તમને જાણીને આશ્ચર્ય ન થવું જોઈએ કે બિહાર એક એવું રાજ્ય છે જેની સાથે ભારતનો ઘણો ઇતિહાસ જોડાયેલો છે. પ્રાચીન સમયમાં બિહાર મગધ તરીકે ઓળખાતું હતું. પ્રાચીન સમયમાં મગધ દેશનું સૌથી મોટું સામ્રાજ્ય હતું. એમ સમજી લો કે બિહારનો ઈતિહાસ ભારત જેટલો જ જૂનો છે. મૌર્ય સામ્રાજ્ય, ગુપ્ત અને મુઘલ શાસકોએ અહીં શાસન કર્યું છે. બૌદ્ધ અને જૈન ધર્મનો ઉદ્ભવ બિહારની ધરતી પરથી જ થયો છે. પ્રાચીન સમયમાં બિહારમાં આવા અનેક મંદિરો, ગુરુદ્વારા અને જૈન મંદિરો બનાવવામાં આવ્યા હતા જે આજે પણ ઈતિહાસના સાક્ષી છે. જો તમે કોઈ કામ અર્થે અથવા ફરવા માટે બિહાર જાવ છો તો સમય કાઢીને આ 4 ધાર્મિક સ્થળોની મુલાકાત ચોક્કસ લો. આજે હું તમને બિહારના ચાર ધાર્મિક સ્થળો વિશે જણાવવા જઈ રહ્યો છું. તો ચાલો જાણીએ આ સ્થળો વિશે.
1-વિષ્ણુ પદ મંદિર
બિહારના ગયામાં ભગવાન વિષ્ણુના પદચિહ્નો પર એક મંદિર બનાવવામાં આવ્યું છે. જેને વિષ્ણુપદ મંદિર કહેવામાં આવે છે. પિતૃપક્ષના અવસરે અહીં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામે છે. તેને ધર્મશિલા તરીકે પણ ઓળખવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે પૂર્વજોની પૂજા કર્યા બાદ આ મંદિરમાં ભગવાન વિષ્ણુના ચરણોના દર્શન કરવાથી તમામ દુ:ખોનો નાશ થાય છે અને પિતૃઓને પવિત્ર સંસારની પ્રાપ્તિ થાય છે. આ પદચિહ્નો રક્તચંદનથી શણગારેલા છે. તેના પર ગદા, ચક્ર, શંખ વગેરે અંકિત છે. આ પરંપરા પણ ઘણી જૂની હોવાનું કહેવાય છે જે ઘણા વર્ષોથી મંદિરમાં કરવામાં આવે છે. ફલ્ગુ નદીના પશ્ચિમ કિનારે આવેલું આ મંદિર ભક્તો અને પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે.
ભગવાન વિષ્ણુએ પોતાના પગેથી દબાવી હતી શિલાને
વિષ્ણુપદ મંદિરમાં ભગવાન વિષ્ણુના ચરણ ચિહ્ન ઋષિ મારીચીની પત્ની, માતા ધર્મવતાની શિલા પર છે. રાક્ષસ ગયાસુરને સ્થિર કરવા માટે ધર્મપુરીથી માતા ધર્મવત્તા શિલાને લાવવામાં આવી હતી, જેને ગયાસુર પર મૂકીને ભગવાન વિષ્ણુએ પોતાના પગેથી દબાવી હતી. ત્યાબાદ શિલા પર ભગવાનનાના પગના નિશાન છે. એવું માનવામાં આવે છે કે વિશ્વમાં વિષ્ણુપદ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં વ્યક્તિ ભગવાન વિષ્ણુના ચરણોના સાક્ષાત દર્શન કરી શકે છે.
કસોટી પથ્થર (ટચસ્ટોન)થી બન્યું છે મંદિર
વિષ્ણુપદ મંદિર સોનાના ઘસવા માટેના પથ્થર, કસોટીથી બનેલું છે, જે જિલ્લાના અટારી બ્લોકના પથ્થરકટ્ટીથી લાવવામાં આવ્યું હતું. આ મંદિરની ઊંચાઈ લગભગ સો ફૂટ છે. સભા મંડપમાં 44 સ્તંભો છે. 54 વેદીઓમાંથી, 19 વેદીઓ વિષ્ણપુદમાં જ છે, જ્યાં પિંંડ દાન પૂર્વજોના ઉદ્ધાર માટે કરવામાં આવે છે. અહીં આખા વર્ષ દરમિયાન પિંંડ દાન થાય છે. અહીં ભગવાન વિષ્ણુના ચરણચિહ્નનો સ્પર્શ કરવાથી લોકો તમામ પાપોમાંથી મુક્ત થઈ જાય છે.
સીતાકુંડ વિષ્ણુપદ મંદિરની સામે જ ફલ્ગુ નદીના પૂર્વ કિનારે આવેલું છે. અહીં માતા સીતાએ પોતે મહારાજ દશરથનું પિંડદાન કર્યું હતું. મેનેજિંગ કમિટીના સેક્રેટરી ગજાધરલાલ પાઠકે જણાવ્યું હતું કે પ્રાચીન સમયમાં આ સ્થળ અરણ્ય વન જંગલના નામથી પ્રખ્યાત હતું. ભગવાન શ્રી રામ માતા સીતા સાથે મહારાજ દશરથને પિંડ દાન અર્પણ કરવા આવ્યા હતા, જ્યાં માતા સીતાએ મહારાજ દશરથને રેતી અને ફલ્ગુના પાણીથી પિંડ અર્પણ કર્યા હતા, ત્યાર બાદ અહીં રેતીથી બનેલા પિંડ આપવાનું મહત્વ છે.
2-તખ્ત શ્રી હરમંદિર જી
ગંગા નદીના કિનારે વસેલું પટના શહેર ઘણી ઐતિહાસિક વસ્તુઓ માટે જાણીતું છે. તખ્ત શ્રી હરમંદિર જી પટના સાહિબ ગુરુદ્વારા, શીખોના પવિત્ર સ્થળોમાંનું એક, આ શહેરમાં છે. પાટલીપુત્ર, જેને હવે પટના તરીકે ઓળખવામાં આવે છે, તે વિશ્વના સૌથી જૂના શહેરોમાંનું એક માનવામાં આવે છે. તખ્ત શ્રી હરમંદિર જી પટના સાહિબ શીખ ભક્તો માટે ખૂબ જ વિશિષ્ટ ધાર્મિક સ્થળ છે, કારણ કે તે છેલ્લા શીખ ગુરુ એટલે કે ગુરુ ગોવિંદ સિંહનું જન્મસ્થળ છે. અહીં દર વર્ષે લાખો શીખ શ્રદ્ધાળુઓ આવે છે. તે પટના રેલ્વે સ્ટેશનથી થોડે દૂર છે.
3-હનુમાન મંદિર
બિહારની રાજધાની પટનામાં સ્થિત આ મંદિર ઉત્તર ભારતના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંનું એક માનવામાં આવે છે. આ મંદિરમાં આખું વર્ષ જય શ્રી રામના નારા ગુંજતા રહે છે. આ મંદિરનું નિર્માણ 1730ની આસપાસ થયું હતું. આ મંદિરની ખાસ વાત એ છે કે રામ સેતુનો પથ્થર કાચના વાસણમાં રાખવામાં આવ્યો હતો, જેને જોવા માટે ભક્તો દૂર-દૂરથી આવે છે. મંગળવાર અને શનિવારે આ મંદિરમાં સૌથી વધુ ભક્તો ભેગા થાય છે. આ મંદિર પટના રેલ્વે સ્ટેશનની બાજુમાં છે.
4-મહાબોધિ મંદિર
બિહારમાં જો કોઈ સૌથી ચર્ચિત અને સૌથી વધુ દર્શનીય ધાર્મિક સ્થળ હોય તો તે છે બોધગયાનું મહાબોધિ મંદિર. આ સ્થાન પર ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. કદાચ તેથી જ બિહારને બુદ્ધનું શહેર પણ કહેવામાં આવે છે. પ્રવાસીઓને આ સ્થળ ખૂબ જ ગમે છે. વિદેશથી પણ પ્રવાસીઓ અહીં ફરવા અને બૌદ્ધદર્શન કરવા માટે આવે છે.
મહાબોધિ મંદિરનો ઈતિહાસ
બોધગયાનું મહાબોધિ મંદિર, સંપૂર્ણ રીતે ઈંટોથી બનેલું, સૌથી જૂના બૌદ્ધ મંદિરોમાંનું એક છે. કહેવાય છે કે સમ્રાટ અશોકે ત્રીજી સદી પહેલા આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ત્યારબાદ ઘણીવાર મંદિરનો વિસ્તાર અને પુનઃનિર્માણ કરવામાં આવ્યું. 52 મીટર ઊંચા આ મંદિરની અંદર ભગવાન બુદ્ધની સુવર્ણ પ્રતિમા છે, જ્યાં ભગવાન બુદ્ધ ભૂમિસ્પર્શ મુદ્રામાં છે.
બોધગયાને જ્ઞાનની નગરી કેમ કહેવાય છે?
બોધ ગયા એ સ્થાન છે જ્યાં ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેથી, બોધ ગયાને બૌદ્ધ સાધુઓ માટે વિશ્વનું સૌથી પવિત્ર શહેર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ગૌતમ બુદ્ધને અંદાજે ઇસ.પૂર્વે 531માં ફાલ્ગુ નદીના કિનારે અહીં જ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેમણે અહીં સ્થિત બોધિ વૃક્ષ પાસે બેસીને કઠોર તપસ્યા કરી હતી. વાસ્તવમાં, બોધગયા સ્થિત મહાબોધિ મંદિર પરિસરમાં એક પીપળનું ઝાડ છે. ભગવાન બુદ્ધને આ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. બોધિ એટલે 'જ્ઞાન' અને વૃક્ષ એટલે 'ઝાડ'. તેથી આ વૃક્ષને જ્ઞાનનું વૃક્ષ અને બોધગયાને જ્ઞાનની નગરી કહેવામાં આવે છે.
ભગવાન બુદ્ધને બોધગયામાં આ વૃક્ષ પાસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું, તેથી અહીં બુદ્ધના અનુયાયીઓ અને બૌદ્ધ ધર્મમાં માનનારા લોકોની ભીડ એકઠી થાય છે. આ ઉપરાંત અન્ય ધર્મના લોકો પણ અહીં પૂજા અને અનુષ્ઠાન માટે આવે છે અને બોધગયાને એક પ્રાચીન પ્રવાસન સ્થળ તરીકે જોવા માટે આવે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો