ભારતનાં પૂર્વી રાજ્યોમાં આવેલા તીર્થસ્થળોની વાત આવે ત્યારે આપણા માનસપટ પર સૌથી પહેલું નામ આવે જગન્નાથ પૂરીનું. હિન્દુ શાસ્ત્રોમાં જે ચાર ધામનો મહિમા ગાવામાં આવ્યો છે તેમાં આ મંદિરનો ઉલ્લેખ છે.
આ મંદિર ખૂબ જ મહત્વનું છે જ, પણ તે સિવાય પ્રવાસનની બાબતમાં ઓડિશા રાજ્ય ખાસ ધ્યાનમાં નથી લેવામાં આવતું તે પણ વાસ્તવિકતા છે.
ચાલો, આજે આપણે અમુક એવા કારણોની યાદી બનાવીએ જેથી તમને તમારી નેક્સ્ટ ટ્રીપ ઓડિશા કરવાનું જ વિચારશો.
1. કોણાર્ક
કોણાર્કના સુર્યમંદિર વિષે કોણ નથી જાણતું? દેશમાં માત્ર ત્રણ સુર્યમંદિરોમાનું એક એટલે માર્તંડ સુર્યમંદિર. 13 મિ સદીમાં બનાવવામાં આવેલું આ સુર્યમંદિર આર્કિટેક્ચરનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. અહીં 12 ચક્રો એવી રીતે બનાવવામાં આવ્યા છે જેના પડછાયા પરથી દિવસનો કયો સમય ચાલી રહ્યો છે એ જાણી શકાય છે!
ભુવનેશ્વરથી અંતર: 66 કિમી
2. ચિલીકા લેક
વિદેશી પક્ષીઓ, ડોલ્ફિન અને હજારો સહેલાણીઓનું ફરવાનું મનપસંદ સ્થળ એટલે ચિલીકા સરોવર. કુદરતના સાનિધ્યમાં ફરવાનું પસંદ કરતાં લોકો માટે ખાસ ફરવાલાયક સ્થળ.
ભુવનેશ્વરથી અંતર: 71 કિમી
3. મયુરભંજ
વૈજ્ઞાનિકોના દાવા અનુસાર આ પૃથ્વીની ઉંમર આશરે 4.5 કરોડ વર્ષની છે. કહેવાય છે કે ઓડિશાના મયુરભંજ વિસ્તારમાં આવેલો એક ભવ્યાતિભવ્ય પથ્થર 3 કરોડ વર્ષ જૂનો પથ્થર છે. અમુક દાયકા કે સદી કે હજારો નહિ, કરોડો વર્ષ જૂનો પથ્થર ધરાવતી આ જગ્યા દેખીતી રીતે જ એક અનોખું પર્યટન સ્થળ છે.
ભુવનેશ્વરથી અંતર: 309 કિમી
4. ભુવનેશ્વર- ધ ટેમ્પલ સિટી
આપણા દેશમાં કેટલાય અલગ અલગ શહેરો તેની પોતપોતાની ખાસિયતો માટે પ્રખ્યાત છે. ઓડિશાનું પાટનગર ત્યાં આવેલા સંખ્યાબંધ ખૂબસુરત મંદિરો માટે જાણીતું છે. લિંગરાજ મંદિર, રાજારાની મંદિર, પરશુરામેશ્વર મંદિર, ચોસઠ જોગિણી મંદિર વગેરે મંદિરો ખાસ જોવાલાયક છે. ભુવનેશ્વરમાં કુલ 700 જેટલા મંદિરો આવે છે જેમાં સૌથી વધુ શિવ મંદિર, વિષ્ણુ મંદિર અને કેટલાક બૌદ્ધ અને જૈન ધર્મના મંદિરોનો પણ સમાવેશ થાય છે.
5. હિરાકુંડ ડેમ
ભારતનો સૌથી મોટો અને વિશ્વનો ચોથા ક્રમનો સૌથી મોટો બંધ (ડેમ) હિરાકુંડ ડેમ એ ઓડિશાના સંબલપુર જિલ્લામાં આવેલો છે. ગુજરાતની જેમ જ દરિયાકિનારે વસેલા ઓડિશામાં પાણીનો પુરવઠો અકબંધ રાખવામાં એક ડેમ બહુ જ મોટો ભાગ ભજવે છે. આ બંધ એશિયાના સૌથી વિશાળ કૃત્રિમ સરોવર પર બાંધવામાં આવ્યો છે.
ભુવનેશ્વરથી અંતર: 287 કિમી
6. નંદાકરણ ઝૂલોજીકલ પાર્ક
શું તમે જાણો છો કે ભારતમાં રોયલ બંગાળ ટાઈગર ઉપરાંત સફેદ વાઘ પણ છે? યેસ, ઓડિશાના નંદાકરણ ઝૂલોજીકલ પાર્કમાં સફેદ વાઘ જોવા મળે છે. આ વિસ્તારમાં એકાદ બે નહિ, ત્રીસ કરતાં પણ વધુ સંખ્યામાં સફેદ વાઘની હાજરી નોંધવામાં આવી છે.
ભુવનેશ્વરથી અંતર: 12 કિમી
7. એપીજે અબ્દુલ કલામ ટાપુ
અવકાશ વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો માટે આ એક મહત્વની જગ્યા છે. ચાંદીપુરથી થોડે દૂર આવેલા વ્હીલર ટાપુને આજે એપીજે અબ્દુલ કલામ ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. આ એ જ જગ્યા છે જ્યાંથી ભારતની મોટા ભાગની મિસાઇલ અવકાશ માટે રવાના કરવામાં આવે છે, જેમાં આકાશ, પૃથ્વી અને અવની જેવી મિસાઈલ્સનો સમાવેશ થાય છે.
ભુવનેશ્વરથી અંતર: 142 કિમી
આ તમામ જગ્યાઓ ઉપરાંત દરિયાકિનારો તો જોવાલાયક હોવાનો જ! ઓડિશાને આશરે 500 કિમી જેટલો કોસ્ટલ એરિયા છે અને આ વિસ્તારમાં અમુક ખૂબ જ સુંદર બીચ આવેલા છે.
સૌ મુલાકાતીઓ આ રાજ્યની મુલાકાત લઈને બોલી ઉઠે છે, વાહ ઓડિશા!!
.