પંજાબી, ચાઇનીઝ અને પિઝાના જમાનામાં પણ ગુજરાતીઓને પ્રિય છે ગુજરાતી થાળી. થાળી એટલે સંપૂર્ણ આહાર. આપણા ઘરની થાળીમાં પણ તમને રોટલીથી માંડીને દાળ-ભાત સુધી તમામ વાનગી જોવા મળશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં તો ગુજરાતી પરિવારો અઠવાડિયામાં અકવાર ગુજરાતી થાળી ખાવા બહાર અચૂક જતા હોય છે.
ગુજરાતી થાળી ખાવાના લોકોના શોખને કારણે જ છેલ્લા ઘણાં વર્ષોથી મોટા શહેરોમાં અનલિમિટિડે ગુજરાતી થાળી પિરસતા રેસ્ટોરન્ટ શરુ થયા છે. અમદાવાદમાં વિશાલા, રજવાડું, પકવાન, અતિથિ, ઇસ્કોન થાળ, ગ્રાન્ડ ઠાકર જેવા રેસ્ટોન્ટ્સ અનલિમિટેડ થાળી માટે પ્રખ્યાત છે. આવા રેસ્ટોરન્ટ્સમાં 20થી લઇને 40 કે 50 સુધીની વાનગી એક થાળીમાં મળતી હોય છે. પરંતુ વડોદરામાં એક રેસ્ટોરન્ટ એવી છે જેમાં ગુજરાતી થાળીમાં 101 પ્રકારની વાનગીઓ જોવા મળશે. આ જગ્યા વિશે જાણ્યા પછી કદાચ તમે અમદાવાદ રહેતા હશો તો પણ વડોદરા આ રેસ્ટોરન્ટનો ચટાકો માણવા ઉપડી જશો. તો આવો જાણીએ આ રેસ્ટોરન્ટ વિશે.
ઘી-ગુડ રેસ્ટોરન્ટ
વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી આ રેસ્ટોરન્ટમાં તમને 101 જાતની વાનગીઓ જોવા મળશે. અહીં અનલિમિટેડ થાળીનો ભાવ 320 રુપિયા છે. આ હોટલમાં લગભગ 45 જણનો સ્ટાફ છે. 101 આઇટમ તૈયાર કરવા હોટલનો સ્ટાફ સવારે 9 વાગ્યાથી કામે લાગી જાય છે. સવારે 11.30 કલાકે રેસ્ટોરન્ટ શરુ થઇ જાય છે.
થાળીમાં શું મળે
શાક
શરુઆત શાકથી કરીએ તો તમને અહીં સ્પેશ્યલ રજવાડી મિક્સ, રીંગણનો ઓળો, સેવ ટામેટા, લસણિયા બટાકા, રજવાડી ભિંડી મસાલા, ભરેલા રીંગણ, ગટ્ટાનું શાક, રજવાડી ઢોકળી, લસણિયા પાલક પનીર, વેજ કઢાઇ, અમૃતસરી છોલે, મગ મસાલા, બટાકાની સુકી ભાજી, સિઝનલ વેજ-1, સિઝનલ વેજ-2 મળશે. અહીં લગભગ 15 જાતના શાક મળે છે.
રોટી બાસ્કેટ
રોટલીમાં ફુલકાં રોટલી, પુરી, બાજરાનો રોટલો, મલ્ટીગ્રેન રોટલો વગેરે મળશે. આ ઉપરાંત, વઘારેલો રોટલો, સ્વીટ ચુરમા રોટલો પણ મળશે.
અથાણા
અથાણાની અહીં અનેક વેરાયટી છે. તમે નક્કી નહીં કરી શકો કે શું ખાવું અને શું ન ખાવું. અહીં ગ્રીન ચીલી, કેરા, છુંદો, ગોળકેરી, લીંબુ, કેરીનું તીખું અથાણું, મિક્સ વેજ અથાણું, ચણા મેથી લસણ, લસણ, લાલ મરચા, ગાજર, ડુંગળી એમ લગભગ 13 જાતના અથાણાંનો ટેસ્ટ માણવા મળશે.
દાળ-ભાત, કઢી-ખિચડી
દાળની વાત કરીએ તો અહી કાઠિયાવાડી તીખી દાળ, ગુજરાતી ગળી દાળ, પંચરત્ન રાજસ્થાની, દાલ ફ્રાય વગેરે દાળ મળશે. જ્યારે રાઇસમાં સ્ટીમ, જીરા, વેજ પુલાવ મળશે. જ્યારે કઢીમાં રાજસ્થાની તીખી અને ગુજરાતી ગળી કઢી મળશે. ખીચડીમાં જૈન અને રજવાડી મસાલા ખિચડીનો ટેસ્ટ માણવા મળશે. અને હાં, સાથે છાશ તો ખરી જ. અહીં રાજકોટના ફેવરિટ ભૂંગળા બટાકા પણ મળે છે.
12 જાતની ચટણી
અહીં લગભગ 12 જાતની ચટણીનો ટેસ્ટ કરવા મળશે. જેમાં ગ્રીન, ખજૂર આંબલી, કોકોનટ, લસણ, ટોમેટો ગાર્લિક, ડ્રાય લસણ, ઓનિયન ટોમેટો, સ્નેક્સ ચટણી, રાજકોટ ગ્રીન, ગ્રીન ચીલી, ગ્રીન કર્ડ, ટોમેટો કેચઅપ વગેરેનો સમાવેશ થાય છે.
રાયતા
ઘી ગુડ રેસ્ટોરન્ટમાં તમને બુંદી રાયતુ, ઓનિયન રાયતું, કાકડી બીટ રાયતુ, ઓનિયન ચીલી, દહીં વડા, દહીં ખમણ વગેરે રાયતાનો ટેસ્ટ કરવા મળી શકે છે.
સલાડ
અહીં લગભગ 12 જાતના સલાડ તમે ખાઇ શકો છો. જેમાં સ્લાઇસ્ડ ઓનિયન, સ્લાઇસ્ડ ટોમેટો, સ્લાઇસ્ડ કકુંમ્બર, સ્લાઇસ્ડ બીટ, સ્લાઇસ્ડ કેરટ, ડાઇસ્ડ પાઇનેપલ, મગ સલાડ, ઓનિયન અને ટોમેટો સલાડ, કેબેજ સંભારો, પપૈયાનો સંભારો, વઘારેલા પપૈયાનો સંભારો, મિક્સ સલાડનો સમાવેશ થાય છે.
પાપડ
ચુરા મસાલા પાપડ, ફ્રાય પાપડ, ફ્રાયમ્સ
ચાટ કાઉન્ટર
લગભગ 11 જાતના ચાટમાં તમે પાની પુરી, ભેલ મિક્સ, સેવ મમરા, સેવ, મિક્સ ચેવડો, મિક્સ ચવાણું, ફરાળી ચેવડો તીખો, ગળ્યો ફરાળી ચેવડો, પાપડી, ભાવનગરી ગાંઠિયા અને મસાલા પીનટનો સ્વાદ માણી શકો છો.
સ્વીટમાં શું મળે
ગુજરાતીઓને ગળ્યું અતિશય પ્રિય છે. દરેક થાળીમાં એક સ્વીટ મિઠાઇ અવશ્ય હોય છે. સ્વીટમાં તમને અહીં હોટ અને કોલ્ડ એમ બે પ્રકારની મીઠાઇ ખાવા મળશે. સૌ પ્રથમ હોટ મીઠાઇની વાત કરીએ તો તેમાં લિક્વિડ મોહનથાળ, ગુલાબ જાંબુ, રવા કેસરી હલવો (સોજીનો શીરો), કાઠિયાવાડી લાડુ, ચુરમા ગોળ વગેરે મળશે. કોલ્ડ મીઠાઇમાં તમે ફ્રૂટ કસ્ટર્ડ, મિલ્ક ફિરની, કેસર શ્રીખંડ, પાઇનેપલ શ્રીખંડ, બટરસ્કોચ શ્રીખંડ, અમેરિકન નટ્સ શ્રીખંડ આરોગી શકો છો.
ફરસાણમાં શું મળે
ઘી ગુડમાં ફરસાણની વાત કરીએ તો તેમાં સેન્ડવિચ ઢોકળા, કાઠિયાવાડી ઢોકળા, વઘારેલા ખમણ, સેવ ખમણી, કાઠિયાવાડી સમોસા, વેજ કટલેટ વગેરે મળે છે.
લાઇવ મિક્સ ભજીયા
લાઇવમાં તમે અહીં બટાકા વડા, ડુંગળી ભાજી, ગ્રીન ચિલી અને મેથીના ગોટાનો ટેસ્ટ કરી શકો છો.
સ્ટ્રીટ ફુડ
ભુંગળા બટાકા, ખીચુ જેવી રોડ સાઇડ વાનગીઓનો ચટાકો પણ આ રેસ્ટોરન્ટમાં માણવા મળશે. આ ઉપરાંત, દાલબાટી-ચુરમા (અનલિમિટેડ), ગોળ ઘી ખાવા મળશે.
ટિફિનની પણ સુવિધા
તમે પેક મીલ, ટિફિન મીલ, ફેમિલી ટિફિન, દાલબાટી ચુરમા, રોટલા કોમ્બો, ખિચડી કઢી કોમ્બો, દાલ રાઇસ કોમ્બો પણ પેક કરીને ઘરે લઇ જઇ શકો છો.
ટ્રેન, પ્લેન રેસ્ટોરન્ટ પણ છે
વડોદરામાં એરોપ્લેન રેસ્ટોરન્ટ પણ શરુ થયું છે. જેમાં ઓરિજીનલ પ્લેનમાં બેસીને જમવાનો આનંદ લઇ શકાય છે. આ ઉપરાંત, નટુભાઇ સર્કલ પર એક લા પિઝા ટ્રેનો રેસ્ટોરન્ટ પણ છે જેમાં પિઝા સર્વ કરવા માટે કોઇ વેઇટર નહીં પરંતુ ટ્રેન આવે છે. આ પ્રકારની વડોદરામાં આ પ્રથમ રેસ્ટોરન્ટ છે. 12 વર્ષ સુધી નોકરી કર્યા પછી ભરુચના એક યુવાને વડોદરામાં આ પિઝા રેસ્ટોરન્ટ શરુ કરી છે. અહીં વેઇટર ફક્ત ઓર્ડર લે છે અને આ ઓર્ડરને નાનકડી ટ્રેન દ્ધારા ટેબલ સુધી સર્વ કરવામાં આવે છે.