જો તમને કોઈ પૂછે કે ભારતમાં ફ્રેંચ કોલોની ક્યાં આવેલી છે તો તરત જ જવાબ મળે: પોંડિચેરી. યુરોપિયન શૈલીના મકાનો, સુંદર કોલોનીઝ, મજાનો દરિયાકિનારો- આ બધી વસ્તુઓ લોકોને પોંડિચેરીને પ્રેમ કરવા મજબૂર કરી દે છે. પણ સ્વાભાવિક છે કે ફ્રેંચ લોકો જ્યારે ભારત આવ્યા ત્યારે તેઓ માત્ર પોંડિચેરી પૂરતા જ સીમિત નહિ રહ્યા હોય.
દેશમાં કેટલીક જગ્યાએ ફ્રેંચ કોલોની સ્થાપવામાં આવી હતી જેમાંની ઘણી જગ્યાઓ હજુ આજે પણ ફરવા જઈ શકાય એટલી સુંદર છે. 1668માં ફ્રેંચ લોકો વ્યાપાર કરવાના હેતુથી ભારત આવ્યા ત્યારે પોંડિચેરીને તેમણે પોતાનો ગઢ બનાવ્યો. તેમને વિસ્તારવાદમાં ઓછો અને વ્યાપારમાં વધુ રસ હતો એટલે પોંડિચેરી સિવાય બીજા માત્ર 5 સ્થળોએ પોતાની કોલોનીની સ્થાપના કરી. તો ચાલો આપણે આજે આ પોંડિચેરી સિવાયની ભારતની અજાણી ફ્રેંચ કોલોની વિષે જાણીએ.
આ છે ભારતની પાંચ કોલોનીઝ:
પોંડિચેરી
તમિલનાડુમાં કરાઇકલ
આંધ્રપ્રદેશમાં યાનોન
કેરળમાં માહે
પશ્ચિમ બંગાળમાં ચંદનનગર
કરાઈકલ
આ જગ્યાએ વર્ષ 1739થી 1954 સુધી ફ્રેંચ શાસન હતું. આજના સમયમાં પોતાના વ્યસ્ત જીવનમાં શાંતિથી દિવસો પસાર કરવા હોય તેવા લોકોએ કરાઈકલની ખાસ મુલાકાત લેવી જોઈએ. સુંદર સવાર અને ખુશનુમા સાંજ એ કરાઇકલની વિશેષતા છે. અલબત્ત, ફ્રેંચ વસાહત રહી ચૂકેલી આ જગ્યાએ આજે ઘણી મોટી સંખ્યામાં મંદિરો આવેલા છે. સાંજના સમયે મંદિરની આરતીનો અવાજ ખૂબ જ અલૌકિક લાગે છે.
કરાઈકલમાં રજાઓ:
આ જગ્યાએ હિન્દુ, ખ્રિસ્તી અને મુસ્લિમ લોકોની વસ્તી ઘણા સારા એવા પ્રમાણમાં છે. વિવિધ મંદિરો સાથે અહીં ચર્ચ તેમજ દરગાહ પણ બનાવવામાં આવ્યા છે. આ ધાર્મિક જગ્યાઓ જોઈને તમે દરિયાકિનારે સમય પસાર કરી શકો છો.
મુલાકાત માટે બેસ્ટ સમય: ડિસેમ્બર અને જાન્યુઆરી.
યાનોન
છેલ્લી કેટલીક સદીઓમાં અનેક રાજા, મહારાજા, શાસકોએ આ જગ્યા પર રાજ કર્યું છે અને તે સૌએ અહીંની સંસ્કૃતિ પર કોઈને કોઈ રીતે પોતાની છાપ છોડી છે. અલબત્ત, અહીંના છેલ્લા શાસક ફ્રેંચ હતા એટલે આ જગ્યાએ હજુ આજે પણ ફ્રેંચ સંસ્કૃતિની ઝાંખી જોવા મળે છે. યાનોન શહેર ઘણી જગ્યાએ યનમ તરીકે પણ જાણીતું છે. નારિયેળીના વૃક્ષો, દરિયાના મોજાં, રંગબેરંગી કોલોની, ઘેઘૂર જંગલો અને ‘બોંઝૂર’ કહીને એકબીજાનું અભિવાદન કરતાં લોકો. આ સાચે જ એક અનેરો અનુભવ છે.
યાનોનમાં રજાઓ:
2015માં અહીં એફિલ ટાવરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે જે પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ છે. સાંજના સમયે ગોદાવરી નદીના કિનારે ફરવાની પણ બહુ જ મજા આવે છે. અહીં એક પ્રસિધ્ધ વેંકન્ના મંદિર પણ છે. ખાણી પીણીની વાત કરવામાં આવે તો અહીંની ફિશ ખૂબ પ્રખ્યાત છે. અહીંના માછીમારો સાડીની મદદથી માછલી પકડે છે. ફ્રેંચ આર્કિટેક્ચરનો નમૂનો જોવો હોય તો શહેરના કોર્ટ હાઉસ (Palais de Justice)ની ખાસ મુલાકાત લેવી.
મુલાકાત માટે બેસ્ટ સમય: નવેમ્બરથી ફેબ્રુઆરી
માહે
કેરળના પશ્ચિમ ઘાટે આવેલા આ શહેરમાં ફ્રેંચ તેમજ કેરળની સંસ્કૃતિનો અનેરો સંગમ જોવા મળે છે. માહે દેશનો સૌથી નાનો જિલ્લો છે અને આ જિલ્લાએ દેશને ઘણા દેશભક્તો તેમજ ક્રાંતિકારીઓની ભેટ આપી છે. હોલિવૂડના જાણીતા નિર્દેશક એમ નાઈટ શ્યામલન પણ આ જ જગ્યાએથી આવે છે. 70 અને 80ના દાયકામાં સર્ફિંગની પ્રવૃત્તિ માટે લોકો માહેના પ્રવાસે આવતા પણ હવે દારૂ પીવા આવતા લોકોથી આ જગ્યા બદનામ થઈ ગઈ છે. કેરળમાં દારૂબંધી છે અને માહે પોંડિચેરીના કાર્યક્ષેત્રનો એક ભાગ છે એટલે આસપાસના લોકો ખાસ અહીં દારૂ પીવા આવે છે. પણ હા, તેનાથી તેની સુંદરતા સહેજ પણ ઓછી નથી થઈ. આ જગ્યાની જરુર મુલાકાત લેવા જેવી છે.
માહેમાં રજાઓ:
અહીંનું સેંટ ચેરેસાઝ ચર્ચ માત્ર અહીં આસપાસના લોકોમાં જ નહિ પરંતુ શ્રીલંકા, સિંગાપુર જેવા વિદેશમાં પણ ઘણું જ જાણીતું છે. અહીં પણ ગોદાવરીના કિનારે સમય વિતાવવાની મજા આવે છે. માછીમારો માટે પણ આ એક મહત્વની જગ્યા છે. અહીં હીરાના આકારનો એક વોક-વે પણ બનાવવામાં આવ્યો છે, ત્યાં પણ આપ સમય પસાર કરી શકો છો.
મુલાકાત માટે બેસ્ટ સમય: જૂનથી ઓગસ્ટ/ ડિસેમ્બર-જાન્યુઆરી
ચંદનનગર
કોલકાતાની ભીડભાડથી દૂર હુગલી નદીના કિનારે આ શહેર આવેલું છે. અહીં જોવા મળતો ફ્રેંચ અને બાંગ્લા સંસ્કૃતિનો દુર્લભ સંગમ તેણે બંગાળની અન્ય જગ્યાઓ કરતાં અલગ તારવે છે. સમય જતાં ભલે લોકો આ જગ્યાનું મહત્વ ભૂલી ગયા હોય, પણ તેનાથી તેનું મહત્વ ઓછું નથી થતું. ચંદનનગર અથવા ચંદનનાગોરના નામે જાણીતી આ જગ્યા સ્વતંત્રતા પહેલા કેટલાય ક્રાંતિકારીઓનું ઠેકાણું હતી. આમાંના એક ક્રાંતિકારી હતા રવીન્દ્રનાથ ટાગોર. આ વાંચીને જ સમજી શકાય કે પર્યટન સ્થળોની સાથોસાથ ઐતિહાસિક રીતે પણ આ એક મહત્વની જગ્યા છે.
ચંદનનગરમાં રજાઓ:
સટ્રેન્ડ હુગલી નદીના કિનારે એક બહુ જ સુંદર રસ્તો છે જેની બંને બાજુ તમને એકાદ સદી જૂની ઇમારતો જોઈ શકશો. કાચમાં સુંદર નકશીકામ માટે અહીંનું સેક્રેડ હાર્ટ ચર્ચ બહુ જ પ્રખ્યાત છે. શ્રી દુર્ગાચરણ રક્ષિતના માનમાં અહીં એક દુર્ગાચરણ રક્ષિત ઘાટ પણ છે. તેઓ પહેલા ભારતીય હતા જેમણે ફ્રાંસ અને ફ્રેંચ સૈન્ય દ્વારા ફ્રાંસનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું હતું. અહીં નંદુલાલ મંદિર જેવા પ્રાચીન હિન્દુ મંદિર પણ છે.
મુલાકાત માટે બેસ્ટ સમય: નવરાત્રિમાં આઠમને દિવસે દુર્ગા પૂજા થાય તેના એક મહિના બાદ અહીં જગતધાત્રી પૂજા કરવામાં આવે છે. જો તમને બહુ ભીડભાડ પસંદ ન હોય તો ડિસેમ્બર કે જાન્યુઆરી અહીંની મુલાકાત માટે શ્રેષ્ઠ છે.
શું તમે કોઈ દેશના એવા ખૂણામાં ગયા છો જ્યાં આજે પણ તેનો ઇતિહાસ જીવંત હોય? અમને કમેન્ટ્સમાં જણાવો.
.