બોધ ગયા: એક ઐતિહાસિક વારસો 

Tripoto

મગધ કે જેને આજે આપણે બિહાર તરીકે ઓળખીએ છીએ તે એક જમાનામાં અત્યંત હોશિયાર અને બુધ્ધિશાળી લોકો તેમજ સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર હતું. મૌર્ય વંશની રાજધાની પાટલિપુત્ર (હાલનુ પટના) તેમજ નજીકનું શહેર રાજગૃહ (હાલનુ રાજગીર) ઘણા મહત્વના પર્યટન સ્થળ બની ચૂક્યા છે. 

ચંદ્રગુપ્ત મૌર્ય, સમ્રાટ અશોક, ચાણક્ય, આર્યભટ્ટ વગેરે જેવા લોકો બિહારની અમર હસ્તીઓ છે. પણ આ સિવાય પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બિહારનું ટુરિઝમ ક્ષેત્રે નામ થયું તેનું કારણ બૌદ્ધ ધર્મનું મુખ્ય ધર્મસ્થળ: બોધ ગયા. 

Photo of Bihar, India by Jhelum Kaushal

દેશના 12-15 રાજ્યોનો પ્રવાસ કર્યા બાદ મને વિચાર આવ્યો કે મેં મારી સૌથી નજીકના રાજ્ય બિહારને તો વ્યવસ્થિત રીતે જોયું જ નથી. બોધ ગયા, નાલંદા, રાજગીર, પટના ફરવાની યોજના બનાવીને હું નીકળી પડ્યો બિહાર પ્રવાસે. મુખ્ય શહેર ગયાથી પ્રમાણમાં ઘણા નજીક આવેલા પર્યટન સ્થળોએ ફરવા માટે રિક્ષા કે ટેક્સી મળી રહે છે. ફાલ્ગુ અને નિરંજના નદીઓના કિનારે આખો રસ્તો આવેલો છે. અત્યંત વિશાળ પટ ધરાવતી આ બંને નદીઓ ચોમાસામાં છલકાય છે બાકી સુકાયેલી રહે છે. 

બૌધ્ધ ધર્મનાં ચાર મુખ્ય ધર્મ સ્થાનો છે: લુંબિની, કુશીનગર, સારનાથ અને બોધ ગયા. આ સૌમાં બોધ ગયા તેમનું મુખ્ય ધર્મસ્થળ છે કેમકે રાજકુમાર સિધ્ધાર્થ અહીં બુધ્ધ બન્યા અને બૌદ્ધ ધર્મનો જન્મ થયો. બોધ ગયામાં સૌથી અગત્યના આકર્ષણો મહાબોધી મંદિર તેમજ 80 ફીટ ઊંચી ભગવાન બુધ્ધની પ્રતિમા છે. અહીં એક વિષ્ણુ મંદિર પણ છે. બૌધ્ધ ધર્મનાં અહીં અન્ય ભુતાની, જાપાની, ચીની, થાઈ મંદિરો પણ આવેલા છે. બીજા પણ ઘણા બૌદ્ધ મઠ છે પણ મહાબોધી મંદિર અહીંનું મુખ્ય કેન્દ્ર છે. 

કહેવાય છે કે આ મંદિરની પાછળ એક પીપળાનું ઝાડ છે જેની નીચે બેસીને સિધ્ધાર્થને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. બુધ્ધના ગયા પછી 250 વર્ષ બાદ સમ્રાટ અશોકે તે વૃક્ષ પાસે આ મહાબોધી મંદિરની નિર્માણ કરાવ્યું હતું. વર્ષ 2002 માં યુનેસ્કો દ્વારા આ મંદિરને વર્લ્ડ હેરિટેજ ઘોષિત કરવામાં આવ્યું. 

મંદિરના પ્રાંગણમાં ઘણી મોટી સંખ્યામાં આસપાસના દેશોમાંથી આવેલા બૌધ્ધ ધર્મના લોકો જોવા મળે છે. માર્ચ મહિનામાં વિદેશીઓ ઘણી મોટી સંખ્યામાં આવે છે પણ આ જગ્યાની સૌથી વધુ રોનક જોવા મળે છે બુધ્ધ પૂર્ણિમાના દિવસે. આ મંદિરમાં હંમેશા 'બુદ્ધમ શરણં ગચ્છામિ'ના નાદ સાંભળવા મળે છે. મંદિરની પાછળ આવેલી માર્કેટમાં ભગવાન બુધ્ધ આધારિત ઘણી વસ્તુઓ મળે છે. સાંજના સમયે રંગબેરંગી લાઇટ્સથી મહાબોધી મંદિર ખૂબ સુંદર ઝગમગી ઉઠે છે. 

મંદિર સિવાય બોધ ગયાનું મુખ્ય આકર્ષણ છે અહીંથી માત્ર એકાદ કિમી દૂર બનાવવામાં આવેલી 80 ફીટ ઊંચી બુદ્ધની પ્રતિમા. ગ્રેનાઇટના પથ્થર દ્વારા 80 ના દાયકામાં આ મૂર્તિ બનાવવામાં આવી હતી. અહીં પ્રવેશ નિશુલ્ક છે. જાપાનીઝ બુધ્ધ સમુદાયનું દેજોકયો નામના સમાજ દ્વારા તેનો ખર્ચો આપવામાં આવ્યો હતો. 

અલબત્ત, આજે પણ રાજગીર, નાલંદા જેવા સ્થળોમાં અમુક જગ્યાની દેખભાળ જાપાનીઝ સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. 

બોધ ગયામાં મુખ્યત્વે તો ઉત્તર ભારતીય શૈલીનું ભોજન મળે છે પણ હવે તો જાપાની, ચીની, થાઈ, બર્મીઝ રેસ્ટોરાં પણ ઉપલબ્ધ છે. 

બોધ ગયા એક આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ હોવાથી અહીં પુષ્કળ માત્રામાં હોટેલ્સ છે. મુખ્ય શહેર ગયા કરતાં પણ વધુ સંખ્યામાં બોધ ગયામાં હોટેલ્સ છે. ગયામાં આંતરરાષ્ટ્રીય વિમાનમથક પણ છે જ્યાં અનેક દેશોમાંથી ફ્લાઇટ્સની આવન-જાવન શરુ રહે છે. આંતરરાષ્ટ્રીય ટુરિસ્ટ્સ આવી શકે તેવું બિહારનું એકમાત્ર પર્યટન બોધ ગયા છે. બોધ ગયા ફરવા માટે એક દિવસ પૂરતો છે. તે સિવાય આસપાસમાં રાજગીર, નાલંદા જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો. 

અહીંથી માત્ર 30 કિમી દૂર દશરત માંઝીએ પહાડ કોતરીને બનાવેલો રસ્તો પણ એક જોવા જેવી જગ્યા છે. 

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads