વર્ષ 2008-09ની વાત છે. મારી ઉંમર ત્યારે 9-10 વર્ષની હતી.
પપ્પાને તેમની ઓફિસ ISRO તરફથી Indian Scientist Expedition અંતર્ગત 6 મહિના એન્ટાર્કટિકા જવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે તેમ અમને સૌને જાણવા મળ્યું. આ પૃથ્વી પર દક્ષિણ ધ્રુવ નામની જગ્યા અસ્તિત્વ ધરાવે છે, તે ક્યાં આવ્યું છે કે તેનું ભૌગોલિક રીતે શું મહત્વ છે એ હું નહોતી જાણતી. પપ્પા દુનિયાના છેડે જઈને, વિષમ પરિસ્થિતિમાં આટલો લાંબો સમય કામ એ માટે મમ્મીએ પ્રખર વિરોધ નોંધાવ્યો હતો. પણ દાદાએ અમને સૌને સમજાવ્યા કે આ એક ખૂબ મોટું કામ કહેવાય અને તેમાં આપણું કામ તેમને પ્રોત્સાહન આપવાનું હોવું જોઈએ.
એક તરફ પપ્પાની એન્ટાર્કટિકા યાત્રા શરુ થઈ અને અમદાવાદમાં અમારા ઘરના રૂટિનમાં અમુક ફેરફારો થયા. મમ્મીની રોજીંદી પૂજાનું સ્થાન ઘણા લાંબા સમય સુધી થતી પ્રાર્થનાએ લીધું. ઈન્ટરનેટ હજુ સુલભ નહોતું એટલે નિયમિત રીતે ઈમેલ લખવામાં આવતા અને પપ્પા જવાબ લખે તેની અમે કાગડોળે જોતાં. તે સમયે મારામાં બહુ ખાસ સમજણ કે આવડત નહોતી, પણ એક દિવસ હું સ્કૂલમાં સ્પોર્ટ્સ ડેમાં ગોલ્ડ મેડલ જીતી હતી તે બે વાક્યો મેં પપ્પાને લખાતા ઈમેલમાં ઉમેર્યા હતા.
એક વાર એવા સમાચાર આવેલા કે કોઈ પ્રલય આવવાનો હતો ત્યારે હું સ્કૂલમાં જ રડી પડી હતી કે મારા પપ્પા એન્ટાર્કટિકામાં ફસાઈ ગયા. પપ્પાએ પછીથી સમજાવ્યું હતું કે દક્ષિણે 40 અંશે આવેલો દરિયો લગભગ આખું વર્ષ તોફાની જ રહે છે. તે વિસ્તાર Horse latitudesના નામે ઓળખાય છે. મારા મિત્રો પણ મારી જેમ પપ્પાના એન્ટાર્કટિકા પ્રવાસનું મહત્વ સમજતાં નહોતા પણ મારા શિક્ષકોને આ વાતનું ખૂબ ગૌરવ હતું એ મને બરાબર યાદ છે.
પપ્પા શીપ પર હતા ત્યારે તેમને સેટેલાઈટ ફોનથી અમારી સાથે વાત કરવા માટે મહિનામાં કુલ 6 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. મમ્મી અને દીદી સાચે જ એક એક સેકન્ડનો હિસાબ રાખીને વાત કરતાં. પપ્પા પાછા આવવાના હતા તે વખતે અમે આખું ઘર સજાવ્યું હતું. તેમને એરપોર્ટ પર લેવા જવા માટે મમ્મીએ ખાસ કાર ચલાવતા શીખી હતી. પપ્પા પાછા આવ્યા પછી પુષ્કળ લોકો તેમની પાસે એન્ટાર્કટિકાની વાતો સાંભળવા આવતા.
મારા પપ્પા ડો. સંદીપ ઓઝા અને ISROના અન્ય એક વૈજ્ઞાનિક શ્રી દિપક મારૂ એ બંને ISRO તરફથી એન્ટાર્કટિકા ખંડ પર જનારા સર્વ પ્રથમ ગુજરાતીઓ હતા. સ્વભાવિકપણે જ ઘણા મીડિયાહાઉસે તેમનો સંપર્ક કર્યો હતો પણ All India Radio સિવાય તેમણે કોઈને પણ ઇન્ટરવ્યૂ નહોતો આપ્યો.
હા, અમસ્તા કોઈ વાતો કરે તો ચોક્કસ જણાવે કે ત્યાં કેવી વ્યવસ્થા હતી, 'ભારતી' અને 'મૈત્રી' નામના ભારતના રિસર્ચ સ્ટેશન કેવા છે અને તેની આસપાસ અન્ય કેટલાય દેશોના સ્ટેશન છે, શીપમાં કેપટાઉનથી એન્ટાર્કટિકા ગયા ત્યારે દરિયાઈ તોફાનોનો કેવો સામનો કર્યો, ત્રણ-ચાર માળ ઊંચા મોજાં પણ જોયા અને જે ખુરશી પર બેઠા હોય એ ખુરશી પપ્પાના વજન સાથે શિપના રૂમના એક છેડેથી બીજે છેડે સરકી જતી એવી હાલક-ડોલક પણ અનુભવી.
સોમનાથ મંદિરમાં એક સ્તંભ મુકાયેલો છે જે સૂચવે છે કે ત્યાંથી સીધી રેખામાં દક્ષિણ ધ્રુવ સુધીના રસ્તે વચ્ચે કોઈ પણ ભૂમિખંડ નથી. તે સંદર્ભે ભારતનું રિસર્ચ સ્ટેશન 'ભારતી' કન્યાકુમારીથી બરાબર દક્ષિણે આવેલું છે અને 'મૈત્રી' કેપટાઉનની બરાબર દક્ષિણે આવેલું છે. ભારતના બંને સ્ટેશન વચ્ચે આશરે 3000 કિમી, એટલે કે આપણા દેશના એક છેડાથી બીજા છેડા જેટલું અંતર છે.
અતિશય ઠંડીમાં કઈ જ ખાવાનું બગડે નહિ એ ઘણી મોટી રાહત હતી. હું સમજણી થઈ તે પછી તો મારા સૌ મિત્રો પણ પપ્પા પાસે તેમના આ સાહસ અને રોમાંચથી ભરપૂર અનુભવો સાંભળવા આવતા.
વર્ષ 2016માં આર્કટિક પ્રવાસે જવાનું થયું ત્યારે અમને પ્રમાણમાં ઓછી બીક હતી કારણકે આ પ્રવાસનો સમયગાળો ટૂંકો હતો અને છેક નૉર્વે સુધી માનવ-વસ્તી ધરાવતો વિસ્તાર હતો. વર્ષ 2009ની સરખામણીએ ટેકનોલોજી પણ ઘણી આગળ વધી ચૂકી હતી. ISRO માટે પપ્પા ઉત્તર ધ્રુવના પ્રદેશમાં ગયા તે, અલબત્ત, અમારા સૌ માટે અતિશય ગૌરવની વાત હતી.
અમારા ઘરે આવતા નજીક-દૂરના સગાઓ કે પછી મિત્રો-પાડોશીઓ, પપ્પાના એન્ટાર્કટિકા- આર્કટિક પ્રવાસની વાતો સૌ ખૂબ જ હોંશભેર સાંભળે છે. અમે લોકોએ અઢળક વાર આ વાતો સાંભળી હોવા છતાંય આ વાતો હંમેશા રોમાંચક જ લાગી છે.
પપ્પાના કહ્યા પ્રમાણે 72 ડિગ્રી દક્ષિણથી 80 ડિગ્રી ઉત્તરમાં આવેલ હિમાચ્છાદિત જગ્યાઓ પર રહેવાનો અનુભવ ખરેખર અવર્ણનીય અને સાથોસાથ ખતરનાક હતો.
પપ્પાને ફોટોગ્રાફીનો પણ ઘણો શોખ છે એટલે આ બંને ભૂમિખંડોના તેમણે પુષ્કળ ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા છે. સૌ ખૂબ ઉત્સાહભેર આ ફોટોઝ નિહાળે છે. દરેક ફોટોગ્રાફ વિષે પપ્પા વિસ્તૃત માહિતી આપે છે જેથી સૌને જાણકારી મળે.
દેખીતી રીતે જ, પપ્પા તેમના રિસર્ચ વિષે એક પણ શબ્દ નથી બોલતા, સૌ સમજી શકે છે.
ભારતના વિજ્ઞાન ક્ષેત્રમાં મારા પપ્પાએ તેમનું યોગદાન આપ્યું છે. આ વાત માત્રનો મને મારા પિતા પર ખૂબ ગર્વ છે.
માહિતી: હેલી સંદીપ ઓઝા, અમદાવાદ
ફોટોઝ અને કેપ્શન: ડો. સંદીપ આર. ઓઝા & શ્રી દીપક મારૂ- ISRO, અમદાવાદ