ઉત્તરાખંડ એક વિશેષ રાજ્ય છે. સુંદર રસ્તાઓ બનાવવામાં આવ્યા છે અને રાજ્યના નાના-મોટા કસબાઓમાં રેલવે ટ્રેક પણ છે અને હવાઈમથક પણ. આટલી અદભૂત વ્યવસ્થાને કારણે અહીંના કેટલાય પર્યટન સ્થળો પર દર વર્ષે લાખો લોકો ફરવા આવે છે. નૈનીતાલ, મસૂરી, ઋષિકેશ, કસૌની જેવા નામ સૌએ સાંભળ્યા જ હશે.
ગયા વર્ષે હું ફોટોગ્રાફી માટે કોઈ નવી જગ્યા શોધી રહ્યો હતો એવામાં મને દિલ્હીથી 300 કિમી દૂર ઉત્તરાખંડના પહાડોમાં આવેલા મુન્સિયારી વિષે જાણવા મળ્યું. ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લામાં 7200 ફીટથી ઘણા ટ્રેકનું આયોજન થાય છે.
દિલ્હીથી હલ્દવાની સુધી ઘણી બસ તેમજ ટ્રેન ઉપલબ્ધ છે. પિથૌરાગઢ સુધી ડાયરેક્ટ પણ બસ જાય છે. ત્યાંથી 250 રૂ ટિકિટમાં મુન્સિયારી પહોંચી શકાય છે.
મુન્સિયારી સુધી પહોંચવાનો રસ્તો ખૂબ જ રમણીય છે. પંચાચૂલી પર્વતમાળા બહુ જ અદભૂત દેખાય છે. મીડિયાનો અભ્યાસ કર્યો હોવાથી આ બધી સુંદર જગ્યાઓને કેમેરામાં કંડારવી ખૂબ પસંદ છે.
1947માં આઝાદીથી લઈને 1992માં દેશને આર્થિક સ્વતંત્રતા મળી ત્યાં સુધીની મુન્સિયારીની ઇતિહાસ વિષે વિગતે માહિતી અહીંના રિટાયર્ડ પ્રોફેસર શેર સિંઘ પંગતે પાસેથી જ મળી શકે. તેમણે શહેરથી 2 કિમી દૂર ‘ટ્રાઈબલ હેરિટેજ મ્યુઝિયમ’ની સ્થાપના કરી હતી. પ્રોફેસર સાહેબને મળવા હું આ મ્યુઝિયમ ગયો અને તેમની સાથે મેં ભરપૂર વાતો કરી.
પ્રાચીન સમયનું મુન્સિયારી
દિવસ 1
ટ્રાઈબલ હેરિટેજ મ્યુઝિયમ
આ મ્યુઝિયમની વાત બહુ જ દિલચસ્પ છે. ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું આગમન થયું તે પહેલાના સમયથી જ મીઠું, ગોળ, કપાસ, ઉન, એલ્યુમિનિયમ જેવી વસ્તુઓનો નેપાળ અને તિબેટમાં વેપાર કરવા માટે મુન્સિયારીનો રસ્તો ઉપયોગમાં લેવાતો હતો. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મુન્સિયારી માટે બે અગત્યના કામ કર્યા:
અહીંના બાળકોને શિક્ષિત કર્યા.
નેપાળ અને તિબેટ જવા માટે મુન્સિયારીમાં પાક્કો રસ્તો બનાવ્યો.
પણ 1962 માં ચીન સાથે યુધ્ધ વખતે ચીને આ રસ્તો બંધ કરાવી દીધો હતો. આને લીધે અહીંના લોકોનો વેપાર ભાંગી પડ્યો. સરકારે અહીંના લોકોને આમાંથી ઉગારવા માટે તેમને આરક્ષણ આપ્યું. લોકો નોકરી મળવાથી મુન્સિયારી છોડીને બહાર વસવા લાગ્યા. પ્રોફેસરે લોકોનું આ પલાયન ધ્યાનમાં લીધું અને સ્થાનિકો મુન્સિયારીમાં વસવાટ કરે તે માટે અને નગરની કલા- સંસ્કૃતિ બચાવવા માટે આ મ્યુઝિયમની સ્થાપના કરી.
પ્રોફેસરના જણાવ્યા અનુસાર કોઈ પણ સરકારી મદદ વગર મુન્સિયારી નગરમાં તેમજ તેની આસપાસમાં અનેક સુંદર પર્યટન સ્થળોનો વિકાસ થયો છે. દર વર્ષે અનેક સહેલાણીઓ મુન્સિયારીની મુલાકાતે આવે છે..
દિવસ 2
નંદા દેવી મંદિર
મુન્સિયારીથી 2 કિમીનો ટ્રેક કરીને નંદા દેવી મંદિર જવાય છે. આ સ્થળે દર્શન કરવા માટે માત્ર ઉત્તરાખંડમાંથી જ નહિ, દેશભારમાંથી લોકો દર્શન કરવા આવે છે. આ સ્થળ માત્ર એક મંદિર જ નહિ, એક સુંદર પિકનિક પોઈન્ટ પણ છે.
પહાડ ચડીને જ્યારે હું મંદિર પહોંચ્યો ત્યારે મને સમજાયું કે લોકો કેમ અહીં પિકનિક મનાવવા આવે છે.. હર્યા-ભર્યા જંગલો અને મોટા બર્ફીલા પહાડો તમને પુષ્કળ ફોટોગ્રાફ્સ લેવા મજબૂર કરી દેશે. ભારતીય સેનાના રિટાયર્ડ કર્મચારી શ્રી દેવ સિંહ પાપરા અહીં પૂજારી તરીકે સેવા આપે છે. મેં તેમની સાથે ઘણી વાતો કરી તેમાં આ જગ્યા વિષે ઘણું જાણવા મળ્યું. આ મંદિરને બનાવવામાં અને તેની જાળવણી રાખવામાં અનેક લોકોનું યોગદાન છે.
સન 1857 માં અહીંના જ કોઈ પૂજારીએ પોતાના ખર્ચે આ મંદિર બંધાવ્યું હતું. પછી ઇન્ડો-તિબેટ બોર્ડર પર પેટ્રોલિંગ કરતાં જવાન શ્રી બચ્ચી રામજી એ તેનું કામ પૂરું કરાવ્યું હતું. ધીમે ધીમે લોકો અહીં મંદિરના દર્શનાર્થે ઓછા અને પિકનિક મનાવવા માટે વધુ આવવા લાગ્યા. સમય જતાં આ મંદિર હવે એવું નથી રહ્યું જેવું બચ્ચી રામજીએ બનાવ્યું હતું. પછી વર્તમાન પૂજારીએ બીડું ઝડપ્યું અને અહીં નિયમિત રૂપે પૂજા-આરતી થવા લાગ્યું. હવે ફરીથી આ સ્થળનું ધાર્મિક મહત્વ પણ છે.
દિવસ 3
થમરી કુંડ
સફેદ રૂ જેવા વાદળો વચ્ચે કાચ જેવું સાફ સરોવર અને ઉપર નજર કરો ત્યાં પંચાચૂલીના નયનરમ્ય પહાડો દેખાય છે.
આ કુંડનુ નામ કોઈ દેવીના નામ પરથી રાખવામાં આવ્યું છે. કહેવાય છે કે અહીં કચરો ફેલાવવાથી મુન્સિયારીમાં અતિશય વરસાદ પડે છે. સ્થાનિકોનું એવું પણ માનવું છે કે અહીં જો તમને કોઈ હંસોની જોડી દેખાય તો તે ખૂબ શુકનિયાળ ગણાય છે.
દિવસ 4
મુન્સિયારીથી 18 કિમી દૂર બલતી બંદથી ટ્રેક કરીને પાંચ કલાકમાં ખલિયાન પહોંચી શકાય છે. સમુદ્રતટથી હજારો ફીટની ઊંચાઈ પર આવેલા ખલિયાન પહોંચીને તમે નીચે નજર કરશો તો ચીડ અને દેવદારના વૃક્ષોનું જંગલ જોવા મળશે અને ઉપર હિમાચ્છાદિત પર્વત..
દિવસ 5
બિર્થી વોટરફોલ
મુખ્ય શહેરથી 22 કિમી દૂર મુન્સિયારીથી પિથૌરાગઢ વચ્ચે 400 ફીટ ઉપર આ અદભૂત ઝરણું આવેલું છે.. આગળ જતાં આ ઝરણું ગૌર-ગંગા નદીમાં ભળી જાય છે. આ ઝરણાની નજીક પહોંચતાની સાથે જ માટીની ભીની-ભીની સુગંધ આવે છે. અને અહીં પહોંચી ગયા પછીના દ્રશ્યો પણ અવર્ણનીય રીતે સુંદર છે.
પંચચૂલી
બર્થી ફોલ્સથી પાછા ફરતી વખતે સાંજે સૂર્યાસ્ત સમયે લાલાશપડતા આકાશમાં પહાડોનો નજારો ખૂબ સુંદર દેખાય છે.
થોડા ફોટોઝ પાડીને હું હોટેલ પાછો ફર્યો.
સાંજ થતાં જ આખું આકાશ તારાઓથી ઝગમગી ઉઠે છે. ઘણા એસ્ટ્રો-ફોટોગ્રાફર્સ અહીં તારાઓની તસવીર લેવા આવે છે. તમે પણ લો! ખલિયાનથી લીલમ, રીલમ, નંદા દેવી જેવા અનેક ટ્રેકની શરૂઆત થાય છે.
જેટલો સુંદર આ પર્વતોનો નજારો છે, એટલી જ સુંદર તેની પૌરાણિક ગાથા પણ છે. પંચચૂલી શબ્દનો અર્થ પાંચ વાસણો એવો થાય છે. કહેવાય છે કે સ્વર્ગમાં જતાં પહેલા છેલ્લી વાર પાંડવોએ આ પહાડોમાં ભોજન બનાવ્યું હતું.
મુન્સિયારીના લોકો કોઈ બીજી વાત પણ જણાવે છે. તેઓનું કહેવું છે કે આ પાંચ પહાડો એ પાંચ પાંડવો જ છે અને દ્રૌપદી બરફ સ્વરૂપે તેમને વીંટળાઇ ગઈ છે. કોઈ એવું પણ કહે છે કે દ્વાપર યુગ હજુયે ચાલી જ રહ્યો છે. જ્યારે તે પૂરો થશે ત્યારે પાંડવો ફરીથી પહાડોમાંથી મનુષ્ય સ્વરૂપમાં આવી જશે.
.