છેલ્લા કેટલાક વર્ષોથી ‘સ્વચ્છ ભારત’ મિશન અંતર્ગત દર વર્ષે આપણા દેશમાં દરેક શહેરોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ ‘સ્વચ્છતા સર્વે’માં ગત પાંચ વર્ષથી લાગલગાટ ટોચનું સ્થાન જાળવી રાખનાર ભારતનું સૌથી સ્વચ્છ શહેર ગુજરાતના પાડોશી રાજ્યમાં જ આવેલું છે અને માત્ર ઓવરનાઇટ બસ કે ટ્રેનની મુસાફરીથી ત્યાં પહોંચી શકાય છે.
આપણે વાત કરી રહ્યા છીએ ભારતનાં સાથી સ્વચ્છ શહેર- ઇન્દોરની!
જાણો કેવી રીતે ઇન્દોર બન્યું ભારતનું સૌથી સ્વચ્છ શહેર?
વર્ષ 2016થી ઇન્દોરમાં કચરાનો નિકાલ લગભગ નહિવત કરી દેવામાં આવી છે. ફરજિયાત સૂકો કચરો અને ભીનો કચરો અલગ રાખવામાં આવે છે અને ઘરે-ઘરે જઈને કચરો એકઠો કરવામાં આવે છે. શહેરના 95% કરતાં પણ વધુ ઘરોમાં લોકો સૂકો-ભીનો કચરો અલગ રાખવા બાબતે જાગૃત છે. ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરતો પ્રયાસ થાય છે કે શક્ય તેટલો કચરો રિસાઈકલ કરવામાં આવે અને તેમાંથી કશુંક ઉપયોગી સર્જન કરીને તેનો પુનઃઉપયોગ કરવામાં આવે. 90% કચરાનું રિસાઈકલિંગ એ ઇન્દોરની સ્વચ્છતાનું એક મહત્વનું કારણ છે.
‘ભારતનું સૌથી સ્વચ્છ શહેર’ હોવાની જે ઉપાધિ માત્ર એક વાર મેળવવી પણ ખૂબ મુશ્કેલ છે ત્યારે સતત પાંચ-પાંચ વાર આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર શહેરની એક વાર તો મુલાકાત લેવી જ જોઈએ.
શા માટે ઇન્દોર ફરવા જવું જોઈએ?
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ છે પણ રાજ્યમાં સૌથી વધુ વસ્તી અને સૌથી વધુ વિસ્તાર ધરાવતું શહેર ઇન્દોર છે. ઇન્દોરમાં રસ્તાઓ, બાગ-બગીચાઓ, જાહેર સ્થળો, સરકારી ઇમારતો વગેરે તમામ જગ્યાઓ તેના ‘ક્લિનેસ્ટ સિટી’ હોવાની સાબિતી આપે છે. આપણા દેશમાં એવી અનેક જગ્યાઓ છે જે પોતાની આગવી વિશેષતાને કારણે પર્યટકોના આકર્ષણની જગ્યા બની છે. કદાચ ઇન્દોર પણ આવું જ એક અનોખું શહેર કહી શકાય.
વળી, ધાર્મિક દ્રષ્ટિએ પણ ઇન્દોર એક મહત્વનું શહેર કહી શકાય કેમકે ઉજ્જૈનમાં આવેલું મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ તે ઇન્દોર શહેરથી માત્ર 55 કિમીના અંતરે આવેલું છે.
ઇન્દોર જવા માટે અમદાવાદ, વડોદરા, સુરત જેવા ગુજરાતના મુખ્ય શહેરોમાં રોજ બસ કે ટ્રેનની સુવિધા ઉપલબ્ધ છે. શનિ-રવિમાં ગુજરાતના રોજિંદા પ્રવાસન સ્થળોથી કંટાળ્યા હોવ તો એક વાર ઇન્દોરની મુલાકાત લેવા જેવી છે.
દિવસ 1
ઇન્દોર ગયા અને સ્પેશિયલ પોહા-જલેબીનો નાસ્તો ન કર્યો તો શું અર્થ? હા, આ નાસ્તો ઇન્દોરની આગવી વિશેષતા છે અને દિવસની શરૂઆત કરવા માટે આ શ્રેષ્ઠ નાસ્તો છે! આખા ઇન્દોરમાં આ નાસ્તો તમને બહુ જ સરળતાથી મળી જશે.
રાજવાડા પેલેસ: આપણા દેશમાં કોઈ પણ ગામ કે શહેરનો એક આગવો ઇતિહાસ છે. બે સદી પહેલા મરાઠા સામ્રાજ્યના હોલકર રાજવંશ દ્વારા ઇન્દોરનો રાજવાડા પેલેસ બાંધવામાં આવ્યો હતો જ્યાં ભગવાન શિવના ઉપાસક રાણી અહલ્યાબાઈ હોલકર રહેતા હતા. મહેલની બરાબર સામે એક વિશાળ બગીચામાં અહલ્યાબાઈનું સુંદર પૂતળું પણ મુકવામાં આવ્યું છે. આ એક સાત માળનું બાંધકામ છે જે તે સમયે ખરેખર નોંધનીય વાત કહેવાય.
કાચ મંદિર: વીસમી સદીની શરૂઆતમાં મહારાજ સર હુકમચંદ શેઠ દ્વારા કાચનું મંદિર બનાવવામાં આવ્યું હતું. જૈન ધર્મને સમર્પિત આ મંદિરના બાંધકામ માટે ખાસ ઈરાન અને જયપુરથી કારીગરો આવ્યા હતા. આ મંદિરની દીવાલ, છત, લાદી, પિલર, બારણાં બધું જ કાચનું બનાવવામાં આવ્યું છે. ભારતમાં ઘણા કાચ મંદિર આવેલા છે પણ મધ્ય પ્રદેશ રાજ્યમાં આ એકમાત્ર કાચનું મંદિર છે.
એમ્યુઝમેન્ટ પાર્ક: વીકએન્ડની પરફેક્ટ મજા કઈક એડવેન્ચર એક્ટિવિટી કરીને જ માણી શકાય. ઇન્દોરમાં પણ એક ખૂબ જ રોમાંચક એમ્યુઝમેન્ટ પાર્ક આવેલો છે જે બોટિંગ, મ્યૂઝિકલ ફાઉન્ટેન, જમ્પિંગ જેક ફાઉન્ટેન, આર્ટિસ્ટ વિલેજ, નેકલેસ ગાર્ડન, ફ્રેન્ચ ગાર્ડન, બાયો-ડાઈવર્સિટી ગાર્ડન, લેક વ્યૂ પોઈન્ટ, એમ્ફિથિયેટર અને ફૂડ કોર્ટ જેવા અનોખા આકર્ષણો ધરાવે છે.
દિવસ 2:
લાલબાગ પેલેસ: બીજા દિવસે સવારે વહેલા દિવસની શરૂઆત કરો અને પહોંચી જાઓ ઇન્દોરની ઓળખ સમા લાલબાગ પેલેસ ખાતે. 28 હેક્ટરમાં પથરાયેલા આ ભવ્ય મહેલનું આર્કિટેક્ચર ખરેખર જોવાલાયક છે. હોલકર રાજવંશે બનાવેલા આ અદભૂત મહેલમાં ઠેરઠેર જગ્યાએ બ્રિટિશ અને યુરોપિયન આર્કિટેક્ચરની ઝલક જોવા મળે છે. ઓગણીસમી સદીના અંતમાં બનેલો આ મહેલ આજે પણ ઇન્દોરના સર્વશ્રેષ્ઠ આર્કિટેક્ચરમાંનો એક છે.
ગણેશ મંદિર, કૃષ્ણ મંદિર: મધ્ય પ્રદેશનું સૌથી મોટું ગણપતિ મંદિર ખજરાના ગણેશ મંદિર ઇન્દોરમાં આવેલું છે. આ ઉપરાંત બડા ગણેશ મંદિર એ એશિયાની સૌથી ઊંચી ગણપતિ ભગવાનની મૂર્તિ ધરાવે છે. વળી, કૃષ્ણપુરા છત્રીસ એ હોલકર રાજવંશ દ્વારા બનાવવામાં આવેલું એક ઉત્કૃષ્ટ કૃષ્ણ મંદિર છે.
ઇન્દોરમાં ખાણી-પીણી માટે શ્રેષ્ઠ જગ્યાઓ:
છપ્પન દુકાન, વિજય ચાટ હાઉસ, સંગમ ચાટ કોર્નર, નાગોરી કી શિકંજી, સરાફા નાઈટ ચૌપાટી વગેરે...
બસ ત્યારે, ક્યારે જઈ રહ્યા છો સ્વચ્છ ભારતનાં સ્વચ્છ ઇન્દોરની મુલાકાત લેવા?
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ