
વાલ્મીકિ ટાઈગર રિઝર્વ બિહારનું એકમાત્ર ટાઈગર રિઝર્વ છે. પશ્ચિમ ચંપારણ જિલ્લાના વાલ્મિકી નગરમાં આવેલું આ ટાઈગર રિઝર્વ કુદરતી વૈવિધ્યથી ભરપૂર છે. 800 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ વાલ્મીકિ ટાઈગર રિઝર્વમાં આવીને તમે કુદરતની સુંદરતામાં ખોવાઈ જશો. માઈલો સુધી ફેલાયેલી હરિયાળી નિહાળતા તમે થાકી જશો તો પણ તમારું મન ભરાશે નહીં. થોડી શાંતીની પળો ચાહતા કપલ્સ માટે બજેટમા હનીમૂન માટેનો આ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ વાલ્મીકિ ટાઈગર રિઝર્વ ખર્ચાળ ગીચ પ્રવાસી સ્થળો કરતાં ઘણુ સારુ છે. આ સ્થળની સુંદરતા જોઈને તમે રોમાંચ અને રોમાંસ બંનેનો અનુભવ કરશો. ખળખળ વહેતી નદીને વચ્ચે અહિંની હરિયાળી, પક્ષીઓનો કિલકિલાટ અને કૂદકા મારતા જાનવરોને જોઈને તમે મોહિત થઈ જશો. તમારી આ યાત્રા કાયમ માટે યાદગાર રહેશે.




રામાયણમાં ઉલ્લેખિત મહર્ષિ વાલ્મિકીનો આશ્રમ, આ જ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ભારત-નેપાળ સરહદ પરના ગાઢ જંગલોમાં સ્થિત છે. એમના જ નામ પરથી આ સમગ્ર વિસ્તાર વાલ્મિકી નગર તરીકે ઓળખાય છે. વાલ્મિકી ટાઈગર રિઝર્વ તેના વાઘ માટે જાણીતું છે. અહીંના જંગલની આબોહવા વાઘના રહેઠાણ તેમજ વિકાસ અને સંવર્ધન માટે શ્રેષ્ઠ છે. અહીં સાત પ્રકારની વનસ્પતિ, વૃક્ષોની 84 પ્રજાતિઓ, 32 પ્રકારની ઝાડીઓ અને ઔષધી તથા ઘાસની 81 પ્રજાતિઓ છે. અહીં તમે વાઘ, રીંછ, ચિત્તો, જંગલી શ્વાન, બાઇસન, હરણ અને કાળિયારની ઘણી પ્રજાતિઓ જોઈ શકો છો. ઉડતા શિયાળ પણ અહીં જોઈ શકાય છે. અહીં પક્ષીઓની 250 થી વધુ પ્રજાતિઓ છે. વાઘની સંખ્યાની દ્રષ્ટિએ તે ચોથા સ્થાને છે.



આ સ્થળની સુંદરતા જોઈને તમે જીમ કોર્બેટ, રાજાજી પાર્ક અને રણથંભોરને ભૂલી જશો. શહેરની ધમાલથી દૂર, અહીં તમે બજેટમાં શાંતિથી થોડા દિવસો વિતાવી શકો છો. શિયાળાની ઋતુમાં આ સ્થળ કોઈપણ હિલ સ્ટેશન કરતાં વધુ આનંદદાયક છે. જંગલની વચ્ચેથી પસાર થતી ગંડક નદી એકદમ આકર્ષક લાગે છે. અહીં તમે જંગલ સફારીની સાથે બોટિંગની મજા પણ માણી શકો છો. અહીં રહેવાની પણ વ્યવસ્થા છે. અહીં તમે 700 થી 1800 રૂપિયામાં રૂમ બુક કરાવી શકો છો. અહીં ટ્રી હટ, ઇકો હટ, બામ્બૂ હટ અને ફોરેસ્ટ રેસ્ટ હાઉસ છે. જંગલમાં ફરવા માટે જિપ્સીઓની વ્યવસ્થા પણ છે.




કેવી રીતે પહોંચવું
વાલ્મિકી ટાઈગર રિઝર્વ પશ્ચિમ ચંપારણના જિલ્લામથક બેતિયાથી આશરે 70 કિમી દૂર છે. તમે ટ્રેન અને બસ દ્વારા અહીં સરળતાથી પહોંચી શકો છો. વાલ્મિકીનગર એક નાનું રેલવે સ્ટેશન છે. મુસાફરો અહીં ટ્રેન દ્વારા પહોંચી શકે છે. તે ગોરખપુર - નરકટિયાગંજ - મુઝફ્ફરપુર ટ્રેન રૂટ પર છે. બગહા અને નરકટીયાગંજ પહોંચી તમે અહીં આવી શકો છો. ફ્લાઈટથી આવવા માટે તમારે પહેલા પટના અથવા ગોરખપુર આવવું પડશે, પછી ત્યાંથી તમારે ટ્રેન અથવા બસ દ્વારા અહીં પહોંચવું પડશે. પછી અહીંથી તમે ઓટો લઈને જંગલ કેમ્પમાં જઈ શકો છો.


ક્યારે જવુ
ચોમાસા સિવાય તમે વર્ષના કોઈપણ સમયે અહીં આવી શકો છો. ચોમાસામાં અહીં પૂરના પાણી ભરાય છે. અહીં મુલાકાત માટેનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી એપ્રિલ છે.