વિમેન્સ ડે આવી રહ્યો છે ત્યારે આજે આપણે વાત કરવી છે ગુજરાતની મહિલાઓની. સામાન્ય રીતે ખાણીપીણીના માર્કેટમાં પુરુષોનો દબદબો રહ્યો છે. કોઇ પણ હોટલ હોય કે રેસ્ટોરન્ટ કે પછી હોય ફાસ્ટ ફુડનો બિઝનેસ, તમને ચારેબાજુ શોધવા છતાં કોઇ મહિલા નહીં દેખાય. જો કે ગૃહ ઉદ્યોગની વાત અલગ છે. ઘરેથી શરૂઆત કરીને મોટુ નામ કર્યું હોય અને આજે એ જ નામે પણ સફળતા પૂર્વક બિઝનેસ ચાલી રહ્યો હોય તેવા ઉદાહરણ પણ તમને જોવા મળી જાય છે. આજે આપણે આવી જ કેટલીક સફળ ગુજરાતી મહિલાઓની વાત કરીશું.
જશુબેન ઓલ્ડ પિઝા, અમદાવાદ
અમદાવાદના લો ગાર્ડન વિસ્તારનું ખાણીપીણી માર્કેટ કે જેને હવે હેપ્પી સ્ટ્રીટના નામે ઓળખવામાં આવે છે ત્યાં છે જશુબેન ઓલ્ડ પિઝા સેન્ટર. જશુબેન ઓલ્ડ પિઝા હવે તો પ્રહલાદ નગર વિસ્તારમાં પણ મળે છે. પરંતુ 1990ના દશકમાં જ્યારે અમદાવાદમાં પિઝાનું ખાસ ચલણ નહોતું ત્યારે જશુબેનના પિઝાની શરુઆત થઇ હતી. આજે તો અમદાવાદમાં યુએસ પિઝા, પિઝા હટ, ડોમિનોઝ, અંકલ સેમ સહિત અનેક પિઝા બ્રાન્ડ છે પરંતુ તે સમયે પિઝાનો આજના જેવો ક્રેઝ નહોતો. કેટલાકને તો એ પિઝા એટલે શું એ પણ ખબર નહોતી. ત્યારે જશુબેન અને અંદારબેને પિઝાની શરુઆત કરી હતી. બાદમાં જશુબેન પુના શિફ્ટ થઇ ગયા પરંતુ અંદારબેને તેની સિક્રેટ સોસ રેસીપી સાથે જશુબેનના નામે પિઝાનો બિઝનેસ ચાલુ રાખ્યો. જશુબેનના પિઝા ખાવામાં એકદમ ક્રિસ્પી લાગે છે એટલે આજના અનલિમિટેડ પિઝાના સમયમાં પણ જશુબેનના પિઝાનો ક્રેઝ યથાવત છે. આજે તો જશુબેનના પિઝા સેન્ટરમાં પિઝાની સાથે બર્ગર, હોટડોગ સહિત અનેક ફાસ્ટફુડનો ઉમેરો થયો છે.
ઇન્દુબેન ખાખરાવાળા
ઇન્દુબેન ખાખરાવાળા અમદાવાદનું જુનું અને જાણીતું નામ છે. 1960ના દશકમાં અમદાવાદમાં ઇન્દુબેન ઝવેરીએ ખાખરા વેચવાની ત્યારે શરૂઆત કરી જ્યારે તેમનું કુટુંબ નાણાંકીય મુશ્કેલીમાં મુકાયું હતું. તેઓ પોતાના ઘરમાં જ ચારથી પાંચ જાતના નમકીન બનાવીને વેચતા હતા. તેમના મુખ્ય ગ્રાહકો તેમના પાડોશીઓ જ હતા. ખાખરા વેચવાની શરુઆત કર્યાના ચારથી પાંચ જ વર્ષમાં તેમનો બિઝનેસ જામવા લાગ્યો. 1981માં તેમનું 54 વર્ષની વયે નિધન થયું. તેમના જીવન પરથી પ્રેરણા લઇને સોની ટીવી પર એક સિરિયલ ક્રિષ્નાબેન ખાખરાવાલા પણ આવી હતી. ઇન્દુબેન 43 વર્ષના હતા ત્યારે ખાખરા બનાવવાની શરુઆત કરી હતી. તેમની તબિયત સારી નહોતી રહેતી પરંતુ તેઓ એક હિંમતવાન મહિલા હતા. તેઓએ નમકિન બિઝનેસની શરુઆત કરી અને જુદા જુદા નાસ્તા બનાવતા પરંતુ મુખ્ય સ્નેક ખાખરા જ હતા. અને આ નામથી જ તેમને લોકપ્રિયતા મળી. શરૂઆતમાં ઇન્દુબેન માત્ર થોડાક જ નમકીન બનાવીને તેનું વેચાણ કરતા હતા. આજે તો તેમની શોપમાં ખાખરાની અનેક ફ્લેવર્સ ઉપલબ્ધ છે. જુદા જુદા અથાણા પણ વેચાય છે. 1990માં તેમના પુત્ર હિરેન ઝવેરીએ નોકરી છોડીને માતાના બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. ઇન્દુબેનના ખાખરાની માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશોમાં પણ ડિમાંડ છે.
ઇન્દુબેન ખાખરાવાળાની પ્રોડક્ટ્સ
ખાખરા, નમકિન, ડ્રાય સ્નેક્સ, રોસ્ટેડ સ્નેક્સ, ચાઇનીઝ સ્નેક્સ, હોટ સ્નેક્સ, અથાણાં, મઠિયા-ચોળાફળી, ગુજરાતી નાસ્તા, મસાલા, સિરપ્સ, મીઠાઇઓ વગેરે.
ખાખરાની વેરાયટી
સાદા ખાખરા, નાયલોન ઘી સ્પાઇસી ખાખરા, મઠ ખાખરા, ગ્રીન બીન પેપર ખાખરા, લો ડાયટ ખાખરા, પંજાબી સ્પાઇસી ખાખરા, મઠિયા ખાખરા, ચાઇનીઝ ખાખરા, મંચુરિયન ખાખરા, મિન્ટ ખાખરા, ઓનિઅન, સોયાબિન, ફુદીના, ગાર્લિક, મગ, બાજરા, ચસ્કા-મસ્કા, પિઝા, ચોળાફળી, સોયાબિન, ટોમેટો, કચ્છી ભાખરી, સેઝવાન, સેન્ડવિચ, માંગરોળી, ભાજીપાંઉ, પિઝા, પાણીપુરી, બિસ્કિટ, ચોકલેટ સહિત અનેક જાતના ખાખરાની વેરાયટી છે.
સ્નેક્સની વેરાયટી
ચવાણું, ટામેટા સેવ, પોટેટો સેવ, રત્લામી સેવ, દાલ મુંઠ, ટોમેટો પાપડી, ચીઝ બોલ્સ, ટમટમ, ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા, નાયલોન ગાંઠિયા, બિકાનેરી સેવ, મગ, શિંગ ભુજીયા, ફુલવડી વગેરે.
ક્યાં છે ઇન્દુબેન ખાખરાવાળાની દુકાન
શિલ્પ બિલ્ડિંગ પાછળ, સરદાર પટેલ સેવા સમાજ સામે, ઓફ સીજી રોડ, નવરંગપુરા, અમદાવાદ.
લિજ્જત પાપડ
વાત વર્ષ 1959ની છે. બોમ્બે (હવે, મુંબઈ)માં ઉનાળામાં એક અગાશી પર સાત ગુજરાતી મહિલાઓ પોતાના ઘરની આર્થિક સમસ્યાને દૂર કરવા માટે આજીવિકાના કોઈ સાધન પર વિચાર કરી રહી હતી. તેઓ વધારે તો ભણેલી નહોતી તેમજ તેમને કંપની ચલાવવાનો પણ કોઈ જ અનુભવ નહોતો. આ કારણે તેમણે એક સ્થિર આવક થાય તે હેતુથી પાપડ વેચવાનું શરુ કર્યું હતું. જે તેમની પાસે કળા હતી. પરંતુ મોટી સમસ્યા એ હતી કે તે મહિલાઓની પાસે બિઝનેસ ચલાવવા માટે પૈસા ન હતા. આવી સ્થિતિમાં એક સામાજિક કાર્યકર્તા છગનલાલ પારેખ પાસેથી 80 રૂપિયા ઉધાર લીધા હતા. . આ રકમમાંથી પાપડને એક ઉદ્યોગમાં બદલવા માટે જરૂરી સામગ્રી ખરીદવામાં આવી. જોત જોતામાં આ કંપની મોટી બની ગઈ. 15 માર્ચ 1959ના મશહૂર માર્કેટ ભૂલેશ્વરમાં આ પાપડ વેચાવા લાગ્યા. તે સમયે આ મહિલાઓ બે બ્રાન્ડના પાપાડ બનાવતી હતી. પરંતુ છગનલાલ પારેખે મહિલાઓને સલાહ આપી કે તે પોતાની ગુણવતા સાથે કોઈ બાંધ છોડ ન કરે. આ મહિલાઓએ તેની વાત માનીને માત્ર ગુણવતા ધરાવતા પાપડ બનાવવા પર જ ધ્યાન આપ્યુ.
શરુઆતમાં જસવંતીબહેન પોપટ, જયબેન વિઠલાણી, પાર્વતીબહેન થોડાણી, ઉજમબેન કુંડલિયા, ભાનુબહેન તન્ના, લગુબહેન ગોકાણીએ સ્થાનિક બજારમાં પોતાના પાપડ વેચ્યા હતાં. આજે લિજ્જત પાપડની દેશભરમાં લગભગ 67 શાખાઓ અને 35 ડિવિઝનો છે. શ્રી મહિલા ગૃહઉદ્યોગ લિજ્જત પાપડમા લગભગ 40,000 થી વધુ મહિલાઓ કામ કરે છે. 80 રુપિયાથી શરુ થયેલી લિજ્જત પાપડ આજે 800 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપની બની ગઇ છે.