ભગવાન શિવનું બીજુ ઘર અને મધ્યપ્રદેશનું કાશ્મીર ગણાતા પંચમઢીએ અમારા વેકેશનનો મૂડ બનાવી દીધો

Tripoto
Photo of ભગવાન શિવનું બીજુ ઘર અને મધ્યપ્રદેશનું કાશ્મીર ગણાતા પંચમઢીએ અમારા વેકેશનનો મૂડ બનાવી દીધો 1/7 by Paurav Joshi

દરેક વ્યક્તિની એવી ઇચ્છા હોય છે કે તે વાદળો અને પહાડોની વચ્ચે પ્રકૃતિના ખોળામાં રમે, જ્યાં સુંદર ફૂલો હોય, વૃક્ષો હોય, નદીઓ હોય, ઝરણા હોય, તળાવ હોય એવી જગ્યામાં ખોવાઇ જાય. તમને પણ જો કુદરતી સૌંદર્ય અને ખુલ્લી હવામાં ફરવાનું ગમતું હોય તો તમારા માટે મધ્યપ્રદેશનું પંચમઢી શ્રેષ્ઠ જગ્યા છે. અમે પણ વેકેશનમાં ફેમિલી સાથે ફરવા જવાનું પ્લાનિંગ કરતા હતા અને ઘણીબધી જગ્યા સર્ચ કર્યા પછી અમે પંચમઢી જવાનો નિર્ણય કર્યો.

Photo of ભગવાન શિવનું બીજુ ઘર અને મધ્યપ્રદેશનું કાશ્મીર ગણાતા પંચમઢીએ અમારા વેકેશનનો મૂડ બનાવી દીધો 2/7 by Paurav Joshi

પંચમઢી મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં આવેલું છે. તમે અહીંના શાંત વાતાવરણમાં, લીલોતરીમાં, સંગીતમય ઝરણા અને કલ કલ વહેતી નદીઓમાં ખોવાઇ જશો. સાથે સાથે પંચમઢીમાં તમે શિવશંકરના ઘણા મંદિરોના પણ દર્શન કરી શકશો. તમને જણાવી દઇએ કે કૈલાશ પર્વત બાદ પચમઢીને જ ભગવાન શિવનું બીજું ઘર માનવામાં આવે છે. 1887માં બ્રિટિશ સૈનિક કેપ્ટન જેમ્સ ફોર્થ આ શહેરને કેન્દ્રમાં રાખ્યું હતું. ત્યાર બાદ અંગ્રેજોએ પંચમઢીને મધ્યપ્રદેશની રાજધાની બનાવી હતી. અહી જોવા માટે ઘણી બધી ગુફાઓ અને બામ્બુ ફોરેસ્ટ છે. આને મધ્યપ્રદેશનું ‘કશ્મીર’ કહેવામાં આવે છે.

Photo of ભગવાન શિવનું બીજુ ઘર અને મધ્યપ્રદેશનું કાશ્મીર ગણાતા પંચમઢીએ અમારા વેકેશનનો મૂડ બનાવી દીધો 3/7 by Paurav Joshi

અમે કુલ 6 ફેમિલીએ અમદાવાદથી પંચમઢી જવા માટે સોમનાથ-જબલપુર એક્સપ્રેસમાં ટિકીટ બુક કરાવી હતી. આ ટ્રેનની વાત કરીએ તો આ ટ્રેન અમદાવાદથી સાંજે 6.50 વાગે ઉપડે છે. પંચમઢીમાં કોઇ રેલવે સ્ટેશન નથી એટલે તમારે પિપરિયા સ્ટેશને ઉતરી જવું પડે છે. પિપરિયાથી પંચમઢીનું અંતર લગભગ 55 કિલોમીટર છે. પિપરિયાથી પંચમઢી જવા માટે તમને બસ અને ખાનગી વાહનો જેવા કે કાર, જીપ વગેરે મળી જાય છે. અમદાવાદથી ટ્રેનમાં બેઠા પછી અને બીજા દિવસે સવારે લગભગ 11.15 કલાકે અમે પિપરિયા સ્ટેશને ઉતર્યા. અહીંથી બસમાં બેસીને પંચમઢી જવા રવાના થયા અને પંચમઢી અમારી હોટલમાં પહોંચ્યા ત્યારે લગભગ બપોરનો 1 વાગ્યો હતો.

Photo of ભગવાન શિવનું બીજુ ઘર અને મધ્યપ્રદેશનું કાશ્મીર ગણાતા પંચમઢીએ અમારા વેકેશનનો મૂડ બનાવી દીધો 4/7 by Paurav Joshi

પંચમઢીમાં અમે હોટલ નટરાજનું બુકિંગ એડવાન્સમાં જ કરાવી લીધું હતું. આ હોટલ એક બજેટ હોટલ છે અને બસ સ્ટેશનની બિલકુલ સામે જ આવેલી છે. અમારી હોટલનું રૂમ ચાર્જ 1000 રુપિયા હતો. જેમાં બ્રેકફાસ્ટ સામેલ હતો. આખો દિવસ બહાર ફરવાનું હોવાથી અમે લંચ અને ડીનર બહાર જ કરી લેતા હતા. પંચમઢીમાં દરેક પ્રકારની હોટલ મોજુદ છે. તમે અહીં આવીને પણ હોટલ બુક કરાવી શકો છો. પરંતુ વેકેશનમાં ટૂરિસ્ટનો ધસારો એટલો બધો હોય છે કે તમારે એડવાન્સ બુકિંગ કરાવી લેવું ઇચ્છનીય છે. પંચમઢીમાં અમે 2 રાત અને 3 દિવસનું બુકિંગ કરાવ્યું હતું. પંચમઢી ફરવું હોય તો પ્રાઇવેટ વાહનો તમને હોટલની બહારથી જ મળી રહે છે. ઘણી હોટલ પણ તમને વાહન બુકિંગની સુવિધા આપે છે. અમે પણ પંચમઢી ફરવા માટે જીપ્સી બુક કરી લીધી.

Photo of ભગવાન શિવનું બીજુ ઘર અને મધ્યપ્રદેશનું કાશ્મીર ગણાતા પંચમઢીએ અમારા વેકેશનનો મૂડ બનાવી દીધો 5/7 by Paurav Joshi

જે દિવસે અમે પંચમઢી પહોંચ્યા તે દિવસે જીપ્સીમાં અમે સૌ પ્રથમ જટાશંકર ફરવા ગયા. અહીં પ્રાચીન ગુફાઓ છે જેનું ઐતિહાસિક મહત્વ છે. એવું કહેવાય છે કે ભગવાન શિવજીએ રાક્ષસ ભસ્માસુરથી પોતાને બચાવવા માટે આ ગુફાઓમાં શરણ લીધી હતી. આ ગુફાની અંદર એક શિવલિંગ છે જે સ્વયંભૂ છે. ત્યારબાદ અમે ધૂપગઢ ગયા. પંચમઢી હિલ સ્ટેશનને ‘સતપુડાની રાણી’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. પંચમઢી હિલ સ્ટેશનની યાત્રામાં તમે ધૂપગઢ સનરાઇઝ અને સનસેટ જરુર જોવા જાઓ. આ એક સુંદર પર્વતનું શિખર છે. અહીં ટ્રેકિંગ, હાઇકિંગ કરી શકાય છે. આ ઉપરાંત તમે પ્રિયદર્શિની પોઇન્ટ પણ જઇ શકો છો. પંચમઢી સતપુડા પર્વતમાળામાં સૌથી ઊંચું સ્થળ છે પ્રિયદર્શિની પોઇંટ. અહીંથી પ્રવાસીઓ પંચમઢીના સુંદર નજારાઓને મન મૂકીને જોઇ શકે છે. સનસેટ જોવા માટે આ પણ એક સારી જગ્યા છે.

Photo of ભગવાન શિવનું બીજુ ઘર અને મધ્યપ્રદેશનું કાશ્મીર ગણાતા પંચમઢીએ અમારા વેકેશનનો મૂડ બનાવી દીધો 6/7 by Paurav Joshi

અમે પાંડવ ગુફા પણ જોવા ગયા. પાંડવ ગુફાઓ એક નાનકડી પહાડી પર બનેલ છે, અહીં પાંચ ગુફા છે. આ ગુફાઓ બૌદ્ધો દ્વારા 9મી 10મી સદીમાં બનાવવામાં આવી હતી. આ પાંચ ગુફાઓના કારણે જ આ પર્વતનું નામ પંચમઢી પડ્યું. આ ગુફાઓમાં ગુપ્તકાળની કલાત્મક શૈલીના દર્શન થશે.

બીજા દિવસે સવારે 8 વાગે હોટલમાં બ્રેકફાસ્ટ કરી અમે સૌપ્રથમ પહોંચ્યા બી ફૉલ. પંચમઢીમાં સૌથી લોકપ્રિય ઝરણાની વચ્ચે, બી ફોલ એક 35 મીટરનું ઝરણું છે જે અત્યંત સુંદર દેખાય છે. ઝરણાને જમુના જળધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઝરણું સ્થાનિકો માટે પીવાના પાણીનો એક સ્ત્રોત પણ છે. ટ્રેકિંગ માટે પણ આ જગ્યા સુંદર છે. અહીં મનભરીને ન્હાવાની મજા આવી. અહીંથી ઉઠવાનું મન જ ન થાય. એમ લાગે કે બસ ન્હાયા જ કરીએ. અહીં બે થી ત્રણ કલાક ક્યાંય નીકળી જાય તેની ખબર જ ન પડે. લંચ પછી અને ડચીસ ફોલ જોવા નીકળ્યા. ડચીસ ફોલ ફોલ રાજસી મહાનતાને દર્શાવે છે. આ ફોલ 100મીટરથી વધુ સીમા સુધી ધોધ તરીકે પડે છે. તેમાં પડતું પાણી અલગ અલગ કેસ્કેડમા બદલાઇ જાય છે અને અહીં આપને સુંદર દ્રશ્ય જોવા મળે છે. તમે આ ઝરણાંને જોવા જઇ શકો છો.

Photo of ભગવાન શિવનું બીજુ ઘર અને મધ્યપ્રદેશનું કાશ્મીર ગણાતા પંચમઢીએ અમારા વેકેશનનો મૂડ બનાવી દીધો 7/7 by Paurav Joshi

અપ્સરા વિહાર અને ગુપ્ત મહાદેવ

અપ્સરા વિહાર પંચમઢીનું ખૂબ જ સુંદર તળાવ છે, જે એક નાનકડા ઝરણાથી બનેલ છે. આ તળાવની પાસે લગભગ 30 ફૂટ ઊંચું ઝરણું છે, જેનું પાણી આ તળાવમાં પડે છે. બી ફોલ જતા રસ્તામાં થોડોક સમય રોકાવા માટે આ જગ્યા સારી છે. બાડા મહાદેવ મંદિરથી થોડાક અંતરે ગુપ્ત મહાદેવ મંદિર છે. આ એક ગુફા મંદિર છે અને તે ભગવાન શિવને સમર્પિત છે. જો કે, અહીંની એક ગુફા સાંકડી છે અને 40 મીટર લાંબી છે. ગુફામાં પ્રવેશ કરવા માટે એક સમય એક જ વ્યક્તિ જઇ શકે છે.

સાંજે બજારમાં ડીનર કરીને અમે હોટલ પહોંચ્યા. ખુબ થાક લાગ્યો હોવાથી પથારીમાં પડ્યા પછી ઊંઘ ક્યારે આવી ગઇ તેની ખબર જ ન પડી. બીજા દિવસે અહીંથી અમે બસ દ્ધારા ઉજ્જૈન ગયા. અહીં મહાકાલના દર્શન કરી ધન્ય થઇ ગયા. પ્રવાસન અંતિમ સ્થળ એવા ઉજ્જૈનથી અને અમદાવાદ રિટર્ન આવવા ટ્રેનમાં બેઠા. ટ્રેનમાં પણ અમે ખુબ મસ્તી કરી. કોરોના સંક્રમણકાળમાં પંચમઢીની યાદો હજુ મનમાંથી વિસરાતી નથી.

(સૌજન્યઃ મૌલિક શાહે જણાવેલા અનુભવો)

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads