શહેરમાં રહેવું પડકારરૂપ હોય શકે છે, કયારેય ખતમ ન થાય તેવો ટ્રાફિક જામ, અવાજવાળી ભીડ , બધી બાજુ કાચની ઇમારતો અને દુનિયાની બધી અસુવિધાઓની વચ્ચે આપણે જિંદગી જીવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ બધાની વચ્ચે એક નાનો બ્રેક લઈને, એક બદલાતી હવામાં શ્વાસ લેવાની ઈચ્છા કરવામાં કઈ ખોટું નથી. એક એવી જગ્યા જે તમને આસપાસની વાસ્તવિકતાથી દૂર લઇ જાય. જયારે આવું કરવાનું મન થાય તો મતલબ એક એવા ગામના વિશે જાણવાનો સમય થઈ ગયો છે જે તમને શહેરના પાગલપનથી બચાવીને શાંતિનો અનુભવ કરાવે.
આ છે ભારતના અમુક સૌથી સાફ અને સુંદર ગામ જ્યાં જઈને તમે તમારી ભાગ દોડ ભૂલી જશો.
૧. માલવીનોન્ગ
મેઘાલયના પૂર્વીય ખાંસી હિલ જિલ્લામાં આ ભવ્ય , નાનું ગામ વસેલ છે જે ૨૦૦૩ માં 'એશિયાનું સૌથી સ્વચ્છ ગામ' નું શીર્ષક પોતાના નામે કરેલ છે. અને આ શીર્ષક પર કાયમ રહેતા આજે પર પોતાની સ્વચ્છતા જાળવવામાં કામયાબ છે. શિલૉંગથી લગભગ ૯૦ કી.મી. દૂર સ્થિત આ ગામ પર્યાવરણ જાગૃતતામાં સમય કરતા ખુબ જ આગળ છે, અને સામુહિક રીતે વાતાવરણને સારું રાખવામાં કામગીરી કરે છે.
માલવીનોન્ગના બધા ૯૫ ઘરોમાં વાસથી બનેલ કચરાપેટી છે જેનો ઉપયોગ કચરો ભેગો કરવા માટે થાય છે. પછી તેને એક ખાડામાં નાખવામાં આવે છે અને પાક માટે ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ આકર્ષક નાના ગામમાં સાક્ષરતા દર ૧૦૦% છે અને લગભગ બધા સ્થાનીય લોકોને અંગ્રેજી બોલતા આવડે છે.
કેવી રીતે પહોંચવું ?
શિલૉંગનું ઉમરાઈ એરપોર્ટ નજીકનું એરપોર્ટ છે. ત્યાંથી ટેકસી કરી AH1-AH2-NH40 રસ્તો લેવો.
૨. યાના
કર્ણાટકના આ રહસ્યમય ગામ વિશે ખુબ જ ઓછા લોકો જાણે છે. અહીની જમીનથી નીકળતી ખડકો આકાશને અડતી દેખાય છે. સહ્યાદ્રિ પર્વતના નજારા સાથે એક સુંદર પહાડી પર વસેલ યાના દુનિયાની નજરોથી છુપાયેલ છે. તમને ઘેરતી ચુના પથ્થરની ઉંચી ખડકોના માળખા છે જેની અંદર એક શિવલિંગ અને દેવી પાર્વતી ની મૂર્તિ રાખેલ છે. આ ગામ તીર્થયાત્રીઓ, પ્રકૃતિ પ્રેમીઓ, અને લાંબી વોકિંગ ટુર અને ટ્રેકિંગ પસંદ કરતા લોકોને ખુબ પસંદ આવે છે.
કેવી રીતે પહોંચવું ?
યાનાનું નજીકનું એરપોર્ટ ગોવાનું ડાબોલીમ એરપોર્ટ (૨૧૦ કી.મી. દૂર) અથવા બેંગ્લોર નું કેમપેગૌન્ડા આંતરરાષ્ટ્રિય એરપોર્ટ (૪૮૦ કી.મી. દૂર) છે. ત્યાંથી તમે સ્થાનીય બસ કે ટેકસી કરી શકો છો.
૩. માજુલી
ગિનીઝ વર્લ્ડ રેકોર્ડની અનુસાર આસામમાં વસેલ માજુલી દુનિયાનું સૌથી મોટું નદી દ્વીપ છે. બ્રહ્મપુત્ર નદી પર સ્થિત , આ ભારતમાં સૌથી મોહક નાના ગામમાંથી એક છે. અહીના લોકો મિલનસાર અને ખુશમિજાજ છે અને પોતાની સંસ્કૃતિ અને વિરાસતનું ખુબ જ સન્માન કરે છે. જો તમે અહી છો, તો આસપાસના ઘણા સંગ્રાલયોમાં જવાનું ન ભૂલતા અથવા પોતાની યાત્રા એવી રીતે પ્લાન કરો કે તમે અહીના ઘણા મેળા અને ઉત્સવોમાં સામેલ થઇ શકો. આસામનો સાચો સ્વાદ ચાખવા માટે હાથી મહોત્સવ , માજુલી અને ચાય મહોત્સવમાં જરૂર સામેલ થવું.
કેવી રીતે પહોંચવું ?
નજીકનું એરપોર્ટ આસામનું જોરહાટ એરપોર્ટ છે, જે રોવરિયા એરપોર્ટ ના રૂપમાં પણ જાણીતું છે. તે માજુલીથી લગભગ ૨૦ કી.મી. દૂર છે. અહી માત્ર ઘાટથી થઈને જઈ શકાય છે તેથી તમારે ત્યાં પહોંચવા માટે એક નાવમાં સવાર થવું પડશે.
૪. ઇડુક્કી
કેરલની બાકીની જગ્યાઓની જેમ ઇડુક્કી પોતાની પ્રાકૃતિક સુંદરતા અને શાંતિથી તમને આશ્ચર્યચકિત કરી દેશે. લીલાછમ પહાડોથી ઘેરાયેલ આ ગામ પશ્ચિમી ઘાટના સૌથી ઉંચા પહાડ પર વસેલ છે અને પ્રકૃતિ પ્રેમી માટે તો સ્વર્ગ છે. તમે વર્તુળ રસ્તા પર ચાલવા માંગો, શાંત લીલાછમ જંગલમાં ટહેલવાની ઈચ્છા હોય, ધોધના અવાજમાં ખોવાઈ જવા માંગો, સ્વચ્છ કાચના તળાવમાં ડૂબકી લગાવવા માંગો છો , ઇડુક્કીમાં આ બધું અને બીજું ઘણું બધું છે.
કેવી રીતે પહોંચવું?
કોચીનું કોચીન આંતરરાષ્ટ્રિય એરપોર્ટ નજીકનું એરપોર્ટ છે (લગભગ ૯૭ કી.મી. દૂર) જેના પછી તમને ટેકસી, રાજ્યની બસ , અને પ્રાઇવેટ વાહન તમને આ ભવ્ય ગામ સુધી સહેલાઈથી પહોંચાડી દેશે.
૫. માથેરાન
મહારાષ્ટ્રનું આ નાનું ગામ સમુદ્ર તટથી ૮૦૦ મીટરની ઉંચાઈ પર સ્થિત છે અને શાંત રહસ્યમય ઘાટીઓ અને આસપાસના પહાડોના મનમોહક દ્રશ્ય દેખાડે છે. અને તમને અહીનું વાતાવરણ તાજગી આપે છે. માથેરાનની સૌથી સારી વાત એ છે કે ત્યાં કોઈ પણ વાહનની મંજૂરી નથી. શહેરના ઝેરીલા જીવનથી બચવા માટે માથેરાન સરસ જગ્યા છે.
કેવી રીતે પહોંચવું ?
મુંબઈ અથવા પુણેથી માથેરાન પહોંચવું સહેલું છે કારણ કે તે રેલ માર્ગથી સારી રીતે જોડાયેલ છે. નેરલથી દર ૨ કલાકે માથેરાન માટે એક ટોય ટ્રેન પણ છે. જો તમે તમારી ગાડીથી આવવા માંગો છો તો તમે ગાડી માત્ર પાર્ક સુધી લઇ જઈ શકો છો જેની આગળ કોઈ વાહનની અનુમતિ નથી.
૬. અગાતી
દેશની સૌથી શાનદાર જગ્યાઓમાંથી એક હોવા સાથે લક્ષદ્વીપનું આ શાંત નાનું ગામ એક્વામરીન રંગોવાળા સમુદ્રથી ઘેરાયેલ છે અને કોરલ રીફ,રંગીન સામુદ્રિ જીવોની સાથે એક શ્રેષ્ઠ મરીન લાઈફનું પણ ગૌરવ રાખે છે. આ સ્કૂબા ડાઇવિંગ, નૌકાયન , સ્નોક્રેલિંગ , ગ્લાસ-બોટ ટુર, કયાકીંગ , માછલી પકડવા, વોટર સ્કીઈંગ જેવી પ્રવૃતિઓ માટે ખુબ જ લોકપ્રિય છે. તમે ઈચ્છો તો આ બધું ન કરી શાંતિથી સમુદ્ર કિનારે સૂર્યાસ્ત જોઈને પણ દિવસ પસાર કરી શકો છો. આ ગામને જાણવા માટે સૌથી સારો ઉપાય એક બાઈક પર સવાર થઈને આ દ્વીપ તરફ ફરવું.. પણ એક રિસોર્ટ સિવાય લગભગ બધી જગ્યા સાંજે ૮ વાગે બંધ થઇ જાય છે તેથી ડિનરની વ્યવસ્થા પહેલા જ કરી લેવી.
કેવી રીતે પહોંચવું ?
કોચીન આંતરરાષ્ટ્રિય એરપોર્ટ લગભગ ૪૯૪ કી.મી. દૂર , અગતી દ્વીપનું નજીકનું એરપોર્ટ છે. અહીંથી તમે પ્લેન લઇ શકો છો ( માત્ર એર ઇન્ડિયા અગતીથી ઉડાન ભરે છે.) અથવા અગાતી સુધી જવા ક્રુઝછે.
૭. નાકો
આ નાનું ગામ સ્પીતી ઘાટીના ખુબ જ સુંદર પહાડોમાં વસેલ છે અને તિબ્બતી સીમાની નજીક છે. આ એ લોકોને વધારે પસંદ આવે છે જે હિલ સ્ટેશન જઈને થાકી ગયા છે. આ શાંત નાના ગામમાં એક પ્રાચીન મઠ પરિસર છે. જે ચાર નાના મંદિરોનો એક સમૂહ છે અને બૌદ્ધ લામાઓ દ્વારા ચલાવવામાં આવે છે. આ મંદિરની દીવાલો સુંદર ચિત્રોથી સજાવેલ છે. મનોરંજક પ્રવૃતિઓ માટે, ગરમીમાં તમે અહિયાં બોટિંગ કરી શકો છો અને ઠંડીમાં આઈસ સ્કેટિંગ પણ આયોજિત કરવામાં આવે છે.
કેવી રીતે પહોંચવું ?
સ્પીતી ક્ષેત્રનું નજીકનું એરપોર્ટ ભુન્તારમાં કુલ્લુ એરપોર્ટ છે. અહીંથી તમે નાકો સુધી પહોંચવા માટે એક સ્થાનીય ટેકસી લઇ શકો છો. યાત્રામાં લગભગ ૫ કલાક લાગે છે. તમે ઈચ્છો તો અહી પહોંચવા માટે હિમાચલ પ્રદેશ રાજ્ય પરિવહન અથવા પ્રાઇવેટ બસ પણ કરી શકો છો.
૮. જાઇરો
આપણામાંથી લગભગ બધા લોકો અરુણાચલ પ્રદેશના જાઇરો ઘાટીમાં આયોજિત જાઇરો મ્યુઝિક ફેસ્ટિવલ વિશે જાણે છે. ઘાટીમાં રહેતા અપાતિનાં સમુદાય ૪ દિવસના આ સંગીતમય મહોત્સવ ને આયોજિત કરે છે.
રાજ્યની રાજધાની ઇટાનગરથી લગભગ ૧૧૫ કી.મી. દૂર વસેલ આ એકાંત ગામ યુનેસ્કોની વિશ્વ ધરોહર લિસ્ટમાં સામેલ છે. તે ચારેય તરફથી દેવદાર અને વાસના વૃક્ષોથી ભરેલી ઢોળાવવાળી ટેકરીઓથી ઘેરાયેલું છે. જાઇરોમાં સુંદર લીલા ઘાસના મોટા મોટા મેદાન છે, ખાસ કરીને જીરો પૂતો પહાડી પર જે ઘાસની એક લીલીછમ કાલિનથી ઢંકાયેલ છે.
અમુક બેકપેકરને છોડીને , આ નાનું ગામ પર્યટકોની નજરથી દૂર છે. પણ જે કોઈ પણ પ્રકૃતિથી પ્રેમ કરે છે તે આ ગામને પોતાની લિસ્ટમાં જોડી દે.
કેવી રીતે પહોંચવું ?
નજીકનું એરપોર્ટ ગુવાહાટી આંતરરાષ્ટ્રિય એરપોર્ટ છે. તમે અહીંથી કેબ બુક કરી શકો છો અથવા તો ઇટાનગરથી લગભગ ૧૫ કી.મી. દૂર નાહરલાગુન રેલવે સ્ટેશન સુધી ટ્રેન કરી લઇ શકો છો. અહીંથી તમે એક બસ લઇ શકો છો જે તમને સીધી જાઇરો સુધી લઇ જશે. રસ્તા દ્વારા લગભગ ૬ થી ૮ કલાકમાં કવર કરી શકો છો.
9. ખોનોમાં
નાગાલેન્ડની રાજધાની કોહીમાથી લગભગ ૨૦ કી.મી. દૂર, ખોનોમાં ગામ છે. આ યોદ્ધા ગામ ભારતનું પહેલું "હરિત ગામ" છે , જે સવેંદનશીલ લોકો અને સમુદાય દ્વારા સંરક્ષણ માટે લેવામાં આવે પગલાં માટે જાણીતું છે. લગભગ ૩૦૦૦ લોકોની આબાદીવાળું આ ગામ ૭૦૦ વર્ષ જૂનું છે. અહી તમને દરેક પ્રકારના લીલાછમ અને ઢોળાવવાળી ટેકરીઓ દેખાશે. જૈવ વિવિધતા અને વન્યજીવો ના સંરક્ષણ માટે કેટલાક પ્રયાસોમાં ખોનોમાં પ્રકૃતિ સંરક્ષણ અને ટ્રાગોપાન સેન્ચ્યુરી વિકાસ સામેલ છે જેના કારણે આ ક્ષેત્રમાં શિકાર પર પ્રતિબંધ છે અને પ્રાકૃતિક સંસાધનને સારી રીતે વાપરવાનો પ્લાન પણ બનાવેલ છે.
કેવી રીતે પહોંચવું ?
દિમાપુરમાં નજીકનું એરપોર્ટ છે. ત્યાંથી તમે કેબ કરી શકો છો અને રોડ દ્વારા કોહિમા જઈ શકો છો જેમાં ૨ કલાક અને ૪૦ મિનિટ લાગે છે. ખોનોમાં કોહીમાથી માત્ર ૨૦ મિનિટની દુરી પર છે અને સ્થાનીય બસો અને ટેકસી મળી રહે છે.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ