આજકાલ પ્રવાસના શોખીન લોકોમાં ટ્રેકિંગ માટે જવા માંગતા લોકોની સંખ્યા ખૂબ સારા પ્રમાણમાં વધી રહી છે. લોકો ટ્રેકિંગ માટે ખાસ કપડાં પણ ખરીદી રહ્યા છે. પણ ટ્રેકિંગ માટે માત્ર આટલું જ પૂરતું નથી. આ લેખમાં આપેલા અમુક મુદ્દાઓ પર ધ્યાન આપશો તો તમારો પહાડોમાં ટ્રેકિંગનો આનંદ બમણો થઈ જશે.
ક્યારેય ‘નો ટ્રેકિંગ ઝોન’માં ન જાઓ
કોઈ પણ જગ્યાએ ટ્રેકિંગમાં જતાં પહેલા તે વિષે પૂરતી માહિતી એકઠી કરી લો. એ માહિતી ખાસ જાણવી કે કઈ કઈ જગ્યાના ટ્રેક જાણીતા છે અને ત્યાં કેવી રીતે જઈ શકાય છે. એક વાટ ખાસ યાદ રાખવી કે કોઈ જગ્યા ગમે એટલી સુંદર લાગે, પણ ‘નો ટ્રેકિંગ ઝોન’માં જવાનું ભૂલ ક્યારેય ન કરવી. તે હાનિકારક સાબિત થઈ શકે તેમ છે.
ગાઈડને હંમેશા ફોલો કરો
શક્ય હોય ત્યાં સુધી ગાઈડ વગર ક્યારેય ટ્રેક પર ન જવું. અને જો તમે એકલા જઈ જ રહ્યા હોવ તો જતાં પહેલા કોઈ ગાઈડ પાસેથી ત્યાંનાં રસ્તાઓની પૂરતી માહિતી મેળવીને પછી જ ટ્રેકિંગ પર આગળ વધવું. એ વાત યાદ રાખવી કે નવો રસ્તો તમને મુશ્કેલીમાં મૂકી શકે તેમ છે. તેથી ગાઈડની વાતોની અવગણના સહેજ પણ ન કરવી.
ટ્રેકિંગ માટે હંમેશા ઓછો સામાન સાથે રાખવો
જો ટ્રેકિંગ પર તમે કોઈની સાથે જતાં હોવ કે એકલા હોવ, ઓછો સામાન રાખવો જ હિતાવહ છે. ક્યારેક તમારે બેઝ કેમ્પ છોડીને સામાન સાથે નીકળવાનું હોય તો તમે લાંબો રસ્તો આસાનીથી પસાર કરી શકો છો.
પોતાને પહેલેથી તૈયાર કરો
તમને હંમેશા એવું સાંભળવા મળશે કે ટ્રેકિંગ પછી પગમાં દુખાવો થવા લાગે. હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે ટ્રેક પર જતાં પહેલા જોગિંગ અને રનિંગ કરવાની ટેવ રાખો જેથી ટ્રેકિંગ સમયે તમને પગમાં મુશ્કેલી ન મળે.
હંમેશા મેડિકલ કીટ સાથે રાખો
ટ્રેકિંગનો સામાન પેક કરતી વખતે તેમાં મેડિકલ કીટ મૂકવાનું સહેજ પણ ન ભૂલો. જરુર પડે પ્રાથમિક સારવાર લઈ શકો તેની પૂરતી વ્યવસ્થા રાખો.
.