દાઝી જવાય તેવી ગરમીની મોસમ આવતા જ આપણા બધાનો પરસેવો છુટી જાય છે. પરંતુ મને તો આ ઋતુ ઘણી જ પસંદ છે. જી, નહીં મને તડકામાં શેકાવાનો કોઇ શોખ નથી. પરંતુ ગરમીમાં આપણને મીઠા મધ જેવી કેરી, મેંગો શેક અને કેરીનો રસનો સ્વાદ ચાખવા મળે છે. મારા માટે તો ગરમી એટલે જ કેરી.
આમ તો તમને મોટાભાગના માર્કેટમાં કેરી મળી જશે, પરંતુ ભારતની કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં મળનારી કેરીના સ્વાદનો કોઇ મુકાબલો નથી. તો ચાલો એ શહેરોની મુલાકાત કરીએ.
1. રત્નાગિરી, મહારાષ્ટ્ર-હાફૂસ કેરી
હાફૂસ ને એમ જ કેરીનો રાજા નથી કહેવાતો. સોનેરી પીળા રંગ અને મીઠા સ્વાદવાળી કેરી સૌથી વધુ વેચાતી કેરી છે. રત્નાગિરી ઉપરાંત કેરીની આ વેરાયટી કર્ણાટક અને ગુજરાતમાં પણ ઉગાડવામાં આવે છે. મેંગો લસ્સી કે મેંગો શેક બનાવવા માટે આ કેરી બેસ્ટ છે.
2. મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળ-હિમસાગર કેરી
બંગાળી લોકો મીઠાઇને કેટલો પ્રેમ કરે છે તેતો બધા જ જાણે છે. જો ફળોની મીઠાઇ બનાવવાની હોય તો હિમસાગર કેરી આખા બંગાળનું પસંદગીનું ફળ છે. જેટલી મીઠી સુગંધ, એટલા જ મીઠા સ્વાદવાળી આ કેરી ને જ્યૂસ અને બીજી મીઠાઇઓ બનાવવા માટે મોટી સંખ્યામાં ઉપયોગમાં લેવામાં આવે છે. કેરીની વેરાયટીને માલદહીના નામથી બિહાર અને ઓરિસ્સામાં ઉગાડવામાં આવે છે.
3. જુનાગઢ, ગુજરાત-કેસર કેરી
ગરમી એટલે કેરીનો રસ! અને કેરીનો રસ એટલે કેસર કેરી. ગિરનાર પર્વતોની તળેટીમાં ઉગતી આ કેરી આખા ગુજરાતની શાન છે. આનું નામ કેસર કેરીના રંગ પરથી પડ્યું છે અને એક કેસર કેરની સુગંધ તમારા આખા ઘરને સુગંધિત કરી દે છે.
4. આંધ્ર પ્રદેશ- સફેદા કેરી
ચમકદાર પીળા રંગની આ કેરી આંધ્ર પ્રદેશની પેદાશ છે. આ કેરી સાઇઝમાં મોટી, ફાઇબર વગરની અને સ્વાદમાં સાધારણ ખાટી હોય છે. તેને કેક કે અન્ય મીઠાઇ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.
5. કર્ણાટક- બાદામી કેરી
આ કેરીને કર્ણાટકની હાફૂસ પણ કહેવાય છે. અને આ એટલા માટે કેમકે બાદામી કેરીનો સ્વાદ અને દેખાવ હાફૂસને મળતો આવે છે. પરંતુ આટલા માત્રથી બન્ને એક જ છે એવું સમજવાની ભૂલ ન કરતાં.
6. લખનઉ, ઉત્તરપ્રદેશ-દશેહરી કેરી
દશહરી કેરીનું નામ સાંભળતા જ બાળપણમાં પરિવાર સાથે કેરીને ચૂસીને ખાવાની બધી યાદો તાજા થઇ જાય છે. નવાબોના શહેરથી આવતી આ કેરી આખા ભારતમાં ઘણી મોજથી ખાવામાં આવે છે. કે પછી એમ કહો કે ચૂસવામાં આવે છે. આને ચટણી અને કેરીનો રસ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.
7. બેંગલુરુ- તોતાપુરી કેરી
પોપટના નામ જેવી લાંબી હોવાથી આ વેરાઇટીનું નામ તોતાપુરી પડી ગયું. બેંગલુરુ ઉપરાંત આ કેરીને તેલંગાણા અને તામિલનાડુમાં પણ ઉગાડવામાં આવે છે. કેરીના લાંબા ટુકડા પર થોડુક મીઠુ અને સાધારણ મરચું લગાવીને ખાઓ! ગરમીઓની અસલી મજા તો આમાં જ છે.
8. હરદોઇ, ઉત્તરપ્રદેશ અને હિમાચલ પ્રદેશ- ચૌસા આમ(કેરી)
પોતાના મીઠા સ્વાદના કારણે ચૌસા કેરી ભારતની સૌથી ગળી કેરી તરીકે જાણીતી છે. સોનેરી પીળા રંગની આ કેરી હિમાચલ અને ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે.
9. વારાણસી- લંગડો કેરી
આ કેરી ઉત્તર ભારતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતુ નામ છે. કહેવાય છે કે આ કેરી સૌથી પહેલા બનારસના એક લંગડા ઇંસાસના બાગમાં ઉગાડવામાં આવી હતી. આ કારણે આ વેરાઇટીનું નામ લંગડો કેરી રાખવામાં આવ્યું.
10. ઓરિસ્સા- નીલમ કેરી
ગરમીની સીઝનના અંતે આવનારી આ કેરી ભલે થોડીક નાની હોય પરંતુ સ્વાદમાં કોઇ કમી નથી. કર્ણાટક અને તામિલનાડુમાં પણ ઉગાડવામાં આવતી આ કેરી હૈદરાબાદમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે.