આજકાલ જમાનો નવીનતાનો છે. લોકો સતત કઈકને કઈક નવું જોવા, કરવા, અનુભવવા ઈચ્છે છે. પરિણામે વિધવિધ પ્રકારના બિઝનેસ આઇડીયાઝ પણ લોકો અમલમાં મુકતા હોય છે. આવા જ કઈક અનોખા આઇડિયા સાથે રેસ્ટોરાં શરુ કરવાનો એક વેપારીએ નિર્ણય લીધો હતો જે ગુજરાતની સૌ સ્વાદપ્રિય જનતા માટે એક ખાસ જાણવા જેવા સમાચાર છે.
વડોદરાવાસીઓ વિમાન જેવી રેસ્ટોરન્ટમાં બેસીને ખાવાની મજા માણી શકશે. લોકોને આકર્ષવા માટે વડોદરામાં ગુજરાતની સૌપ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ બની છે.
વડોદરાના એક વેપારીએ બેંગલોરથી આશરે દોઢ કરોડમાં એરબસ 320 નામનું એક સ્ક્રેપ એરક્રાફ્ટ ખરીદ્યું હતું જેને તેમણે વડોદરામાં રેસ્ટોરાંમાં પરિવર્તિત કરી દીધું છે! હાઈફ્લાઇ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટના માલિક એમ.ડી.મુખીએ જણાવ્યું હતું કે ખાસ કરીને સામન્ય માણસને એરક્રાફ્ટમાં બેસવાનો મોકો નથી મળ્યો તો કેમ નહીં એરક્રાફ્ટની અંદર રેસ્ટરોરન્ટ શરૂ કરીએ. જેથી કરીને બેંગલુરુની નેગ કંપની પાસેથી સ્ક્રેપની હાલતમાં 1 કરોડ 40 લાખના ખર્ચે એરબસ 320 નામનું સ્ક્રેપ એરક્રાફ્ટ ખરીદ કર્યું હતું, પરંતુ કોરોના આવી જતાં લોકડાઉન લાગ્યું અને દોઢ વર્ષ વીતી ગયું. એના એક-એક પાર્ટ્સ લાવી અહીં એને રેસ્ટોરેન્ટનો લુક આપવામાં આવ્યો છે, જેથી હાલ આની કિંમત અંદાજે 2 કરોડ સુધીની છે. આ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં આશરે 100 વ્યક્તિની કેપેસિટી છે.
હવે વડોદરા તેમજ વડોદરાની આસપાસની જનતા હાઈફ્લાઇ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં જમવાનો આનંદ ઉઠાવી શકશે. રિયલ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટની અંદર જે પ્રકારે સુવિધાઓ હોય છે એવી અહીં પણ આપવામાં આવી છે. 100 વ્યક્તિ એકસાથે બેસી ભોજનનો આસ્વાદ માણી શકે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હાઈફ્લાઇ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં પંજાબી, ચાઈનીઝ, કોન્ટિનેન્ટલ, ઈટાલિયન, મેક્સિકન અને થાઈ ફૂડની મજા પરિવાર સાથે માણી શકાશે. હાઈફ્લાઇ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ હાઇવે બાયપાસ રોડ પર આવેલી હોવાને કારણે મોડી રાત સુધી ભોજનનો સ્વાદ માણી શકાશે.
આ રેસ્ટોરાંમાં સંપૂર્ણપણે વિમાનમાં હોઈએ તેવી અનુભૂતિ થશે. અહીં એન્ટ્રી માટે બોર્ડિંગ પાસ આપવામાં આવશે. અહીં સ્ટાફ પણ એરોસ્ટેસના ડ્રેસમાં સજ્જ હશે. આ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં જેમ રિયલ એરક્રાફ્ટમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે એ પ્રકારે એનાઉન્સમેન્ટ થશે. જે રીતે પ્લેન ટેકઓફ થાય છે અને એક વાઈબ્રેશન થાય એ પ્રકારની અનુભૂતિ પણ અહીં લોકોને થશે. પ્લેનની વિંગ્સ પર અહીં ઓપન સિટિંગ એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે.
વડોદરા શહેર નજીક તરસાલી બાયપાસ પર શરુ થયેલી આ રેસ્ટોરાં વિશ્વની નવમી અને ભારતમાં ચોથી અને ગુજરાતની પ્રથમ હાઈફ્લાઇ એરક્રાફ્ટ રેસ્ટોરાં છે. વિશ્વમાં માત્ર આવી નવ જ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ આવેલી છે. ન્યૂઝીલેન્ડમાં શહેર ટાઉપો, ઘાનાની રાજધાનીનું શહેર આક્રા, પંજાબના લુધિયાણા, હરિયાણાના મોરી, ઉત્તરાખંડના દહેરાદૂન સહિતનાં દુનિયાનાં આઠ એવાં શહેરોમાં આવી એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ આવેલી છે.
માહિતી: દિવ્ય ભાસ્કર
.