કોઈ પણ વ્યક્તિ માટે એનું નામ એ એની ઓળખ હોય છે. આપણે જયારે પણ કોઈની સાથે વાત કરીએ ત્યારે એના નામ વગર આપણે એને કઈ રીતે બોલાવી શકીએ! પરંતુ ભારતના મેઘાલયની રાજધાની શિલોન્ગથી લગભગ 65 કિમી દૂર કાંગથાન્ગ ગામમાં રહેતા ખાસી પ્રજાતિના લઘભગ 650 લોકો એકબીજાને એક અલગ પ્રકારની ધૂન અથવા સીટીથી ઓળખે છે! તમે અહીંયા જશો તો તમને ઘણા અલગ અલગ મધુર વાજો સાંભળવા મળશે જે તમને લાગશે કે પક્ષીઓના અવાજો છે પરંતુ જેવા જ તમે જાણશો કે કોઈ માણસના મોઢે આ અવાજો નીકળી રહ્યં છે તો તમે દંગ થઇ જશો. આ ગામને મ્યુઝીકલ વિલેજ ઓફ એશિયા અને ભારતનું વહીસલ વિલેજ પણ કહે છે.
બાળકનો જન્મ થતા જ માં બાળક માટે ધૂન બનાવે છે:
સ્ત્રીપ્રધાન આ ગામમાં લગ્ન પછી પતિએ પત્નીના ઘરે રહેવાનું હોય છે. પરિવારમાં બાળકનો જન્મ થતા એના માટે 3 - 4 ધૂન બનાવવામાં આવે છે. અને એને નાનપણથી જ એ સંભળાવવામાં આવે છે જેથી બાળક એને ઓળખી શકે.
કેવી રીતે કામ કરે છે આ ધૂન?
દરેક ધૂન 45 થી 50 સેકન્ડ લાંબી હોય છે પરંતુ શરૂઆતની 5 - 6 સેકન્ડની ધૂન નિક નેમ તરીકે વપરાય છે. જયારે દૂરથી કોઈને બોલાવવાનો હોય તો આખી ધૂન વપરાય છે જેથી એ સામેની વ્યક્તિ અલગ ધૂનમાં જવાબ આપે છે. નિક નેમ બે લોકોના સમાન હોય શકે છે પરંતુ આખી લાંબી ધૂન દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે.
બે પ્રકારના નામ
અહીંયા પ્રવાસીઓનું આગમન શરુ થવાથી હવે 2 પ્રકારના - એક ધૂન નામ અને એક સામાન્ય આપણા જેવું નામ રખાવા લાગ્યું છે. બાળકો હવે બહાર ભણવા જવા લાગ્યા છે અને હિન્દી અંગ્રેજી શીખી રહ્યા છે. અહીંયા ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ જોવા મળે છે. ગામના લોકો અંદરોઅંદર માત્ર ધૂનથી જ વાત કરે છે.
કડક કાયદો:
ધૂન રાખવા માટે કેટલાક નિયમો છે જેમકે બે વ્યક્તિનું નામ સરખું ના હોઈ શકે, મૃત્યુ પામેલ વ્યક્તિની ધૂન પણ ન વાપરવી, પ્રાચિન કાલથી ચાલી આવતી આ પરંપરા એમના કુળદેવી સાથે જોડાયેલી હોવાથી એમાં કોઈ છેડછાડ કરવામાં નથી આવતી. 2020 માં યુનેસ્કોની પ્રાચીન વિરાસતના લિસ્ટમાં આ પ્રથાને જોડવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા જે હજુ પણ શરુ છે. આ પ્રથા આ ગામ સિવાય આસપાસના 15 - 20 નાનામોટા ગામમાં જોવા મળે છે. વિદેશમાં જોઈએ તો તુર્કીના કૂસકોય ગામમાં આવી પ્રથા જોવા મળે છે.
પૌરાણિક માન્યતા:
એવું કહેવાય છે કે ખરાબ આત્માઓથી બચવા માટે ધૂનનો ઉપયોગ કરવામાં આવે છે. એક વાર્તા એવી છે કે જંગલમાં ડાકુઓથી બચવા માટે એક વ્યક્તિએ ધૂન વગાડીને મિત્ર પાસે મદદ માંગેલી ત્યારથી આ પ્રથા પ્રચલિત છે.
પર્યટકો માટે સુવિધાઓ:
અહીંયા પ્રવાસીઓ માટે ખુબ જ સુંદર એવી કુટિર બનાવવામાં આવી છે જ્યાંથી પહાડોનું સુંદર દ્રશ્ય જોવા મળે છે ઉપરાંત ફળિયું પણ છે. આજુબાજુમાં સુંદર ટ્રેક અને ધોધ પણ છે. અહીં રહેવું અને અહીંના લોકોની રહેણી કારની જોવા માટે અહીંયા સુવિધા ઉપલબ્ધ છે.
અનુકૂળ સમય - ઓક્ટોબરથી મે
કઈ રીતે જવું - શિલોન્ગથી ટેક્ષી
photosource:wikipedia
.