આમ તો ઘણા લોકો મનાલીના પ્રવાસે જઈ ચૂક્યા હશે. તમે પૂછો કે મનાલીમાં શું શું છે, તો અમુક કોમન જવાબ મળશે: ઓલ્ડ મનાલી, રોહતાંગ પાસ, હાંપતા પાસ. પણ તે સિવાય અહીં અમુક ખૂબસુરત પગદંડીઓ પણ આવેલી છે જે ખરેખર જોવા જેવી છે.
1. લામદૂધ ટ્રેક
સમય: 6 થી 7 કલાક
પગદંડી: મનાલી- લામદૂધ- મનાલી
ઊંચાઈ: 3018 મીટર/ 9900 ફીટ
ચઢાણ: મધ્યમ
આ ઓછા જાણીતા ટ્રેકની શરૂઆત હિડિંબા દેવી મંદિરથી થાય છે. સ્થાનિક ભાષામાં લામદૂધનો અર્થ લાંબો અને ગાઢ એવો થાય છે. મધ્યમ ચઢાણ ધરાવતો આ ટ્રેક ચીડ અને દેવદારના મનોરમ્ય જંગળોમાંથી પસાર થાય છે. માત્ર એક જ દિવસનો ટ્રેક હોવા છતાં આ ટ્રેક દરમિયાન ઘણું બધું જોવા મળે છે: મનાલીના સુંદર નજારા, મનાલ્સુ ગ્લેશિયર, ધૌલાધાર, પીરપંજાલ પર્વતમાળામાં હનુમાન ટીબ્બા, દેવ ટીબ્બા, રોહતાંગ પાસ.
કેવી રીતે પહોંચવું?
નોંધ: ચઢાણની શરૂઆતમાં થોડો વિકટ રસ્તો છે અને મનાલીથી આગળ પાણીનો કોઈ સ્ત્રોત નથી.
મનાલીથી સ્થાનિક બસો ઉપલબ્ધ છે.
આ 2.7 કિમીનો એક નાનકડો રસ્તો છે જેને પૂરો કરતાં 15-20 મિનિટ જેટલો સમય લાગે છે.
ઓટો/ટેક્સી ભાડે કરી લેવા
વિકલ્પ 2: ગોશાલ ગામ
સમય: 1 કલાક
પગદંડી: મનાલી- ઓલ્ડ મનાલી- મનુ મંદિર- ગૌશાલા- ઓલ્ડ મનાલી
ઊંચાઈ: 1189 મીટર/ 3900 ફીટ
ચઢાણ: સરલથી મધ્યમ
ઓલ્ડ મનાલી ફરતા પહેલા આ ટ્રેક એક બેસ્ટ આઇડિયા છે.
મનુ મંદિરથી શરુ થતો આ ટ્રેક ખાસ એવા લોકો માટે છે જે મનાલીના એક એવા ભાગને જોવા માંગે છે જ્યાં 700 કરતાં પણ વધુ વર્ષો જુના મકાનો હજુયે અડીખમ ઉભા છે. મનુ મંદિર પહેલા જ એક બોર્ડમાં આ ટ્રેક વિષે સંપૂર્ણ માહિતી લખાયેલી છે. સફરજનના બગીચાઓ અને દેવદારના વૃક્ષો વચ્ચેથી પસાર થતો આ સાંકડો રસ્તો ગોશાલ ગામ સુધી જાય છે. મુખ્યત્વે સ્થાનિકો દ્વારા જ આ રસ્તાનો ઉપયોગ કરવામાં આવે છે.
કેવી રીતે પહોંચવું?
મનાલી અને ઓલ્ડ મનાલી વચ્ચે માત્ર 3 કિમીનું અંતર છે જે પગપાળા કાપતા માત્ર 15-20 મિનિટ થાય છે.
ઓલ્ડ મનાલીથી કોઈ ઓટો કે ટેક્સી કરીને મનુ મંદિર પહોંચો અને ત્યાંથી ટ્રેક શરુ કરો.
વિકલ્પ 3: ચક્કી નાલાથી રૂમસુ ગામ
સમય: 4 થી 5 કલાક
પગદંડી: મનાલી- પ્રીન્સી- જગત્સુખ- ચક્કી નાલા- રૂમસુ
ઊંચાઈ: 2700 મીટર/ 8858 ફીટ
ચઢાણ: મધ્યમથી અઘરો
રૂમસુ એ લગભગ 1000 વર્ષ જૂનું હિમાચલી ગામ છે. ચંદ્રખાની ટ્રેક માટે આ જગ્યાએ બેઝકેમ્પ બનાવવામાં આવે છે. મનાલીથી 45 મિનિટની ડ્રાઈવ બાદ ચક્કી નાલા પહોંચાય છે અને ત્યાંથી રૂમસુ માટેના ટ્રેકની શરૂઆત થાય છે. કોંક્રિટના જંગલોમાં વસતા લોકો આ ટ્રેક દરમિયાન રસ્તામાં આવતા સફરજનના બગીચા, દેવદારના વૃક્ષો, પરંપરાગત સુંદર મકાનો તેમજ બિયાસ નદી જોઈને ખૂબ પ્રફુલ્લિત થઈ ઉઠશે. આ પગદંગી પર મુખ્યત્વે સ્થાનિક લોકો જ આવ-જા કરે છે.
કેવી રીતે પહોંચવું?
મનાલીથી ટેક્સી લઈને જગત્સુખ થઈને ચક્કી નાલા પહોંચી શકાય છે. લગભગ 45 મિનિટ જેટલો સમય લાગશે.
ચક્કી નાલા પાસે એક ચાની દુકાન છે જ્યાંથી ટ્રેક શરુ થાય છે જે આગળ જંગલ પાસે પગદંડી સુધી લઈ જાય છે.
ચક્કી નાલાથી રૂમસુ પહોંચતા 2 કલાક જેટલો સમય લાગે છે.
વિકલ્પ 4: પ્રીની ગામથી બનારા
સમય: 4 કલાક
પગદંડી: મનાલી- પ્રીની- બનારા- મનાલી
ઊંચાઈ: 1189 મીટર/ 3900 ફીટ
ચઢાણ: સરળ
મનાલીના ગીચ વિસ્તારોથી માત્ર 4 કિમી દૂર પ્રીની આવેલું છે. સેરેનિટી હોટેલની બરાબર સામે આવેલો રસ્તો તમને બનારા ગામ સુધી લઈ જશે. વધારે સ્થાનિકો દ્વારા જ વપરાતા આ રસ્તામાં ચીડ અને દેવદારના વૃક્ષોના ખૂબ સુંદર દ્રશ્યો જોવા મળે છે. વળી, પરંપરાગત કાટખૂણી શૈલીથી બનાવવામાં આવેલા મકાનો પણ અદભૂત દેખાય છે. આ રસ્તો આગળ જતાં પહાડોને મળી જાય છે જ્યાંથી મનાલી અને ફ્રેંડશિપ શિખરનો ખૂબ રમણીય નજારો જોવા મળે છે.
કેવી રીતે પહોંચવું?
મનાલીથી પ્રીની સુધી જવા 10 રૂમાં સ્થાનિક બસ મળે છે. તમે ખાનગી ઓટો અથવા રિક્ષા વડે પણ જઈ શકો છો.
નોંધ: જમવાનું સાથે લઈને નીકળવું કેમકે રસ્તામાં ખાણી-પીણી માટે કશું જ ઉપલબ્ધ નથી.
વિકલ્પ 5: જના ઝરણા પાસે સિધ્ધુ ચાખે
સમય: 4 કલાક
પગદંડી: નગગર- જન ગામ- જન ઝરણું
ઊંચાઈ: 1189 મીટર/ 3900 ફીટ
ચઢાણ: સરળ
જના ઝરણું
જના ગામ પાસે એક ખૂબ જ નયનરમ્ય જના ઝરણું આવેલું છે. અહીં આસપાસ આવેલા ઢાબામાં બેસીને સમય વ્યર્થ ન કરતાં ઝરણાની બાજુમાં આવેલી પગદંડી પર નીકળી પડો. આ એક સરળ તેમજ આનંદદાયક ટ્રેક છે જ્યાં રસ્તામાં ખૂબ સુંદર નજારાઓ જોવા મળે છે. અને હા, હિમાચલની ટ્રેડિશનલ વાનગી સિધ્ધુ ખાવાનું ન ભૂલતા. ઘઉં અને ઘીની બનેલી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
કેવી રીતે પહોંચવું?
જના ગામ નગગરથી માત્ર 12 કિમી દૂર છે.
ગામથી ઝરણા સુધી જવા માટે 15-20 મિનિટ ટ્રેક કરીને જવું પડે છે.
રોજ સવારે 9 વાગે નગગર ખાતે જના માટેની બસ ભરાય છે.
ખાનગી ટેક્સી પણ કરી શકાય છે.
ધ્યાનમાં રાખવાની બાબતો:
વ્યવસ્થિત ટ્રેકિંગ માટેના શૂઝ પહેરવા
પાણીની બોટલ સાથે રાખવી
નાના થેલામાં જરૂરી સમાન સાથે રાખવો
ભોજન સાથે રાખવું વધુ સલાહભર્યું છે
આ ટ્રેકમાં કોઈ ગાઈડની જરુર નથી પણ રસ્તો ભટકી ન જવાય તે માટે સતત ઠાણીકોને પૂછ્યા કરવું
ઉપરોક્ત બધી જ જગ્યાઓએ સામાન્ય રીતે મોબાઈલ નેટવર્ક આવે છે
મનાલી અને ઓલ્ડ મનાલીમાં એટીએમ છે જ, પણ છતાંય થોડી રોકડ સાથે રાખવી
મનાલીના ખૂબ જ વ્યસ્ત મોલ રોડની બદલે પ્રીની કે નગગર જેવી જગ્યાએ ઉતારો કરવો
ઓલ્ડ મનાલીની રંગીન બજારોમાં ફરવાનું ન ભુલશો
.