પાણી મને હંમેશા ખૂબ જ આકર્ષે છે. કોઈ તળાવ, નદી કે પછી વિશાળ દરિયો, મને કુદરતના આ ‘પાણીદાર’ સર્જન માણવાની ખૂબ મજા આવે છે.
ભારતના સર્વ શ્રેષ્ઠ બીચ એક જ ટ્રીપમાં માણવા હોય તો તે માટે બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન અંદામાન તેમજ લક્ષદ્વીપ દ્વીપસમૂહો છે તેમાં બેમત નથી. હજુ સુધી મેં લક્ષદ્વીપનો પ્રવાસ તો નથી કર્યો પણ સદનસીબે 5 વર્ષના સમયમાં બે વાર અંદામાન આઇલેન્ડના પ્રવાસે જવાની તક મળી છે. નવેમ્બર 2016માં તેમજ જાન્યુઆરી 2021માં મેં આ અદભૂત સ્થળનો પ્રવાસ કર્યો હતો. અંદામાનનો એકઝોટીક દરિયો કેટલીય વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝનું ઘર છે. તો ચાલો, મારા અનુભવોના સંગાથે અંદામાનમાં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ વિષે જાણીએ:
1. સ્કૂબા ડાઇવિંગ
અંદામાનના મારા બંને પ્રવાસ દરમિયાન મેં બે અલગ અલગ બીચ પર બે અલગ પ્રકારના સ્કૂબા ડ્રાઇવિંગ પર હાથ અજમાવ્યો હતો. 2016માં હેવલોક આઇલેન્ડમાં સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું જેમાં તેના કોસ્ચ્યુમ પહેરીને ચાલતા દરિયામાં લઈ જવામાં આવે, સ્કૂબા એક્સપર્ટ દ્વારા આ આખી એક્ટિવિટી વિષે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવે, પાણીમાં શ્વાસ લેતા શીખવવામાં આવે અને પછી દરિયામાં વધુ આગળ જઈને અંદરની દુનિયા જોવા લઈ જવામાં આવે.
બીજી વાર 2021 માં મેં નીલ આઇલેન્ડમાં સ્કૂબા કર્યું હતું જેમાં ઉપરની બધી પ્રક્રિયા કરીને બોટમાં બેસાડીને આપણને મધદરિયે લઈ જવામાં આવે અને ત્યાંથી બોટ ઉપરથી ડાઈવ મારી, દરિયામાં પડીને સ્કૂબા ડાઇવિંગની પ્રવૃત્તિ શરુ થાય.
મને તો બંને વખતે બહુ જ રોમાંચક લાગ્યું હતું. મેં આ એક્ટિવિટીને ભરપૂર એન્જોય પણ કરી હતી. પણ મધદરિયે બોટમાંથી દરિયામાં ભૂસકો મારવો એ કદાચ સૌને ન પણ ફાવે, એટલે જો પાણીની થોડી ઘણી પણ બીક હોય તો ડાઈવ વગર હેવલોકમાં આ પ્રવૃત્તિ કરવી વધુ સલાહભરી છે. બાકી દરિયાની વચ્ચોવચ જઈને દરિયામાં પડવું એ એક અનેરો અનુભવ છે.
અલબત્ત, આ આખી એક્ટિવિટી દરમિયાન કોઈ નિષ્ણાત સતત આપણી સાથે રહે છે એટલે આમાં જોખમ સાવ જ નહિવત છે તેમ કહી શકાય. હા, તેમની સૂચનાઓ અનુસરવી ખૂબ જ જરૂરી છે.
કિંમત: 4000 થી 5000 રૂ પ્રતિ વ્યક્તિ*
બેસ્ટ અનુભવ માટે: હેવલોક (ડાઈવ મારવી હોય તો નીલ આઇલેન્ડ)
અગત્યની નોંધ: ઘણી ટૂર્સમાં પહેલા દિવસે જ રોસ અને નોર્થ બે આઇલેન્ડના પ્રવાસે લઈ જતાં હોય છે. નોર્થ બેમાં પણ સ્કૂબા થાય છે પણ ત્યાં દરિયાઈ જીવોનું પ્રમાણ ઘણું જ ઓછું છે એટલે ઉતાવળમાં ત્યાં જ સ્કૂબા કરવાનો નિર્ણય ન લેવો.
2. સ્નોર્કલિંગ
આ પ્રવૃત્તિમાં શ્વાસ લેવામાં ખાસ તકલીફ નથી પડતી કારણકે આ પ્રવૃત્તિમાં આપણું શરીર સમુદ્રની ધારે તરે છે અને મોઢા પર માસ્ક અને ગોગલ્સ પહેરીને દરિયાઈ જીવો જોવાના હોય છે. આ પણ ઘણી જ રોમાંચક પ્રવૃત્તિ છે. સ્કૂબા કરતાં ડર લાગતો હોય તેમના માટે આ ખાસ રેકમેન્ડેડ છે.
અંદામાનનો પ્રવાસ મોટાભાગના પ્રવાસીઓ ટ્રાવેલ એજન્ટ દ્વારા જ કરતાં હોય છે અને ઘણા ટ્રાવેલ એજન્ટ્સ આ પ્રવૃત્તિ કોમ્પલિમેન્ટરી આપતા હોય છે.
કિંમત: 1000 રૂ*
બેસ્ટ અનુભવ માટે: એલિફન્ટા બીચ, હેવલોક
અગત્યની નોંધ: આ એક્ટિવિટીમાં કપડાં ભીના થઈ જાય છે માટે વધારાના કપડાંની જોગવાઈ રાખવી.
3. જેટ સ્કી
દરિયામાં પૂર ઝડપે સ્કૂટર ચલાવવાનું અને દરિયાના પાણીની છોળો ઉછળે. હ્રદયનાં ધબકારા અને રોમાંચ બંને ખૂબ જ વધારી દે તેવી આ પ્રવૃત્તિ છે.
કિંમત: 600 રૂ પ્રતિ વ્યક્તિ*
બેસ્ટ અનુભવ માટે: એલિફન્ટા બીચ, હેવલોક
અગત્યની નોંધ: આ એક્ટિવિટીમાં કપડાં ભીના થઈ જાય છે માટે વધારાના કપડાંની જોગવાઈ રાખવી.
4. સી કાર્ટ
તમે કોઈ દિવસ દરિયામાં સેલ્ફ-ડ્રાઇવિંગ કરવાની કલ્પના કરી છે? આ એક્ટિવિટી થકી તે શક્ય છે! મોરેશિયસ અને દુબઈમાં ભવ્ય લોકપ્રિયતા મેળવ્યા બાદ આખા વિશ્વમાં અંદામાન એ માત્ર ત્રીજું સ્થળ છે જ્યાં આ પ્રવૃત્તિ થાય છે. આખી કાર્ટની કમાન આપણા હાથમાં હોય છે અને આપણે મહત્તમ 70 કિમી/ કલાકની ઝડપે આ કાર્ટ ચલાવી શકીએ છીએ. મોટા ભાગે આમાં પણ નિષ્ણાત હાજર રહે છે, પણ જો તમને પૂરતો આત્મ-વિશ્વાસ હોય તો તમે અને માત્ર તમે જ કાર્ટમાં બેસીને તેની મજા માણી શકો છો.
કિંમત: 3000 રૂ પ્રતિ વ્યક્તિ*
બેસ્ટ અનુભવ માટે: કારબીન કોવ બીચ, પોર્ટ બ્લેર
અગત્યની નોંધ: આ એક્ટિવિટી હજુ એકાદ વર્ષથી જ શરુ થઈ છે એટલે બધા જ ટૂર ઓપરેટર્સ ભરપૂર માર્કેટિંગ કરે છે. તેમાં એ લોકોનું કમિશન પણ હોય છે, પણ આ એક સાચે જ સાવ અનોખો અનુભવ છે.
5. સોફા રાઈડ
એક નિષ્ણાત માણસ દરિયામાં સ્કૂટર ચલાવે અને તેની પાછળ 10 ફૂટ લાંબુ દોરડું બાંધીને સોફા અથવા તેની જેવી અન્ય વસ્તુઓ જોડાયેલી હોય. અહીં કોઈ પણ બે વ્યક્તિ આ એક્ટિવિટી કરે છે. ઉભા રહીને, બેસીને અથવા સૂઈને એમ ત્રણ અલગ અલગ રીતે આ પ્રવૃત્તિ કરી શકાય છે.
કિંમત: 600 રૂ પ્રતિ વ્યક્તિ*
બેસ્ટ અનુભવ માટે: એલિફન્ટા બીચ, હેવલોક
અગત્યની નોંધ: આ એક્ટિવિટીમાં કપડાં ભીના થઈ જાય છે માટે વધારાના કપડાંની જોગવાઈ રાખવી.
6. બનાના રાઈડ
કેળાંના આકારની એક લાંબી હોડી હોય છે જેના પર હારબંધ 5-6 લોકો બેસે છે અને આ રાઈડ ખૂબ ઝડપથી દરિયામાં ફરે છે. રાઈડ પૂરી થવાની હોય ત્યારે એક્ટિવિટી એક્સપર્ટ આ અનોખી હોડીને પલટાવી દે છે જેથી બધા જ 5-6 લોકો દરિયામાં એકસાથે ખાબકે છે. ગ્રુપ ટૂર પર ગયા હોવ તો આ એક્ટિવિટી કરવાની ખૂબ મજા આવશે.
કિંમત: 600 રૂ પ્રતિ વ્યક્તિ*
બેસ્ટ અનુભવ માટે: એલિફન્ટા બીચ, હેવલોક
અગત્યની નોંધ: આ એક્ટિવિટીમાં કપડાં ભીના થઈ જાય છે માટે વધારાના કપડાંની જોગવાઈ રાખવી.
7. ગ્લાસ બોટ
આ એક બહુ જ સાધારણ એક્ટિવિટી છે પણ તેમાંય બહુ મજા આવે છે. આમાં માત્ર એક બોટમાં બેસીને સહેર કરવાની હોય છે જેનું તળિયું (બોટમ) કાચનું બનેલું હોય છે જેથી મધદરિયે પહોંચ્યા બાદ તેમાંથી દરિયાઈ સૃષ્ટિના સુંદર નજારાઓ જોવા મળે છે.
કિંમત: 600 રૂ પ્રતિ વ્યક્તિ*
બેસ્ટ અનુભવ માટે: એલિફન્ટા બીચ, હેવલોક
અગત્યની નોંધ: જે ઉપરની એક પણ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવા અસમર્થ હોય તે આ એક્ટિવિટી દ્વારા દરિયાઈ જીવ સૃષ્ટિની ઝલક માણી શકે છે.
2016 માં હું મારા માતા-પિતા સાથે ગઈ હતી ત્યારે મેં સ્કૂબા ડાઇવિંગ તેમજ ગ્લાસ બોટનો અનુભવ કર્યો હતો અને બાકીની પ્રવૃત્તિઓ માત્ર માણી હતી. 2021માં હું મારા જીવનસાથી સાથે ગઈ હતી. મેં બનાના રાઈડ સિવાય બધી જ એક્ટિવિટી કરી અને એ મારા અંદામાનના પ્રવાસની શ્રેષ્ઠ યાદગીરી છે.
.
વાચકવર્ગને વિનંતી છે કે કોવિડ-19 મહામારી બાદ મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.