“તમારા પર દુશ્મનોની નજર છે!” ભારતનાં સૌથી ઉત્તરે આવેલા ગામ તુરતુકની મુલાકાત

Tripoto

“You are under enemy observation.”

ઊંચા પહાડો, ઠેર ઠેર ઉપરોક્ત લખાણ લખેલા બોર્ડઝ, ભારતીય સેનાના કેટલાય જવાનો, આંગળીને વેઢે ગણાય એટલા સ્થાનિકો અને ઘણી જ નાની સંખ્યામાં પ્રવાસીઓ.

આ હતું ભારતનાં સૌથી ઉત્તરે આવેલા ગામ તુરતુકની અમારી મુલાકાતનું એક જ વાક્યમાં વર્ણન.

Photo of Ladakh by Jhelum Kaushal

જૂન 2019 માં અમે લદ્દાખ ગયા એ સાચે જ જાણે સ્વર્ગનો પ્રવાસ હતો. લેહનો સ્થાનિક પ્રવાસ, ખારડુંગ લા, નુબ્રા વેલી જોયા બાદ અમે એક એવા સ્થળની મુલાકાત લીધી જે હજુ એક વર્ષ પહેલા જ, એટલે કે એપ્રિલ 2018 માં જ સામાન્ય પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આવી હતી.

તુરતુક: સુરક્ષાની દ્રષ્ટિએ દેશનો એક સંવેદનશીલ વિસ્તાર

1947માં ભારતને સ્વતંત્રતા મળી અને દેશના ભાગલા પડ્યા તે પછી એકાદ વર્ષમાં પાકિસ્તાને ઘણા કાયર હુમલાઓ કર્યા હતા. તે સમયે તુરતુક પર પણ પાકિસ્તાને હુમલો કર્યો હતો અને તે પાકિસ્તાનના બાલ્ટિસ્તાનનો હિસ્સો હતું. વર્ષ 1971 માં ભારત-પાકિસ્તાનનું યુધ્ધ થયું અને બાંગ્લાદેશનો જન્મ થયો ત્યાં સુધી લદ્દાખનો આ પ્રાંત પાકિસ્તાનના કબજા હેઠળ હતો. 1971 માં સત્તાવાર રીતે ભારતીય સેનાએ તુરતુકને ભારતનો ભાગ બનાવ્યું. તુરતુક આજે ભારતમાં છે તેનો શ્રેય ભારતીય સેનાના લદ્દાખ સ્કાઉટસ તેમજ નુબ્રા ગાર્ડ્સને આપવો ઘટે.

મુસ્લિમ બહુમતી વસ્તી ધરાવતું તુરતુક તેની નજીકમાં જ શ્યોક નદી ધરાવે છે જેના કિનારે ઘણા બૌધ્ધ સ્થાપત્યો આવેલા છે.

એક પર્યટન સ્થળ તરીકે તુરતુક:

ભૌગોલિક રીતે ભારતના સૌથી ઉત્તરે આવેલા ગામ તરીકે અહીં પ્રવાસન ઉદ્યોગ વિકસ્યો છે. છેલ્લા 2-3 વર્ષથી લદ્દાખના પ્રવાસે આવતા પ્રવાસીઓમાંથી ઘણા લોકો આ જગ્યાની અચૂક મુલાકાત લે છે. ઉલ્લેખનીય છે કે સુરક્ષાની દ્રષ્ટિએ આ ભારતનો એક સંવેદનશીલ વિસ્તાર હોવાથી અહીં માત્ર ભારતીય નાગરિકોને જ પ્રવેશ મળે છે. તુરતુકની સીમાની અંદર આવતા પહેલા આર્મીની એક છાવણી આવે છે જ્યાં દરેક મુલાકાતીઓના સરકારી ઓળખપત્રો ચકાસવામાં આવે છે. વળી, સ્થાનિક પરવાનો પણ જરૂરી છે જે મોટા ભાગે લેહની હોટેલમાંથી મેનેજ થઈ જતો હોય છે.

પર્વતોની પેલે પાર પાકિસ્તાન છે અને આ તરફ ભારત. અહીં એક પોઈન્ટ પર ભારતનો ધ્વજ લહેરાય છે અને ત્યાં જ ભારતનું સૌથી ઉત્તરે આવેલું કાફે પણ છે.

સંપૂર્ણપણે આર્મીના અંકુશમાં રહેલો આ વિસ્તાર જાણે કોઈ દેશપ્રેમનું જીવંત ઉદાહરણ હોય તેવું લાગે છે.

અમારો અનુભવ:

નુબ્રા વેલીથી અમે આ ગામની મુલાકાતે ગયા હતા. તુરતુકની મુલાકાત જેટલી રોમાંચક છે એટલો જ તુરતુક સુધીનો પ્રવાસ પણ છે કેમકે રસ્તામાં ઠેર ઠેર તમને ભારતીય સેનાની છાવણીઓ તેમજ દેશની રક્ષા કાજે દિવસ રાત ખડેપગે રહેતા સંખ્યાબંધ સૈનિકો જોવા મળે છે. અમે ગયા ત્યારે રસ્તામાં ઘણા સૈનિકોને સલામી આપીને ‘જય હિંદ’ કહ્યું. તે જવાનોએ પણ હસીને પ્રેમથી ‘જય હિંદ’નો નારો લગાવ્યો.

તુરતુક સુધી પહોંચવાના આખા રસ્તે ફોટોગ્રાફી કરવાની મંજૂરી નથી. પણ આ જગ્યાએ કોઈ પણ ભારતીયનો દેશપ્રેમ છલકી ઉઠે છે. કોઈ સૈનિક ક્યાંક પહાડ પર એકલો ઊભો હતો તો કોઈ પોતાની છાવણીની બહાર બેસીને તેના સાથીઓ સાથે ચા પી રહ્યા હતા. વળી, કોઈ આ પહાડી રસ્તાઓમાં ગાડીમાં બેસીને આવ-જા કરી રહ્યા હતા. સૈનિકોના જીવનને હ્રદયપૂર્વક વંદન.

અમે જ્યારે તુરતુકની સીમાએ પહોંચ્યા ત્યારે અમારા સૌના આઈ-ડી ચકાસ્યા અને અમને આગળ વધવાનો પરવાનો મળ્યો. અહીંથી ફોટોગ્રાફી કરવાની મજૂરી હતી. પણ છતાંય અમને સતત ચેતવવામાં આવ્યા કે સામે આ પહાડો દેખાય છે ત્યાંથી પાકિસ્તાની સેના 24 કલાક નજર રાખીને બેઠી છે.

મુખ્ય પોઈન્ટ પર ભારત માતાના ધ્વજને જોઈ ખૂબ ગર્વ થયો. ત્યાંનાં કાફેમાં મેગી ખાધી અને તુરતુક ગામની અંદર વહેલી નદી કિનારે થોડી વાર બેસીને અમે નુબ્રા વેલી પાછા ફર્યા.

શું તમે દેશના કોઈ આવા વિશેષ વિસ્તારની મુલાકાત લીધી છે? તમારી કહાની Tripotoના માધ્યમથી હજારો પ્રવાસપ્રેમીઓને જણાવો.

.

આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads