સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. ઘણી નદીઓમાં પૂર આવ્યા છે. ભારે વરસાદથી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં નદી-નાળા છલકાઇ જવાથી નાના-મોટા ધોધનું નિર્માણ થયું છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા જિલ્લો એટલે કુદરતી સંપત્તિથી ભરપૂર સ્થાન. અહીં અનેક એવા વોટરફૉલ છે જ્યાં આ સીઝનમાં ફરવાની મજા આવશે. તો ચાલો આજે આવા જ એક વૉટરફૉલની વાત કરીએ.
ગુજરાતીઓ હંમેશા ફરવાના શોખીન રહ્યાં છે. હવેના મહિનામાં તહેવારોની અનેક રજાઓ આવશે. રક્ષાબંધન, 15 ઓગસ્ટ, જન્માષ્ટમી સહિતના તહેવારો ઓગસ્ટ મહિનામાં આવી રહ્યાં છે ત્યારે જો તમારે આ રજાઓમાં વોટરફોલમાં જઇને મસ્તી કરવી છે તો દક્ષિણ ગુજરાતના ઝરવાણી જળધોધમાં જઇ શકો છો.
ક્યાં છે ઝરવાણી વોટરફૉલ
આ ધોધ નર્મદા ડેમ સાઇટ પર રાજપીપળાથી કેવડિયા કોલોની તરફ 28 કિલોમીટર દુર અને કાવડીયા ચેકપોસ્ટથી 7 કિલોમીટર દુર આવેલો છે. આ ધોધ અમદાવાદથી લગભગ 200 કિ.મી.ના અંતરે આવેલો છે. ધોધ સુધી પંહોચવા માટે વડોદરા થઈને જ જબુ પડે છે સાથે જ વડોદરાથી એ જગ્યા પર પંહોચવા માટે બસ પણ મળી રહે છે.
આ સ્થળ ની નજીક પહોંચતા જ તમને અલગ જ આનંદની અનુભતી થશે અને રસ્તામાં આવતા નાના નાના ઝરણાં તમારુ મન મોહી લેશે અને ક્યાંક અલગ જ જગ્યા એ પહોંચી ગયા હોવ તેવી અનુભૂતિ થશે. આ જગ્યા શૂણપાણેશ્વર વન્યજીવ અભયારણ્યની અંદર આવેલી છે જે અસંખ્ય વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું ઘર છે.
ઝરવાણી ધોધ ખૂબ જ સુંદર અને આકર્ષક જગ્યા તો છે જ પરંતુ ચોમાસાની સીઝનમાં આ જગ્યાને ચાર ચાંદ લાગી જાય છે. તેની આસપાસ ગાઢ જંગલો આવેલા છે. જેના કારણે અહીં ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. આ ધોધ ઘણી ઉંચાઈએ આવેલો હોવાથી પાણીના વહેણ નીચે પડે છે ત્યારે સિંહની જેમ ગર્જના કરી રહ્યા હોય તેવો અવાજ આવે છે.
ચોમાસામાં દૂર દૂરથી લોકો આ ધોધને જોવા આવે છે અને તેમાં કલાકો સુધી સ્નાન છે. અહીં ધોધની નીચેનું પાણી ફક્ત કમર સુધીનું જ છે જેના કારણે ડૂબી જવાનો ખતરો રહેતો નથી. ચોમાસાની સીઝનમાં અને રજાઓમાં અહીં ભારે ભીડ જોવા મળે છે.
અન્ય જોવાલાયક સ્થળો
કરજણ ડેમ
ચોમાસામાં નર્મદા જિલ્લો કુદરતી સૌંદર્ય થી ભરપૂર બની જાય છે. અને નવા નવા પ્રવાસીઓ માટેના સ્થળો નિર્માણ થઇ રહ્યાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી થી 40 કિ.મી. દૂર રાજપીપળાથી 12 કિલોમીટર આવેલા જંગલ વિસ્તાર અને કરજણ ડેમનું બેક વોટર જેના કિનારે માંડણ ગામ વસ્યું છે. જે હાલ ચોમાસાની સીઝનમાં પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બનવા પામ્યું છે.
કરજણ નદીના પાછળના ભાગે કુદરતના ખોળે આવેલ આ ગામ એ સંપૂર્ણ આદિવાસી ગામ છે આ સ્થળે શનિ ને રવિવાર તો જાણે મેળો ભરાય તેટલી ભીડ જોવા મળે છે જ્યાં સ્થાનિકો લોકો દ્વારા નાની હોડીઓમાં પ્રવાસીઓને બેસાડીને બોટિંગ કરાવવામાં આવે છે.
નિનાઇ ધોધ
ચોમાસા દરમિયાન અહીં આવેલો નિનાઈ ધોધ (ninai waterfall) પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સાતપૂળાની ગીરીમાળામાંથી ખળખળ વહેતી નદી-ઝરણાં અને વન આચ્છદીત કુદરતી પ્રકુતિને કારણે નર્મદા જીલ્લાને મીની કાશ્મીરનું બિરૂદ મળ્યું છે. નર્મદા જીલ્લાના કુદરતી સૌદર્યમાં વધારો કરતો રાજપીપળા શહેરની નજીક નિનાઈ ધોધ આવેલો છે. આ ધોધનો નજારો જોઈ પ્રવાસીઓ આનંદ માણવા ઉમટી રહ્યાં છે. ગુજરાતનો નાનકડો વનવાસી જિલ્લો એટલે નર્મદા જિલ્લોએ જ્યાં સૌથી વધુ અને મોટો વન વિસ્તારો આવેલા છે.
સાતપુડા અને વિધ્યાંચલની ગિરીમાળાઓ વચ્ચે કુદરતી સૌન્દર્ય બારેમાસ જોવા મળે છે. જેને કારણે જ ગુજરાતના કાશ્મીરનું ઉપનામ નર્મદા જિલ્લાને મળ્યું છે. ડેડીયાપાડાના ઘનઘોર સાતપુડાની વનરાજી વચ્ચે 70 મીટર ઉંચેથી નીચે પડતો આ જળધોધ સુંદરતામાં વધારો કરે છે. ધોધની ઉંચાઈ 30 ફુટથી વધુ છે. જેને નિનાઈ ધોધ તરીકે ઓળખવામાં આવે છે.
આ ધોધ જોવા માટે માત્ર ચોમાસાની ઋતુમાં જ 1 લાખ કરતા વધુ પ્રવાસીઓ આવે છે. જોકે આ ધોધ જોવા માટે પ્રવાસીઓને 270 જેટલા પગથિયાં ઉતરવા અને ચઢવા પડે છે.
ક્યાં આવેલો છે?
આ ધોધ દેડીયાપાડાથી લગભગ 35 કિ.મી. અને સુરતથી આશરે 143 કિ.મી. દુર આવેલો છે. અમદાવાદથી નિનાઇ ધોધનું અંતર લગભગ 280 કિ.મી. છે.
ગીરા ધોધ
ગીરા ધોધ (Gira waterfall) વઘઈથી માત્ર 4 કિ.મી. જ દૂર છે. વઘઈથી સાપુતારા જવાને રસ્તે 2 કિ.મી. જેટલું ગયા પછી, સાઈડમાં ધોધ તરફ જવાનો રસ્તો પડે છે. આ સાઈડના રસ્તે બીજા 2 કિ.મી. જાવ એટલે અંબિકા નદીના કિનારે પહોંચી જવાય. કિનારેથી જ ધોધનાં દર્શન થાય છે. ધોધ પડ્યા પછી નદી વળાંક લે છે. કિનારેથી નદીની રેતીમાં ઉતરીને, ખડકાળ પથ્થરોમાં પાંચેક મિનીટ જેટલું ચાલીને ધોધની બિલકુલ સામે પહોંચાય છે. અહીં ખડકો પર જ ઊભા રહીને ધોધ જોવાનો અને ધોધનો કર્ણપ્રિય અવાજ સંભાળવાનો. ધોધના ફોટા પાડવા માટે આ સરસ જગા છે. પાણીમાં ઉતરાય એવું છે નહિ. જો ઉતરો તો ડૂબી જવાય કે નદીમાં ખેંચાઈ જવાય. આવી સ્થિતિમાં ધોધનું પાણી જે જગાએ પડે છે, તે જગાએ જવાનો તો પ્રશ્ન જ ઊભો થતો નથી. ત્યાં જઈને ધોધમાં નહાવાનું તો શક્ય જ નથી.
કેમ પડ્યું ગીરા ધોધ નામ?
વઘઈના આંબાપાડા નજીક આવેલા આ વિશાળકાય ધોધના નામ પાછળ એક ચોક્કસ કારણ છે. નામ એક નદી ઉપરથી પડ્યું છે. મહારાષ્ટ્રના જંગલો અને પર્વતોને ચિરતી ગીરા નદી ડાંગ સુધી પહોંચે છે. અહીં આબાંપાડા નજીક એક ઊંચા ખડક પરથી આ નદી સીધી નીચે અંબિકા નદીમાં ખાબકે છે. ગીરા નદીના નામ પરથી જ આ વોટરફોલને ગીરા ધોધ નામે ઓળખવામાં આવે છે. ધોધ સ્વરૂપે નીચે પડતા પહેલા તેના પાણીને રોકવા ચેક ડેમ પણ બનાવવામાં આવ્યો છે. ચોમાસામાં નદીમાં પાણીનો જથ્થો વધતાં ચેક ડેમ ઓવરફલો થઈ ધોધ સ્વરૂપે ગીરા નદી નીચે જઇને અંબિકામાં સમાઈ જાય છે. અહીંથી અંબિકા નદી અનેક નાની મોટી નદીઓને પોતાનામાં સમાવતી બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો