દેશના પૂર્વોત્તર રાજ્યો, કે જેને સેવન સિસ્ટર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, વિષે મેં ખૂબ સાંભળ્યું છે. પ્રવાસની બાબતમાં આ જગ્યા ભારતમાં સૌથી વધુ કુદરતી સૌંદર્ય ધરાવતી જગ્યાઓમાંની એક છે. અહીં હિમાલયના બર્ફીલા પહાડો પણ છે અને હરિયાળા મેદાનો પણ. અહીં કાઝીરંગામાં દલદલમાં વિહાર કરતાં રાઈનો પણ છે અને સાફ-ચોખ્ખું પાણી ધરાવતી નદીઓ પણ.
મનોરમ્ય દ્રશ્યો અને રસપ્રદ સંસ્કૃતિનો અહીં અનેરો સંગમ જોવા મળે છે. તમે જે નામ લો એ કુદરતી કરિશ્મા પૂર્વોત્તર ભારતમાં જોવા મળશે. જ્યારે હું આટલી અદભૂત જગ્યાએ ફરવા જવાનું નક્કી કરું તો એ ટ્રીપ કઈક અનેરી, યાદગાર જ હોવાની.
ક્યારે જવું?
ઓકટોબરથી એપ્રિલ.
ફેબ્રુઆરીમાં જંગલોમાં ઊંચા ઘાસ ઊગી જાય છે તો પ્રાણીઓ નથી જોઈ શકાતા એ વાત ધ્યાનમાં રાખવી.
કેવી રીતે પહોંચવું?
પૂર્વોત્તરમાં આવેલા સાતેય રાજ્યો માટે ગુવાહાટી પ્રવેશ દ્વાર ગણાય છે જે આખા દેશ સાથે જમીન, રેલવે તેમજ હવાઈ માર્ગે જોડાયેલું છે. તે સિવાય પ્રાઇવેટ ટેક્સી કે સરકારી વાહનોનો પણ પરિવહન માટે ઉપયોગ કરી શકો છો. તે પણ પ્રમાણમાં સસ્તું અને ઘણું જ સુરક્ષિત છે.
28 ઓક્ટોબરે વહેલી સવારે અમે ચંડીગઢથી ગુવાહાટી ફ્લાઇટમાં પહોંચ્યા. ત્યાંથી શિલોંગ જવા અમે ટેક્સી કરી હતી. અમે શિલોંગ પહોંચ્યા ત્યાં સુધીમાં અંધારું થઈ ગયું હતું પણ એરફોર્સ સ્ટેશનમાં પહેલેથી જ અમારું બૂકિંગ હતું. સાચું કહું તો આવી અદભૂત અને સાફ જગ્યા હું પહેલી વાર જોઈ રહ્યો હતો.
દિવસ 1
ચેરાપુંજી
પહેલા દિવસે અમે ચેરાપુંજીના પ્રવાસે નીકળી પડ્યા. આ દોઢ કલાકનો રસ્તો ખૂબ જ રમણીય છે. ત્યાં અમારો પહેલો મુકામ હતો:
આ જગ્યા સોહરા એટલે કે ચેરાપુંજીના પ્રવાસની શરૂઆત છે. અહીં 50-100 પગથિયાં નીચે ઉતરીને વન વિભાગ દ્વારા એક વ્યૂ પોઈન્ટ બનાવવામાં આવ્યો છે જ્યાંથી આખી ઘાટી જોઈ શકાય છે. સહેલાણીઓ અહીંનું સૌંદર્ય નિહાળીને ફોટોઝ પાડતાં થાકતા જ નથી. આ ઘાટી ચેરાપુંજી નગર સુધી ફેલાયેલી છે.
અહીં વહેલી સવારે વાદળના અડચણ વિના આખી ઘાટી બહુ જ સુંદર રીતે માણી શકાય છે. જેમ જેમ દિવસ ચડતો જાય તેમ આખી ઘાટી વાદળો નીચે દબાઈ જાય છે.
સોહરાથી 10-15 કિમી દૂર વાહ કાબા નામનું એક સુંદર ઝરણું છે. ત્યાં પણ વ્યૂ પોઈન્ટ બનાવવામાં આવ્યો છે અને અહીં પણ ખૂબ સુંદર નજારો જોવા મળે છે.
દિવસ 2
શિલોંગની સ્થાનિક જગ્યાઓની મુલાકાત
આ દિવસે વરસાદ આવતો હતો અને વરસાદમાં પહાડી વિસ્તારનો પ્રવાસ કરવો હિતાવહ નથી. એટલે બીજા દિવસે અમે શિલોંગમાં જ રોકાઈને ત્યાંની સ્થાનિક જગ્યાઓ જોવાનું નક્કી કર્યું. શિલોંગ નાનું જરુર છે પણ ગજબનો સુંદર કસબો છે. આ દિવસની શરૂઆત અમે એરફોર્સ સ્ટેશનમાં આવેલી એક ટેકરી પર જઈને કરી જ્યાંથી આખું શિલોંગ જોવા મળે છે. શિલોંગ શહેરમાં આવેલું વાર્ડ સરોવર પણ એક ખાસ જોવા જેવી જગ્યા છે.
આ એક પ્રમાણમાં ટૂંકો દિવસ હોવાથી અમે અહીંની સ્થાનિક પોલીસ બજારમાં લટાર મારી અને અહીંના પરંપરાગત ભોજન પર હાથ અજમાવ્યો.
શિલોંગથી પાછા ફરતી વખતે અમે એલિફન્ટ ફોલ્સ જોયો. ત્રણ સ્તરથી બનેલા આ ધોધને થ્રી સ્ટેપ વોટરફોલ પણ કહેવાય છે. આ આખો વિસ્તાર ફરતા આશરે 40-50 મિનિટ જેટલો સમય લાગે છે.
દિવસ 3
દૌકી અને માવલિનોંગ
આ બંને જગ્યાઓ પાસે અમને ખાસ કોઈ અપેક્ષા નહોતી. પણ આ સ્થળ અમારા આખા પ્રવાસમાં એક સૌથી યાદગાર સ્થળ બની રહ્યું. જેતીયા પહાડોની એક બાજુ બાંગ્લાદેશ, અને બીજી બાજુ કાચ જેવી સાફ ઉમંગોટ નદી જેના કિનારે આવેલા કસબાનું નામ છે દૌકી. ઉમંગોટ નદીની સફર અવર્ણનીય છે કારણકે આવી ચોખ્ખી નદી તમે આ પહેલા ક્યારેય નહિ જોઈ હોય.
લેટલમ ઘાટીમાંથી પસાર થઈને ઉમંગોટ નદી પહોંચવા સુધીનો રસ્તો ખૂબ જ નિરાળો છે.અહીં બાંગ્લાદેશની બોર્ડર સ્પષ્ટપણે જોઈ શકાય છે. લેટલમ ઘાટીનો નજારો માણવા અહીં એક વ્યૂ પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે. બોર્ડર પાસેથી પસાર થતાં કોઈ પણ ભારતીયમાં દેશપ્રેમની લાગણી જન્મે છે. અહીં તમે બોર્ડર પાર કર્યા વિના જ બાંગ્લાદેશીઓ દ્વારા બનાવવામાં આવેલી ચાની મજા માણી શકો છો.
દૌકીએ તો અમને ગજબના આશ્ચર્યમાં મૂકી દીધા. પણ હજુ આવો જ એક અજુબો અમારે જોવાનો હતો: એશિયાનું સૌથી સાફ ગામ માવલિનોંગ. દરેક વ્યક્તિએ જીવનમાં એક વાર આ ગામની અચૂક મુલાકાત લેવી જોઈએ.
માવલિનોંગની આસપાસના વિસ્તારોમાં ફરતા ફરતા અમે વૃક્ષોની શાખાઓથી કુદરતી રીતે બનેલા જીવતા પૂલ પાસે પહોંચ્યા. ખરેખર આને કુદરતની અજાયબી જ કહી શકાય. અહીં નજીકમાં મોસસ્માઈની ગુફાઓ પણ આવેલી છે. જેઓને અંધારાથી ડર લાગતો હોય તેમણે આ ગુફામાં ન જવું જોઈએ. અમે ગયા ત્યારે પુષ્કળ વાદળોને લીધે અમે અંદર ન જઈ શક્યા.
દિવસ 4
શિલોંગથી કાઝીરંગા સુધી
વહેલી સવારે અમે શિલોંગથી કાઝીરંગા જવા નીકળ્યા જે 8 કલાકનો રસ્તો છે. રસ્તો ખૂબ સારો છે અને તમે પ્રવાસનો સંપૂર્ણ આનંદ માણી શકો છો.
અમારા ઉતારાની વ્યવસ્થા અરણ્યાં ટુરિસ્ટ લોજમાં હતી જે આસામ પર્યટન હોટેલનો એક ભાગ છે. કાઝીરંગાની આ બેસ્ટ હોટેલ છે તેમ કહી શકાય. સસ્તી, છતાં સુંદર. અહીં કોટેજની પણ વ્યવસ્થા છે. જંગલની વચ્ચે આવેલી આ હોટેલમાં ઘણું સ્વાદિષ્ટ ભોજન મળે છે. અહીંનો સ્ટાફ પણ પ્રવાસીઓની ભરપૂર મદદ કરે છે. આગલા દિવસે અમે ઉદ્યાનનો પશ્ચિમ ભાગ જોવા માટે એલિફન્ટ સવારી બૂક કરી હતી. પાછા ફરતી વખતે રસ્તામાં ઉમિયમ નામનું એક ખૂબ સુંદર સરોવર જોવા મળ્યું.
દિવસ 5
અમે આગળ દિવસે જ એલિફન્ટ સફારી બૂક કરાવી રાખી હતી જેનો સમય સવારે 5.30 વાગ્યાનો હતો. આ માટે સવારે 5 વાગે અમે બગોરી પહોંચી ગયા. અરણ્યાં હોટેલમાં ઉતરતા લોકો ઝડપથી આ જગ્યાએ પહોંચી શકે છે. આ સફારીમાં જોયેલા અને માણેલા દ્રશ્યોની સુંદરતા હંમેશા અમારા મનમાં કાયમ રહેશે. લુપ્તપ્રાય પ્રાણીઓને જોવાની તક મળી અને એ વાતની અનુભૂતિ થઈ કે મનુષ્ય જેવું નાનું પ્રાણી કેટલું ક્રૂર છે અને આ મહાકાય વન્ય પ્રાણીઓ કેટલા શાંત છે.
અમે ગયા ત્યારે થોડા મહિના પહેલા આવેલા પૂરને કારણે હજુ આખું ઉદ્યાન ખૂલ્યું નહોતું. છતાંય તેની નૈસર્ગિક સુંદરતા બહુ દેખીતી રીતે જોઈ શકાતી હતી. અમે સાંજનો સમય વિતાવવા મધ્ય હિસ્સામાં ગયા અને અદભૂત સનસેટ માણ્યો. ઉદ્યાનનો જેટલો પણ હિસ્સો જોયો, કાયમની સ્મૃતિમાં રહી જવા માટે પૂરતો હતો.
આ જંગલમાં અમારો એક દિવસ એટલો બધો સારો વિત્યો હતો કે આ દિવસ હું જીવનમાં ક્યારેય નહિ ભૂલું. કાઝીરંગા ભારતનું સૌથી સુંદર રાષ્ટ્રીય ઉદ્યાન છે, એક વાર તેની મુલાકાત લેવી જ જોઈએ.
દિવસ 6
કાઝીરંગાથી 4 કલાકની ડ્રાઈવ બાદ અમે ગુવાહાટી પાછા ફર્યા. રસ્તા ખૂબ સારા છે એટલે થાક નહોતો લાગ્યો. અમે બાલાજી મંદિર તેમજ વિખ્યાત કામાખ્યા મંદિરના દર્શન કર્યા. પૂર્વોત્તર ભારતની યાત્રા ત્યાં સુધી અધૂરી છે જ્યાં સુધી તમે કામાખ્યા માતાના દર્શન ન કરો.
દિવસ 7
પ્રવાસના છેલ્લા દિવસે અમે ગુવાહાટીના સ્થાનિક પર્યટન સ્થળોની મુલાકાત લીધી. આજના દિવસનો સૌથી રસપ્રદ ભાગ એ ઉમાતુમુની દ્વીપ એટલે કે મોર દ્વીપની મુલાકાત હતો. આ દ્વીપ એ નદી વચ્ચે સર્જાયેલો એક ટાપુ છે જ્યાં લોકો રહે છે. બ્રહ્મપુત્રા નદી વચ્ચે આવેલો આ મોર દ્વીપમાં એક ટેકરીના શિખરે 17 મી સદીમાં બંધાયેલું એક શિવ મંદિર પણ છે. અહીં પહોંચવા માટે સરકારી બોટ ઉપલબ્ધ છે જેનું ભાડું 20 રૂ પ્રતિ વ્યક્તિ છે. પ્રાઇવેટ બોટ પણ છે પણ તે સરકારી જેટલી સુરક્ષિત નથી.
આ ટાપુ પર નાશપ્રાય જાતિ એવા સોનેરી લંગૂર પણ જોવા મળે છે. અહીં 4 લંગૂર રહે છે. તમે કોઈ ચાવાળાને મનાવી લો, એ આ લંગૂરને બોલાવી આપશે. લંગૂર માણસો સાથે તાલમેલ મેળવીને જીવતા શીખી ગયા છે એટલે આ વેપારીઓનો અવાજ સાંભળીને તે ખાવાનું ખાવા આવી જાય છે. આ વાંદરાઓ ફોટોઝ પડાવવાના બહુ શોખીન છે. આ ખરેખર એક અનોખો અનુભવ છે.
ઉમાતુમુની ટાપુ પછી અમે શહેરમાં આવેલા અન્ય કેટલાક મંદિરની મુલાકાત પણ લીધી. હું એમ કહી શકું કે આ પ્રવાસમાં જેમ કુદરતી જગ્યાઓ જોવાની મજા આવી, એટલી જ ધાર્મિક જગ્યાઓ જોવાની પણ મજા આવી.
છેલ્લો દિવસ
આખરે આ ખૂબસુરત ભૂમિને આવજો કહેવાનો સમય આવી ગયો હતો. અમે અમારા મિત્રો અને સબંધીઓને આ અવિસ્મરણીય ટ્રીપ વિષે જણાવવા આતુર હતા.
રોકાણ માટે
ભારતના પૂર્વોત્તર વિસ્તારમાં સારું રહેવા અને જમવાની સગવડ મળી રહે તેવા અનેક ગેસ્ટહાઉસ તેમજ હોટેલ્સ ઉપલબ્ધ છે. અહીં તમામ પ્રકારના બજેટની હોટેલ્સ આવેલી છે જેનું તમે ઓનલાઈન બૂકિંગ પણ કરાવી શકો છો. કાઝીરંગામાં અરણ્યાં લકઝરી રિસોર્ટ એક રહેવા જેવી જગ્યા છે.
શું લઈ જવું?
જેકેટ, છત્રી, દૂરબીન, બુટમોજા અને અનેક જોડી કપડાં.
શિલોંગ, ચેરાપુંજી, માવલિનોંગ તેમજ કાઝીરંગા માટે હળવા ગરમ કપડાં.
ગુવાહાટીમાં મોસમ અનુસાર ટીશર્ટ વગેરે..
ધ્યાનમાં રાખવાની બાબતો:
પૂર્વ ભારતમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત ઘણો જલ્દી થાય છે એટલે પ્રવાસની શરૂઆત વહેલી સવારે જ કરવી.
મેઘાલયમાં મોટાભાગની જગ્યાઓ બપોરે 2 વાગ્યા પછી ધુમ્મસ અને વાદળો વચ્ચે છુપાઈ જાય છે. આથી વહેલા ટૂર પતાવીને હોટેલ પાછા ફરવા પ્રયત્ન કરવો.
અમારા આ પ્રવાસનો ખર્ચો આશરે 12,000 રૂ પ્રતિ વ્યક્તિ છે જેમાં ફ્લાઇટ્સ સામેલ નથી.
.