ઉત્તરાખંડ ભારતનું એવું રાજ્ય છે જે પોતાનામાં ઘણાં સુંદર અને આકર્ષક નજારાઓથી ભરેલું છે. ઉત્તરાખંડમાં એવી ઘણી જગ્યાઓ છે, જેના વિશે ઘણું લખાયું છે. પરંતુ શું તમે ઉત્તરાખંડના તમામ જિલ્લાઓ અને તેમની ખુબીઓ વિશે જાણો છો? જો તમે નથી જાણતા, તો આવો અમે તમને કંઈક મદદ કરીએ.
1. અલ્મોડા
પોતાની સાંસ્કૃતિક વિવિધતા માટે જાણીતું, અલ્મોડા ઉત્તરાખંડનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે. અલ્મોડા સમુદ્ર સપાટીથી 1,638 મીટરની ઉંચાઈ પર છે. અલ્મોડા પહેલેથી જ તેની અપાર સુંદરતા અને ખુશનુમા હવામાન માટે જાણીતું છે. ચિતઈ અને નંદા દેવી શિખર અલ્મોડાના બે સૌથી વધુ જોવાલાયક પર્યટન સ્થળોમાંના એક છે. અલ્મોડાના બજારોમાં પહાડી ચીજવસ્તુઓની પણ ઘણી બધી વિવિધતા જોવા મળશે.
2. બાગેશ્વર
કુમાઉ ડિવિઝનમાં આવેલું બાગેશ્વર એક સુંદર સ્થળ છે. બાગેશ્વર મુખ્યત્વે શિવભક્તો માટે એક મહત્વપૂર્ણ સ્થળ છે. સરયુ અને ગોમતી નદીઓના સંગમ પર સ્થિત બાગેશ્વર જિલ્લો, પ્રસિદ્ધ શિવ મંદિર બાગનાથનું ઘર પણ છે. સામાન્ય દિવસોમાં બાગેશ્વર અન્ય પહાડી નગર જેવું જ લાગશે, પરંતુ જો તમે શિવરાત્રી દરમિયાન અહીં આવો છો ત્યારે આ જિલ્લાની ચમક જોવા જેવી હોય છે.
3. ચંપાવત
10મીથી 16મી સદી સુધી ચાંદ સામ્રાજ્યની રાજધાની રહેલું ચંપાવત ઉત્તરાખંડના જાણીતા ઐતિહાસિક જિલ્લાઓમાંનું એક છે. આજે ચંપાવતમાં એવા અનેક મંદિરો છે જે જોવા લાયક છે. ખાસ વાત એ છે કે આ તમામ મંદિરો ચાંદ સામ્રાજ્યના સમયગાળા દરમિયાન બનાવવામાં આવ્યા હતા, જેના કારણે તેની વાસ્તુકલા જોવાલાયક છે.
4. નૈનીતાલ
ઉત્તરાખંડનું સૌથી પ્રખ્યાત હિલ સ્ટેશન, નૈનીતાલ ઘણા પ્રવાસીઓને આકર્ષે છે. લેક ડિસ્ટ્રિક્ટ તરીકે ઓળખાતો આ જિલ્લો ઉત્તરાખંડના ટોચના પર્યટન સ્થળોમાંનો એક છે. નૈનીતાલની સુંદરતા અહીં આવનાર દરેક વ્યક્તિને મંત્રમુગ્ધ કરી દે છે. સમુદ્ર સપાટીથી 2,000 મીટરની ઉંચાઈ પર સ્થિત નૈનીતાલ સાત પર્વતોથી ઘેરાયેલું છે જેને સપ્ત શ્રૃંગા કહેવાય છે.
5. પિથોરાગઢ
પિથોરાગઢને લિટલ કાશ્મીર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્તરાખંડનો આ જિલ્લો તેના અદભૂત દૃશ્યો અને મંત્રમુગ્ધ સુંદરતા માટે પ્રખ્યાત છે. પિથોરાગઢ તિબેટ અને નેપાળની સરહદની ખૂબ નજીક આવેલું છે. આ સ્થળની ઉંચાઈ 1,645 મીટર છે, જેના કારણે પિથોરાગઢ ઉત્તરાખંડના સૌથી વધુ પસંદ કરાયેલા પર્યટન સ્થળમાંનું એક છે.
6. ઉધમસિંહ નગર
કુમાઉ ડિવિઝન માટે દરવાજાનું કામ કરતો ઉત્તરાખંડનો આ જિલ્લો બાકીના જિલ્લા કરતાં ઓછો પ્રખ્યાત જરુર છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આ જગ્યા સુંદરતામાં કોઈનાથી ઉતરતી છે. ઉધમસિંહ નગર જિલ્લાનું વડુમથક રૂદ્રપુર ખાતે છે. કુમાઉ હિમાલયની તળેટીમાં વસેલું, ઉધમસિંહ નગર ગ્રામીણ જીવન જોવા માટે યોગ્ય સ્થળ છે.
7. ચમોલી
ચમોલી ઉત્તરાખંડના સૌથી સુંદર અને ફરવાલાયક જિલ્લાઓમાંનો એક છે. ચમોલીમાં સ્થાનિક દેવી-દેવતાઓના ઘણા મંદિરો છે જેની દરેક ટ્રાવેલરે મુલાકાત લેવી જોઈએ. આ સિવાય ચમોલી ચિપકો આંદોલન સાથે પણ જોડાયેલું છે. ચમોલીમાં ગઢવાલની સમૃદ્ધ સંસ્કૃતિ અને કલા પણ જોઈ શકાય છે.
8. દેહરાદૂન
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન દરેક રીતે વિશેષ સ્થાન ધરાવે છે. દૂન ખીણમાં આવેલું આ સ્થળ ઉત્તરાખંડના અન્ય તમામ જિલ્લાઓથી બિલકુલ અલગ છે. દહેરાદૂનને ભારતનું સ્કૂલ કેપિટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્તરાખંડમાં એવી ઘણી શાળાઓ છે જેમાં દેશભરના બાળકો ભણવા માંગે છે.
9. હરિદ્વાર
હરિદ્વાર એ ભારતના પવિત્ર શહેરોમાંનું એક છે, જેની હિન્દુ ધર્મમાં ઘણી માન્યતા છે. હરિદ્વાર ચાર ધામ યાત્રાનું પ્રારંભિક બિંદુ પણ છે. ઉત્તરાખંડની મધ્યમાં સ્થિત હરિદ્વારમાં અજોડ સૌંદર્ય વસે છે. હરિદ્વારમાં ઘણા મંદિરો અને ધાર્મિક સ્થળો છે, જેની દર વર્ષે લાખો લોકો મુલાકાત લે છે. હરિદ્વારની હર કી પૌડીમાં શ્રદ્ધાથી ડૂબકી મારવા લોકોની લાઈન લાગે છે.
10. પૌડી ગઢવાલ
ઉત્તરાખંડનો આ જિલ્લો ધાર્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશના ખૂણે-ખૂણેથી લોકો પૌડી ગઢવાલના કંડોલિયા મંદિર અને ડંંડા નાગરાજ મંદિરમાં દર્શન કરવા આવે છે. પૌડી ગઢવાલ મંડળમાં સમાવિષ્ટ તમામ સ્થળો ફરવાલાયક છે.
11. રુદ્રપ્રયાગ
રુદ્રપ્રયાગ ઉત્તરાખંડના ધાર્મિક સ્થળોમાંથી એક છે. રૂદ્રપ્રયાગમાં પંચ પ્રયાગ, શિવ મંદિર, ચાર ધામ રોડ અને સ્થાનિક બજાર એ બધાં જોવાલાયક સ્થળો છે. એક તીર્થસ્થળ હોવાને કારણે, રૂદ્રપ્રયાગ જિલ્લામાં આખા વર્ષ દરમિયાન પ્રવાસીઓની ભીડ રહે છે. રુદ્રપ્રયાગમાં એવા લોકો માટે પણ ઘણા વિકલ્પો છે જેઓ સાહસ અને ટ્રેકિંગના શોખીન છે.
12. ટેહરી ગઢવાલ
ટેહરી ગઢવાલમાં માત્ર ભારતનો જ નહીં પણ એશિયાનો સૌથી મોટો અને સૌથી ઊંચો ડેમ છે, જે દરેક ભ્રમણ કરનાર વ્યક્તિએ જોવો જ જોઈએ. ટેહરી ડેમ એ વિશ્વનો 10મો સૌથી ઊંચો ડેમ છે જે ભીલંગાના અને ભાગીરથી નદીઓના પાણીને નિયંત્રિત કરે છે. આ બંને નદીઓ હિમાલયના સૌથી મહત્વપૂર્ણ જળ સ્ત્રોતોમાંની એક છે.
13. ઉત્તરકાશી
ઉત્તરકાશી જિલ્લો હંમેશા તેની બેજોડ સુંદરતા માટે જાણીતો છે. ઉત્તરકાશી જિલ્લો શિવ મંદિર માટે પ્રખ્યાત છે, જેની દર વર્ષે હજારો લોકો મુલાકાત લે છે. ઉત્તરકાશીને ભારતના ઉત્તરીય ભાગની કાશી કહેવામાં આવે છે.