લોકડાઉન પહેલા ઘણાં સમયથી હું વિચારતી હતી કે ઓફિસમાંથી રજા લઇને અઠવાડિયું ક્યાંક ફરી આવું પરંતુ નવી નોકરી હોવાથી આ શક્ય નહોતું. ત્યારે મેં અને મારા દોસ્તે એક દિવસની રજામાં દેહરાદૂન જવાનુ વિચાર્યું. આમ તો દિલ્હીથી જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેન ત્યાં જાય છે પરંતુ સીટ ના મળવાના કારણે અમે સ્લીપર બસમાં દેહરાદૂન ગયા.
દિલ્હીથી દેહરાદૂનની બસ સફર
અમને ગો આઇબિબોથી ₹1200માં 2 સ્લીપરની સીટ મળી ગઇ. દિલ્હીથી દેહરાદૂન માટે 6 કલાક લાગવાના હતા. સવારે 5 વાગે બસવાળાએ અમને જગાડ્યા તો અમે આઇએસબીટી દેહરાદૂન પહોંચી ગયા હતા. અમે ત્યાંના ઓટોવાળા સાથે થોડીક પૂછપરછ કરી, એક ઓટોવાળાએ રુમ અપાવી દિધો.
સમજી વિચારીને કરો હોટલની પસંદગી
ધ્યાન રાખો કે ઓયોમાંથી રુમ લેશો તો તમારે સવારે અને સાંજે બે દિવસનું ભાડું આપવું પડે છે કારણ કે ઓયોમાં બપોરે જ ચેક ઇનની સુવિધા છે. અમે શનિવારે સવારે 5 વાગે પહોંચ્યા હતા અને અમારે તે જ રાતે ત્યાંથી નીકળવાનું હતું. અમે હોટલવાળા સાથે વાત કરી અને એક દિવસનું ભાડું ચૂકવ્યું જે અમારા બજેટની અંદર હતું. અમે હોટલ સુંદર પેલેસમાં રોકાયા હતા જ્યાંની સુવિધાઓ ઠીક હતી, આસ-પાસ બીજી પણ ઘણી હોટલો છે જે તમને આજ ભાડા પર મળી જશે.
દેહરાદૂન
લોકલ બસ યાત્રાએ સંભાળ્યુ બજેટ
હોટલમાં થોડોક સમય આરામ કરીને અમે સહસ્ત્રધારા જવા નીકળ્યા. અહીં જવામાં 1 કલાક થાય છે. તમે ટેક્સીમાં જઇ શકો છો પરંતુ મારી સલાહ છે કે તમે ઓટો કે બસમાં જાઓ જે ટેક્સી કરતાં 16 ગણું સસ્તું પડશે.
ઘંટા ઘર
ઇંદિરા માર્કેટ કેફે
અમે અમારી હોટલની બહારથી લોકલ ઑટો લીધી જેણે અમને અંદાજે 20 મિનિટમાં પરેડ ગ્રાઉંડ ઉતાર્યા. આ જગ્યાએથી જ અમને સહસ્ત્રધારાની બસ મળવાની હતી. તે પહેલા અમે નાસ્તો કરવાનું નક્કી કર્યું. પરેડ ગ્રાઉન્ડથી એક રસ્તો ઇંદિરા માર્કેટ તરફ જાય છે જેની આગળ દેહરાદૂનનું પ્રસિદ્ધ ઘંટા ઘર છે. અમે 10 મિનિટ પગે ચાલીને ઘંટા ઘર પહોંચ્યા જ્યાં ઘણાં કેફે હતા. જેમાંથી એક સુંદર એમ્બિયંસ ધરાવતા કે.બી.સી કેફેમાં અમે નાસ્તો કર્યો અને પરેડ ગ્રાઉન્ડ પાછા ફર્યા. જ્યાંથી અમને તરત સહસ્ત્રધારાની બસ મળી ગઇ અને 40 રુપિયામાં એક કલાકની યાત્રા કરી પ્રથમ મુકામ પર પહોંચી ગયા.
પહાડોથી ઘેરાયેલું છે સહસ્ત્રધારા
સહસ્ત્રધારા પહોંચ્યા પછી પણ દ્રશ્ય ઘણું મનમોહક હતું. ત્યાં પહોંચતા જ તમને ઘણાં લોકલ ઢાબા જોવા મળશે અને સામે સુંદર પહાડ.
અમે ત્યાંથી રોપ વેની બે ટિકિટ લીધી જેની કિંમત ₹150 પ્રતિ ટિકિટ હતી જેમાં તમે સહસ્ત્રધારાના તમામ મહત્વપૂર્ણ આકર્ષણનો આનંદ લઇ શકો છો.
ત્યાં થોડોક સમય આરામથી બેસીને અમે તે દ્રશ્યને નિહાળ્યું, કેટલીક તસવીરો લીધી અને રોપવે માટે આગળ વધ્યા. રોપવેના તે ડબ્બાથી તમે આખુ સહસ્ત્રધારા જોઇ શકો છો અને તો પણ તમારુ મન નહીં ભરાય.
8-10 મિનિટની રોપવે યાત્રા પછી અમે ઉપર પહોંચ્યા. ત્યાં અમે સ્પેસ સેન્ટર, ડીજે, બાળકો માટેની ટોય ટ્રેન, શૂટિંગ રૉક, રૉક ક્લાઇમ્બિંગ જેવા આકર્ષણો જોયા. અહીં 2-3 કલાક પસાર કર્યા પછી રોપવેના રસ્તે જ નીચે આવી ગયા. અહીં ખાવાનું મોંઘું હોવાથી અમે ઘંટાઘરના કે.બી.સી. કેફેમાં લંચ કર્યું.
રૉબર્સ કેવ
પાણીથી ભરેલી ગુફાની અંદરનો રોમાંચ
ત્યાર પછીનો અમારો બીજો પડાવ હતો રોબર્સ કેવ અથવા દેહરાદૂનની બોલીમાં કહીએ તો ગુચ્ચુપાણી. અહીં જવા માટે અમને પરેડ ગ્રાઉંડથી બસ મળી. ત્યાંથી ગુચ્ચુપાણી માટે 2 લોકોનું ભાડું ₹24 હતું. અમે ઘણાં સસ્તામાં અડધો કલાકમાં રૉબર્સ કેવ પહોંચી ગયા. જ્યાં બસ તમને ઉતારે છે ત્યાંથી 1 કિલોમીટર સુધી વળાંકદાર રોડ મળશે અને તમારે ત્યાંથી અંદર સુધી પગેચાલીને જવું પડશે.
15-20 મિનિટ ચાલ્યા પછી અમે ગુચ્ચુપાણીના ટિકિટ કાઉન્ટ પર પહોંચી ગયા જ્યાંથી અમે ₹25 પ્રતિ વ્યક્તિના હિસાબે ટિકિટ લીધી.
અમે ગુફા તરફ આગળ વધ્યા અને પાણીમાં ઉતરીને ગુફાની અંદર જવાનું થોડુક મુશ્કેલ છે એટલે પોતાની સાથે સામાન ન લઇ જાઓ. બની શકે તો મોબાઇલ પણ પોતાના ખિસ્સામાં જ રાખો. ખડકોની મદદથી એકબીજાના ટેકા વડે અમે આગળ વધ્યા અને ગુફાના અંતે અમને ઘણું જ સુંદર ઝરણું જોવા મળ્યું જ્યાંથી પાણી ગુફાની અંદર જઇ રહ્યું હતું. ગુફાના પાણીના વહેણથી વિપરીત જઇને તે ઝરણા સુધી પહોંચવાનું જેટલું મુશ્કેલ હતું તેટલું રોમાંચક પણ હતું.
તે જગ્યા અનોખી હતી અને મેં મારા દોસ્તની સાથે ઘણી તસવીરો ખેંચી અને પાણીમાં ખુબ મસ્તી કરી. અંદાજે 2 કલાક જેટલો સમય પસાર કર્યા બાદ અને સંપૂર્ણ પલળી ગયા પછી અમે ગુફાની બહાર આવી ગયા અને જે રસ્તાથી આવ્યા હતા તે જ રસ્તે પાછા ફરી ગયા.
જ્યાં બસે અમને ઉતાર્ય હતા ત્યાંથી ઓટો કરીને હોટલ પર પાછા આવી ગયા. અમે દેહરાદૂનના ડિયર પાર્કમાં પણ જવાનું હતું પરંતુ કપડા ભીના હોવાના કારણે હોટલ પાછા આવી ગયા.
દેહરાદૂનની અંતિમ ટ્રીટ
પાછા ફરવા માટે અમને સુભાષ નગર ગ્રાફિક એરાથી બસ પકડવાની હતી જે આઇએસબીટીથી સીધા રસ્તે આવે છે. અમે ઓટો લીધી અને 20 મિનિટમાં પહોંચી ગયા. જ્યાંથી બસ પકડવાની હતી ત્યાં એક ઘણું જ શાનદાર પિઝા પેલેસ હતું જ્યાં પિઝા ખાધા જે દેહરાદૂનની અમારી અંતિમ ટ્રીટ હતી. જે ઘણી જ સ્વાદિષ્ટ હતી.
આ આખી ટ્રિપમાં બે લોકોનો ખર્ચ લગભગ ₹5500 જેટલો થયો, જે એક બજેટ ટ્રિપ માટે બિલકુલ પરફેક્ટ હતો.