ચાલો એક સ્ટોરી સંભળાવું છું. ઘણી જુની વાત છે. એક મહિલા એક દિવસ નદીમાં કપડા ધોઇ રહી હતી. ત્યારે તેણે એક સુંદર પથ્થર જોયો. તેને એ પથ્થર એટલો સારો લાગ્યો કે તે તેને ઘરે લઇ ગઇ. રાતે મહિલાએ પથ્થરને જોયો તો તે આશ્ચર્યચકિત થઇ ગઇ. રાતના અંધારામાં પથ્થર ચમકી રહ્યો હતો. ત્યારથી જ આ જગ્યાનું નામ સુંદરધુંગા થઇ ગયું. સુંદરધુંગા ઉત્તરાખંડની સૌથી સુંદર અને અજાણી જગ્યાઓમાંની એક છે.
સુંદરધુંગા ખીણમાં આ જ નામની સુંદર નદી વહે છે જે આને વધુ સુંદર બનાવે છે. સુંદરધૂંગા ખીણ અલ્મોડાથી થોડાક જ કિલોમીટર દૂર છે. આના માટે તમારે લોહારખેત જગ્યા પર પહોંચવાનું રહેશે જે અલ્મોડાથી લગભગ 60 કિ.મી.ના અંતરે છે.
સુંદરધુંગા વેલી ટ્રેક
સુંદરધુંગા ખીણ ઉત્તરાખંડના કુમાઉમાં આવે છે. લોહારખેત અને ખાતી ગામ થઇને આ ટ્રેક પિંડરી થઇને 8 દિવસ સુધી તમે આ ખીણમાં ફરી શકો છો. સમુદ્રની સપાટીએથી 6 હજાર મીટરની ઉંચાઇથી પણ વધુનો આ ટ્રેક જે પણ કરશે તેને હિમાલયના સૌથી સુંદર નજારા જોવા મળશે.
ક્યારે કરશો?
ચોમાસાની ઋતુમાં પહાડોમાં જવાનું સૌથી ખતરનાક માનવામાં આવે છે. તે સમયે આપને પહાડોની યાત્રા બિલકુલ પણ ન કરવી જોઇએ. ઉત્તરાખંડની સુંદરધૂંગા વેલી જવા માટે સૌથી બેસ્ટ ટાઇમ એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બરથી ઓક્ટોબરનો માનવામાં આવે છે.
લોહારખેત-ધાકુરી-જટોલી-કઠાલિયા-મૈકટોલી ટૉપ/સુખરામ કેવ-કઠાલિયા-જટોલી-ધાકુરી-લોહાખેત
દિવસ 1: કાઠગોદામથી લોહારખેત
ઉત્તરાખંડના કાઠગોદામથી અલ્મોડા અને બાગેશ્વર થઇને લોહારખેત પહોંચો. તમે બાગેશ્વરમાં થોડુક રોકાઇ પણ શકો છો. બાગશ્વરમાં લંચ કરો અને પછી અહીંના ઘણા જ પ્રાચીન મંદિર બગનાથ મંદિરને જુઓ. બાગેશ્વરના બજારથી થોડીક જરુરી ચીજો ખરીદો અને પછી લંચ કરીને સાંજ સુધી લોહારખેત પહોંચી જાઓ. અહીં પર રાતમાં ગેસ્ટ હાઉસમાં રોકાઇ શકો છો.
બીજો દિવસઃ લોહારખેતથી ધાકુરી
લોહારખેત સમુદ્રની સપાટીએથી 1 હજાર 720 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. અહીંથી સુંદરધૂંગાનો ટ્રેક શરુ થાય છે. શરુઆતમાં ટ્રેક સરળ લાગે છે. તમે ગાઢ જંગલોની વચ્ચેથી થઇને આગળ વધો છો. લગભગ 10 કિ.મી.નો ટ્રેક કર્યા બાદ તમે ધાકુરી પહોંચશો. પહાડોની વચ્ચે મેદાન જોઇને તમને સારુ લાગશે. અહીંથી હિમાલયનો નજારો જોઇને આશ્ચર્યમાં મૂકાઇ જશો.
દિવસ 3: ધાકુરીથી જટોલી
બીજા દિવસે જલદી ઉઠો અને આગળ વધવાનું શરુ કરો. શરુમાં રોડોડેંડ્રોનના ગાઢ જંગલમાંથી પસાર થશો. ત્યારબાદ પિંડારી ગ્લેશિયર ટ્રેકના સૌથી મોટા ગામ ખાતીને પાર કરશો. ખાતી પિંડરી અને કફની ગ્લેશિયરનું અંતિમ ગામ છે. લગભગ 15 કિ.મી. ચાલ્યા બાદ ધાકુરીથી જૈતોલી ગામ પહોંચશો. આ જગ્યા સમદ્રની સપાટીએથી 2,440 મીટરની ઊંચાઇ પર સ્થિત છે. જતોલીમાં કેમ્પ લગાવીને રાત પસાર કરો.
દિવસ 4: જતોલીથી કઠાલિયા
બીજા દિવસે તમારે લગભગ 13 કિ.મી.નું અંતર કાપવું પડશે. આ ટ્રેકમાં તમે મોટાભાગનો સમય ઉંચા-ઉંચા ચીડના જંગલોમાં થઇને પસાર થશે. 8 કિ.મી. ચાલ્યા બાદ ધુંગિઆ ધુંઆ પહોંચશો. અહીંથી આગળ જવા માટે તમારે ગાઇડ લેવો પડશે. આગળનો ટ્રેક મુશ્કેલ છે જે તમને ગાઇડ વગર અઘરુ પડશે. સૌથી સારુ એ રહેશે કે તમે ટ્રેકની શરુઆતમાં જ ગાઇડ કરીને આવો. ત્યાર બાદ તમે કઠાલિયા પહોંચશો. સમુદ્રની સપાટીએથી 3,206 મીટરની ઊંચાઇ પર સ્થિત આ જગ્યા સુંદરધૂંગા ગામના રસ્તામાં આવે છે. ટેન્ટમાં તમે અહીં રાતમાં થાક દૂર કરો.
દિવસ 5: કઠાલિયાથી મૈકતોલી ટૉપ/સુખરામ કેવ
કઠાલિયાથી આગળ જવા માટે બે રસ્તા છે. જ્યાંથી બે અલગ અલગ જગ્યાએ પહોંચી શકો છો. એક મેકટોલી ટોપ અને બીજો રસ્તો છે સુખરામ ગુફા તરફ. બન્ને જગ્યા કઠાલિયાથી લગભગ 7 કિ.મી. દૂર છે. મેકટોલી ટૉપ સમુદ્રની સપાટીએથી 4,320 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. તો સુંદરધૂંગા કેવ સમુદ્રની સપાટીએથી 3,900 મીટરની ઉંચાઇ પર છે. બન્ને જગ્યામાંથી કોઇ એક પર થોડોક સમય પસાર કરો અને પાછા કઠાલિયા આવો. વ્યૂ પોઇન્ટના નજારાને યાદ કરતા ટેન્ટમાં આરામ કરો.
દિવસ 6: કઠાલિયાથી જતોલી
ટ્રેક પર જવાનું જેટલુ કઠણ હોય છે, તેનાથી અનેક ઘણું વધારે મુશ્કેલ હોય છે પાછા ફરવું. તમે થાકીને સંપૂર્ણ રીતે લોથપોથ થઇ ગયા હોવ તો પણ તમારે ચાલતા રહેવું પડે છે. લગભગ 13 કિ.મી. ચાલ્યા પછી તમે જતોલી પહોંચશો. અહીં પર તમે ટેન્ટમાં રાત પસાર કરો. પહાડોમાં હોઇએ ત્યારે આપણે ફક્ત પહાડોને જ યાદ કરીએ છીએ. તે નજારાને યાદ કરીએ છીએ જે કેટલાક દિવસોથી આપણી નજર સામે હોય.
સાતમો દિવસઃ જતોલીથી ધાકુરી
બીજા દિવસે ઉઠો અને ખાતી ગામ માટે આગળ વધો. ચાલતા ચાલતા આપને ટ્રેક સરળ લાગે છે પરંતુ સંભાળીને ચાલવું જરુરી છે. થોડાક સમય પછી તમે ખાતી ગામ પહોંચી જશો. થોડોક સમય અહીં રોકાઇને ફરી આગળ ચાલવાનું શરુ કરો. જતોલીથી 15 કિ.મી. ચાલ્યા પછી તમે ધાકુરી પહોંચી જશો. અહીં તમે રાતે આરામ કરીને થાક ઉતારી શકો છો.
દિવસ 8: ધાકુરીથી લોહારખેત
આ સુંદરધુંગા ટ્રેકનો અંતિમ દિવસ હશે. બ્રેકફાસ્ટ કર્યા પછી તમે ધાકુરીથી લોહારખેત માટે નીકળો. લગભગ 10 કિ.મી. ટ્રેક પછી તમે લોહાખેત પહોંચી જશો. અહીંથી તમે ગાડીથી અલ્મોડા થઇને કાઠગોદામ પહોંચી જશો. ત્યાર બાદ તમારે જ્યાં જવાનું છે ત્યાં જઇ શકો છો. ખાતરી રાખો આ ટ્રેકને કર્યા પછી તમે તેને ક્યારેય નહીં ભુલી શકો. દરેક વ્યક્તિએ એકવાર સુંદરધુંગા જરુર જવું જોઇએ.