કોલકાતા શહેરે આજે પણ પોતાના વારસાને સમેટીને રાખ્યો છે. એક સમય હતો જ્યારે વિકાસનું પહેલુ કિરણ આ જ શહેરમાં પહોંચતુ હતુ. અંગ્રેજોએ હુગલી નદીના કિનારે વસેલા ત્રણ ગામો સુતાનટી, કલિકાતા અને ગોવિંદપુરને પોતાનું વ્યાપારિક કેન્દ્ર બનાવ્યું હતું જે બાદમાં કલકત્તા, હવે કોલકાતા શહેર બની ગયું. પૂર્વ ભારતનું પ્રવેશદ્ધાર ગણાતુ આ શહેર બ્રિટિશ ઇન્ડિયાની રાજધાની રહેવાની સાથે સાથે આખા દેશનું કેન્દ્રબિંદુ ગણાતુ હતું.
એવા જ કેટલાક શરુઆતી અને યુગાંતકારી આવિષ્કારમાં ટ્રામનું નામ પણ સામેલ છે. જ્યારે હું પહેલીવાર કોલકાતા યાત્રા પર આવ્યો તો રસ્તા પર પાટા જોયા જેની પર પીળી ટેક્સી અને બસો દોડી રહી હતી. મને કંઇક અટપટુ લાગ્યુ કે છેવટે ટ્રેનના ટ્રેક પર બસો કેમ દોડી રહી છે. હું મારા ગંતવ્ય સ્થળે જઇ રહ્યો હતો તો ટ્રેકથી લઇને ટ્રામોને પસાર થતા જોઇ તો એક રોમાંચકારી અનુભવ રહ્યો.
આ વિચિત્ર અને વિશેષ ગાડી અંગે વધુ જાણવાની લાલચમાં મેં આની સુંદર સવારી અને ઘણાં તથ્યોને જાણ્યા જે તમારી સાથે શેર કરી રહ્યો છું.
આ રીતે થઇ ટ્રામની શરુઆત
કોલકાતા ભારતનું એકમાત્ર એવું શહેર છે જ્યાં ટ્રામ આજે પણ ઘણી શાનથી રોડ પર ચાલી રહી છે. 1873ની આસપાસ આ ટ્રામમાં ઘોડા લાગ્યા હતા જે તેને ખેંચતા હતા. જાણકારી અનુસાર 1902માં ભારતમાં ઇલેક્ટ્રિક ટ્રામ રોડ પર દોડવા લાગી. કલકત્તા કંપની દ્ધારા આ ટ્રામ પરિસેવાને સંચાલિત કરવામાં આવે છે. આ આખા એશિયામાં સૌથી જુની ઇલેક્ટ્રિક ટ્રામ પરિસેવા છે.
બે ડબ્બા, બન્ને અલગ
સામાન્ય રીતે ટ્રામ બે ડબ્બાવાળા હોય છે જેમાં આગળના ડબ્બા ફર્સ્ટ ક્લાસ તો પાછળના સેકન્ડ ક્લાસ હોય છે. આ તમને અંગ્રેજોના જમાનામાં લઇ જાય છે. જ્યાં ફર્સ્ટ ક્લાસમાં પંખા લાગેલા હોય છે જ્યારે પાછળના સેકન્ડ ક્લાસ ડબ્બામાં પંખા નથી લાગેલા હોતા. આઝાદી પછી બન્ને ડબ્બા બધા માટે ખુલી ગયા છે. જો કે, સુવિધાઓને જોતા ફર્સ્ટ ક્લાસનું ભાડું કંઇક વધારે હોય છે.
ટ્રામના બન્ને ડબ્બામાં અલગ-અલગ કંડક્ટર હોય છે. બન્ને કંડક્ટર અને ડ્રાઇવર ખાખી ડ્રેસમાં જોવા મળે છે. ડ્રાઇવરને સૂચના આપવા માટે કંડક્ટર એક દોરડા સાથે જોડાયેલી બેલનો ઉપયોગ કરે છે. આનાથી ટ્રામ અટકે છે કે ચાલે છે. આમ તો અલગ અલગ સ્ટોપે જ છે પરંતુ હાથ બતાવવા માત્રથી ટ્રામ ધીમી પડી જાય છે અને તમે સરળતાથી ટ્રામ પકડી શકો છો.
મહત્વનું છે કે પર્યટકો માટે એક ડબ્બાવાળી અત્યાધુનિક એસી ટ્રામ પણ શરુ કરવામાં આવી છે. જેના માધ્યમથી તમે આખા શહેરનો પ્રવાસ કરી શકો છો. દેશ-વિદેશના પર્યટક તેમાં સવાર થઇને કોલકાતા શહેર અને તેની અમૂલ્ય વારસાને જોઇ શકે છે.
ઇકો ફ્રેન્ડલી અને વ્યાજબી
કોલકાતા અને ટ્રામ પરિસેવા વીજળીથી સંચાલિત હોય છે. મહત્વની વાત એ છે કે ટ્રામ પર્યાપ્ત સ્પીડમાં ચાલતી ગાડી છે પરંતુ મુખ્ય રસ્તાથી ઓપન ટ્રેક પસાર થવાના કારણે અન્ય વાહન તેના ટ્રેક પર જામ લગાવીને રાખે છે. નીચે આપેલા વીડિયોને જરુર જુઓ જે ટ્રામની ગતિને દર્શાવે છે.
ટ્રામમાં દુર્ઘટનાની શક્યતાઓ પણ ઘણી ઓછી હોય છે પરંતુ ઘણાં કારણોથી આ પરિસેવાને બંધ કરવાની સલાહ પણ આપવામાં આવે છે. પરંતુ તે શહેરની સંસ્કૃતિ સાથે લાંબા સમયથી ભળી ગઇ છે. આને બંધ કરવા કરતા સારુ છે તેને વધુ આધુનિક બનાવવામાં આવે.
સ્મરણિકા - કોલકાતા ટ્રામ મ્યૂઝિયમ
ટ્રામની સવારી હવે એક હેરિટેજ તરીકે ગણાવાઇ રહી છે. ટ્રામ પહેલા કરતા ઘણી ઓછી થઇ ગઇ છે. અને ધર્મતલ્લામાં આને લઇને મ્યૂઝિયમ પણ બનાવાયું છે. રસપ્રદ વાત છે કે વર્ષ 1938માં બનેલી એક જુની ટ્રામને સજાવીને મ્યૂઝિયમમાં ફેરવી નાંખવામાં આવ્યું છે. તેમાં ટ્રામના 150 વર્ષના ઇતિહાસને સાચવીને લોકો માટે રાખવામાં આવ્યો છે. ટ્રામના પહેલા ડબ્બાને કેફેટેરિયા અને બીજા ડબ્બાને જાણકારીઓથી ભરવામાં આવ્યો છે. કોલકાતા યાત્રા પર આવો તો આ મ્યૂઝિયમ જોવા જરુર જાઓ.
ચાલતા-ચાલતા આમ જ...
ટ્રામ ભલે આજે તેના શ્રેષ્ઠ સમયમાં નથી પરંતુ આજે પણ આને લઇને લોકોમાં આકર્ષણ યથાવત છે. પર્યટક તો આને ખાસ કરીને જોવા આવે છે જ પરંતુ અહીંના લોકો પણ પોતાની દૈનિક યાત્રાઓમાં આનો ઉપયોગ ઘણાં પ્રેમથી કરે છે. લોકો આ અંગે વિચારી રહ્યા છે કે છેવટે બદલાયેલી પરિસ્થિતિમાં ટ્રામને રસ્તા પર જાળવી રાખવા માટે કેવા ઉપાયો કરવા જોઇએ. આ કડીમાં ટૂરિસ્ટો માટે વિશેષ ટ્રામ ઉપરાંત, આત્યાધુનિક ટ્રામોને પણ રસ્તામાં ઉતારવામાં આવી છે.
ચાલતા-ચાલતા જણાવી દઉં કે હજુ આવનારા કેટલાક વર્ષ ટ્રામ કોલકાતાના રસ્તા પર જોવા મળી શકે છે. અહીં આવવાનું પ્લાનિંગ કરો તો ટ્રામ માટે અલગથી સમય કાઢીને આવો જેથી છેલ્લા દોઢસો વર્ષોના આ વારસાને તમે જાણી શકો, ઓળખી શકો.