આપણા દેશમાં વિવિધ જગ્યાઓના અનોખા- નિરાળા કિસ્સાઓની ભરમાર છે. અને એમાં પણ રાજસ્થાનને તો સૌથી આગલા સ્થાને મૂકી શકાય. રાજસ્થાનમાં ભવ્ય મહેલો, વૈભવી ઠાઠમાઠ, શાહી ચળકાટ તો છે જ, સાથોસાથ એવા ગામો પણ છે જે રાતોરાત સાવ વેરાન થઈ ગયા હોય. આ ગામના નામ છે કુલધારા અને ખાબા. આ બંને ગામો એકબીજાથી 15 કિમીના અંતરે આવેલા છે અને તેઓ કુલ 84 ગામોના સમૂહનો એક ભાગ છે.
જેસલમેરથી સેન્ડ સેમ ડયુંસ જતાં રસ્તે આ ગામો આજે પણ તમને પોતાની કહાની કહેવા અહીં વેરાન ઉભા છે.
આ ગામની વાત
કુલધારામાં ખભે થેલો નાખીને એક ઘરડો માણસ ફરતો જોવા મળે છે જે આ ગામ તેમજ અહીં આસપાસના ક્ષેત્ર વિષે ઘણું જ જ્ઞાન ધરાવે છે. જો તમે આ તરફ જાઓ તો આ માણસને જરુર મળવાનો પ્રયત્ન કરવો.
ઇતિહાસ
ઇતિહાસવિદોના જણાવ્યા પ્રમાણે રાજસ્થાનના પાલી જિલ્લામાંથી અનેક બ્રાહ્મણો જેસલમેર જિલ્લામાં રહેવા આવ્યા હતા. તે લોકોએ શિક્ષણમાં ખૂબ જ યોગદાન આપ્યું હતું.
લોક વાયકા અનુસાર કુલધારા અને ખાબા સહિત 84 ગામોમાં પાલીવાલ બ્રાહ્મણો રહેતા હતા અને આ લોકોએ રાતોરાત હિજરત કરી હતી. તેનું કારણ એ હતું કે કોઈ રાજાને આ ગામની એક છોકરી ગમી ગઈ હતી અને તે માટે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. રાજાએ 3 દિવસમાં જવાબ આપવાનો હુકમ કર્યો હતો. રાજા માંસાહારી ક્ષત્રિય હતા અને ગામના લોકો શાકાહારી બ્રાહ્મણો. રાજાના હુકમનું પાલન ન થાય એટલે તેના ગુસ્સાથી બચવા માટે એક રાતે આ બધા જ ગામોમાં રહેતા બધા જ બ્રાહ્મણો પોતપોતાનાં ઘર છોડીને જતાં રહ્યા હતા.
આ ગામ બહુ જ વ્યવસ્થિત રીતે બનેલું હતું. ગામમાં મોટા ભાગના મકાનો એક જ માળના હતા. કોઈ પણ મકાન પર છાપરું નહોતું. માત્ર મંદિર અને તેની છત્રી જ ગામના લોકોની છત્રછાયા હતી. બધા જ ઘરો પથ્થર વડે બનાવવામાં આવ્યા હતા અને દરેક ઘરમાં આંગણું હતું. પુરાતત્વ વિભાગે આ માહિતીના આધારે અહીં મકાનો ઉભા કર્યા છે. માતાજીના મંદિરને કેન્દ્રમાં રાખીને તેની ચારેય તરફ આ ગામ ફેલાયેલું છે. ગામના લોકોને પાણી મળી રહે તે માટે બહારથી સીડી વાળા કૂવા પણ છે.
કુલધારા અને ખાબામાં અંતર એ છે કે કુલધારામાં એક ચોકી અને કિલ્લો છે. ગામ પાસે આવેલી ટેકરી પર આ કિલ્લો બનાવવામાં આવ્યો છે. તેનો આશય કદાચ આખા ગામની સુરક્ષા માટે નજર રાખવાનો હોય શકે. એ સિવાય તે જમાનાના વાસણો અને વનસ્પતિના અંશો પણ અહીં જોવા મળે છે. અહીં પાણીનો મોટો ગ્લાસ પણ છે જેના પર પેંટિંગ કરવામાં આવ્યા છે.
ખાબ કિલ્લામાં કોઈ સ્થાનિક વ્યક્તિ હાજર હતો તેણે જણાવ્યું કે અહીં દરરોજ સવાર-સાંજ મોર આવે છે. આસપાસ ઘણી મોટી સંખ્યામાં પડેલા મોરપીછ તેમની આ વાતની સાબિતી આપતા હતા. મારી પત્નીને ખુશ થતાં જોઈને તેમણે તેના માટે એક મોરપીછ લાવી આપ્યું.
કુલધારાની વાતો આમ તો ઘણી જાણીતી જ છે પણ રૂબરૂ જઈને આ સ્થળ જોવું એ એક અનેરો અનુભવ છે.
.