કલકત્તાનું નામ લેતા જ મગજમાં માછલી, ચશ્મા લગાવેલા બંગાળી અને સૌરવ ગાંગુલી જવી ચીજો જ આવે છે. અને કેમ ન આવે? વર્ષોવર્ષ ફિલ્મો અને ગીતોમાં આ જ તો જોતા અને સાંભળતા આવ્યા છીએ.
પરંતુ કલકત્તાની હવામાં રહેલી સુગંધ આજે સેંકડો વર્ષ બાદ પણ અનુભવી શકાય છે. આ સુંગધનો ફેલાવો આજથી 200 વર્ષ પહેલા ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજોએ કર્યો હતો. અહીં ખાણી-પીણી, બોલી અને રહેણી-કરણી, બધુ જ બ્રિટિશ રાજથી પ્રભાવિત થયુ અને આજે ભલે બ્રિટિશ ભારત છોડીને જતા રહ્યા હોય પરંતુ કલકત્તામાં આના ઘણાં એવા અંશ છે જેને આ રાજ્ય અપનાવી ચૂક્યું છે. આવો જાણીએ શું છે એ ખાસિયત :
સસ્તા પાન, બીડી અને સિગરેટ
જે માલબોરો એડવાન્સ તમને ભારતના બીજા શહેરોમાં 17 રુપિયામાં મળે છે, તે કલક્તામાં 14 રુપિયાની છે. જે મીઠુ પાન અન્ય જગ્યાએ 25 રુપિયામાં મળે છે, તે તમને કલકત્તામાં 12 રુપિયામાં મળશે.
તમારામાંથી ઘણાં લોકો વિચારી રહ્યા હશો કે સિગરેટ પર 3 રુપિયા અને પાન પર 13 રુપિયા બચાવીને એવુ તે કેવુ મોટુ તીર મારી લીધું? પરંતુ સભ્યતાના હિસાબે જોઇએ તો ખબર પડશે કે સિગરેટ અને પાનની કિંમતોમાં લગભગ 17 અને 50 ટકાનો ઘટાડો અહીંના લોકોની આદતો અને અહીં ઉગતી ચીજોને દર્શાવે છે. તમે અહીંની ગલીઓમાં ચા, પાન અને તમાકુની દુકાનો પર દરેક ઉંમર અને અનુભવના લોકોને બેસીને ગપ્પા મારતા જોઇ શકો છો. દરેક ક્યાં તો સિગરેટનો ધુમાડો છોડતો હશે કે મોંમા પાન ચાવતો જોવા મળશે. વર્ષ 2017માં આ ઉત્પાદનો પર સિન ટેક્સ જરુર લગાવાયો હતો પરંતુ આ ટેક્સ છતાં તેની કિંમતોમાં કોઇ વધારો નહોતો થયો. આનું કારણ કલકત્તાનું હવામાન. અહીંની હવામાં ગરમી અને ભેજ બન્ને જોવા મળે છે, જે પાન અને તમાકુ ઉગવા માટે જરુરી છે.
બીજી વાત એ છે કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન પશ્ચિમ બંગાળ ઘણાં સમય સુધી અંગ્રેજોને આધીન રહ્યું. તમાકુ પીવાનું અંગ્રેજોની આદતમાં સામેલ રહ્યું છે. અંગ્રેજોએ જ ભારતમાં વ્યાવસાયિક રીતે સિગરેટને પ્રચલિત કરી હતી.
હુગલીની આસપાસ વણાયેલી સંસ્કૃતિ
ઉત્તરાખંડના પહાડોથી આવતી ગંગા, કે એમ કહો કે ભાગીરથી નદીની ધારાને જ બંગાળમાં હુગલી કહેવાય છે. આ નદીની આસપાસ જ કલકાત્તાનું જીવન અને જીવીકા વિકસ્યા છે. કલકત્તાને આ નદીથી પાણી, માછલી અને પોર્ટ મળે છે. જે અહીંની જીવનશૈલી, ખેતી અને કારખાના માટે જરુરી છે.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજ આ નદી દ્ધારા ભારતમાં વેપાર કરવા આવ્યા હતા. જ્યારે મોટા-મોટા જહાજોના કાફલા આ નદી દ્ધારા આવી શકે છે તો તમે આનું ઉંડાણ અને લંબાઇનો અંદાજો લગાવી લો. આ નદી આગળ જઇને સુંદરવન ડેલ્ટા પણ બનાવે છે જે દુનિયાનો સૌથી મોટો ડેલ્ટા છે.
ડર્યા વગર બીફ ચાખવાની તક
એંગ્લો-ઇન્ડિયન ખાવાની વાત કરીએ અને તેમાં ગૌમાંસ સામેલ ન હોય તેવું તો હોઇ જ શકે. આમ તો બંગાળી હિંદુઓ બીફનું નામ સાંભળીને મોં મચકોડે છે અને ઘણાં મુસ્લિમ લોકો દ્ધારા સંચાલિત રેસ્ટોરન્ટની બહાર પણ ''નો બીફ''નું બોર્ડ લાગેલું હોય છે. પરંતુ બીજા પ્રદેશની જેમ અહીં લોકોની ભીડ અફવા સાંભળીને કોઇ નિર્દોષ ગામવાળાને ગૌ હત્યારો ગણીને જાનથી મારી નથી નાંખતી.
જો કલકત્તામાં બીફ ચાખવા માંગો છો તો જમ-જમ રેસ્ટોરન્ટમાં તમને બીફથી બનેલા વ્યંજન સસ્તી કિંમતોમાં મળી જશે. જો જમ-જમ આવ્યા જ છો તો બીફ બિરયાની અને જાલફ્રેજી બાદ ફિરની કે મિસરી મલાઇથી મોં મીઠુ કરવાનું ન ભૂલતા.
તો આ હતો કલકત્તા જોવાનો દ્રષ્ટિકોણ. જો તમે પણ કલકત્તા ફરીને આવ્યા છો તો અહીંની સભ્યતામાં કંઇક ખાસ વાતો જોઇ હશે. શું તમે આ વાતોને લોકોની સાથે વહેંચવા નહીં માંગો?