તમે ગાડીઓના ડેશબોર્ડ પર દેવી-દેવતાઓના ફોટોઝ જોયા હશે.
કોઈ રેર વ્યૂ મિરર પર દેવીની ચુંદડી બાંધેલી જોઈ હશે.
ઘણા ડ્રાઈવર લાંબા રુટના ડ્રાઇવિંગમાં રસ્તામાં ભજન વગાડતા હોય છે.
આવું એટલે કેમકે ગાડી ચલાવવી એ બહુજ જોખમભર્યું કામ છે અને દર વર્ષે 2 લાખ લોકો રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામે છે.
વર્ષ 1991માં થયેલા એક જીવલેણ અકસ્માતમાં રાજસ્થાનના ઓમ સિંઘ રાઠોડ મૃત્યુ પામ્યા હતા.
જ્યાં ઓમનો એક્સિડન્ટ થયો હતો ત્યાં આજે તેના નામનું મંદિર છે અને ત્યાં તેમની બુલેટ રાખવામાં આવી છે. તે બુલેટ પર દર વર્ષે હજારો લોકો દોરો બાંધીને પૂજા કરે છે અને માનતા માને છે.
આજે તેમની આત્મા લોકોને માર્ગ અકસ્માતમાં બચાવે છે. કેટલાકનું એમ પણ કહેવું છે કે કોઈ વાર રાતના સમયે તેમનો પડછાયો જોવા મળે છે.
ક્યાં છે આ મંદિર?
પાલી-જોધપુર હાઇવે પર આવેલા ચોટીલા ગામમાં સડક-કિનારે એક મોટા વૃક્ષ પાસે પથ્થરનો ચબૂતરો બનાવવામાં આવ્યો છે.
ચબૂતરા પર ઓમ સિંઘનો ફોટો મુકવામાં આવ્યો છે અને બાજુમાં જ તેમની બુલેટ પણ રાખવામાં આવી છે જેને ઓમ સિંઘનું જ સ્વરૂપ માનવામાં આવે છે.
આ મંદિર જોધપુરથી 53 કિમી દૂર છે.
ઓમ સિંઘ રાઠોડ કોણ છે?
ઓમ સિંઘ અહીં પ્રેમથી ઓમ બન્ના તરીકે જાણીતા છે. રાજપૂતોમાં જુવાન છોકરાઓને બન્ના કહેવાય છે. ઓમ બન્ના એ ચોટીલાના ઠાકુર જોગ સિંઘ રાઠોડના પુત્ર હતા. તેમની પાસે 350 સીસીની બુલેટ બાઇક હતી.
કરામાતી મોટરસાઇકલની વાત
ચોટીલા પાસે સડક પાસે ઉભેલા એક મોટા વૃક્ષ સાથે અથડાઇને ઓમ સિંઘનું ઘટના-સ્થળ પર જ મૃત્યુ થયું હતું. તે દિવસે આ અકસ્માત વિષે કાર્યવાહી કરવા આ બુલેટ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. એ રાતે આપોઆપ એ બુલેટ પોલીસ સ્ટેશનથી નીકળીને પેલા વૃક્ષ પાસે ઘટનાસ્થળે પહોંચી ગઈ. બીજા દિવસે પોલીસ સ્ટેશને તેને સાંકળથી બાંધીને રાખવામાં આવી. સાંકળના કારણે બુલેટ ક્યાંય જઈ તો ન શકી પણ એની મેળે સ્ટાર્ટ થઈ ગઈ.
કરામાતી મોટરસાઇકલની વાત આસપાસના ગામમાં આગ માફક ફેલાઈ ગઈ. ઓમ બન્નાના માતાએ જણાવ્યું કે તેમનો દીકરો તેમના સપનામાં આવ્યો હતો અને એટલે તે લોકોએ તે સ્થળે ચબૂતરો બાંધ્યો અને તેમની બુલેટ ત્યાં મુકવામાં આવી.
ઓમ બન્નાની આત્મા
લોકો એવું કહે છે કે આ જગ્યાની આસપાસ તેમની આત્માનો પડછાયો જોવા મળે છે. તે સિવાય ગામના લોકોનું કહેવું છે કે આ રસ્તાએ ઘણા લોકોને ઓમ બન્નાએ ઘણાને મદદ કરી છે, કેટલાયને બચાવ્યા છે.
બન્નાના મૃત્યુ પહેલા ચોટીલાના રસ્તે ખૂબ વધુ સંખ્યામાં અકસ્માત થતાં હતા, પણ આ મંદિર બન્યા પછી તેનું પ્રમાણ નહિવત થઈ ગયું છે.
મંદિરની માન્યતા
મંદિરના આસપાસના ગામના લોકોને ઓમ બન્નામાં બહુ જ શ્રધ્ધા છે. તે સિવાય પણ પ્રવાસ પ્રેમી લોકો અહીં આવીને બુલેટને દોરો બાંધીને માનતા માને છે. લોકોએ માનેલી માનતા પૂરી થાય છે તેવું માનવામાં આવે છે.
આસપાસમાં થાણામાં જ્યારે ભરતી થાય ત્યારે તે પોલીસવાળા અહીં દર્શન કરવા જરુર આવે છે.
આ રસ્તેથી પસાર થતાં લોકો અહીં જરુર દર્શન કરે છે.
અહીં પૂજા કરવા માટે તેમના પરિવારજનો ઉપરાંત એક પૂજારી પણ છે.
જોધપુર ફરવા જાઓ તો આ મંદિરની જરુર મુલાકાત લેશો.
.