોતા. તેમને મન તો આખું વર્ષ વિમેન્સ ડે જ હોય છે. આજે આપણે વાત કરીશું એવા જ વ્યક્તિઓની.

Photo of women's day: સાસણગીરની આ હોટલમાં બારેમાસ મહિલા દિવસ, દિકરીઓને રહેવાનું ફ્રી 2/7 by Paurav Joshi

શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે તમે ક્યાંક ફરવા જાઓ અને ત્યાં કોઇ રિસોર્ટમાં તમારી સાથે તમારી કુંવારી દીકરી (unmarried daughter) ને રહેવાનું ફ્રીમાં મળે ? સાસણગીરના એક રિસોર્ટમાં વર્ષોથી કુમારિકાઓ પાસેથી કોઇ ચાર્જ વસૂલ કરવામાં નથી આવતો. સાસણગીરના ગીર અભ્યારણ્યમાં દર વર્ષે સિંહ દર્શન માટે હજારોની સંખ્યામાં મુલાકાતીઓ આવે છે. દિવાળીના સમયમાં અહીં હોટલ કે રિસોર્ટમાં રહેવાના ઉંચા ભાડા ચૂકવવા પડ છે ત્યારે જો કોઇ રિસોર્ટમાં તમારી બહેન કે દિકરીને ફ્રીમાં રહેવા મળે તો તમારા ખિસ્સા પર એટલો બોજ ઓછો પડે.

સાવજ રિસોર્ટમાં દીકરીઓ ગણાય છે ખાસ ગેસ્ટ

Photo of women's day: સાસણગીરની આ હોટલમાં બારેમાસ મહિલા દિવસ, દિકરીઓને રહેવાનું ફ્રી 3/7 by Paurav Joshi

સાવજ રિસોર્ટના સંચાલકોના દાવા અનુસાર આખી દુનિયામાં આ એકમાત્ર રિસોર્ટ એવો છે જ્યાં માતા-પિતા સાથે રિસોર્ટમાં રોકાતી કુમારિકા પછી તે કોઇપણ ઉંમરની કેમ ન હોય, તેનો કોઇ ચાર્જ વસૂલ કરવામાં નથી આવતો. સીધી ભાષામાં કહીએ તો પેરન્ટ્સે રહેવાનો ચાર્જ આપવો પડે છે પરંતુ જો તેમની સાથે આવેલી દીકરી કુંવારી છે તો તેને રહેવા, જમવાનું બિલકુલ ફ્રી હોય છે. રિસોર્ટના માલિક વિજયભાઇ જિવાણીનું કહેવું છે કે અમે દીકરીઓને માન-સન્માન આપીએ છીએ. 2008માં જ્યારથી રિસોર્ટ શરૂ થયો ત્યારથી જ અમે માં-બાપ સાથે આવતી કુંવારી છોકરીઓ પછી તે એક હોય કે એકથી વધુ હોય, તેની પાસેથી કોઇ ચાર્જ વસૂલ કરતા નથી. આવુ અમે ઘણાં વર્ષોથી કરીએ છીએ. અને દીકરીઓને ખાસ ગેસ્ટ તરીકે આવકારીએ છીએ.

ક્યાં છે સાવજ રિસોર્ટ અને કેવી છે સુવિધા

Photo of women's day: સાસણગીરની આ હોટલમાં બારેમાસ મહિલા દિવસ, દિકરીઓને રહેવાનું ફ્રી 4/7 by Paurav Joshi

સાવજ રિસોર્ટ સાસણગીરમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ઓફિસ સિંહસદનથી માત્ર 4 કિલોમીટરના અંતરે છે. દેવળિયા પાર્ક અહીંથી 12 કિલોમીટરના અંતરે છે. આ રિસોર્ટથી સાસણગીર સફારી પાર્કની એન્ટ્રીથી ફક્ત બે કિલોમીટર દૂર છે. રિસોર્ટને અડીને જ હિરણ નદી પર બાંધવામાં આવેલો ચેકડેમ છે. જુની રેલવે લાઇન છે. રિસોર્ટમાંથી તમે નદીમાં મગરને તરતા જોઇ શકો છો. નદીની આસપાસ હરણ, નીલગાય, સાબરને જોઇ શકાય છે તો ક્યારેક સાવજના દર્શન પણ થઇ જાય છે. રિસોર્ટની અંદર કેસર કેરીનું આંબાવાડિયું છે.

સાવજ રિસોર્ટમાં સ્વિમિંગ પુલ, કોન્ફરન્સ હોલ, 200 વ્યક્તિની ક્ષમતાવાળો મલ્ટીપર્સઝ હોલ છે. લગ્ન માટે 500થી 700 વ્યક્તિઓને સમાવતો સાઉન્ડ પ્રુફ હોલ છે.

Photo of women's day: સાસણગીરની આ હોટલમાં બારેમાસ મહિલા દિવસ, દિકરીઓને રહેવાનું ફ્રી 5/7 by Paurav Joshi

ડાઇનિંગ હોલ, પાર્કિંગ, ડોક્ટર ઓન કોલ, વોકિંગ ટ્રેક, માંચડા, બોનફાયર

ચિલ્ડ્રન પાર્ક, સિટિંગ લોન્જ

જંગલ વ્યૂ દર્શાવતું ટેરેસ

45 કોટેજીસ અને રૂમ્સ

100 ટકા વેજીટેરિયન ફૂડ

સાવજ રિસોર્ટમાં જમવાનું સ્વાદિષ્ટ હોય છે. સવારે બ્રેકફાસ્ટમાં બટાકાપૌંઆ, થેપલા, ઇડલી-સંભાર, ઢોંસા, બ્રેડ-બટર, ચા-કોફી સહિત વિવિધ પૌષ્ટિક આહાર હોય છે તો લંચમાં પણ ગુજરાતી, કાઠિયાવાડી, પંજાબી વાનગીઓ મળે છે. કાઠિયાવાડી ખાવાના શોખીનો માટે રોટલા, કઢી, ખીચડી, દાળઢોકળી, રિંગણનો ઓલો, લસણિયા બટાકા, સેવ-ટામેટાનું શાક, છાશ, પાપડ સહિત અનેક વેરાયટી ઉપલબ્ધ છે તો જેને પંજાબી ભાવે છે તેમના માટે પનીર અને વેજીટેબલ સબ્જીની અનેક વેરાયટી મળે છે.

આટલું છે ભાડું

Photo of women's day: સાસણગીરની આ હોટલમાં બારેમાસ મહિલા દિવસ, દિકરીઓને રહેવાનું ફ્રી 6/7 by Paurav Joshi

સાવજ રિસોર્ટની વેબસાઇટ અનુસાર તેનું 1 રાતનું ભાડું 2500થી 4000 રૂપિયા સુધીનું છે. આ ભાડામાં જીએસટી અલગથી લાગે છે. વધુ વિગત માટે સાવજ રિસોર્ટનો https://www.saavajresort.in/ પર સંપર્ક કરી શકો છો. સાવજ રિસોર્ટમાં સ્ટાન્ડર્ડ રૂમ, ડિલક્સ રૂમ, લક્ઝરી કોટેજ, સુપ ડિલક્સ કોટેજ, ડિલક્સ કોટેજ, ફેમિલી સ્ટુડિયો વગેરની સુવિધા છે.

રિસોર્ટથી નજીકમાં શું છે

Photo of women's day: સાસણગીરની આ હોટલમાં બારેમાસ મહિલા દિવસ, દિકરીઓને રહેવાનું ફ્રી 7/7 by Paurav Joshi

અગાઉ જણાવી ગયા તેમ દેવળિયા પાર્ક અહીંથી માત્ર 12 કિલોમીટર દૂર છે. દેવળિયા પાર્કમાં બસમાં બેસીને સિંહ દર્શન કરી શકાય છે. દેવળિયા પાર્કની ટિકિટ ઓન લાઇન બુક કરી શકાય છે. પાર્કમાં દિપડાઓ પણ મોટી સંખ્યામાં છે. સોમનાથ મંદિર અહીંથી આશરે 50 કિલોમીટર દૂર છે. સોમનાથ મંદિર એક જ્યોર્તિલિંગ છે. દર વર્ષે અહીં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભોળાનાથના દર્શન કરવા આવે છે. સોમનાથમાં પણ રહેવાની સુવિધા છે. દરિયાના કિનારે ઊંટ સવારી કરવાની મજા આવે છે. નજીકમા ભાલકાતીર્થ છે જ્યાં ભગવાન કૃષ્ણને પારધીએ તીર માર્યું હતું. આ ઉપરાંત ગુજરાતીઓને સૌથી પ્રિય એવું દીવ અહીંથી 100 કિલોમીટરના અંતરે છે. દિવમાં ઘોઘલા, નાગોઆ, ચક્રતીર્થ, ગોમતીમાતા બીચ સહિત અનેક બીચ છે. આ સિવાય દીવ મ્યૂઝિયમ, ચર્ચ, નાયડા કેવ્સ, આઇએનએસ કુફરી, ગંગેશ્વર મહાદેવ, દીવ ફોર્ટ જેવા સ્થળો જોવાલાયક છે. નાગવા બીચ પર અનેક સહેલાણીઓ વોટર એડવેન્ચર અને અન્ય એક્ટિવિટીઝ માટે આવે છે. સમુદ્રની સામે જ બાર, રેસ્ટોરન્ટ અને હોટેલો આવેલી છે જ્યાં પ્રવાસીઓ ન્હાઈને સી ફૂડ, નોન વેજ કે વેજ ફૂડ માણી શકે છે. દીવ આવતા ઘણાં ઓછા લોકો નાઈડા કેવ્સની મુલાકાત લેતા હોય છે, પરંતુ દીવ ફોર્ટ નજીક આવેલા આ સ્થળની વહેલી સવારે મુલાકાત લેવી જોઈએ. જો ફોટોગ્રાફીનો શોખ હોય તો વહેલી સવારે સૂર્યોદયના સમયે અહીં પહોંચી જજો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads