એલીફેંટાની ગુફાઓ યુનેસ્કોની વિશ્વ ધરોહર છે. વિશાળકાય હાથીની એક મોનોલિથિક બેસાલ્ટ મુર્તીકળાને જોઈને પોર્ટુગિઝોએ ઘારપુરીને એલીફેંટા નામ આપ્યું. જો તમે મુંબઈમાં ફરી રહ્યા છો તો તમારે આ જગ્યાએ જરુર જવું જોઈએ.
મુંબઈથી ગુફાઓ સુધી પહોંચવું સાવ સરળ છે. ગેટ વે ઓફ ઈન્ડિયાથી એક ફેરી ઊપડે છે જે આ દ્વિપ સુધી લઈ જાય છે. ત્યાં જવાનું ભાડું ₹200 છે અને જવા માટે એડવાન્સ બુકીંગની પણ જરુર નથી કેમ કે કાઉન્ટર ઉપર જ સરળતાથી ટિકીટ મળી જશે. ગેટ વે ઓફ ઈન્ડિયાથી અહીં સુધી પહોંચતા લગભગ કલાક જેટલો સમય થાય છે.
ફેરીમાંથી ઊતર્યા પછી ગેટ સુધી યાત્રીઓ માટે ટોય ટ્રેન છે, જે તમને અંદર સુધી લઈ જાય છે. ટ્રેનનું ભાડું વ્યક્તિ દિઠ 10₹ છે. જો તમે બાળકો સાથે અહીં જાઓ છો તો એમને પણ ખુબ મજા પડશે અહીં. દ્વીપમાં પ્રવેશ ભાડું 5₹ છે.
અહીં ફુટપાથ પર ઘણાં સ્ટોલ્સ છે, જ્યાં તમને ઋતુ અનુસાર કોલ્ડ ડ્રીંક્સ, સ્નેક્સ અને ખાટા મીઠા ફળોની મજા માણી શકો છો.
ગુફા સુધી પહોંચવા માટે 15-20 મિનિટ જેટલું ચઢાણ છે, અરે ભાઈ ચીંતા ન કરો એમાં પણ તમને મજા જ આવશે. અરે હા, તમારી સાથે સિનિયર સિટિઝન્સ છે તો એમના માટે પાલકીની સુવિધા પણ છે જે ડાયરેક્ટ ગુફા સુધી લઈ જશે. હા પણ વાંદરાઓથી બચીને રહેવું પડશે હો, ખાવા પીવાની વસ્તુ હાથમાં જોઈ અ તરત ઝપટ મારી દે છે.
ગુફા તરફ જતા તમને ત્યાં સ્ટોલ્સ જોવા મળશે જ્યાં જંક જ્વેલરી, કોતરેલી સંગેમરમરની મુર્તીઓ, પત્થર, પેન્ટીંગ્સ, અને બેગ્સ ખરિદી શકો છો.
ગુફામાં એન્ટ્રી ટિકીટ ₹15 છે. ટિકીટ કાઉન્ટર પાસેથી ડાબી બાજુનો વળાંક તમને તળાવ તરફ લઈ જશે અને જમણી તરફ જશો તો બો મોટી તોપ રાખેલી છે ત્યાં પહોંચશો. આ બંને સ્થળો જોવાલાયક છે. જો તમે લોકલ ગાઈડ ની મદદ લો છો તો તેની ફી પ્રતિ વ્યક્તિ દિઠ 100₹ છે. ગુફાઓની આસપાસ તેની વધુ જાણકારી નથી તેથી ઈન્ફોર્મેશન માટે ગાઈડ જરુર હાયર કરવો. રજીસ્ટર્ડ ગાઈડ તેમની સર્વિસના બદલામાં 1500₹ લે છે.
ગુફામાં પોર્ટુગિઝો દ્વારા આંશિક રુપે નષ્ટ કરેલી રાજસી કોતરણી અને મુર્તીઓ છે. પ્રવેશદ્વાર પર શિવ અને પાર્વતીની એક મુર્તી છે જે જુની નૃત્યકળાના પરિદ્રશ્યને દર્શાવે છે. આગળ વધતા તમે શિવલિંગ જોઈ શકો છો જ્યાં ચાર પ્રવેશદ્વાર છે અને દરેક દ્વાર પર બે દ્વારપાળો છે. આ દરેક રક્ષકના મુગટની બનાવટ અલગ છે. ટુરિસ્ટને શિવલિંગ પર પાણી કે દુધ ચડાવવાની અનુમતી નથી. આ મંદિર માત્ર મહાશિવરાત્રી પર પ્રસાદ માટે ખુલે છે.
અહીંથી આગળ જતા શિવ અને પાર્વતીના લગ્નની મુર્તીઓ છે, જેમાં અન્ય દેવી દેવતાઓ તેમને આશિર્વાદ આપી રહ્યા છે.
ત્યારબાદ યોગેશ્વર નામની એક વિશાળ મુર્તી છે જે શિવને યોગાસન ના રુપમાં પ્રદર્શિત કરે છે.
ગુફાઓને 49 સ્તંભો પર બનાવવામાં આવેલી છે અને કોઈપણ એંગલથી જોવા જઈએ તો એ લાઈનબદ્ધ દેખાય છે.
અહીંનું આકર્ષણનું કેન્દ્ર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિમુર્તી છે. આક્રમણ સમયે આ મુર્તી દરવાજા પાછળ સુરક્ષિત હતી એટલે જ આજ સુધી અખંડીત છે. આ મુર્તી MTDC (મહારાષ્ટ્ર પર્યટન વિકાસ નિગમ) ના લોગો માં જોવા મળે છે.
ડાબી બાજુની મુર્તી પર શિવ અને પાર્વતીના લગ્નને ખુબ સારી રીતે ચિત્રો દ્વારા દર્શાવવામાં આવ્યા છે. આ મુર્તીને અર્ધ શિવ અને અર્ધ પાર્વતીનું રુપ આપવામાં આવ્યું છે.
ગાઈડ તમને એ પત્થરોમાં એક બુલેટ પણ પણ બતાવશે જે કેટલાય વર્ષોથી ત્યાં છે.
ત્યાં એક ટેંક છે જે વરસાદના પાણીનો સંગ્રહ કરે છે અને ગ્રામીણોને પીવાનું પાણી પણ પુરુ પાડે છે.
ગુફાની બહાર નાસ્તા ના પણ સ્ટોલ્સ છે.
અરે હા, પેલી તોપો પાસે જવાનું ન ભુલતા હો.
જાણવા જેવી બાબતો :
ગેટ વે ઓફ ઈન્ડિયાથી 5 કલાકમાં આ બધું જ ફરી શકાય છે.
વ્યક્તિ દિઠ 500₹ જેટલો ખર્ચ થાય છે.
ફરવા માટેનો શ્રેષ્ઠ સમય સવારનો છે.
દ્વીપથી છેલ્લી ફેરી 6 વાગે ઊપડે છે જેનું ખાસ ધ્યાન રાખવું.
ગાઈડ જરુર હાયર કરવા.
ખાણી પીણીની વસ્તુઓ એમઆરપી કરતા ડબલ ભાવે મળશે.