કહેવાય છે કે જો તમે તમારા લાઈફ પાર્ટનરને સમજવા ઇચ્છતા હોવ તો તેની સાથે ટ્રાવેલ કરો. કારણકે ટ્રાવેલિંગ દરમિયાન વ્યક્તિ સંપૂર્ણપણે નેચરલ વર્તન કરે છે. ફરવું એ એક એવો આનંદ છે જેમાં વ્યક્તિ પોતાના મૂળ સ્વભાવ અનુસાર જ આનંદ માણે છે.
હું આ વાત સાથે બિલકુલ સહમત છું. કારણકે મારા લાઈફ પાર્ટનરના અમુક લક્ષણો મને ટ્રાવેલિંગ થકી જ જાણવા મળ્યા છે.
1. સમયસૂચકતા/ punctuality
અમારું સગપણ નક્કી થવાનું હતું તે સમયે અમે બંને અમદાવાદની એક સંસ્થામાંથી જેસલમેર ડેઝર્ટ ટ્રેકિંગમાં ગયા હતા. આ કોઈ આરામદાયક ટૂર નહોતી એટલે આખા ગ્રુપના બધા જ સભ્યોએ સવારે 6.30 વાગે ફરજિયાત ઉઠી જ જવાનું હતું. છોકરાઓ અને છોકરીઓનાં ઉતારા જુદા જુદા હતા, રણમાં કેમ્પ હોવાથી મોબાઈલ નેટવર્ક પણ નહોતું એટલે એણે મારા ફોનમાં 3 એલાર્મ મૂક્યા. અને તેમ છતાં, 6.25 વાગે સાદ તો પાડ્યો જ!
આવા તો ઘણા પ્રસંગ બન્યા જેમાં મને ખબર પડી કે આ બહુ જ punctual માણસ છે.
અંદામાનના પ્રવાસમાં ત્રીજા દિવસે અમારા ટૂર ઓપરેટરે તેના ડ્રાઈવરને સૂચના આપતા કહેલું, “જલ્દી હોટેલ પહોંચ જાના, સર ઔર મેડમ ટાઈમ કે એકદમ પકકે હૈ.” વારાણસીમાં સાંજે 6.30 વાગે શરુ થતી ગંગા આરતી જોવા અમે 5.00 વાગે દશસ્વમેઘ ઘાટ પહોંચી ગયા હતા. જોકે એ દિવસે શિવરાત્રી હોવાથી સારું જ થયું કે આટલા વહેલા પહોંચ્યા. નહિતો કદાચ દૂરથી પણ ગંગા આરતી જોવાનો વારો ન આવત.
બીજાને મદદરૂપ થવાનો સ્વભાવ
લગ્ન પહેલા અમે બે ગ્રુપ ટ્રેકિંગ પર ગયા છીએ તેમાં ટેન્ટ બાંધવામાં અને છૂટો પાડવામાં મારા પાર્ટનરે કેટલાય લોકોને મદદ કરી હતી. રાજસ્થાનના રણમાં તડકામાં કે જાંબુઘોડાના જંગલોમાં વરસાદમાં અમારી પોતાની પાસે સાવ ઓછી સગવડ હોય તો પણ સહેજ પણ સંકોચ વિના પાણી કે છત્રી શેર કરવું એ ઘણી હ્રદયસ્પર્શી બાબત હતી.
કોવિડ-19 લોકડાઉનને કારણે પ્રવાસન ઉદ્યોગ પર નભતા લોકોને ખૂબ આર્થિક માર પડ્યો હતો. એટલે લોકડાઉન પછી અમે જ્યાં પણ ફરવા ગયા ત્યાં કોઈ પણ નાના માણસ સાથે ભાવતાલ નહિ કરવાનો તેવી મને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. બધા જાણે છે તેમ મોટા ભાગના ફેરિયાઓ ટુરિસ્ટ પાસેથી વધુ નાણાં ખંખેરવામાં પારંગત હોય છે એટલે બારગેનિંગ કરવું જ જોઈએ. એમાંય પાછા આપણે તો ગુજરાતી એટલે એ વગર ફાવે જ નહિ.
જોગ ફોલ્સ/મુરુડેશ્વર માટે આવેલા ડ્રાઈવર ભાઈ, અંદામાનમાં નાની લારીઓમાં નારિયેળ કે શંખ-છીપલાની વસ્તુઓ વેચતા ફેરિયાઓ કે બનારસમાં જાતે હલેસાં મારીને બોટિંગ કરતાં નાવિકો. મરો પાર્ટનર બધે જ પોતાના એથિક્સ પર કાયમ રહ્યો.
કુદરત માટે પ્રેમ
આ વસ્તુ તો મેં ઘરથી લઈને વિવિધ પ્રવાસમાં, દરેક જગ્યાએ નોંધી છે. મારી હેન્ડબેગમાં તે કાયમ બિસ્કિટનું એક પેકેટ રખાવે છે જેથી કોઈ ગાય-કુતરા અમારી પાછળ પાછળ આવે તો તેણે ‘ખાલી હાથે’ પાછા ન જવું પડે.
પોર્ટ બ્લેરથી હેવલોક જવા સવારે 5.15 ની શીપ માટે અમે 4.15ના જેટ્ટી પર પહોંચી ગયા હતા. ત્યાં કોઈ કુતરાના બચ્ચાને તેણે બિસ્કિટ ખવડાવ્યા તે પછી પેલું બચ્ચું તેની બાજુમાં જ બેસી રહ્યું. શીપમાં અંદર દાખલ થયા ત્યાં સુધી અમને મૂકવા પણ આવ્યું!
તેની સાથે રહીને હું પણ અફાટ રણમાં, વનમાં, સુંદર દરિયાકિનારે કે નદીના ઘાટ પર બેસીને બીજો કોઈ ટાઇમપાસ કર્યા વિના કુદરતને માણતા શીખી છું.
દેશી ભોજન પ્રત્યે લગાવ
ગુજરાતીઓ ભલેને જગતના ગમે તે ખૂણે ફરે પણ ખાવા-પીવાનું તો પરંપરાગત જોઈએ જ. મારો સાથી પણ આ યાદીમાંથી બાકાત ક્યાંથી રહે! અલબત્ત, શક્ય હોય ત્યાં સુધી એડજસ્ટ કરે જ, પણ જો સાદું ગુજરાતી જમવાનું મળે તો બીજું કશું જ ન માંગે. મોટા શહેરોમાં ગુજરાતી ભોજન મળી રહે છે.
તે સિવાય પણ મોટા ભાગના પર્યટન સ્થળોએ શાકાહારી ભોજન મેળવવું ઘણું જ સુલભ છે. તોયે મેં એક વાત નોંધી કે પ્રવાસમાં સાથે લીધેલા 2 દિવસ ચાલે એટલા થેપલા/ પરોઠા મારા પાર્ટનર માટે સૌથી ભાવતું ભોજન છે. અંદામાનમાં અમારી એનિવર્સરીના દિવસે પણ એણે હોટેલની બાજુમાં જ આવેલી વેજ રેસ્ટોરાંને બદલે ઘરેથી લાવેલા થેપલા જ ખાધા હતા!
એડવેન્ચરનો શોખ
સંબંધની શરૂઆતમાં જ રાજસ્થાનના રણમાં અને ગુજરાતના જંગલમાં ટ્રેકિંગ કરવા ગયા હતા. જેસલમેરના રણમાં અમે પેરાસેલિંગ કર્યું હતું, અને જાંબુઘોડામાં વરસતા વરસાદે માખણિયો ડુંગર ચડયા હતા. એડવેન્ચરના શોખનો આનાથી વધુ મોટો પુરાવો તો શું હોય શકે?
2016માં હું મારા પરિવાર સાથે અંદામાન ગઈ હતી ત્યારે મેં અને મારા ભાઈએ સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું. 2021 માં મારા હસબન્ડ સાથે ગઈ ત્યારે જેટ સ્કી, સોફા રાઈડ, સ્કૂબા ડાઇવિંગ અને સીકાર્ટ આ બધી જ એક્ટિવિટીઝ કરી. આ બધું જ તો જ શક્ય બને જો પાર્ટનર એડવેન્ચરનો શોખ ધરાવતો હોય.
જિજ્ઞાસુ વૃત્તિ/ curiosity
જે સ્થળે તમે ફરી રહ્યા હોવ તે સ્થળ વિષે શક્ય તેટલી માહિતી મેળવો તો ફરવાની મજા જ બમણી થઈ જાય. મારો સાથી કોઈ પણ જગ્યાએ ફરવા જતાં પહેલા ઈન્ટરનેટ ફંફોસી નાખે. પુષ્કળ માહિતી મેળવે. વળી, ત્યાં પહોંચ્યા પછી પણ ત્યાંનાં સ્થાનિકો સાથે વાતચીત, જે તે પર્યટન સ્થળે લખાયેલો ઇતિહાસ આ બધું જ જાણવાથી તે જગ્યા ઘણા લાંબા સમય માટે આપણા માનસપટ પર કોતરાઈ જાય છે.
જેસલમેર વોર મ્યુઝિયમ (રાજસ્થાન), કુડલી રામેશ્વરમ મંદિર (શિમોગા, કર્ણાટક), ડિમના ડેમ (જમશેદપુર), સેલ્યુલર જેલ (પોર્ટ બ્લેર), જેવી જગ્યાઓએ મેં અને મારા પાર્ટનરે નીલ આઇલેન્ડ તેમજ સારનાથમાં લોકલ ગાઈડને એકાગ્રતાપૂર્વક સાંભળ્યા. માત્ર 3 જ વર્ષમાં અમે ડઝનબંધ જગ્યાઓ ફર્યા છીએ પણ ક્યાંય માત્ર ફોટોઝ પાડીને પાછા આવી ગયા એવું નથી બન્યું.
ફોટોઝમાં પ્રમાણમાં ઓછી રુચિ
તેને ફોટોઝ પાડવા જરુર ગમે છે, પણ પડાવવા નહિ. આ મારા માટે એક અઘરું કામ છે કારણકે મસ્ત કપલ ફોટોઝ પડાવવા કોઈ પણ છોકરીનો શોખ હોય. અલબત્ત, મારો આ શોખ એ 100% પૂરો કરે જ છે પણ તેનો મૂળ સ્વભાવ ફોનને સાઇડમાં મૂકીને જગ્યાને માણવાનો છે તે મેં બરાબર અનુભવ્યું છે, જોયું છે.
તમે પણ તમારા પાર્ટનર સાથે કોઈ પ્રવાસ કર્યો હોય તો તમે તેના કયા ગુણોનું અવલોકન કર્યું. પર તેના કિસ્સા શેર કરો.
.