











ચેન્નઈ થી 55 કિમી દુર મહાબલીપુરમ આવેલુ છે જેને મમલ્લપુરમ પણ કહેવામા આવે છે. અહીંની ચટ્ટાનો પર કરવામાં આવેલી કોતરણી, મુર્તીઓ અને પ્રાચીન મંદિરો ના કારણે યુનેસ્કો એ તેને વિશ્વ ધરોહર ઘોષિત કર્યુ છે.
કેવી રીતે પહોંચવું.?
ચેન્નઈમાં જુદા જુદા સ્ટેન્ડ જેવા કે સીએમબીટી, ટી.નગર, તાંબરમ વગેરે જગ્યાઓ પરથી નિયમિત બસો ઉપલબ્ધ છે અને લોકલ ટ્રેન પણ ચાલે છે.
અમે શું જોયું?
શોર મંદિર
1400 વર્ષોથી દરિયાકિનારે ઉભેલું આ સૌથી જુનુ સ્મારક શોર મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરની દિવાલો પર હિન્દુ દેવી દેવતાઓ જેવા કે શિવ, વિષ્ણુ, નંદિ, દુર્ગા વગેરેની મુર્તીઓ બનાવવામાં આવેલી છે. સમયની સાથે મંદિરનો એક ભાગ દરિયાની અંદર ડુબી ગયો છે.
અર્જુન પેનેન્સ
મહાભારતનું યુદ્ધ પુરુ થયા પછી, મહાન યોદ્ધા અર્જુન દ્વારા ગંગાના વંશજોની વાર્તા કહેવામાં આવી હતી જેને અહીંના પત્થરો પર કોતરણી દ્વારા દર્શાવવામાં આવી છે. હા, સાધુઓ, શ્રધ્ધાળુઓ, હાથી, હરણ, જલપરી, વાંદરા, સિંહ, કોબરા, બતક અને રાજાઓની મુર્તી જોઈને આ બધાનો અર્થ સમજવો થોડો અઘરો છે; પરંતુ દિવાલો પર બનાવેલી આ અજાયબ ઘર જોઈને મજા ખુબ પડી હોં.
વ્રિહ મંડપ
આ મંદિર, ખડકોને કાપીને બનાવવામાં આવેલું ગુફા વાળું મંદિર છે. અહીંના મોટાભાગના મંદિરો નાની મોટી ગુફાઓના ગ્રેનાઈટને કોતરીને બનાવવામાં આવ્યા છે. બાકીના મંદિરો પત્થરોને કાપીને બનાવવામાં આવેલા સ્તંભો, વિશાળકાય છતો અને સુકા પત્થરોને જ જોડીને બનાવેલી દિવાલના છે. એક સામાન્ય માણસ કોતરણી ની આ જાળમાં ત્યાની સીડીઓની આસપાસ જ કલાકો કાઢી શકે છે. આ સંપુર્ણ વિસ્તાર કોઈપણ જાતની મનાઈ વગર જનતા માટે ખુલ્લો મુકવામા આવેલો છે. ગાયની મુર્તી પર હજારો લોકોએ હાથ લગાવેલો છે અને વળી કેટલાકે તો વાછરડાં પર બેસીને પણ ફોટા પડાવ્યા છે.
કૃષ્ણા બટર બોલ
આ ભૌતિક વિજ્ઞાન ના બધા જ નિયમોનું કચુંબર બનાવતો એક મોટો પત્થર છે જે પહાડીના ઢોળાવ પર કોઈપણ જાતના આધાર વગર ઊભો છે.
પાંચ રથ
આ રથ, ફરીથી ગ્રેનાઈટના ખડકોને કાપીને બનાવવામાં આવેલી કલાકારીનું ઉદાહરણ છે. જો કે, આ કલાકૃતિઓ અપૂર્ણ છે. આમ જોવા જાવ તો હું કલાકારની મહત્વાકાંક્ષા, અંદાજ, અનુભવ અને એન્જિનિયરિંગથી ચકિત થઈ ગયો. એન્જિનિયરિંગના દાખલા જોઈએ તો દ્રૌપદી રથની છતની ગોળાકાર, મહિષાસુર મર્દિનીનો ત્રિ-પરિમાણીય દેખાવ અને હાથીની જીવંત પ્રતિમા. અહીં હાથીઓ અને સિંહોની કલાકૃતિઓ પણ છે.
મસ્ત દરિયાકીનારો અને નાની ગલીઓ
શોર મંદિરની બંને બાજુ દરિયાકિનારા આવેલા છે અને રસ્તાઓ પર ખાસ ભીડ પણ નથી હોતી. ઠંડા પવન સાથે સવારનો ઉગતો સુરજ ખૂબ જ મોહક લાગે છે. તમે સવારે સૂર્યોદય જોવા બીચ પર જઇ શકો છો અને કિનારે આરામથી થોડો સમય પસાર કરી શકો છો, લોકલ માછીમારો સાથે બોટની સવારી લઈ શકો છો, માછીમારી કરી શકો છો, નજીકમાં નાની ટેકરીઓ પર ચડી શકો છો અને કાચબાઓ પણ જોઈ શકો છો. તમે કસ્બા અને બીચ પર સ્થાનિક લોકો દ્વારા વેચવામાં આવતા ભોજનની પણ મજા લઇ શકો છો. શેરીઓમાં ચાલતા જતા તમે ખડકો પર કરેલા ખોદકામ અને હસ્તકલા જોઈ શકો છો. આજકાલ અહીં ધાતુ પર કરવામાં આવેલી કારીગરીના નમૂનાઓ પણ જોવા મળે છે. ગલીઓમાં નાળિયેર પાણી અને સ્થાનિક પીણા ચાખી શકો છો.
લાઈટ હાઉસ
આ લાઈટ હાઉસ સો વર્ષ જુનુ છે અને તો પણ હજુ કામ આપે છે. લોકો અહીં ટિકીટ ખરિદીને ઉપર જાય છે અને ત્યાંથી તંબુઓના રંગબેરંગી નજારાઓ જુવે છે.
મુલાકાતનો સૌથી સારો સમય
ડિસેમ્બર થી જાન્યુઆરી. એટલે કે ન્યુ યર. આ સમયે શહેરમાં ઓછી ભીડ હોય છે, તેથી તમે બીચ પર નરમ રેતી અને કુણા તડકાનો આનંદ લઇને શાંતીથી તમારુ ન્યુ યર ઉજવી શકો છો. મહાબલિપુરમ નૃત્ય મહોત્સવ હજી પણ ઉજવવામાં આવે છે જે ચાર અઠવાડિયા સુધી ચાલે છે. દરેક સાંજે અર્જુન પેનેન્સ ની સામે વિવિધ નૃત્ય શૈલીઓ રજૂ કરવામાં આવે છે. આ નૃત્ય જોયા પછી તમે મંત્રમુગ્ધ થઈ જાશો. અને હા, સસ્તા દરે કોટેજ પણ ઉપલબ્ધ છે.