વારાણસી આમ તો અનેક વિશેષતાઓ ધરાવતું શહેર છે. અને કેમ ન હોય? તે વિશ્વના સૌથી જૂના શહેરોમાંનું એક છે! વિશ્વનાથ મંદિર, ગંગા આરતી, મણિકર્ણિકા સ્મશાન, બનારસી પાન, બનારસી સાડી અને બનારસી લોકો- વારાણસી/ બનારસ/ કાશી સાચે જ અનોખું છે. સામાન્ય રીતે લોકોને વારાણસીમાં હોળી કે શિવરાત્રીની અદભૂત ઉજવણી વિશે ખ્યાલ હોય છે; પણ શું તમે જાણો છો કે વારાણસીની અન્ય એક વિશેષતા વિશે ઘણા ઓછા લોકો માહિતગાર હશે:
કાર્તિક પૂર્ણિમા/ દેવ દિવાળીની ભવ્યાતિભવ્ય ઉજવણી:
વર્ષોથી પૌરાણિક નગરી અથવા જેને ભોલે કી નગરી પણ કહેવામાં આવે છે તેવા વારાણસીમાં દેવ દિવાળીના દિવસે એક અનેરો અલૌકિક માહોલ જોવા મળતો આવ્યો છે પરંતુ આ માહોલમાં હવે ઉત્સાહ, ઉમંગ અને ઉજવણીનો ઉમેરો પણ થયો છે. હિન્દુ મહિના અનુસાર કારતક મહિનાની પૂનમના રોજ દેવ દિવાળીની ઉજવણી થાય છે. મુખ્યત્વે દશસ્વમેઘ ઘાટ અને તે સિવાય બનારસમાં ગંગા કિનારે આવેલા કેટલાય ઘાટ પર દેવ દિવાળીના દિવસે ભવ્ય અને દિવ્ય અનુભવ થાય છે. કદાચ તમે જીવનમાં ક્યારેય આવી ભવ્યતા અને દિવ્યતાનો અનુભવ નહિ કર્યો હોય તેમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી.
શું છે વારાણસીની દેવ દિવાળીની વિશેષતા?
દર વર્ષે કારતક મહિનાની અગિયારશ (જેને આપણે દેવઉઠી એકાદશી કહીએ છીએ)થી વારાણસીમાં કઈ કેટલાય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે દેવ દિવાળીનો ઉત્સવ શરૂ થાય છે. આવી અનેકવિધ કાર્યક્રમો સાથેની ઉજવણી પૂરા પાંચ દિવસ ચાલે છે અને કારતક મહિનાની પૂનમ (એટલે કે દેવ દિવાળી)ના દિવસે આ પાંચ દિવસીય કાર્યક્રમનું સમાપન થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હિન્દુઓ માટે અપાર શ્રદ્ધાનું શહેર એવા વારાણસીમાં દેવ દિવાળીની ધાર્મિક કાર્યક્રમો દ્વારા તો ઉજવણી થાય જ છે પણ સાથોસાથ અહીં ધર્મ અને દેશ માટે વીરગતિ પામેલા સૈનિકો/ વીરોને પણ ખાસ યાદ કરીને તેમને અંજલિ આપતા કાર્યક્રમો પણ થાય છે. દેવ દિવાળીના દિવસે ભારતીય સેનાની ત્રણેય પાંખ- ભારતીય સેના, નેવી અને એરફોર્સના સૈનિકો આ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થાય છે. ઘણી વાર દેવ દિવાળીની રાતે તેમના હસ્તે આકાશમાં હજારોની સંખ્યામાં ટુક્કલ/ ગુબ્બારા છોડવામાં આવે છે જેના થકી સમગ્ર વારાણસીનું આકાશ ઝગમગી ઉઠે છે.
અગણિત માટીના કોડિયાનું અદભૂત સુશોભન:
ઉજવણીના પાંચેય દિવસો દરમિયાન બનારસના દરેક ઘર, ઇમારતો, ઘાટ તેમજ મંદિરોને માટીના દિવાઓ દ્વારા સજાવવામાં આવે છે. હારબંધ માટીના કોડિયાઓમાં જ્યારે સતત પાંચ દિવસ સુધી દિવડા ઝગમગ ઝગમગ થાય ત્યારે તે દ્રશ્ય જોઈને દુનિયાનો કોઈ પણ વ્યક્તિ ભારત દેશ અને તેની સંસ્કૃતિ માટે અહોભાવ અનુભવે છે!
અધર્મ પર ધર્મનો વિજય:
ભગવાન શ્રી રામના 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા પાછા ફરવાના અત્યંત મહત્વના દિવસને આપણે સૌ દિવાળીના તહેવારનું બહુમાન આપીને તેને હોંશભેર ઉજવીએ છીએ તો આ તો દેવ દિવાળી છે, સામાન્ય માણસોની નહિ, દેવોની દિવાળી! વારાણસી શહેરમાં આ તહેવારની વિશેષ ઉજવણીનું કારણ એ છે કે પૌરાણિક કથા અનુસાર તે દિવસે ભગવાન શિવે ત્રિપુરાસૂર નામના રાક્ષસનો વધ કરીને અધર્મ પર ધર્મનું સ્થાપન કર્યું હતું.
ખુશનુમા વાતાવરણ:
ઉત્તર ભારતમાં આમ તો શિયાળામાં અતિશય ઠંડી પડે છે પણ કાર્તિક પૂર્ણિમા દિવાળીના બરાબર 15 દિવસ પછી આવે છે તેથી હજુ વાતાવરણમાં ગુલાબી ઠંડી વ્યાપેલી હોય છે. ઓકટોબર-નવેમ્બરમાં હજુ શિયાળાનો શરૂઆતી તબક્કો હોવાથી વારાણસી શહેરની મુલાકાત લેવાનો આ સૌથી શ્રેષ્ઠ સમય છે. દેવ દિવાળીની ભવ્યાતિભવ્ય ઉજવણી જોવી એ તમારું વારાણસીની મુલાકાતનું પ્રમુખ કારણ હોય તો ખુશનુમા વાતાવરણ તે માટે વધુ એક કારણ બની રહે છે.
ઉપરોક્ત તમામ વર્ણન અને અત્યંત ધ્યાનાકર્ષક તસવીરો પરથી તમને પણ ખ્યાલ આવી જ ગયો હશે કે વારાણસીમાં દેવ દિવાળીની ઉજવણી એ સાચે જ જીવનમાં એક વાર કરવા જેવો અનુભવ છે.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ