ઉત્તરાખંડના યુવાનની સાઇકલ પર વર્લ્ડ ટૂર, હાલમાં ફરી રહ્યો છે 18મો દેશ

Tripoto

પ્રવાસનું પેશન ધરાવતા અનેક ટ્રાવેલર્સની વાતો આપણા ધ્યાનમાં આવતી રહેતી હોય છે. ચાલો, આજે હું તમને વધુ એક ટ્રાવેલર સાથે મુલાકાત કરાવું. મળો ઉત્તરાખંડના પ્રદીપને જે સાઇકલ પર વર્લ્ડ ટૂર કરી રહ્યો છે. વર્ષ 2019માં તેઓએ પોતાના વતન ઉત્તરાખંડથી આ યાત્રાની શરૂઆત કરી હતી. Tripoto ગુજરાતી તરફથી પ્રદીપને તેમનું બેકગ્રાઉંડ, પ્રવાસ પ્રત્યે આકર્ષણ, સૌથી વધુ ગમેલી જગ્યા/ દેશ, સૌથી ન ગમેલો દેશ, વિઝા મેળવવામાં પડતી મુશ્કેલીઓ, પ્રવાસની આગામી યોજના વગેરે વિશે પ્રશ્નો પુછવામાં આવ્યા હતા જેની તેમણે મુક્તમને વાત કરી હતી.

પ્રદીપની મુસાફરી વિશે સવિસ્તાર અહીં જાણો: Pradeep Rana

જાણો પ્રદીપની મુસાફરી તેના જ શબ્દોમાં:

સહુને નમસ્તે. મારું નામ પ્રદીપ રાણા છે, હું ઉત્તરાખંડના ગરુડબાગેશ્વર ગામનો વતની છું. મારા માતા-પિતા બંને ખેડૂત છે અને ગામના ગરીબ બાળકોને ભણાવવા નાનકડી સ્કૂલ ચલાવે છે. મને નાનપણથી જ અભ્યાસ માટે ઘરથી દૂર દહેરાદૂન મોકલી દેવામાં આવ્યો હતો જે ઉત્તરાખંડની રાજધાની છે અને અમારા રાજ્યમાં આવતા પ્રવાસીઓ માટે સૌથી વધુ કનેક્ટિવિટી ધરાવતું શહેર. હું સાવ નાની ઉંમરથી પ્રવાસીઓને જોતો આવ્યો છું અને કદાચ એટલે જ હંમેશા હું હરવા-ફરવા પ્રત્યે ખૂબ જ રોમાંચ ધરાવતો હતો.

ભારતમાં હું કોઈ કોઈ વાર ફર્યો હતો, પણ ટુરિસ્ટ બનીને, ટ્રાવેલર બનીને નહિ. હું પહાડોમાં જ જન્મ્યો અને ઉછર્યો હોવાથી મને પહાડો પ્રત્યે બહુ જ લગાવ છે. ભારતમાં મને મુન્નાર અને અરુણાચલ પ્રદેશનો પહાડી વિસ્તાર સૌથી વધુ પસંદ આવ્યો હતો.

મેં થોડા પુખ્ત થયા બાદ વિચાર્યું કે મારે દેશ અને આખી દુનિયા ફરવી છે, એ પણ કઈક અનોખી રીતે. અને મેં મારી સાઇકલ યાત્રા દ્વારા વર્લ્ડ ટૂર કરવાનો નિર્ણય લીધો. સૌથી પહેલા આપણા પાડોશી દેશ નેપાળથી મેં આ સફર શરૂ કરી હતી જ્યાં જવા વિઝા લેવાની કોઈ જરૂર નથી. મારા પ્રવાસની શરૂઆતના પહેલા જ દેશમાં મને એક થોડો નકારાત્મક અનુભવ થયો હતો જેમાં નેપાળમાં કોઈ તોફાની તત્વોએ મારી પાસે રહેલો સામાન લૂંટવા પ્રયત્ન કર્યો હતો. સદભાગ્યે તેઓ કશું લૂંટી ન શક્યા. આમ તો હું સાઇકલ પર મર્યાદિત સામાન લઈને ફરી રહ્યો હોવા છતાં હું માનસિક તૈયાર હતો કે મારી સાથે ગમે ત્યારે આવી કોઈ પણ ઘટના બની શકે છે પણ શરૂઆતમાં જ આ અનુભવ બાદ હું થોડો વધુ સતર્ક થઈ ગયો.

સૌથી વધુ ગમેલો દેશ:

હાલમાં હું 18 દેશોમાં ફરી ચૂક્યો છું અને અત્યાર સુધીમાં જો મને સૌથી વધુ કોઈ ગમ્યો હોય તો તે છે મ્યાનમાર. મને એવું લાગ્યું કે આ નાનકડો દેશ પ્રવાસન દ્રષ્ટિએ તદ્દન unexplored છે, એટલે કે દુનિયાભરના પ્રવાસીઓનું હજુ આ દેશ તરફ ધ્યાન ખેચાયું જ નથી. અહીં કુદરતી સૌંદર્ય પૂર્ણ સ્વરૂપે ખીલેલું છે.

મને સૌથી ન ગમેલા દેશ વિશે હાલમાં કે કદાચ ભવિષ્યમાં પણ મને કોઈ પૂછશે તો મારો સરખો જ જવાબ હશે: એક પણ નહિ. દરેક દેશની કોઈને કોઈ ખૂબી છે, વિશેષતાઓ છે, તેના લોકોની આગવી લાક્ષણિક્તા છે.

વસુધૈવ કુટુંબકમ:

અતિથિ દેવો ભવઃ અને ‘આખું વિશ્વ એક કુટુંબ છે’- નો ખ્યાલ આપણા શાસ્ત્રોમાં હજારો વર્ષોથી આપવામાં આવ્યો છે પણ આ આખા પ્રવાસમાં મેં સતત આ ફિલોસોફીનો અનુભવ કર્યો છે. હું જેટલા દેશમાં જે કોઈ લોકોને મળ્યો તેમાંના મોટા ભાગના લોકોએ મને હોંશભેર આવકાર્યો છે. ભારતથી સાઇકલ પર આવેલા એક અજાણ્યા છોકરા સાથે સૌએ પ્રેમથી પોતાના દેશ, પોતાની સંસ્કૃતિ, તેની વિશેષતાઓ વગેરે વિષે ખુલ્લા મને વાતો કરી છે; ખૂબ જ લાગણીપૂર્વક મને જમાડ્યો છે; કે ઘણાએ રહેવા આશરો પણ આપ્યો છે. 18 દેશમાં હું એવા સેંકડો લોકોને મળ્યો છું જેમને હું કાયમ સારા ભાવથી યાદ કરીશ.

ગુજરાતીઓ સાથે મુલાકાત:

આમ તો વિશ્વનો એવો એક પણ ખૂણો નહિ હોય જ્યાં ભારતીયો હાજર નહિ હોય, એટલે આ સંપૂર્ણ પ્રવાસ દરમિયાન મને દરેક જગ્યાએ ક્યાંકને ક્યાક તો ભારતીયો મળી જ જાય છે. પણ જો હું ગુજરાતીઓની વાત કરું તો દક્ષિણ આફ્રિકા ખંડના વિવિધ દેશો અને તેના શહેરોમાં ફરવા દરમિયાન મારી ઘણા ગુજરાતીઓ સાથે મુલાકાત થઈ હતી. એ સૌ દાયકાઓ પહેલા, કેટલાકના પરિવાર તો સદીઓ પહેલા વ્યાપાર અર્થે અહીં આવીને વસ્યા હોવાની વાતો જાણવા મળી હતી.

અરે! મલાવી દેશમાં તો લિલોંગવે નામના શહેરમાં હું BAPS સંસ્થાના મંદિરમાં રોકાયો હતો અને તેમણે મને મારી યાત્રામાં સહયોગ કરવા અમુક રકમની નાણાકીય મદદ પણ કરી હતી. મને ભારતમાં BAPSના મંદિરો વિષે થોડો ખ્યાલ તો હતો પણ આફ્રિકાના આટલા નાનકડા દેશમાં પણ તે હશે એની કલ્પના નહોતી કરી.

ભવિષ્યની યોજના:

જો હું મારા ભવિષ્યની યોજના વિશે વાત કરું તો હજુ હું 6-7 વર્ષ સુધી ટ્રાવેલિંગ કરીને વિશ્વનો એક એક દેશ ફરવા, જોવા, જાણવા માંગુ છું. દર વર્ષે 1-2 મહિનાનો બ્રેક લઈને ભારતમાં ઉત્તરાખંડમાં મારા ઘરે આવીશ તેમ પણ વિચાર્યું છે. હાલનો દક્ષિણ આફ્રિકા ખંડ ફરીને ત્યાર બાદ એશિયા, મિડલ ઈસ્ટ, યુરોપ, નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, એંટર્કટિકા અને છેલ્લે ઓસ્ટ્રેલિયા ખંડ ફરીને મારી વર્લ્ડ ટુર પૂરી કરવાનું આયોજન છે.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads