ભારતીય સંસ્કૃતિમાં કુદરતના વિવિધ સ્વરૂપોને પૂજવામાં આવે છે. એટલે કે કુદરતમાં પણ આપણે ઈશ્વર છે તેવી શ્રદ્ધા ધરાવીએ છીએ. તો ઈશ્વરના કોઈ એક સ્વરૂપ પાસે તેમનું જ કોઈ બીજું સ્વરૂપ મળે એ કેવું મજાનું!
આપણા દેશમાં કેટલાય મંદિરો સમુદ્ર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા છે.
Ocean Dayના માનમાં ચાલો આજે મારા આવા જ અનેરા મંદિરોના પ્રવાસની વાત કરીએ.
1. સોમનાથ મહાદેવ મંદિર
સૌરાષ્ટ્રે સોમનાથં ચ.. ગુજરાત રાજ્યમાં આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ એ વિશ્વમાં સૌથી વધુ મુલાકાત લેવાતું શિવ મંદિર છે. જગત આખું જ્યારે આ અદભૂત મંદિરના દર્શને આવતું હોય ત્યારે આપણે સૌ ગુજરાતીઓએ એકાદ વખત તો આ મંદિરની મુલાકાત લીધી જ હશે. મેં પણ 5-7 વાર સોમનાથ મંદિરની મુલાકાત લીધી છે અને દરેક વખતે મંદિરના દર્શન કર્યા બાદ કિનારે બેસવાનો આનંદ માણ્યો છે.
અલબત્ત, સોમનાથનો દરિયો ખૂબ તોફાની છે પણ દૂરથી જ આ ઘૂઘવતાં સમુદ્રને માણવાની ખૂબ મજા આવે છે.
2. દ્વારકા મંદિર
ગુજરાતમાં યાત્રાનું નામ પડે એટલે સોમનાથ જેટલું જ મહત્વ ધરાવતું અન્ય મંદિર એટલે ભગવાન કૃષ્ણનું દ્વારકા અને એ પણ સમુદ્ર કિનારે આવેલું છે. આ પ્રાચીન મંદિરના આંગણે બિરાજતો દરિયો અનેરો છે કેમકે આ જ માર્ગે દ્વારકાથી બેટ દ્વારકા જઈ શકાય છે. શિયાળાના સમયે આ દરિયે ખૂબ સુંદર પક્ષીઓનું ઝુંડ જોવા મળે છે. મેં બે વાર આ સ્થળની મુલાકાત લીધી છે. એક વાર મને દરિયાની હોડીની મુસાફરી માફક નહોતી આવી, પણ બીજી વખત મેં સંપૂર્ણ આ દરિયાને માણ્યો હતો.
3. ગંગેશ્વર મહાદેવ મંદિર
મારા અંગત મતે દીવનું સૌથી મોટું આકર્ષણ એ આ અનેરું ગંગેશ્વર મહાદેવ મંદિર છે. શાંત પરિસરમાં કોઈ ખૂણે આવેલા પાંચ શિવલિંગ અને તેના પર સતત અભિષેક કરતાં રત્નાકરને નિહાળવો એ એક અનેરો લ્હાવો છે. દીવમાં ઘણા બીચ આવેલા છે પણ દરિયાનું જે અલૌકિક સ્વરૂપ ગંગેશ્વર મંદિર ખાતે જોવા મળે છે તે સાચે જ નિરાળું છે.
4. નિષ્કલંક મહાદેવ મંદિર
પાંચેય પાંડવોએ સ્થાપેલાં પાંચ શિવલિંગને સમુદ્ર એવી સુંદર રીતે સાચવે છે કે જો આ મંદિરે જવું હોય તો દર્શનાર્થીઓએ દરિયા પાસે અપોઇન્ટમેન્ટ લઈને જવું પડે છે. દરિયાની બાજુમાં આવેલા મંદિર તો ઘણાએ જોયા હશે, પણ આ મંદિર દરિયાની અંદર આવેલું છે!
હું મૂળ ભાવનગરની છું એટલે આ મંદિરની મેં બહુ નિયમિત રીતે મુલાકાત લીધી છે. એકાદ કિલોમીટર દરિયાની અંદર ચાલતા જઈને નાના-મોટા પાંચ શિવલિંગના દર્શન એ એક કરવા જએવો અનુભવ છે. ભાવનગર ઘણું જ નાનું શહેર છે પણ આ મંદિરનો મહિમા દેશભરના શ્રદ્ધાળુઓમાં જોવા મળે છે.
5. મુરુડેશ્વર મહાદેવ મંદિર
ભારતમાં બીજા ક્રમે સૌથી ઊંચું ગોપુરમ ધરાવતા આ મંદિરની ત્રણ બાજુએ દરિયો શોભે છે. આ ગોપુરમ તેમજ ભગવાન શિવની ભવ્ય મૂર્તિ અત્યંત આકર્ષક છે. આ મંદિરના સ્થાપનની કથા આમ તો રામાયણ સાથે સંકળાયેલી છે પણ 1991માં કોઈ ઉદ્યોગપતિ દ્વારા નવીનીકરણ કરાવીને આ મંદિરને ખૂબ જ ધ્યાનાકર્ષક બનાવે છે અને તેમાંય ઘૂઘવતો દરિયો જાણે વધારાની સુંદરતા!
આ મંદિરની મેં જુલાઇ 2020 માં મુલાકાત લીધી ત્યારે હજુ અનલોક 1 નો સમય ચાલી રહ્યો હતો તેથી મંદિરની અંદર તો ન જઈ શક્યા પણ આ ભવ્ય મંદિરની સુંદરતા અને તેની સુંદરતામાં દરિયાનો ફાળો- જોવો એ એક યાદગાર અનુભવ હતો.
6. રામેશ્વરમ
આ પણ એક જ્યોતિર્લિંગ. સ્વયં ભગવાન રામે જે મંદિરની સ્થાપના કરી હોય તે મંદિર કેટલું અગત્યનું કહી શકાય તે અવર્ણનીય છે!
મેં રામેશ્વરમની મુલાકાત લીધી હતી એ વાતને વર્ષોના વ્હાણા વાયા, પણ એ મંદિર એક ખૂબ જ મહત્વનું જ્યોતિર્લિંગ અને તે પણ દરિયાકિનારે આવેલું હોવાથી મારા માટે અનેરું મહત્વ ધરાવે છે.
દરિયાકિનારે આવેલા આવા જ કોઈ અન્ય ધાર્મિક સ્થળને જાણો છો? કમેન્ટ્સમાં જણાવો.
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.