પ્રવાસો હંમેશા ખૂબજ રોમાંચક હોય છે. કોઈ આલ્બમની માફક એ આપણા મનમાં કંડારાઈ જાય છે અને જ્યારે એ આલ્બમના પાનાં ઉથલાવીએ તો એ પ્રવાસ ફરીથી જીવિત થઈ જાય છે. અમારા માટે આવો જ એક અનોખો પ્રવાસ હતો કોણાર્કની મુલાકાત. ઓડિશા રાજ્યમાં ભુવનેશ્વર તેમજ જગન્નાથ પુરીની નજીકમાં જ આ અદભૂત સ્થળ આવેલું છે જે જોઈને આપણા પૂર્વજો માટે અનેકગણું માન વધી જશે. કોણાર્ક મંદિર 800 વર્ષ જૂની ધરોહર છે.
અહીંની અદભૂત રચનાને જોઈને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. સદીઓ પહેલા જ્યારે કોઈ વાહન કે વીજળીની સગવડ નહોતી તેવા સમયે આ માસ્ટરપીસ બનાવવામાં આવ્યો હતો તે જાણીને આપણને તેના નિર્માતાઓને મનોમન વંદન કરવા મજબૂર કરી દે છે. 1984માં કોણાર્ક સુર્ય મંદિરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું હતું.
કોણાર્ક એક સંસ્કૃત શબ્દ છે જેમાં કોણ અને અરક (સૂર્ય) એવા બે શબ્દોનો સમાવેશ થાય છે. આ સૂર્યમંદિર છે એટલે રોજ સવારે સૂર્યનું પ્રથમ કિરણ આ મંદિરના ગર્ભગૃહમાં પડે છે. આ મંદિરનો સાંજનો નજારો પણ ખાસ જોવાલાયક હોય છે.
કોણાર્ક સૂર્ય મંદિરનો ઇતિહાસ
આદિકાળથી ઓડિશાનો દરિયાકિનારો એક ઘણું મહત્વનું બંદર રહ્યું છે. કોણાર્ક સૂર્ય મંદિર ગંગ વંશના રાજા નરસિંહ દેવ પ્રથમ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. 12 મી સદીમાં બનેલા આ મંદિરમાં 12 રથની જોડી એટલે કે કુલ 24 પૈડાઓ પરમંદિરનું નિર્માણ કરાયું છે. આ 12 રથને 7 ઘોડાઓ ખેચી રહ્યા છે. આ સાતેય ઘોડાઓનાં અલગ અલગ નામ છે. ઘોડાઓ રથ ખેંચી રહ્યા હોય તેવું દ્રશ્ય ખૂબ જ શાનદાર લાગે છે.
જો તમે સૂર્યોદય સમયે આ મંદિર જોશો તો એવું લાગશે જાણે આ મંદિર જમીનમાંથી ઊગી રહ્યું છે. કોણાર્ક મંદિરે જોયેલો સૂર્યોદય તમે જોયેલા શ્રેષ્ઠ સૂર્યોદયમાંનો એક હશે એ ખાતરીપૂર્વક કહી શકાય છે. ઊર્જાના સ્ત્રોત એવા સુર્યને પૂજવા માટે મનુષીઓ અને કલાકારોએ મળીને કઈક એવી અદભૂત રચના બનાવી છે જે અત્યંત દુર્લભ અને ઐતિહાસિક છે. પથ્થરો પર કરેલું કોતરણીકામ અનન્ય છે, આ મંદિરનું નિર્માણ પૂર્વથી પશ્ચિમ દિશામાં કરવામાં આવ્યું છે અને મંદિરને ફરતે રથના બાર પૈડાઓ ઉપરાંત અન્ય કોતરણી પણ ખૂબ જ ધ્યાનાકર્ષક છે.
કોણાર્ક મંદિર તે સમયની કલાના વૈભવ અને વારસાનું બહુ જ દેખીતું ઉદાહરણ છે. સુર્ય ભગવાનની પ્રતિમા દૂરથી પણ ખૂબ જ આકર્ષક લાગશે. આમ તો અહીં બદગી જ મૂર્તિઓ ખૂબ જ શાનદાર છે પણ એક ફ્રેમમાં વાંકડીયા વાળવાળું બાળક સૂતું હોય અને આસપાસ હાથી અને જિરાફની મૂર્તિ તે સૌથી બેનમૂન છે. જિરાફ એ આફ્રિકાનું પ્રાણી છે. તત્કાલીન કલાકારો સાચે જ કેટલા જ્ઞાની હશે! ત્યાંનાં રાજાનો વ્યાપાર આફ્રિકા સુધી ફેલાયેલો હોઇ શકે અથવા ત્યાંથી કોઈએ તેમને ભેટમાં આપ્યું હોય એમ બન્યું હોવાની સંભાવના છે.
ભગવાન ઉપરાંત અહીં પશુઓ અને ઝાડપાનના શિલ્પો પણ જોવા મળે છે. મંદિરના ગેટ પાસે ધરાશાયી માનવ, તેના ઉપર હાથી અને તેના ઉપર સિંહની મૂર્તિ ખૂબ જ અલૌકિક લાગે છે. આ મંદિરમાં ગર્ભગૃહમાં પ્રવેશ વર્જિત છે. આ મંદિરની સુંદરતા અહીંના મુલાકાતીઓને આશ્ચર્યચકિત કર્યા વિના નથી રહેતી.
કોણાર્ક સુર્ય મંદિર: અમુક કિસ્સાઓ
આ મંદિર વિષે ઘણી કહાનીઓ પ્રચલિત છે. કહેવાય છે કે મંદિરના ગર્ભગૃહની નીચે ગજબનું ચુંબક છે જેથી મંદિરની દીવાલો સુરક્ષિત રહે છે. અને આ જ ચુંબકીય શક્તિ થકી અહીં આસપાસના બંદરોએ આવતા જહાજો તેના કંપાસ (હોકાયંત્ર) દ્વારા દિશાહીન થઈ જાય છે. બ્રિટીશકાળમાં આ ચુંબક તોડી નાખવામાં આવ્યું હતું.
એક માન્યતા એવી પણ છે કે મંદિરના ગર્ભગૃહમાં એક અમૂલ્ય હીરો હતો જેના પર સૂર્યપ્રકાશ પડતાની સાથે જ આખું મંદિર ઝગમગી ઊઠતું. આ હીરો પણ લૂંટી લેવાયો હોવાની સંભાવના છે.
તે સમયનું વિજ્ઞાન અદભૂત હતું તેમાં ના ન પાડી શકાય. 1627માં તોફાનથી મંદિર તૂટવાના ભયને લીધે અહીંના રાજાએ ગર્ભગૃહમાં રાખવામાં આવેલી સુર્યની મૂર્તિને જગન્નાથ પૂરી મંદિર મોકલી આપી હતી. કોણાર્ક મંદિર ચંદ્રભાગા નદીના કિનારે સ્થિત છે. દર વર્ષે વસંત પંચમીના દિવસે અહીં એક મેળો ભરાય છે જેમાં લોકો આ નદીમાં સ્નાન કરવા આવે છે.
જો તમે આ મંદિરની મુલાકાત વખતે કોઈ ગાઈડ રાખશો તો અનેક અવનવા કિસ્સાઓ જાણવા મળશે. આ ગાઈડ એક મિનિટ સૂર્યના રથના પૈડાંને તાકીને ઘડિયાળમાં કેટલો સમય થયો હશે તે જવાની છે. 800 વર્ષ પહેલા આટલું વૈજ્ઞાનિક નિર્માણ એ કેટલી અદભૂત વાત કહેવાય! તે સમયના લોકોનું બૌધ્ધિક સ્તર, વિજ્ઞાનનું જ્ઞાન અને તેમની આવડત માટે આપણને સાચે બહુ જ માન થઈ જાય છે. ભારત સરકારની તાજેતરની 10 રૂની ચલણી નોટમાં આ મંદિરનો ફોટો છાપવામાં આવ્યો છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા આ પૌરાણિક સ્થળનું રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નાઆમ બની રહે તેવા પ્રયાસો થયા છે.
.
આ લેખ કોવિડ-19 માહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.
.