મોટા ભાગના કિસ્સાઓમાં તમે નોંધ્યું હશે કે દેશ વિદેશમાં પ્રવાસ કરનાર વ્યક્તિ પોતાના ઘરની આસપાસ આવેલી જગ્યાઓની મુલાકાત લેવાની ભાગ્યે જ તસ્દી લે છે. દેશ કે દુનિયામાંથી ગુજરાતના પ્રવાસે આવતા મુલાકાતીઓએ અહીંની આ વિશેષતાઓ જોઈ હશે પણ ગુજરાતમાં રહેતા ગુજરાતીઓ નહિ!!
એટલે ગુજરાતમાં જ રહેતા હોય તેમણે આ 15 જગ્યાઓ તો ખાસ જોવી જ રહી!
1. સોમનાથ
ભારતમાં કોઈ પણ વ્યક્તિ સામે તમે ગુજરાતમાં ફરવાની વાત કરો એટલે સૌથી પહેલું નામ નિઃશંકપણે સોમનાથનું જ આવે. વિશ્વમાં સૌથી વધુ મુલાકાત લેવાતું શિવ મંદિર- પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ એ બિનગુજરાતીઓ માટે જાણે ગુજરાતનું સમાનાર્થી છે!
2. દ્વારકા
સોમનાથને જ સમકક્ષ કહી શકાય દ્વારકા મંદિર. સૌના વ્હાલા એવા ભગવાન કૃષ્ણ જે નગરીના રાજા હતા તેવી દ્વારકા નગરીની મુલાકાત લેવા દર વર્ષે દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે.
3. સ્ટેચ્યૂ ઓફ યુનિટી
સ્વતંત્ર ભારતનાં શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલના ભવ્ય વ્યક્તિત્વને વિશ્વનું સૌથી ઊંચું પૂતળું એ નાનકડી અંજલિ છે તેમ કહી શકાય.
4. સાસણ ગીર
આખા જગતમાં એશિયાટિક સિંહોનું એકમાત્ર ઠેકાણું આપણા જ ગુજરાતમાં હોય અને આપણે તે સ્થળ ન જોયું હોય તેવું કેમ ચાલે?
5. કચ્છનું રણ
કચ્છના સફેદ રણની ખ્યાતિ હવે માત્ર ગુજરાત કે ભારત પૂરતી જ સીમિત નથી. આ રણને માણવા માટે દુનિયાભરમાંથી લોકો ‘રણોત્સવ’માં ઉત્સાહભેર ભાગ લેવા આવે છે.
6. મોઢેરા સુર્યમંદિર
દેશમાં માત્ર ત્રણ જ પ્રાચીન સુર્ય મંદિરો આવેલા છે: પૂર્વે ઓડિશામાં કોણાર્ક મંદિર, ઉત્તરે કાશ્મીરમાં માર્તંડ મંદિર, અને પશ્ચિમે ગુજરાતમાં મોઢેરાનું મંદિર. ગુજરાત રાજ્યમાં એક અદભૂત સુર્યમંદિર છે એ આપણા સૌ માટે સદભાગ્યની વાત છે.
7. સાબરમતી રિવર ફ્રન્ટ
21મી સદીની શરૂઆત પછી ગુજરાતમાં વિકાસે હરણફાળ ભરી છે. તેનું એક સૌથી ખૂબસુરત અને લોકપ્રિય ઉદાહરણ એટલે સાબરમતી રિવરફ્રન્ટ. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ, એટલે કે જુના અને નવા અમદાવાદને અલગ પાડતી સાબરમતી નદીની રિવરફ્રન્ટ બન્યા બાદ કાયાપલટ થઈ ગઈ છે.
8. રાણી કી વાવ
યુનેસ્કો દ્વારા ધ્યાનમાં લેવામાં આવ્યું હોય તેવું ગુજરાતનું સર્વ પ્રથમ સ્થળ પાટણમાં આવેલી રાણકી વાવ હતું. ઐતિહાસિક દ્રષ્ટિએ પાટણ એ ગુજરાતનું મહત્વનું શહેર છે અને રાણકી વાવ એ શહેરની જ નહિ, આખા ગુજરાતની આગવી ઓળખ છે.
9. અંબાજી
હિન્દુ ધર્મ અનુસાર કુલ 51 શક્તિપીઠ આવેલી છે જે પૈકી એક ગુજરાતમાં પણ છે! ઉત્તર ગુજરાતમાં આવેલું અંબાજી એ ખૂબ જ પવિત્ર યાત્રાધામ છે અને દેશભરમાંથી લોકો અહીં દર્શન કરવા આવે છે.
10. પાવાગઢ
ધર્મ અને કુદરતી સુંદરતાનો સંગમ એટલે પાવગઢનો ડુંગર. પાવાગઢ એ ઉત્તર, દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતના લોકો માટે એક આદર્શ વીકએન્ડ ગેટવે છે. વળી, તેની બાજુમાં જ આવેલું ચાંપાનેર પણ ફરવાલાયક જગ્યા છે.
11. અડાલજની વાવ
ગુજરાતીઓનું પ્રિય ફોટોગ્રાફી ડેસ્ટિનેશન! અમદાવાદ-ગાંધીનગર ગુજરાતમાં રાજકીય રીતે જ નહિ, ભૌગોલિક રીતે પણ કેન્દ્રસ્થાને આવેલા છે. આ બંને શહેરોની મધ્યે સ્થિત તેવી વિખ્યાત અડાલજની વાવ છે જે લગભગ સૌની મનપસંદ છે.
12. અક્ષરધામ
કોઈ એક મંદિર લોકો માટે શ્રદ્ધા તેમજ આધ્યાત્મિક મનોરંજનનું કેન્દ્ર હોય તેવું બહુ ઓછા કિસ્સાઓમાં જોવા મળે. ગાંધીનગરમાં બનેલું અક્ષરધામ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો માટે ધાર્મિક રીતે મહત્વનું તો છે જ સાથોસાથ લોકોને અહીં સાંજ વિતાવવી ખૂબ પસંદ પડે છે.
13. રતનપોળ, લૉ ગાર્ડન
ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ લગ્નની ખરીદી વાત આવે ત્યારે એક નામનો અચૂક ઉલ્લેખ સાંભળવા મળે અને તે છે અમદાવાદની રતનપોળ. અને નવરાત્રિની શોપિંગ માટે લૉ ગાર્ડન સૌ છોકરીઓનું મોસ્ટ ફેવરિટ છે!
14. નર્મદા નદી
ગુજરાતની જીવાદોરી છે મા રેવા. મધ્ય પ્રદેશમાંથી નીકળતી નર્મદા નદી એ ગુજરાતની સૌથી મહત્વની નદી છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ તેમજ નર્મદા જિલ્લામાં વિવિધ જગ્યાએ આ નદી ખૂબ મનમોહક સ્વરૂપે જોવા મળે છે.
15. શિવરાજપુર બીચ
બ્લૂ ફેગ ધરાવતો ગુજરાતનો એકમાત્ર બીચ. જામનગર જિલ્લામાં આવેલો શિવરાજપુર બીચ છેલ્લા કેટલાક વર્ષોથી પ્રવાસ પ્રેમીઓના મનમાં વસી ગયો છે. વળી, સ્વચ્છતાને કારણે સાફ ભૂરા પાણીના આ બીચની સુંદરતા ઔર ખીલી ઉઠે છે.
તમારો સ્કોર શું થયો? તમારા મિત્રો અને પરિવારજનો સાથે પણ આ લેખ શેર કરો અને જાણો કે કોણ છે પાક્કો ગુજરાતી?
.