મહાશિવરાત્રી 2022 વખતે લોંગ વીકએન્ડ હોવાથી, કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા અમે જમશેદપુરથી વારાણસીની મુલાકાતે ગયા હતા.
આખો દિવસ સારનાથ તેમજ BHUમાં પસાર કર્યા બાદ સાંજે જમીને મણિકર્ણિકા ઘાટની મુલાકાત લેવા નીકળ્યા.
આગલા દિવસે શિવરાત્રી હતી ત્યારે 24 કલાક શ્રદ્ધાળુઓથી ઘેરાયેલું વિશ્વનાથ મંદિર બીજા દિવસે સાંજે આઠ વાગે જાણે આરામ ફરમાવી રહ્યું હતું. વિશ્વનાથ મંદિરથી પ્રાચીન જ્ઞાનવાપી માર્ગ પરથી પસાર થઈને મણિકર્ણિકા ઘાટ પહોંચી શકાય છે. આ પૌરાણિક સ્થળે પહોંચતા પહેલા અમારો સૌથી પહેલો મુકામ હતો વારાણસીની અતિ પ્રખ્યાત બ્લૂ લસ્સી. જ્ઞાનવાપી માર્ગથી મણિકર્ણિકા જતાં અત્યંત સાંકડી ગલીઓમાં લગભગ 90 કરતાં પણ વધુ વર્ષ જૂની આ નાનકડી લસ્સીની દુકાન એ વારાણસીનુ એક પ્રસિદ્ધુ ફૂડ ડેસ્ટિનેશન છે. મણિકર્ણિકા ઘાટનું પૌરાણિક મહત્વ ન જાણતા ઘણા લોકો આ દુકાને લસ્સી પીને જ પાછા ફરી જાય છે.
આ સાંકડી ગલીઓમાં કોઈ પણ સમયે જાઓ, માત્ર 10 કે 15 મિનિટના અંતરે વારાફરતી અનેક સ્મશાન યાત્રાઓ નીકળતી જોવા મળે છે. આવું કેમ? કારણકે હિન્દુ ધર્મનાં સૌથી પવિત્ર શહેરોમાંનું એક એવા વારાણસીમાં, હિન્દુ ધર્મની સૌથી પવિત્ર નદી ગંગાના કિનારે મણિકર્ણિકા ઘાટ આવેલો છે અને તેને અત્યંત પવિત્ર સ્મશાન માનવામાં આવે છે.
અમે આગળ વધ્યા અને વિશાળ પટ પર પ્રગટી રહેલી અનેક ચિતાઓ ધરાવતા આ ઘાટ પર પહોંચ્યા. કોવિડ 19 નો બીજો વેવ હજુ શરુ નહોતો થયો તેમ છતાં માસ્ક પહેરવાનો નિયમ બરાબર પાળી રહ્યા હતા. સ્થાનિકોના કહ્યા પ્રમાણે મણિકર્ણિકા ઘાટ એટલો પવિત્ર છે કે આસપાસના 100-200 કિમી દૂરના વિસ્તારોમાંથી પણ ઘણા મૃતદેહને ખાસ મણિકર્ણિકા ઘાટે અગ્નિદાહ માટે લાવવામાં આવે છે.
ત્યાં એક ‘સ્મશાનનાથ બાબા’નું શિવ-મંદિર હતું જ્યાં આરતી થઈ રહી હતી. ખૂબ આસ્થાભેર લોકો હાથ જોડીને આરતીમાં ભાગ લઈ રહ્યા હતા. 4 કે 5 લોકો મોટું ડમરુ પણ વગાડતા હતા જે આ વાતાવરણને ઔર અલૌકિક બનાવી રહ્યું હતું.
“જીવન કા યહી અંતિમ સત્ય હૈ, બડા-છોટા કોઈ ભી ઇન્સાન હો, અંત મેં બસ ઐસે હી ચલે જાનાં હૈ.”
ખૂબ પવિત્ર આરતીનો અવાજ ચોમેર ગુંજી રહ્યો હતો, નજર સામે અનેક ચિતાઓ સળગી રહી હતી. હું જીવનમાં પહેલી વાર કોઈ સ્મશાન જોઈ રહી હોવાથી ત્યાં ઉભેલા કોઈ વ્યક્તિ દ્વારા બોલાયેલું ઉપરનું વાક્ય સાંભળીને મારા રૂંવાડા ઉભા થઈ ગયા હતા.
દેખીતી રીતે જ, આ જગ્યાએ પર્સમાંથી મોબાઈલ કાઢીને હું એક પણ ફોટો ન પાડી શકી.
શું છે પૌરાણિક મહત્વ?
બીજા દિવસે વહેલી સવારે અમે બનારસના ઘાટના દર્શન કરાવતી બોટ-રાઈડ કરી ત્યારે તે નાવિક બધા જ ઘાટ પાછળ રહેલી વાતો જણાવી રહ્યો હતો. મણિકર્ણિકા ઘાટ અંગે તેણે જણાવ્યું કે 51 શક્તિપીઠમાં આ ઘાટ સ્થાન ધરાવે છે. કહેવાય છે કે જ્યારે માતા સતિના શરીરના 51 જેટલા ટુકડાઓ વિવિધ જગ્યાએ પડ્યા હતા તે પૈકી તેમની મણિ જડેલી બુટ્ટી વારાણસીના ગંગા કિનારે પડી હતી. આ જગ્યા પછી મણિકર્ણિકા ઘાટના નામે ઓળખાણી.
બનારસ પ્રવાસે આવતા મોટા ભાગના લોકો આ જગ્યાની મુલાકાત નથી લેતા કેમકે ગમે તેમ તોયે છેવટે આ એક સ્મશાન છે.
પણ જેટલી આસ્થા સાથે વિશ્વનાથ મહાદેવના દર્શન કરો એટલી જ આસ્થા સાથે આ એક અલૌકિક મણિકર્ણિકા ઘાટ અચૂક જોવા જેવી જગ્યા છે.
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ