લદ્દાખના લોકો છે ગૌરવવંતા ભારતીયો: મારો યાદગાર અનુભવ

Tripoto

"આપ કહા સે આયે હો, સર?" ડ્રાઈવરે પૂછ્યું.

"ગુજરાત." પપ્પાએ જવાબ આપ્યો.

"મોદી કા ગુજરાત! બહોત અચ્છા કામ કરતા હૈ મોદી. હમારે લદ્દાખ કો UT બના દે, બહોત દુઆએ મિલેગી હમારી."

Photo of લદ્દાખના લોકો છે ગૌરવવંતા ભારતીયો: મારો યાદગાર અનુભવ 1/6 by Jhelum Kaushal

લેહ એરપોર્ટ પર લેન્ડ થતા જ અમને આવકારવા આવેલા અને આવનારા પ્રવાસના અમારા સારથીએ અમને અમારા રાજ્ય વિષે પૂછ્યું. અમે ભારતના પ્રધાનમંત્રી જે રાજ્યના છે તે રાજ્યમાંથી આવીએ છીએ તેવું જાણતા જ તેમના હૂંફાળા સ્મિતમાં ચમક આવી. જમ્મુ અને કાશ્મીર રાજ્યના કોઈ પણ પ્રદેશનો આ અમારો પ્રથમ પ્રવાસ હતો; અમારો પ્રવાસ લદ્દાખ પ્રાંત પૂરતો સીમિત હતો. ૨૦૧૯ લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયાના થોડા દિવસોમાં જ અમે લદ્દાખ ગયેલા અને ત્સેવાન્ગ થારચીન (I don’t know the exact pronunciation of his name) અમને લેવા આવેલા.

Photo of લદ્દાખના લોકો છે ગૌરવવંતા ભારતીયો: મારો યાદગાર અનુભવ 2/6 by Jhelum Kaushal

અમારા આ ડ્રાઈવર થારચીન ભાઈ અભણ હોવા છતાં પોતાના પ્રાંત અને દેશ વિષે ઘણું જ પ્રશંસનીય જ્ઞાન ધરાવતા હતા.

એક તો ચૂંટણીનો માહોલ હતો અને અમે ગુજરાતથી આવ્યા હતા, એટલે અમારી સાથે તેમણે આવી બધી પુષ્કળ વાતો કરી. સામે હું અને પપ્પા પણ પાછા બોલકા એટલે એમને પણ મજા આવતી હતી. વળી, એમની મોટા ભાગની વાતો બહુ લોજિકલ હતી, એટલે અમે પણ પ્રશ્નો પૂછતાં અને એ જવાબ આપતા.અમારા આખા પ્રવાસ દરમિયાન થયેલા કંઈકેટલાંય સંવાદોનો ઓવરવ્યૂકંઈક આવો હતો.

"'૫૦ના દાયકાથી અમે UT (કેન્દ્રશાસિત પ્રદેશ) બનવા ભરપૂર પ્રયત્નો કર્યા છે. આઝાદી પછી ભારતનો અભિન્ન હિસ્સો બનવાની અમને અદમ્ય ઈચ્છા હતી. અમને ભારતીય હોવાનો ખુબ જ ગર્વ છે. પણ પેલા ૨ કાશ્મીરી પરિવારોએ આખા રાજ્ય પર એવો કબજો જમાવ્યો છે, જાણે જમ્મુ અને લદ્દાખનું કોઈ અસ્તિત્વ જ ન હોય. અમારું લદ્દાખ જ સાચું સ્વર્ગ છે, સર; કાશ્મીર તો નરક છે નરક! એ લોકોએ પંડિતોને કાઢી મુક્યા. ભણેલા સમાજને હિજરત કરવાની ફરજ પડી અને કાશ્મીરમાં ખાલી બ્રેઈનવૉશ થયેલા લોકો જ બચ્યા. ભારત પ્રત્યેની એમની નફરતને કારણે અમારો કોઈ જ વિકાસ ન થયો. લદ્દાખના પ્રવાસન ઉદ્યોગથી જે કંઈ રેવેન્યુ ઉભી થાય છે તે બધી જ રાજ્ય સરકાર પચાવી પાડે છે અને અમને બદલામાં કશું જ નથી મળતું.

Photo of લદ્દાખના લોકો છે ગૌરવવંતા ભારતીયો: મારો યાદગાર અનુભવ 3/6 by Jhelum Kaushal

હું તો અભણ માણસ છું, મને આર્ટિકલ ૩૭૦ વિષે બહુ ખાસ જ્ઞાન નથી. મને ખાલી એટલી ખબર છે કે જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં એવો કોઈક ધારો છે જે અમને અન્ય ભારતીયોને મળતા લાભોથી વંચિત રાખે છે. અમને આ દેશ બહુ વ્હાલો છે. છેલ્લા કેટલાય દાયકાઓથી લદ્દાખના હજારો યુવાનો ભારતીય સેનામાં જોડાય છે. મારો સગ્ગો ભાઈ સૈનિક છે. મારું ઘર કારગિલમાં આવેલું છે અને હું પોતે ટેકસી ડ્રાઈવર હોવાથી કારગિલ યુદ્ધ વખતે મેં આપણી સેનાને શાકભાજી, કરિયાણું પહોંચાડવાનું કામ કર્યું હતું.

આ ખુલ્લા મેદાનો જોવો, સર. નીચેથી (સમુદ્રસપાટીથી ૧૧,૦૦૦ ફૂટની ઉંચાઈએ આવેલું હોવાથી ત્યાંના લોકો બાકીના ભારત દેશને 'નીચે' કહીને સંબોધે છે) કોઈ અહીં રોકાણ કરવા નથી આવતું, કેમકે રાજ્ય બહારના લોકોને એની મંજૂરી નથી. અમારો MP બહુ યુવાન છે અને એ અમારા માટે બહુ સારું કામ કરે છે; પણ અમુક બાબતો માટે તેના હાથ પણ રાજ્ય સરકાર દ્વારા બંધાયેલા છે (આ યુવાન એટલે જામયાંગત્સેરિંગ નામનો લદ્દાખનો MP જે સાંસદમાં આર્ટિકલ ૩૭૦ નાબૂદ કરવાનો વિરોધ કરનારાને સણસણતો જવાબ આપીને રાતોરાત લાઈમલાઈટમાં આવી ગયેલો). તમને શું લાગે છે, સર? તેને કોઈ મંત્રાલય સંભાળવા મળશે? તમને કેટલો ગર્વ હશે ને કે તમારા રાજ્યના મુખ્યમંત્રી આજે દેશના પ્રધાનમંત્રી બની ગયા! અમે તો અમારા પ્રદેશના માણસને રાજ્ય સરકારમાં જોઈ શકીએ તોયે ઘણું, કેન્દ્ર સરકાર તો બહુ દૂરની વાત છે. જમ્મુ કે લદ્દાખમાંથી ક્યારેય કોઈ રાજ્યના મુખ્યમંત્રી પદ સુધી પણ નથી પહોંચ્યા. તમને શું લાગે છે? કેન્દ્ર સરકાર અમારા આ પહાડી વિસ્તારને ધ્યાનમાં લેશે?"

Photo of લદ્દાખના લોકો છે ગૌરવવંતા ભારતીયો: મારો યાદગાર અનુભવ 4/6 by Jhelum Kaushal

આ ડ્રાઈવર જે હોટલના જે કર્મચારી હતા તે હોટેલ માનસરોવરની માલિક મિસ સોનમ નામની એક યુવતી હતી. સોનમ મુંબઈમાં MBA ભણેલી અને તેણે પણ અમને જણાવ્યું કે લદ્દાખ કરતા સંપૂર્ણ ભિન્ન આબોહવામાં રહેવું એ તેના માટે કેટલું કપરું કામ હતું, "ઉચ્ચ શિક્ષણ માટે જમ્મુ-કાશ્મીર રાજ્યમાં કોઈ ખાનગી સંસ્થા નથી; અહીં તો મોબાઈલ નેટવર્ક કે ઈન્ટરનેટની પણ સરખી વ્યવસ્થા નથી; અમારા લોકો માટે રોજગારીની કોઈ તક નથી. અમારા પ્રદેશની ભૌગોલિક સ્થિતિ ઘણી જગ્યાએ અવરોધરૂપ સાબિત થઇ શકે તેમ છે, હું બહુ સારી રીતે સમજુ છું. પણ દર વર્ષે હજારો પ્રવાસીઓ આ પ્રાંતની મુલાકાત લે છે, અમુક વ્યાપાર તો અહીં પણ થઇ જ શકે. પણ જયાં સુધી સરકાર દ્વારા કોઈ મક્કમ પગલાંઓ નહિ લેવામાં આવે ત્યાં સુધી લદ્દાખનો વિકાસ થવો શક્ય જ નથી."

Photo of લદ્દાખના લોકો છે ગૌરવવંતા ભારતીયો: મારો યાદગાર અનુભવ 5/6 by Jhelum Kaushal

અરે, એક અઠવાડિયાના અત્યંત રમણીય પ્રવાસને અંતે જયારે થારચીનભાઈ અમને લેહ એરપોર્ટ મુકવા આવેલા ત્યારે પણ બોલેલા કે ભગવાન સે પ્રાર્થના કરના કે હમારા લદ્દાખ UT બન જાયે.

Photo of લદ્દાખના લોકો છે ગૌરવવંતા ભારતીયો: મારો યાદગાર અનુભવ 6/6 by Jhelum Kaushal

મને બરાબર યાદ છે કે પ્રવાસના ચોથે દિવસે અમે ભારતનું સૌથી ઉત્તરે આવેલું ગામ તુરતુક જોવા ગયેલા (તે ૧૯૭૧ સુધી પાકિસ્તાનના કબજામાં હતું અને ૨૦૧૮ સુધી ત્યાં પ્રવાસીઓને જવાની મંજૂરી નહોતી). પહાડોની પેલે પર પાકિસ્તાન હતું અને અમે જ્યાં હતા ત્યાં થોડા થોડા અંતરે લખેલું: You are under Enemy Observation. અમારા ચારેય પાસે પ્રિ-પેઈડ ફોન અને વાઇફાઇ હોટેલનું જ ચાલતું હોવાથી દરરોજ ફરવાના સમયે ફોન બંધ રહેતા; આથી મેં ભારતના નોર્ધન મોસ્ટ વિલેજથી મારા ફિયાન્સે સાથે વાત કરવા થારચીનભાઈ પાસે ફોન માંગેલો. તેમણે કહ્યું, "અપને પતિ કો લે કર લદ્દાખ ઝરૂર આના." મેં સાવ સહજ ભાવે જવાબ આપેલો, "ભગવાન સે પ્રાર્થના કરુંગી કે જબ પતિ કે સાથ લદ્દાખ આઉં તબ આપકા લદ્દાખ UT બન ગયા હો."

100% સત્ય. થારચીનભાઈ તેમજ મિસ સોનમ(માલિક, હોટેલ માનસરોવર)ની તમે લદ્દાખ પ્રવાસ દરમિયાન મુલાકાત કરી શકો છો.

.

આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads