
વડક્કન્નાથન મંદિર કેરળના સૌથી મહત્વપૂર્ણ અને સૌથી જૂના મંદિરોમાંનું એક છે. આ મંદિર કેરળના ત્રિશૂરમાં આવેલું છે, જે આ રાજ્યનું એક મહત્વપૂર્ણ ધાર્મિક શહેર છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર પ્રાચીન કેરળમાં પરશુરામ દ્વારા સ્થાપિત 108 શિવ મંદિરોમાંનું એક છે. આ મંદિર 1000 વર્ષથી પણ વધુ જૂનું માનવામાં આવે છે.
શ્રી વડક્કન્નાથન મંદિર - ત્રિશૂર કેરળ

દંતકથાઓ અને લોકકથાઓ અનુસાર, આ મંદિરની સ્થાપના પરશુરામ દ્વારા કરવામાં આવી હતી. ઋષિ જમદગ્નિ અને રેણુકાના પુત્ર પરશુરામને ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર માનવામાં આવે છે. ઋષિ જમદગ્નિ અને રેણુકા પાસે સુરભિ નામની એક ગાય હતી જે દરેકની ઈચ્છા પૂરી કરતી હતી. એક વખત એક રાજાએ ઋષિ જમદગ્નિ પાસે ગાય માંગી જેનો ઋષિ જમદગ્નિએ અસ્વિકાર કર્યો. ત્યારબાદ જ્યારે ઋષિ જમદગ્નિ સ્નાન કરવા માટે આશ્રમની બહાર ગયા ત્યારે રાજાએ સુરભિ ગાયને ચોરી લીધી. આ ઘટનાની જાણકારી મળતા જ ગુસ્સે ભરાયેલા પરશુરામ સુરભીની શોધમાં નીકળી પડ્યા. પરશુરામે રાજાને યુદ્ધમાં હરાવ્યા. અને તેનો વધ કરીને સુરભી ગાયને આશ્રમમાં પાછા લાવ્યા.

જ્યારે પરશુરામે તેમના પિતા ઋષિ જમદગ્નિને આખી વાર્તા સંભળાવી, ત્યારે તેમના પિતાએ તેમને તેમના પાપનું પ્રાયશ્ચિત કરવાની સલાહ આપી અને તેમને તીર્થયાત્રા પર જવા કહ્યું. તીર્થયાત્રાથી પાછા ફરતી વખતે, પરશુરામે જોયું કે બદલો લેવા માટે, ક્ષત્રિય રાજાઓએ તેમના પિતાને મારી નાખ્યા અને આશ્રમનો નાશ કર્યો. વેરની આગથી સળગતા, પરશુરામે કુહાડી ઉપાડી, અને ઘણા ક્ષત્રિય રાજાઓને મારી નાખ્યા. કહેવાય છે કે તેમણે 21 વખત આ પૃથ્વીને ક્ષત્રિયો વિનાની કરી હતી. તેમણે તેમના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે એક યજ્ઞ કર્યો અને પછી પરશુ એટલે કે તેમની કુહાડીને સમુદ્રમાં ફેંકી દીધી. એવું માનવામાં આવે છે કે આના કારણે જ ભારતમાં પશ્ચિમ દરિયાકાંઠાના મેદાનો અસ્તિત્વમાં આવ્યા જેને આપણે કોંકણ તરીકે ઓળખીએ છીએ.
સ્થાનિક દંતકથા

કેરળ રાજ્યની સ્થાનિક દંતકથા અનુસાર, યજ્ઞ પછી, ઘણા ઋષિઓએ પરશુરામને દક્ષિણા તરીકે એકાંત ભૂમિ માટે વિનંતી કરી. ત્યારે તેમણે ગોકર્ણથી દક્ષિણ તરફ સુરપા એટલે કે સુપા ફેંકી. પરિણામે, સમુદ્રની અંદરથી વિશાળ જમીન પ્રગટ થઇ. જે સુર્પારક કહેવાઇ. કેરળ આ જ જમીનનું હાલનું નામ છે. ત્યારબાદ પરશુરામ કૈલાસ ગયા અને શિવ અને પાર્વતીને વિનંતી કરી કે તેઓ આ નવી જમીનમાં નિવાસ કરીને આશીર્વાદ આપે.
એવું માનવામાં આવે છે કે ભગવાન શિવે પ્રસન્નતાથી પરશુરામની આ વિનંતી સ્વીકારી હતી અને પાર્વતી, ગણેશ અને કાર્તિકેય, અને પરશુરામની સાથે તે જમીન પર આવ્યા. તેમણે તેમના રહેઠાણ માટે જે સ્થળ પસંદ કર્યું તે આજનું ત્રિશૂર છે. અહીં થોડો સમય વિતાવ્યા બાદ ભગવાન શિવ તેમના પરિવાર સાથે અદૃશ્ય થઈ ગયા. તે જગ્યાએ પરશુરામે એક વિશાળ વટવૃક્ષની નીચે એક શિવલિંગ જોયું અને તેની અંદરથી તેજસ્વી પ્રકાશ નીકળતો હતો. આ સ્થાનને શ્રી મૂળસ્થાનમ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે તે સ્થાન જ્યાં ભગવાન શિવ દેવતાના રૂપમાં પ્રગટ થયા હતા. આ લિંગ વડક્કન્નાથન મંદિરના પશ્ચિમી ગોપુરમની બહારની બાજુએ આવેલું છે.
વડક્કન્નાથન મંદિરનું સ્થાપત્ય

આ શિવલિંગ ઘણા વર્ષો સુધી મૂળસ્થાનમમાં રાખવામાં આવ્યું હતું. પાછળથી, કોચીન રાજ્યના શાસકોએ એક મંદિર બનાવ્યું અને શિવલિંગને તે મંદિરમાં સ્થાનાંતરિત કર્યું. આ મંદિર એક નાની ટેકરી પર સ્થિત છે, ગોળાકાર મેદાનની મધ્યમાં જ્યાંથી થ્રિસુર શહેર દેખાય છે. સ્થાનિક ભાષામાં આ મેદાનને ટેક્કીનાડુ કહેવામાં આવે છે જેનો અર્થ સાગનું જંગલ થાય છે. 9 એકર વિસ્તારમાં બનેલું આ મંદિર ખડકોની વિશાળ દિવાલોથી ઘેરાયેલું છે. મંદિરમાં 4 ભવ્ય ગોપુરમ છે જે ચાર મુખ્ય દિશાઓમાં સ્થિત છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. મુલાકાતીઓ માટેનું મુખ્ય પ્રવેશદ્વાર પૂર્વ અને પશ્ચિમી ગોપુરમની અંદરથી છે જ્યારે ઉત્તર અને દક્ષિણ ગોપુરમ સામાન્ય રીતે બંધ હોય છે. દક્ષિણી ગોપુરમ ફક્ત 'ત્રિશૂર પૂરમ' ના સમય દરમિયાન જ ખોલવામાં આવે છે જે એપ્રિલ મહિનામાં ઉજવવામાં આવતો એક મહત્વપૂર્ણ તહેવાર છે.
ગોપુરમ

આ મંદિરના ગોપુરમ ગ્રેનાઈટ અને ટાઈલ્સનો ઉપયોગ કરીને બનેલી બહુમાળી રચનાઓ છે. આ મંદિરની સ્થાપત્ય શૈલી કેરળમાં પ્રચલિત અન્ય મંદિરોની લાક્ષણિક સ્થાપત્ય શૈલી જેવી જ છે, જેમાં લાકડા અને ટાઇલ્સનો ઉપયોગ કરીને પેગોડાનો આકાર આપવામાં આવ્યો છે. અસંખ્ય મંદિરોથી ભરેલા આ સંકુલમાં બે ભાગો છે, અંદરનું સંકુલ મધ્યમાં આવેલું મુખ્ય વડક્કન્નાથન મંદિર સાથેની નાની દિવાલ દ્વારા સુરક્ષિત છે. પાર્વતી, શંકરાચાર્ય, શ્રી રામ અને ગણેશને સમર્પિત નાના મંદિરો પણ છે. બહારના સંકુલથી આંતરિક સંકુલ તરફ જતો એક કોરિડોર છે જેને ચુટ્ટમ્બલમ કહેવાય છે. કોરિડોરમાં, ઉત્તરીય દિવાલ પર, વાસુકી-શયનનું ભીંતચિત્ર છે જે ભગવાન શિવને નાગના રાજા, વાસુકી ઉપર સૂતા દર્શાવાયા છે.
શિવલિંગ
શ્રી વડક્કન્નાથન ગોળા મંદિર છે જેમાં ઘણા સ્તંભો અને એક છત છે. વર્ષોની નિયમિત પૂજાના પરિણામે, શ્રી વડક્કન્નાથનનું લિંગ ઘીના ઘણા સ્તરોથી ઢંકાયેલું છે કે મૂળ લિંગ દેખાતું નથી. કહેવાય છે કે આ ઘી ક્યારેય પીગળતું નથી. ન તો ઉનાળાની ઋતુ કે ન તો ગર્ભગૃહમાં પ્રગટાવતા દીવાઓની ગરમી ઘી ઓગળે છે. નવાઈની વાત એ છે કે ઘણા વર્ષોથી ચડાવવામાં આવતા ઘીમાં કોઈ દુર્ગંધ આવતી નથી. પરંપરાગત માન્યતાઓ અનુસાર આ ઘી કૈલાશ પર્વતનું પ્રતિનિધિત્વ કરે છે, જે ભગવાન શિવનું નિવાસસ્થાન છે.

શ્રી રામ મંદિર
મંદિર સંકુલની અંદર ભગવાન શ્રી રામને સમર્પિત બે માળ પર પશ્ચિમ તરફનું મંદિર છે. મંદિરની દિવાલો અદ્ભુત ભીંતચિત્રોથી શણગારેલી છે. મુખ્ય મંદિર અને રામ મંદિર વચ્ચે એક ગોળાકાર મંદિર છે જે શ્રી શંકરનારાયણને સમર્પિત છે. આ મંદિરનું મુખ પણ ઉપરોક્ત બંને મંદિરોની દિશામાં જ છે. શંકરનારાયણની મૂર્તિ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુનું સંયુક્ત સ્વરૂપ છે. તેમને હરિહર પણ કહેવામાં આવે છે. આ મૂર્તિ ચતુર્ભુજ છે, તેના જમણા બે હાથમાં ત્રિશૂળ અને પરશુ છે અને ડાબા હાથમાં શંખ અને ગદા છે. મંદિરની દિવાલો પર મહાભારતના વિવિધ પ્રસંગોને દર્શાવતા ભીંતચિત્રો છે. આ ત્રણેય મંદિરોનું સ્થાપત્ય વૃતાકાર છે જેનો આધાર ગોળાકાર છે અને છત શંકુ આકારની છે. આ ત્રણેય મંદિરોની સામે લાકડાના ત્રણ મુખમંડપ છે.

મહાગણપતિ મંદિર
વડક્કન્નાથન અને શંકરનારાયણ મંદિરો વચ્ચે મહાગણપતિને સમર્પિત પૂર્વમુખી મંદિર છે. તે મુખ્ય મંદિરના રસોડા પાસે સ્થિત છે જે શંકરનારાયણ મંદિરની પૃષ્ઠભૂમિમાં છે. ગણપતિની આ મૂર્તિ ચતુષ્કોણીય છે. મંદિરના ઉત્તર ભાગમાં વેટ્ટક્યોરીમગન દેવને સમર્પિત અન્ય દેવતા છે. વેટ્ટક્યોરીમગનને ભગવાન શિવનું શિકારી સ્વરૂપ માનવામાં આવે છે જે આ મંદિરની રક્ષા કરે છે. જમીન પર ચારે બાજુ પ્રણામ કરતા પુરુષોના શિલ્પો છે.
ટ્રાવેલ ટિપ્સ

આ મંદિરમાં ભક્તોએ પહેરવેશના વિશેષ નિયમોનું પાલન કરવું પડે છે. પુરુષોએ માત્ર ધોતી પહેરવાની હોય છે. આ સિવાય શરીર પર કોઈ કપડા નથી હોતા. મહિલાઓ સાડી, લાંબો કેરળ લહેંગો અથવા સલવાર-કુર્તા પહેરી શકે છે.
વડક્કન્નાથન મંદિરના દર્શનનો સમય સવારે 4 થી 11 અને સાંજે 4:30 થી 8:20 સુધીનો છે.
વડક્કન્નાથન મંદિર પરિસરમાં કોઈપણ પ્રકારની ફોટોગ્રાફી પ્રતિબંધિત છે.
આ મંદિરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય પૂરમ તહેવાર છે. તમે એડવાન્સ બુકિંગ કરાવીને જ આવજો નહિંતર, તહેવારોના સમયગાળા દરમિયાન અહીં પ્રવાસીઓની ભારે ભીડ રહેતી હોય છે.
મંદિરની આસપાસ અનેક વિશ્રામ ગૃહો અને ગેસ્ટ હાઉસ છે. તેથી રહેવાની કોઈ સમસ્યા નથી.
કેરળ રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસો રાજ્યના ઘણા ભાગો અને કેટલાક આંતરરાજ્ય સ્થળો સાથે જોડાયેલી છે.
થ્રિશૂર રેલ્વે સ્ટેશન તમામ મહત્વપૂર્ણ શહેરો સાથે જોડાયેલું છે.
નજીકનું એરપોર્ટ કોચી અને કાલિકટ છે.
નજીકમાં જોવાલાયક સ્થળોની વાત કરીએ તો કલદી, ગુરુવાયુર, વગેરે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો